Get The App

સિંહ (મ.ટ.) : વર્ષ પસાર થતું જાય તેમ ગુરૂનું પરિભ્રમણ આપને મધ્યમ ફળ આપે

Updated: Nov 13th, 2023


Google NewsGoogle News
સિંહ (મ.ટ.) : વર્ષ પસાર થતું જાય તેમ ગુરૂનું પરિભ્રમણ આપને મધ્યમ ફળ આપે 1 - image


- આરોગ્યની બાબતમાં આપની બેદરકારી આપનો મોટો દુશ્મન બની રહે. સમયસર ઉપચાર કરાવવા.

વિક્રમ સંવત ૨૦૮૦માં ગુરૂની સાનુકૂળતા જણાય. આપના કામમાં સાનુકૂળતા રહે. નવા કામમાં આપને સરળતા જણાય. યાત્રા- પ્રવાસ- મિલન- મુલાકાતથી આનંદ ઉત્સાહ રહે પરંતુ રાહુનું પરિભ્રમણ પ્રતિકૂળ છે તેથી આપને કોઈને કોઈ તકલીફનો અનુભવ થયા કરે. વર્ષ પસાર થતું જાય તેમ ગુરૂનું પરિભ્રમણ પણ આપને મધ્યમ ફળ આપે.

આરોગ્ય- સુખાકારી

આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ આપનું આ વર્ષ નબળું છે તેથી આપે વર્ષના પ્રારંભથી જ સંભાળવું પડે. આઠમા રાહુના બંધનમાં અટવાયા કરો. વર્ષ દરમિયાન આપને કોઈને કોઈ સ્વાસ્થ્ય સંબંધી તકલીફો આવ્યા કરે. આપની બેદરકારીને લીધે આપની મુશ્કેલીમાં વધારો જણાય. સાથે શસ્ત્રક્રિયાથી- અકસ્માતથી સંભાળવું પડે. પેટ- પેઢુની, ગુદાભાગની, મુત્રાશયની, પેશાબની ગુપ્તાંગની તકલીફ જણાય તે સિવાય આપને આંખોમાં દર્દ પીડા જણાય. જુની બીમારીમાં આપની મુશ્કેલીમાં વધારો થાય તે ઉપરાંત વાયરલ સીઝનલ બીમારીમાં પણ આપ અટવાયા કરો.

તા. ૧૬ નવેમ્બરથી ૨૭ ડિસેમ્બર સુધીના સમયમાં આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય- મનને શાંતિ રાહત જણાય નહીં. ઉચાટ ઉદ્વેગ રહ્યા કરે. છાતીમાં દર્દ- પીડા, શ્વાસમાં તકલીફ જણાય. અચાનક આંખે અંધારા આવી જાય, સવારે ઉઠો ત્યારે ચક્કર અનુભવાય, દર્દ પીડા જણાય તો તરત દાક્તરી સલાહ લઈ લેવી.

ચૈત્ર સુદ પુનમથી વૈશાખ વદ નોમ દરમ્યાન આપે પડવા વાગવાથી, મચકોડ, ફ્રેક્ચરથી સંભાળવું પડે. અકસ્માત, શસ્ત્રક્રિયાથી ધ્યાન રાખવું પડે, વાહન ચલાવવામાં ઉતાવળ કરવી નહીં. બી.પી.ની, લોહીના પરિભ્રમણની, રક્ત બગાડથી થતા રોગોથી આપે સંભાળવું પડે. આ સમય દરમિયાન પથારીવશ ન થવું પડે તેની તકેદારી રાખવી પડે. આપને પાંગળા છો અસહાય છો તેવું લાગ્યા કરે.

આર્થિક સુખ-સંપત્તિ

આર્થિક સુખ- સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. ગુરૂનું પરિભ્રમણ સાનુકૂળ રહેતા આવકનું પ્રમાણ ચાલુ રહે પરંતુ રાહુની પ્રતિકૂળતા આપને રાહત- શાંતિ આપે નહીં. વર્ષ દરમિયાન આપે કોઈને કોઈ આકસ્મિક ખર્ચાઓ, મોટા ખર્ચાઓ આવ્યા કરે. જેના લીધે આપનું નાણાંકીય આયોજન ખોરવાઈ જાય આપે નાણાંભીડનો સામનો કરવો પડે. ઘરની મૂડી, બચત વાપરવા પડે તેવું બને. વર્ષ પસાર થતું જાય તેમ આપની મુશ્કેલીમાં વધારો થતો જાય. વર્ષ દરમિયાન કોઈપણ મોટા નાણાંકીય જોખમો કરવા નહીં કે કોઈના દોરવાયા દોરવાઈ જઈને રોકાણો કરવા નહીં.

