તુલા (ર.ત.) : ધીરજ રાખજો! આવક ઘટશે, જાવક વધશે, ઈન્વેસ્ટમેન્ટમાં પણ નુકસાનીના સંકેત
- સ્વાસ્થ્યની દૃષ્ટિએ આપે વર્ષ દરમ્યાન કાળજી રાખવી. સમયસરની દાકતરી સારવારથી આપને રાહત રહે.
- તા. 14-5-25થી ગુરૂનું પરિભ્રમણ સાનુકૂળ થતાં આપને થોડી રાહત થાય. આકસ્મિક સરળતા-સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો
સંવત ૨૦૮૧ના વર્ષનો પ્રારંભ આપના માટે પ્રતિકૂળ રહે. આરોગ્ય વિષયક ચિંતાના લીધે ઉદ્વેગ અનુભવ્યા કરો. પરંતુ વર્ષ પસાર થતું જાય તેમ આપને ધીમે-ધીમે રાહત થતી જાય. શનિની પનોતી નથી પરંતુ શનિનું પરિભ્રમણ આપના માટે સાનુકૂળ ન રહેવાથી થોડી મુશ્કેલી અનુભવો.
આરોગ્ય સુખાકારી
વર્ષના પ્રારંભથી તા.૧૪-૫-૨૦૨૫ સુધી આપ આઠમા ગુરૂના બંધનમાં છો. તેમજ ૧૮-૫-૨૦૨૫ સુધી રાહુ બીમારી સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તેથી આપે સ્વાસ્થ્યની ખૂબ જ કાળજી રાખવી પડે. વારસાગત બીમારી આવી જવાથી કે જૂની બીમારીમાં રોગ વકરતાં આપની મુશ્કેલી વધે. પેટ-પેઢુની, ગુદાભાગની, પગની તકલીફ, મોં-ખભાની તકલીફ અનુભવાય. ગુપ્તભાગના રોગોથી, એલર્જી, ઇન્ફેક્શનથી આપે સંભાળવું પડે. આપની બેદરકારીના લીધે રોગ વધી જતાં દર્દ-પીડા ખર્ચમાં વધારો જણાય.
વર્ષના ઉત્તરાર્ધમાં ગુરૂ-રાહુનું ભ્રમણ સાનુકૂળ થાય છે પરંતુ શનિનું પરિભ્રમણ નબળું રહેતાં આપને છાતી-કમર-પીઠ-કીડની સંબધી તકલીફોનો સામનો કરવો પડે. તા.૨૩-૫ થી ૭-૬ સુધી દૂધ તેમજ દૂધની બનાવટના સેવનમાં આપે ધ્યાન રાખવું પડે. માગશર સુદ- એકમથી માગશર વદ તેરસ દરમ્યાન આપને માનસિક પરિતાપ વ્યગ્રતા રહે. હૃદય-મન બેચેની-ઉચાટ અનુભવ્યા કરે. તા.૨૯-૬ થી તા.૨૬-૭ સુધી દરમ્યાન આપે બહારનું ખાવા-પીવામાં ધ્યાન રાખવું પડે. ઇન્ફેક્શન, ફુડ પોઈઝનથી સંભાળવુ પડે. તે સિવાય ગુપ્તભાગોના રોગોથી, પેશાબની તકલીફ થી સંભાળવું પડે. ડાયાબીટીસની તકલીફ હોય એમણે આ સમય દરમ્યાન વિશેષ સાવધાની રાખવી. તા. ૨૮-૭ થી ૧૩-૯ સુધી આંખોની, પેટની સમસ્યાનો સામનો કરવો પડે. શસ્ત્રક્રિયાથી સંભાળવું પડે.
આર્થિક સુખ-સંપત્તિ
વર્ષના પ્રારંભથી વર્ષની મધ્ય સુધીના સમયમાં આર્થિક દષ્ટિએ આપે સંભાળવું પડે. આરોગ્ય વિષયક ખર્ચાઓ, આકસ્મિક ખર્ચા, ખોટા ખર્ચા, કૌટુંબિક- પારિવારીક બીમારી કે અન્ય પ્રશ્ને ખર્ચા જણાતાં આપને નાણાંભીડનો અનુભવ થાય. આવકનું પ્રમાણ ઘટતું જાય અને જાવકનું પ્રમાણ વધતું જાય. બેંકમાં ફિક્સ ડીપોઝીટમાં, વીમામાં નાણાનું રોકાણ કર્યું હોય તો વ્યાજદર ઘટતા આપને નુકસાની જાય. શેરોમાં રોકેલા નાંણાનું ભાવ ઘટી જતાં કે ઉતાવળે વેચી દેતાં યોગ્ય વળતર મળે નહીં. નાંણાભીડના લીધે બચત વાપરવાનો સમય આવે. બેંકમાંથી લોન લીધી હોય, બહારથી વ્યાજે ઉછીના નાણા લીધા હોય તો આપની મુશ્કેલીમાં વધારો થાય. મોસાળ પક્ષે- સાસરીપક્ષે બીમારી-ખર્ચનું આવરણ આવી જાય.
