તુલા (ર.ત.) : આપને દરેક કામમાં પ્રતિકૂળતા જણાય, આપના કામ અટકતાં જાય...

Updated: Nov 13th, 2023


Google NewsGoogle News
તુલા (ર.ત.) : આપને દરેક કામમાં પ્રતિકૂળતા જણાય, આપના કામ અટકતાં જાય... 1 - image


- નાંણાકીય ખર્ચાઓને લીધે કે નુકસાનીના લીધે નાંણાભીડનો અનુભવ થાય.

વિક્રમ સંવત ૨૦૮૦ નો પ્રારંભ આપના માટે સાનુકૂળતા આપનારો રહે. આપની ગણત્રી ધારણા પ્રમાણેના કામ કરી શકો. આપના રૂકાવટ- વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય. પરંતુ ચૌત્ર વદ - આઠમથી ગુરૂ ગ્રહનું પ્રતિકૂળ પરિભ્રમણ શરૂ થઈ રહ્યું છે જે આપને મુશ્કેલીનો અનુભવ કરાવે. વર્ષના ઉત્તરાર્ધમાં આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસો પસાર કરી લેવા.

આરોગ્ય સુખાકારી

આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ નવું વર્ષ મધ્યમ રહે. બીમારી સ્થાનમાંથી પસાર થઈ રહેલો રાહુ આપને વાયરલ સિઝનલ બીમાીરીમાં સપડાવી દે. પરંતુ ગુરૂનું પરિભ્રમણ સારું છે તેથી આપને બહુ તકલીફ ના પડે.

પરંતુ તા. ૧/૫/૨૦૨૪ થી આપ આઠમા ગુરૂના પરિભ્રમણ હેઠળ આવશો તેથી આપે સ્વસ્થ્યનું બરાબર ધ્યાન રાખવું પડે. આપની બેદરકારી, બેકાળજીના લીધે આપે વધુ હેરાન થવું પડે. અને બીમારી-રોગ વધી જતાં આપની શારીરિક-માનસિક કષ્ટ પીડામાં વધારો થાય. પેટ-પેઢુની, ગુદા ભાગની, ગુપ્તરોગની તકલીફ અનુભવાય. તે સિવાય ગરદન, ખભાની, ઉપરના મણકાની તકલીફ જણાય.

તા. ૧૪ મે થી ૧૪ જૂન દરમ્યાન આપને મોં, દાંત, ગળાની, જડબાની તકલીફ જણાય. પાન-મસાલા, ગુટકા ખાનાર, સીગરેટ પીનાર વ્યક્તિઓએ આ સમય દરમ્યાન વિશેષ ધ્યાન રાખવું પડે. ગંભીર બીમારીમાં ન સપડાઈ જાવ તેની તકેદારી રાખવી પડે.

૧૨ જુલાઈથી ૨૬ ઓગસ્ટ દરમ્યાન આપને આંખોની તકલીફ જણાય. આંખોમાં બળતરા, દર્દ-પીડા રહે. આંખોમાં કચરો પડવાથી કે અન્ય રીતે કોઈ ઈન્ફેકશન લાગી જાય. તે સિવાય આપને પેટ-પેઢુની, એ.સી.ડી.ટી.ની, ગેસની તકલીફ જણાય. બહારનું ખાવા-પીવામાં, તીખું-તળેલું ખાવામાં આપે ધ્યાન રાખવું પડે. ગુપ્તાંગની સમસ્યાને લીધે આપ ન કહી શકો ન સહી શકો જેવી સ્થિતિમાં આવી જાવ. નાની-મોટી શસ્ત્રક્રિયા કરાવવી પડે.

આર્થિક સુખ-સંપત્તિ

આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. વર્ષના પ્રારંભમાં આર્થિક સુખ સંપત્તિ સારી રહે. વધારો જણાય. જૂની ઉઘરાણીના નાંણા છૂટા થાય. કોઈને ઉધાર આપ્યા હોય કે દાગીના ગીરવે મૂક્યા હોય તો તે પાછા આવતા આનંદ અનુભવો પરંતુ જેમ વર્ષ પસાર થતું જાય તેમ આપને આર્થિક રીતે સંભાળવું પડે. બીમારી, સ્વાસ્થ્યની અસ્વસ્થતાને લીધે ખર્ચ જણાય. ખોટા માર્ગે આવેલો રૂપિયો બીમારીમાં ખર્ચાઈ રહ્યો છે તેવો અહેસાસ થાય. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને પણ આપને ખર્ચ રહે. આકસ્મિક અને આયોજન વગરના ખર્ચાઓ આવી જવાને લીધે આપની મુશ્કેલીમાં વધારો થાય.

