Magh Gupt Navratri 2024: આ દિવસથી શરૂ થઈ રહી છે માઘ ગુપ્ત નવરાત્રિ, જાણો ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

- આ નવરાત્રિમાં પણ માતા શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી, સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
Magh Gupt Navratri 2024: આ દિવસથી શરૂ થઈ રહી છે માઘ ગુપ્ત નવરાત્રિ, જાણો ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ 1 - image


અમદાવાદ, તા. 04 ફેબ્રુઆરી 2024, રવિવાર

Magh Gupt Navratri 2024: નવરાત્રિના પાવન પર્વ વર્ષમાં ચાર વખત આવે છે પરંતુ મોટાભાગના લોકોને ચૈત્ર નવરાત્રિ અને શારદીય નવરાત્રિ વિશે જ જાણકારી હોય છે. આ બંને નવરાત્રિ ઉપરાંત માઘ મહિનો અને અષાઢ મહિનામાં પણ નવરાત્રિ આવે છે. માઘ મહિનામાં આવતી નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ (Gupt Navratri)ના નામથી ઓળખાય છે.  માઘ ગુપ્ત નવરાત્રિ પર માતા દુર્ગાના નવ સ્વરૂપોની નવ દિવસ પૂજા કરવામાં આવે છે. નવરાત્રિનો પર્વ ખૂબ જ શુભ અને પાવન હોય છે.

ક્યારે છે માઘ ગુપ્ત નવરાત્રિ

દરેક નવરાત્રિમાં માતા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. આ વખતે માઘ મહિનાની ગુપ્ત નવરાત્રિની શરૂઆત 10 ફેબ્રુઆરી 2024 અને શનિવારના રોજથી થઈ રહી છે. આ નવરાત્રિમાં પણ માતા શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી, સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. આ સાથે જ ગુપ્ત નવરાત્રિ દરમિયાન દસ મહાવિદ્યા અને શક્તિની દેવીઓ તારા, ત્રિપુર સુંદરી, ભુનેશ્વરી, છિન્નવમસ્તા, કાલી, ત્રિપુર ભૈરવી, ધૂમાવતી, બગલામુખીની પણ ગુપ્ત રીતે પૂજા કરવામાં આવે છે. આ વખતે ગુપ્ત નવરાત્રિ પર રવિ યોગ અને સર્વાર્થસિદ્ધિ યોગ બની રહ્યો છે જેના કારણે દેવી દુર્ગાની ઉપાસના કરનારાઓને અનેકગણું વધુ ફળ પ્રાપ્ત થશે.

માઘ ગુપ્ત નવરાત્રિની પૂજા વિધિ

ગુપ્ત નવરાત્રિમાં માતા દુર્ગાની પૂજા ગુપ્ત રીતે કરવામાં આવે છે. તેમાં વિશેષ મનોકામના પૂર્ણ કરવા અને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પૂજા કરવાની સાથે અનુષ્ઠાન કરવામાં આવે છે. આ નવરાત્રિમાં તંત્ર-મંત્ર અને સિદ્ધિ પ્રાપ્ત કરવાનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે. જેમાં તાંત્રિક, અઘોરી તંત્ર-મંત્ર અને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે માતા દુર્ગાની સાધના કરવામાં આવે છે. માઘ મહિનાની ગુપ્ત નવરાત્રિમાં ચૈત્ર અને શારદીય નવરાત્રિની જેમ જ ઘટ સ્થાપના કરવામાં આવે છે. સવારે અને સાંજની પૂજામાં તમારે માતા દુર્ગાને બાતાશા અને લવિંગ અર્પણ અવશ્ય કરવું જોઈએ. શ્રૃંગારની સામગ્રી પણ અર્પિત કરવી. સવાર-સાંજ દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો. 'ॐ શં શ: દું દુર્ગાયૈ નમ:' મંત્રના જાપ કરવાથી જીવનની દરેક સમસ્યા દૂર થઈ જાય છે.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું

ગુપ્ત નવરાત્રિમાં પૂજા કરતી વખતે વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સવારે અને સાંજે નિયમિત રીતે માતા દુર્ગાની પૂજા કરવી. એક વાતનું વિશેષ ધ્યાન રાખવું કે પૂજા કોઈને કહ્યા વગર ગુપ્ત રીતે અને ઘરની ગુપ્ત જગ્યાએ કરવી જોઈએ.

માઘ ગુપ્ત નવરાત્રિ ઘટ સ્થાપનાનું મુહૂર્ત

10 ફેબ્રુઆરી 2024 ના રોજ શરૂ થઈ રહેલી માઘ ગુપ્ત નવરાત્રિ માટે ઘટ સ્થાપનાનો શુભ સમય સવારે 7:10 વાગ્યાથી સવારે 8:02 વાગ્યા સુધીનો છે.


Google NewsGoogle News