વર્ષારંભે કારતક સુદ ત્રીજથી માગશર વદ એકમ દરમિયાન આકસ્મિક બીમારી અકસ્માતના લીધે આપને ખર્ચ જણાય. પરદેશના કામમાં, યાત્રા- પ્રવાસમાં આપની ધારણા કરતા ખર્ચ વધી ન જાય તેની તકેદારી આપે રાખવી પડે.

૨૩ એપ્રિલથી ૧ જૂન દરમ્યાન આપને જમીન- મકાન- વાહન અંગે કોઈને કોઈ ખર્ચ- ખરીદી જણાય. માતૃપક્ષે બીમારી ખર્ચનું આવરણ આવી જવાથી ચિતા- ખર્ચ જણાય.

આમ, વર્ષ દરમિયાન નાણાંકીય આયોજન ખૂબ જ સાચવીને, સંભાળીને કરવું પડે. આવક થાય ખરી પરંતુ જાવકનું પ્રમાણ વધુ રહેતા આપનું નાણાંકીય આયોજન ખોરવાઈ જાય તેવું બને. બચત વાપરવી પડે તેથી વર્ષારંભથી જ આપે ખર્ચાઓ પર કાપ મુકવો તેમજ નાણાંકીય આયોજનમાં આકસ્મિક ખર્ચાઓની જોગવાઈ કરી રાખવી.

નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?

નોકરીમાં સંવત ૨૦૮૦નું વર્ષ આપના માટે મધ્યમ રહે. ગુરૂની સાનુકૂળતા તેમજ રાહુની પ્રતિકૂળતાની વચ્ચે અટવાયા કરો. ક્યારેક કામમાં એકદમ સરળતા જણાય સાનુકૂળતા મળી રહે તો ક્યારેક નાની બાબતના લીધે કામ અટકી પડે. વર્ષની મધ્ય સુધીમાં આપને જ્યાં છો ત્યાં જ બઢતીના યોગ ઉભા થાય. સરકારી નોકરીમાં બદલી- બઢતીના પ્રશ્નમાં પ્રગતિ જણાય. પરંતુ રાહુની પ્રતિકૂળતાને લીધે મનગમતી જગ્યાએ જવા મળે નહી તેવું બને.

તા. ૧-૫-૨૦૨૪થી ગુરૂનું પરિભ્રમણ મધ્યમ રહે તેથી ત્યાર પછીનો સમય આપને થોડો વધુ પ્રતિકૂળ રહે. જો કે, આપના કામ થાય ખરા પરંતુ આપની દોડધામ શ્રમમાં વધારો રહે.

તે સિવાય વર્ષ દરમ્યાન આપ આઠમા રાહુના બંધનમાં છો તેથી કોઈ પણ કાર્ય કરો આપે ધીરજ અને શાંતિ રાખવા પડે. ઉતાવળ કરવામાં કામ બગડે નહીં તેની તકેદારી આપે રાખવી. કામનો તણાવ, દબાણ, વધુ પડતી દોડધામ, શ્રમની અસર આપના સ્વાસ્થ્ય પર પડે નહી તે જોવું સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલી તેમજ કૌટુંબિક- પારિવારિક પ્રશ્નોના લીધે આપ કામમાં ધ્યાન આપી શકો નહીં.

વર્ષારંભે તા. ૧૬-૧૧થી ૨૭-૧૨ દરમ્યાન આપને સતત માનસિક તણાવ, પરિતાપ, વ્યગ્રતા જણાય. વિચારોની દ્વિધા રહ્યા કરે મહત્ત્વના નિર્ણયો લેવામાં પ્રતિકૂળતા રહે. આપની ગણત્રી- ધારણા અવળી પડતા આપની ચિંતા- પરેશાનીમાં વધારો થાય. પરદેશના કાર્યમાં આપને કોઈને કોઈ મુશ્કેલી આવે. ઘર- પરિવારની ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં.

ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?