તા. ૧૪ મે થી ૧૪ જૂન અને ૧૨ જુલાઈથી ૨૬ ઓગસ્ટ દરમ્યાન આપને કે ઘર-પરિવારમાં કોઈને આકસ્મિક બીમારી આવી જવાથી ખર્ચ રહે. આપના ધાર્યા કરતાં ખર્ચ વધી જતાં આપને નાંણાભીડનો અનુભવ થાય.

વર્ષના ઉત્તરાર્ધમાં સપ્ટેમ્બર-ઑકટોબર માસ દરમ્યાન આપને કોઈને કોઈ આકસ્મિક ખર્ચાઓમાંથી પસાર થવું પડે. પુત્ર-પૌત્રદિકના પ્રશ્ને ચિંતા-ખર્ચ રહે. મોસાળ પક્ષ-સાસરીપક્ષે બીમારી-ખર્ચનું આવરણ આવી જાય.

આમ વર્ષનો પ્રારંભ નાંણાકીય સુખાકારીની દ્રષ્ટિએ સારો રહે પરંતુ વર્ષ જેમ-જેમ પસાર થતું જાય તેમ-તેમ આપને કોઈને કોઈ મુશ્કેલી જણાય. વર્ષાન્તે નાંણાકીય આયોજન સંભાળીને કરવું પડે.

નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?

સંવત ૨૦૮૦ નો પ્રારંભ આપના માટે સાનુકૂળ રહેશે. તેથી નોકરીમાં આપની ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ કરી શકો. મહત્વના નિર્ણયો લેવામાં આપને સરળતા રહે. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં આપને સાનુકૂળતા મળી રહે. આપના કાર્યની કદર-પ્રશંસા થાય. રાજકીય-સરકારી કામકાજ અંગે વ્યસ્તતા રહે. પરંતુ વર્ષ પસાર થતું જાય તેમ આપને પ્રતિકૂળતાનો અનુભવ થતો જાય. આપના ધાર્યા મુજબના કામ થાય નહીં, આપની ગણતરીઓ અવળી પડતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. હરિફવર્ગ આપની પ્રગતિની ઈર્ષ્યા કરનાર વર્ગ આપની પ્રતિષ્ઠાને હાનિ પહોંચડવાના પ્રયત્નો કરે. આપના કામમાં મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસો કર્યા કરે.

તા. ૧૩ જાન્યુઆરીથી તા. ૧૫ માર્ચ દરમ્યાન મોટી લોભ-લાલચમાં ફસાયા વગર શાંતિથી આપનું કામ કરવું. નાંણાકીય જવાબદારી સંભાળનારે આ સમયગાળા દરમ્યાન વિશેષ કાળજી રાખવી પડે. કોઈના ભરોસે કશું પણ મૂકીને ક્યાંય જવું નહીં.

૧૨ જુલાઈથી ૨૬ ઓગસ્ટ દરમ્યાન શારીરિક-માનસિક અસ્વસ્થતાને લીધે કામમાં ધ્યાન લાગે નહીં. કામ કરવાની ઈચ્છા થાય નહીં. તબીયતની અસ્વસ્થતા, અકસ્માતને લીધે વારંવાર રજાઓ પડતાં કામનો ભરાવો થઈ જાય અને આપનું કામ કોઈ કરે નહીં તેથી તબિયતની અસ્વસ્થતા હોવા છતાં ન છૂુટકે આપે કામ પર જવું પડે. ભાદરવા અને આસો માસ દરમ્યાન આપે રાજકીય-સરકારી દબાણમાં આવીને કોઈ કામ કરવું પડે જે આપને મુશ્કેલીમાં મૂકી શકે તેથી અગત્યના કાગળો પર સહીઓ કરવામાં ધ્યાન રાખવું.

ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?