વર્ષના ઉત્તરાર્ધમાં આપને ધીમે ધીમે થોડી રાહત થતી જાય. ખર્ચના પ્રમાણમાં ઘટાડો થતાં અને આવકનું પ્રમાણ જળવાઈ રહેતા હાશકારો અનુભવો. ધીમે-ધીમે આવકમાં વધારો જણાય. જૂની ઉઘરાણીના નાંણા છૂટા થાય. પુનઃ આપના વ્યવહારો સચવાતા જાય. તેમ છતાં શનિનું પ્રતિકૂળ પરિભ્રમણ છે તેથી નાણાંકીય આયોજન વ્યવસ્થિત રીતે કરવું. ખોટા ખર્ચાઓ કરવા નહીં. શ્રાવણ સુદ-ચોથથી આસો સુદ દસમ દરમ્યાન પૈસા ભરેલું પાકીટ ખોવાઈ કે ચોરાઈ ન જાય તેની તકેદારી રાખવી પડે. યાત્રા પ્રવાસ દરમ્યાન આયોજન સમયે ગણતરી કર્યા કરતાં ખર્ચનું પ્રમાણ વધી જતાં આપની મુશ્કેલીમાં વધારો જણાય. પરદેશના કાર્યમાં આકસ્મિક ખર્ચ આવી જાય. પત્નીના સ્વાસ્થ્ય સંબંધે આપને ચિંતા-ખર્ચ જણાવે. કૌટુંબિક-પારિવારીક, સામાજિક વ્યવહારિક કાર્યમાં ખર્ચ જણાય.
નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?
સંવત ૨૦૮૧ના પ્રારંભે નોકરીમાં આપને પ્રતિકૂળતાનો અનુભવ થાય. આપની ગણત્રી ધારણા અવળી પડતાં ઉચાટ- ઉદ્વેગ અનુભવાય. કામના દબાણ- તાણની અસર આપના સ્વાસ્થ્ય પર થાય. તબીયતની અસ્વસ્થતાને લીધે કામમાં બરોબર મન લાગે નહીં. વારંવાર રજાઓ લેવી પડે. ઉપરીવર્ગ- સહકાર્યકરવર્ગ- નોકર- ચાકરવર્ગનો સાથ સહકાર મળે નહીં. આપના યશ-પદ- ધનને હાનિ ન પહોંચે તેની તકેદારી રાખવી પડે. સરકારી નોકરીમાં આકસ્મિક અને તે પણ અનિચ્છનીય જગ્યાએ બદલી થતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. જો કે વર્ષ પસાર થતું જાય તેમ ધીરે-ધીરે આપને રાહત થતી જાય. આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય. આપની વિરુધ્ધમાં થયેલા માણસો પુનઃ આપની સાથે જોડાતા જાય. આપની તરફ થતાં જાય. જો કે તેમ છતાં આપે આપની પ્રગતિની ઇર્ષ્યા કરનારવર્ગ- હરિફવર્ગથી સાચવવું પડે. તેઓ આપને મુશ્કેલીમાં મૂકવાના પ્રયાસો કર્યા કરે. સરકારી નોકરીમાં આંતરિક રાજકારણથી દૂર રહેવું. કમ્પ્યૂટરના ક્ષેત્રમાં કેમીકલના ક્ષેત્રમાં, લોખંડના ક્ષેત્રમાં કામ કરનારની મુશ્કેલીમાં વધારો થાય. અન્ય સહકર્મીનું કામ આપની પાસે આવી જવાથી કાર્યભાર- દોડધામ- શ્રમમાં વધારો થાય. અન્યની ભૂલના લીધે આપે ભોગવવું પડે. તેમ છતાં ગુરૂની સાનુકૂળતાને લીધે આપને કામમાં વ્યસ્ત રહેવામાં મુશ્કેલી નડે નહીં. નવી કોઈ તક પ્રાપ્ત થવાથી આનંદ-ઉત્સાહ અનુભવો. આપના કાર્યની કદર-પ્રશંસા થાય. બઢતી બદલીના પ્રશ્ને પ્રગતિ જણાય. કામગીરી અર્થે પરદેશ જવાનું થાય. આપના કામમાં સફળતા મળતી રહે.
ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?