ધંધાકીય દ્રષ્ટિએ વર્ષ આરોહ- અવરોહમાં પસાર થાય વર્ષારંભે આપને નવી કોઈ વાતચીત આવે કે નવો કોઈ ઓર્ડર મળી રહે આપના યશ- પદ- ધનમાં વધારો થાય તેવી કામગીરી થાય પરંતુ કોઈના દોરવાયા દોરવાઈ જઈને કે વધુ પડતા લોભ- લાલચમાં આવી જઈને કોઈ કામ કરવું નહીં. આપના દમ પર જે પણ કોઈ કામ હોય તે કરવું અન્ય કોઈના ભરોસે નવું કોઈ કામ લેવું નહીં કે નવો ધંધો શરૂ કરવો નહીં. આપે પણ વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહીં. રાહુનું પ્રતિકૂળ પરિભ્રમણ આપના માટે મુશ્કેલી ઉભી કરે. સંયુક્ત ધંધામાં, પારિવારિક ધંધામાં આપને મુશ્કેલી જણાય. વાદ- વિવાદ મનદુ:ખ થઈ જાય થૂટા થવું કે ના થવું તેવી દ્વિધામાં અટવાયા કરો.

ચૈત્ર વદ આઠમથી ગુરૂનું પરિભ્રમણ આપને મુશ્કેલીમાં મુકે કામ થાય પરંતુ આપના ધાર્યા પ્રમાણે ન થાય. જે કામ એક ધક્કે પતતું હોય તેમાં આપે ચાર- પાંચ ધક્કા ખાવા પડે. ઘર- પરિવાર, સગા- સંબંધી વર્ગ, મિત્રવર્ગના કોઈને કોઈ કામના લીધે વર્ષના ઉત્તરાર્ધમાં આપનો કાર્યભાર વધે. દોડધામ શ્રમમાં વધારો થાય તેના લીધે આપના ધંધા પર યોગ્ય ધ્યાન- સમય આપવામાં મુશ્કેલી પડે.

વર્ષારંભે આયાત- નિકાસના કામમાં પરદેશના કામમાં આપને રૂકાવટ- મુશ્કેલી જણાય. કામમાં વિલંબ થવાને લીધે નફામાં નુકસાની ભોગવવી પડે. આ બધામાં આપે સ્વાસ્થ્યને બાજુ પર મૂકવું નહીં આપના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સમયસર ઉકેલ ના લાવો તો આપની મુશ્કેલીઓમાં વધારો થશે.

સ્ત્રી વર્ગ

સ્ત્રી વર્ગને વર્ષ દરમિયાન આરોગ્યલક્ષી કોઈને કોઈ તકલીફ અનુભવાય. પેટ- પેઢુની, ગર્ભાશયની, ગુદાભાગની, કમર- પીઠની, મણકાની તકલીફ જણાય. જેમને મેનોપોઝ આવવાની તૈયારી હોય તેમની મુશ્કેલીમાં વધારો થાય. મેનોપોઝને લગતી કોઈ ને કોઈ તકલીફ, સાઇડ ઇફેક્ટ અનુભવાય. પતિના આરોગ્ય- આયુષ્યની પણ આપને ચિંતા રહે. કૌટુંબિક- પારિવારિક સહકાર મેળવવામાં મુશ્કેલી રહે. આપની વાત સાંભળવામાં ન આવે તેવું બને. અપયશ મળે, કૌટુંબિક પારિવારિક પ્રશ્ને આપને મૌન રહેવું હિતાવહ રહેશે. જો કે, આ બધાની વચ્ચે વર્ષારંભે ગુરૂનું પરિભ્રમણ સાનુકૂળ અને વર્ષાન્તે મધ્યમ છે તેથી આપને થોડી રાહત મળી રહે. એક- બે મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી આનંદ અનુભવો.

વિદ્યાર્થી વર્ગ

વિદ્યાર્થી વર્ગને વર્ષના પ્રારંભે ગુરૂની સાનુકૂળતા છે જે લાભદાયક રહેશે. પરદેશ જવાનું આયોજન કરી રહ્યા હોવ તો તેમાં સાનુકૂળતા મળી રહે પરંતુ વર્ષારંભથી જ રાહુ પ્રતિકૂળ છે તેથી આપે પરીક્ષાના સમયે બીમારી- અકસ્માતથી સંભાળવુ પડે. છેલ્લી ઘડીની તૈયારી પર ભરોસો રાખ્યા વગર વર્ષના પ્રારંભથી જ મહેનતની શરૂઆત કરી દેવી. રાહુની પ્રતિકૂળતાને લીધે ધાર્યું પરિણામ પ્રાપ્ત કરવામાં મુશ્કેલી રહે. વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહીં કે કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. પરીક્ષા દરમ્યાન કોઈની ભૂલના લીધે તમે ફસાઈ ન જાવ તેની તકેદારી રાખવી. બીમારી- અકસ્માતના લીધે વર્ષ બગડે નહીં કે લાઇન બદલવી ન પડે તેની સાવધાની રાખવી પડે.