ધંધાકીય દ્રષ્ટિએ વિક્રમ સંવત ૨૦૮૦ નું વર્ષ આપના માટે આરોહ-અવરોહવાળું રહે. વર્ષના પ્રારંભે ગુરૂની સાનુકૂળતા આપને કામમાં સફળતા અપાવે. નવું કોઈ આયોજન વિચારતાં હોય તો તે થઈ શકે. નવી કોઈ વાતચીત આવે કે નવો ઓર્ડર મળી રહે. આકસ્મિક ઘરાકી આવી જવાથી આપને લાભ-ફાયદો જણાય. રાજકીય-સરકારી કામમાં આપને સરળતા-સાનુકૂળતા થતી જાય. નવી ઘરાકી બંધાવાથી હર્ષ-લાભ અનુભવો.

પરંતુ વર્ષની મધ્યથી ગુરૂનું પ્રતિકૂળ પરિભ્રમણ આપના માટે મુશ્કેલી ઉભી કરે. જે કામ અત્યાર સુધી સરળતાથી થતાં હોય તે જ કામમાં આપે ધક્કા ખાવા પડે. રૂકાવટ-વિલંબ અનુભવાય કારણ વગરની ઉતાવળ કરવામાં આપની ચિંતા-પરેશાની વધે.

આપના સારા સમયમાં આપની સાથે ધંધો કરનારા માણસો આપના ખરાબ સમયમાં ચૂપચાપ ખસતાં જાય. હરિફવર્ગ- ઈર્ષ્યા કરનાર વર્ગ આપના ગ્રાહકોને તોડવાના પ્રયાસો કર્યા કરે, અને તેમાં તેઓને સફળતા પણ મળે. વર્ષના ઉત્તરાર્ધમાં કોઈને કોઈ કારણસર કામ પૂર્ણ કરવામાં તકલીફ જણાય. કારીગરવર્ગ- નોકરચાકરવર્ગની મુશ્કેલીના લીધે ધાર્યા કામ થઈ શકે નહીં. તેમની ભૂલની લીધે તમારે નુકસાની ભોગવવી પડે. ઘરાકી અટકી ગઈ છે. ધંધો બંધ થઈ ગયો છે તેવો અહેસાસ થયા કરે. વર્ષના ઉત્તરાર્ધમાં ભાદરવા સુદ-તેરસથી આસો સુદ પૂનમ દરમ્યાન કોઈને કોઈ કાયદાકીય-ખાતાકીય કાર્યવાહીમાં ફસાઈ ન જાય તેની તકેદારી આપે રાખવી પડે. તે સિવાય વર્ષના ઉત્તરાર્ધમાં આરોગ્યની અસ્વસ્થતાને લીધે પણ ધંધામાં યોગ્ય ધ્યાન આપી શકો નહીં.

સ્ત્રીવર્ગ

સ્ત્રીવર્ગને વર્ષારંભથી જ પતિ-સંતાનનો સાથ-સહકાર મળી રહેતાં આનંદ રહે. વ્યવસાયી મહિલાઓને કામની કદર થતા કામ કરવાનો ઉત્સાહ રહે. ઘર-પરિવાર અને વ્યવસાયની જવાબદારીઓ એકસાથે સરળતાથી સંભાળી શકો. અવિવાહીત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થાય.

પરંતુ વર્ષની મધ્યથી આપને ધીમે ધીમે પ્રતિકૂળતાનો અહેસાસ થતો જાય. જેમ વર્ષ પસાર થતું જાય તેમ આપની મુશ્કેલીમાં વધારો થતો જાય. વ્યવસાયી મહિલાઓને કામનું દબાણ, તણાવ, વધુ પડતી દોડધામ-શ્રમના લીધે તબિયતની અસ્વસ્થતા અનુભવાય તે સિવાય કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને આપની ચિંતામાં વધારો જણાય. ભાઈભાંડુ વર્ગની સાથે વાદ-વિવાદ- ગેરસમજ, મનદુ:ખથી સંભાળવું પડે.

