જાણો શા માટે ભગવાન ગણેશનું કરવામાં આવે છે વિસર્જન, પૌરાણિક કથા અનુસાર આ છે માન્યતા
Image Source: Twitter
અમદાવાદ, તા. 20 સપ્ટેમ્બર 2023 બુધવાર
ગણેશ ચતુર્થીથી ગણેશ મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે. લોકોએ ઘરમાં વિધિસર ગણેશજીની સ્થાપના કરી લીધી છે. લોકો પોતાની યથાશક્તિ ગણેશજીને ઘરમાં બિરાજમાન કરે છે અને એક નક્કી દિવસે તેમનુ વિસર્જન કરવામાં આવે છે.
હિંદુ ધર્મમાં ગણેશ પૂજાનું વિશેષ મહત્વ છે. કોઈ પણ કાર્ય કરતા પહેલા ગણેશજીનું પૂજન કરવામાં આવે છે. માન્યતા છે કે આનાથી તમામ કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થઈ જાય છે. ભગવાન ગણેશને બુદ્ધિના દેવતાના નામથી ઓળખવામાં આવે છે. ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિના દિવસે ગણેશજીનો જન્મ થયો હતો. તેથી સમગ્ર દેશમાં આ દિવસને ગણેશ ચતુર્થીના નામથી મનાવવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થીની શરૂઆત 19 સપ્ટેમ્બર 2023એ થઈ ચૂકી છે.
ગણેશ ચતુર્થીથી 10 દિવસ સુધી ઘરમાં બાપ્પાને બિરાજમાન કરવામાં આવે છે. પૂર્ણ શ્રદ્ધાભાવ સાથે તેમની પૂજા કરવામાં આવે છે. અમુક લોકો પોતાની શ્રદ્ધાનુસાર બાપ્પાની દોઢ દિવસ, ત્રણ, પાંચ કે પછી 10 દિવસમાં સ્થાપના કરે છે. એક નક્કી સમય પર બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવે છે પરંતુ શું તમે એ જાણો છો કે આખરે બાપ્પાનું વિસર્જન કેમ કરવામાં આવે છે. જાણો તેના પાછળની પૌરાણિક કથા વિશે.
આ કારણસર બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે
ગણેશ ઉત્સવ દેશભરમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. ઘરમાં બાપ્પાના આગમનને લઈને દરેક ઉત્સાહિત હોય છે. ઘરમાં 10 દિવસ સુધી વિધિસર બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે અને તેમની ખૂબ સેવા-પૂજા કરવામાં આવે છે. દરમિયાન જો તેમની મનપસંદ વસ્તુઓનો ભોગ લગાવવામાં આવે તો તે ભક્તોથી જલ્દી પ્રસન્ન થઈ જાય છે. 10 દિવસ બાદ ગણપતિને જળમાં વિસર્જિત કરવામાં આવે છે. માન્યતા છે કે આ 10 દિવસ ગણેશ જી ઘરમાં રહીને ભક્તોના તમામ દુ:ખ હરી લે છે અને તેમને સુખી જીવનના આશીર્વાદ આપે છે.
આ કારણસર ગણપતિનું વિસર્જન કરવામાં આવે છે
અનંત ચતુર્દશીના દિવસે ગણપતિનું જળમાં વિસર્જન કરવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર વેદ વ્યાસજી મહાભારત ગ્રંથ લખવા માટે ભગવાન ગણેશને પસંદ કરે છે. વેદ વ્યાસજી કથા સંભળાવે છે અને ગણેશજી લખે છે. વેદ વ્યાસજી કથા સંભળાવતી વખતે પોતાની આંખો બંધ કરી દે છે અને સતત 10 દિવસ સુધી સંભળાવતા રહે છે. ગણેશજી સતત તે કથા લખતા રહે છે. આનાથી ગણેશજીના શરીરનું તાપમાન ખૂબ વધી જાય છે. ત્યારે વેદ વ્યાસજી ગણેશજીને તળાવમાં સ્નાન કરાવે છે. ત્યારથી ગણેશ વિસર્જનની પ્રથા શરૂ થઈ.