સંવત ૨૦૮૧ના વર્ષના પ્રારંભમાં આપે ખૂબ જ ધીરજ અને શાંતિ રાખીને દિવસો પસાર કરી લેવા. ધંધામાં આપની ગણત્રી-ધારણા અવળી પડતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. નાની-નાની બાબતોને લીધે કામમાં રૂકાવટ આવ્યા કરે. હરિફવર્ગ- ઇર્ષ્યા કરનારવર્ગ આપની પર હાવી થવાના પ્રયાસો કર્યા કરે. ઘરાકી તૂટતી જાય. આવક થાય નહીં. રોજિંદા ખર્ચા કાઢવામાં પણ મુશ્કેલીનો અહેસાસ થયા કરે. સંયુક્ત ધંધામાં, ભાગીદારીવાળા ધંધામાં વાદ-વિવાદ- ગેરસમજ, મનદુઃખ થઈ જાય. છૂટા થવાનો સમય આવે. સંબંધો વણસી ન જાય તેની તકેદારી આપે રાખવી પડે. આપની સાથે કામ કરનાર માણસો જ આપની સાથે દગો વિશ્વાસઘાત કરતાં સમયસર કામ પૂર્ણ કરી શકો નહીં. નુકસાની ભોગવવી પડે.
વર્ષના ઉત્તરાર્ધમાં પણ શનિનું પરિભ્રમણ નબળું થતાં આપે ધ્યાન રાખવું પડે. કુટુંબ-પારિવારની સમસ્યાને લીધે ધંધામાં યોગ્ય ધ્યાન આપી શકો નહીં. તેમ છતાં ગુરૂની સાનુકૂળતાને લીધે આપને રાહત રહે. કેટલાંક મહત્ત્વના કામનો સરળતાથી ઉકેલ આવતો જાય. ધંધામાં નવી વાતચીત આવે કે નવો ઓર્ડર મળી રહે. આયાત-નિકાસના ધંધામાં, પરદેશના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. સહકાર્યકરવર્ગ- નોકર- ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. ધંધાકીય કારણોસર ઘણા સમયથી જેની સાથે મુલાકાત કરવામાં અડચણ આવતી હોય, નિષ્ફળતા મળતી હોય તેમનો સામેથી ફોન આવતાં, મુલાકાતનું આયોજન ગોઠવાતાં આનંદ અનુભવો. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુ સાથેની ગેરસમજ દૂર થાય. આપની શાખ પુનઃબંધાતી જાય.
સ્ત્રીવર્ગ
સ્ત્રીવર્ગ માટે સંવત-૨૦૮૧નું વર્ષ મધ્યમ રહેશે. વર્ષના પ્રારંભમાં પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી પડે. પેટ-પેઢુની તકલીફ, ગર્ભાશયની તકલીફ, મેનોપોઝની તકલીફ જણાય. દર્દ-પીડામાં વધારો થાય. પતિના આરોગ્યની પણ ચિંતા શતાવે. વ્યવસાયી નોકરીયાત મહિલાઓએ સ્વાસ્થ્યની કાળજી રાખીને કામકાજ કરવું. વર્ષના ઉત્તરાર્ધમાં સંતાનના પ્રશ્ને આપને ચિંતા-મુશ્કેલી રહે. દોડધામ- ખર્ચ જણાય. સાસરીપક્ષ- મોસાળપક્ષની ચિંતા રખાવડાવે. તેમ છતાં ઉત્તરાર્ધમાં ગુરૂનું પરિભ્રમણ સુધરતાં આપને રાહત રહે. નોકરીમાં આપના કાર્યની કદર-પ્રશંસા થાય. અન્યનો સહકાર મળતો થાય. વ્યવસાયમાં ઘરાકી શરૂ થાય. નવા ઓર્ડર મળતાં જાય. ૨૮ જુલાઈથી ૧૩ સપ્ટેમ્બર દરમ્યાન પતિ સાથે વાદ-વિવાદ- ગેરસમજથી સંભાળવું પડે. ૨૯-૬ થી ૨૬-૭ દરમ્યાન સેકસ્યુઅલ સંબંધમાં તકલીફ અનુભવાય.
વિદ્યાર્થીવર્ગ
વિદ્યાર્થીવર્ગ માટે આ વર્ષ મધ્યમ રહે. વર્ષ દરમ્યાન આપે આરોગ્યની કાળજી રાખવી પડે. પરીક્ષા સમયે જ બીમારી-અકસ્માતથી સંભાળવું પડે. મહેનતના પ્રમાણમાં સફળતા મળે નહીં. કારકીર્દીનું વર્ષ હોય તેમણે વિશેષ કાળજી રાખવી પડે. મિત્રવર્ગ સાથે હરવા-ફરવામાં, મોજમજામાં અભ્યાસ બગડે નહીં. તેની તકેદારી રાખવી પડે. વ્યસની મિત્રોથી સંભાળવુ પડે. જો કે તા.૧૪ મે થી ગુરૂની સાનુકૂળતા થતાં આપને થોડી રાહત રહે. પરંતુ નાની સફળતાથી છકી જવું નહીં. પોતાના ધ્યેયની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મહેનત છોડવી નહીં. અભ્યાસાર્થે પરદેશ જવાનું હોય તો તેમાં પ્રગતિ જણાય. કાર્યવાહીમાં સરળતા થતી જાય. અભ્યાસ સાથે નોકરી કરનારની મહેનતમાં વધારો જણાય. ઉતાવળમાં અકસ્માતથી સંભાળવું પડે.