વિદ્યાર્થીવર્ગ

વિદ્યાર્થીવર્ગ માટે વર્ષનો પ્રારંભ સારો છે. અભ્યાસમાં સફળતા મળી રહે. મહેનતના પ્રમાણમાં પરિણામ પ્રાપ્ત કરી શકે પરંતુ લાગણી-મિત્રતાના ચક્કરમાં અભ્યાસ બગડે નહીં તેની કાળજી રાખવી પડે. તા. ૧/૫/૨૦૨૪ થી ગુરૂ ગ્રહનું પ્રતિકૂળ પરિભ્રમણ આપને મુશ્કેલીનો અનુભવ કરાવે. અત્યાર સુધી સરળ લાગતા વિષયોમાં અચાનક જ તકલીફ પડવા માડે. આયોજન મુજબ અભ્યાસ કરવામાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવતી જાય. અભ્યાસનો કારણ વગરનો તણાવ, રાતના વધુ પડતાં ઉજાગરા આપના સ્વાસ્થ્ય પર અવળી અસર આપે. પરીક્ષા સમયે બીમારી અકસ્માતના લીધે ધાર્યા મુજબ પ્રદર્શન ના કરી શકો. અને પરિણામમાં આપને તેની અસર દેખાય.

ખેડૂતવર્ગ

ખેડૂતવર્ગ માટે વર્ષનો પ્રારંભ સારો રહે. શિયાળુ પાકમાં, રવિ પાકમાં સાનુકૂળતા રહે. પાક બરોબર ઉતરતાં આપને આનંદ થાય. અવિવાહીત વર્ગને વિવાહ-લગ્નનું નક્કી થાય. ખેતી સાથે નોકરી-ધંધો કરનારને લાભ-ફાયદો રહે. પરંતુ વર્ષ પસાર થતું જાય તેમ આપને પ્રતિકૂળતા થતી જાય. તબિયતની અસ્વસ્થતાને લીધે સમયસર વાવણી, પાણી આપવાનું કે લણણીનું કામ કરવામાં આપને મુશ્કેલી જણાય. કોઈના ભરોસે રહીને ભાગમાં ખેતી કરતાં હોય તો છેતરપીંડીના ભોગ બનવું પડે. પાકમાં જીવાત પડવાથી કે પાકનો યોગ્ય દામ ન મળવાથી નુકસાની ભોગવવી પડે. કુટુંબ-પરિવારમાં બીમારી-ચિંતા-ખર્ચનું આવરણ આવી જાય.

ઉપસંહાર

વિક્રમ સંવત ૨૦૮૦ નો પ્રારંભ આપના માટે સાનુકૂળ રહે. આપના કામનો ફટાફટ ઉકેલ આવતો જાય. રાજકીય-સરકારી મદદ મળી રહે. આવકમાં વધારો જણાય. બઢતી બદલીના કામમાં પ્રગતિ જણાય. પરિવાર-કુટુંબનો સાથ-સહકાર રહે. આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થતી રહે.પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં તેનાથી વિપરીત જોવા મળે. આપને દરેક કામમાં પ્રતિકૂળતા જણાય. કોઈને કોઈ કારણસર આપના કામ અટકતાં જાય. તબિયતની અસ્વસ્થતાને લીધે કામ કરવામાં મુશ્કેલી રહે. જૂનાં ગ્રાહકોને સાચવવામાં મુશ્કેલી રહે. નાંણાકીય ખર્ચાઓને લીધે કે નુકસાનીના લીધે નાંણાભીડનો અનુભવ થાય.

પત્ની-સંતાન-પરિવાર

કૌટુંબિક-પારિવારીક દ્રષ્ટિએ વર્ષનો પ્રારંભ આપના માટે આનંદ-ઉત્સાહ લાવનારો રહે. અવિવાહીત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. ઉંમરલાયક સંતાનના વિવાહ-લગ્નનું આકસ્મિક ગોઠવાઈ જતાં આપને આનંદ રહે. પત્ની-સંતાનનો સાથ-સહકાર મળી રહે. 

સંતાનના અભ્યાસ-કારકિર્દીના પ્રશ્નનો ઉકેલ આવતા રાહત અનુભવાય. પરંતુ વર્ષની મધ્યથી ગુરૂનું પ્રતિકૂળ પરિભ્રમણ આપને કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને કોઈને કોઈ ચિંતા રખાવે. 

વડીલવર્ગના આરોગ્ય-આયુષ્યની ચિંતા જણાય. સંયુકત માલ-મિલ્કત, ધંધાના પ્રશ્ને પરિવારમાં વાદ-વિવાદ- ગેરસમજ, મનદુ:ખ થઈ જાય. શક્ય હોય ત્યાં સુધી મૌન રહેવું આપના માટે હિતાવહ રહેશે.

Libra

Google NewsGoogle News