ખેડૂત વર્ગ

ખેડૂત વર્ગે વર્ષારંભથી જ ખેતીમાં સંભાળવું પડે. આપની જમીન, વાતાવરણ, પરિસ્થિતિ, પ્રાપ્ત સાધનો, સગવડોને ધ્યાનમાં રાખીને આપની સૂઝબૂઝથી પાકનું વાવેતર કરવું. 

ખેતરમાં કામ કરતા ઝેરી જીવજંતુ કે કઈ જીવાત કરડી જતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. વ્યાજે કે ઉધાર નાણાં લાવીને ખેતી કરો અને પાક નિષ્ફળ જાય કે પાકમાં જીવાત પડી જાય કે પાકનો યોગ્ય ભાવ ન મળતાં આપની પરેશાની વધે. મહેનત બધી માથે પડી તેવું લાગ્યા કરે. 

ભાઈભાંડુ સાથે સંયુક્ત જમીનમાં ખેતી કરતા હોવ કે ભાગીદારીમાં ખેતી કરતા હોવ તો તેમની સાથે વાદ- વિવાદ, ગેરસમજ, મનદુ:ખ થઈ જાય. આ ઉપરાંત ખેતરમાં કામ કરતા અશક્તિને લીધે ચક્કર આવી જાય અને આપની તબિયત બગડતા ધાર્યા પ્રમાણેનું કામ થઈ શકે નહીં.

ઉપસંહાર

ટૂંકમાં ૨૦૮૦નું વર્ષ આપના માટે મિશ્ર રહે કામ થાય, આવક થાય પરંતુ સામે પક્ષે કેટલાંક કામ અટકી પડે જાવકનું પ્રમાણ ચાલુ રહેતા નાણાંકીય મુશ્કેલીનો પણ અનુભવ થયા કરે. આરોગ્યની બાબતમાં આપની બેદરકારી આપનો મોટો દુશ્મન બની રહે. તેથી સમયસર તબીબી તપાસ, નિદાન, ઉપચાર કરાવવા. કૌટુંબિક પારિવારિક પ્રશ્ને આપને કોઈને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે. આપના ચિંતા- ઉચાટ- ખર્ચમાં વધારો જણાય. નાની નાની વાતે કુટુંબ પરિવારમાં કલહ- કંકાસનું વાતાવરણ ઉભું થતા આપ વ્યથિત રહ્યા કરો.

પત્ની-સંતાન-પરિવાર

કૌટુંબિક- પારિવારિક દ્રષ્ટિએ વર્ષ દરમ્યાન આપને કોઈનો કોઈ ચિંતા રહ્યા કરે. સંયુક્ત માલ-મિલ્કતના પ્રશ્ને આપને વાદ- વિવાદ ગેરસમજ મનદુ:ખથી સંભાળવું પડે. આપે મૌન રાખી શાંતિથી દિવસો પસાર કરી લેવા. જો કે, પત્ની- સંતાનનો સાથ- સહકાર મળી રહેતા આપને રાહત જણાય પુત્ર- પૌત્રાદિકના પ્રશ્નમાં આપની ચિંતા- પરેશાની ઓછી થતી જાય તેને પરદેશ મોકલવાનું આયોજન કરતા હોવ તો તેમાં પ્રગતિ જણાય જો સંતાન પરદેશ હોય તો તેના પરત આવવાના સંજોગો ઉભા થાય.  પુત્ર-પૌત્રાદિકના ભણતર ઘડતરમાં આપને સાનુકુુળતા રહે. ૧૬ ફેબુ્રઆરીથી ૨૭ ડિસેમ્બર દરમ્યાન માતાના આરોગ્ય- આયુષ્યની ચિંતા આપને રહે. માતૃપક્ષે કોઈ વડીલ હોય તો તે અંગે પણ આપને ચિંતા- દોડધામ- શ્રમ- ખર્ચ જણાય. 

Leo

Google NewsGoogle News