ખેડૂતવર્ગ
સંવત ૨૦૮૧નું વર્ષ ખેડૂતવર્ગ માટે મધ્યમ રહે. વર્ષ દરમ્યાન કોઈને કોઈ મુશ્કેલી રૂકાવટના લીધે કામમાં અડચણ રહ્યા કરે. નવા પાક લેવામાં મુશ્કેલી જણાય. ઉભો પાક બળી જવાથી, સડી જવાથી, જીવાત પડી જવાથી પાક નિષ્ફળ જાયને આપે નુકસાની ભોગવવી પડે. સગા-સંબંધીવર્ગ સાથે ભાગમાં ખેતી કરવી નહીં. નોકરીની સાથે ખેતીનું કામ સંભાળનારની મુશ્કેલીમાં વધારો જણાય. હરિફવર્ગ ઇર્ષ્યા કરનારવર્ગના લીધે આપે સાવધ રહેવું પડે. કોઈની ફરિયાદના લીધે આપના પર શિક્ષાત્મક- દંડાત્મક કાર્યવાહીથી સંભાળવું પડે. સ્વાસ્થ્યની અસ્વસ્થતાને લીધે પણ ખેતી પર પૂરતુ ધ્યાન આપી શકો નહીં. જમીન ખાલસા થતાં, કપાતમાં જતાં અને સરકારી વળતર સમયસર ન મળતાં નાણાંભીડ જણાય. સબસીડીના નાણા લેવામાં મુશ્કેલી પડે.
ઉપસંહાર
વર્ષ ૨૦૮૧ આપના માટે મધ્યમ રહે. વર્ષારંભે ગુરૂ- રાહુની પ્રતિકૂળતા તો વર્ષના અંતમાં શનિનું નબળું પરિભ્રમણ આપને કોઈને કોઈ તકલીફ રખાવે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આપે વર્ષ દરમ્યાન કાળજી રાખવી. સમયસરની દાકતરી સારવારથી આપને રાહત રહે. વર્ષના ઉત્તરાર્ધમાં સંતાનના પ્રશ્ને ચિંતા-ઉચાટ- ખર્ચ જણાય. જો કે ગુરૂની સાનુકૂળતા ઉત્તરાર્ધમાં આપને થોડી સાનુકૂળતા રખાવે. કેટલાંક અગત્યના કામનો ઉકેલ આવતો જાય. પરદેશના કાર્યમાં આવેલી રૂકાવટ-મુશ્કેલી ધીરે-ધીરે દૂર થતાં જાય. નવી ક્ષિતિજો ખૂલી રહી છે તેવું લાગે. તેમ છતાં વધુ પડતાં આત્મવિશ્વાસમાં વારંવાર ભૂલો કરવી નહીં.
પત્ની-સંતાન-પરિવાર
કૌટુંબિક-પારિવારીક દૃષ્ટિએ વર્ષનો પ્રારંભ પ્રતિકૂળતાવાળો રહે તો વર્ષનો ઉત્તરાર્ધ મધ્યમ રહે. વર્ષારંભથી જ આપને કોઈને કોઈ કૌટુંબિક- પારિવારીક પ્રશ્ને ચિંતા- ઉચાટ-ખર્ચ અનુભવાય. સંયુક્ત માલ-મિલકત-ધંધાના પ્રશ્ને વાદ-વિવાદ, ગેરસમજ, મન દુઃખ થઈ જાય. સંબંધો બગડે નહીં તેની તકેદારી રાખવી પડે. વર્ષના ઉત્તરાર્ધમાં શનિનું નબળું પરિભ્રમણ આપને સાસરી પક્ષે- મોસાળપક્ષે ચિંતા રખાવડાવે. વડીલવર્ગના આરોગ્ય આયુષ્ય સંદર્ભે ઉચાટ-ખર્ચ અનુભવાય તા.૨૮ જુલાઈ થી તા.૧૩ સપ્ટેમ્બર દરમ્યાન પત્ની સાથે વાદ-વિવાદથી સંભાળવું પડે. કોર્ટ કેસ થયેલો હોય તો તેમાં આપની મુશ્કેલીમાં વધારો થાય. સમાધાન માટેના પ્રયાસો નિષ્ફળ જાય. રાજકીય-સરકારી કનડગતના ભોગ બનવંવ પડે.