Chaturmas 2023: આ તારીખથી શરૂ થઈ રહ્યો છે ચાતુર્માસ, જાણો તેનું મહત્વ અને ધ્યાનમાં રાખવા જેવી બાબતો
Image Source: Twitter
અમદાવાદ, તા. 16 જૂન 2023 શુક્રવાર
હિંદુ ધર્મમાં ચાતુર્માસનું વિશેષ મહત્વ હોય છે. ચાતુર્માસ ચાર મહિનાનો સમયગાળો હોય છે. જેમાં ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં જતા રહે છે અને આ દરમિયાન શુભ-માંગલિક કાર્યો થતા નથી. જોક આ વર્ષે 2023માં ચાતુર્માસ ચાર નહીં પરંતુ પાંચ મહિનાનો હશે.
પંચાંગ અનુસાર ચાતુર્માસની શરૂઆત અષાઢ મહિનાના શુક્લપક્ષની એકાદશી તિથિ (દેવપોઢી એકાદશી) ના દિવસે થાય છે અને કારતક મહિનાના શુક્લ પક્ષ એકાદશી (દેવઉઠી એકાદશી) પર આનું સમાપન થાય છે. ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુનો શયનકાળ રહે છે અને સૂર્ય દક્ષિણાયન થાય છે. તેથી માંગલિક કાર્ય પર પ્રતિબંધ મૂકી દેવાય છે.
ચાતુર્માસ ક્યારથી શરૂ થાય છે
આ વર્ષે અધિકમાસ હોવાથી શ્રાવણ બે મહિનાનો રહેશે, જેના કારણે ચાતુર્માસનો સમયગાળો પણ ચાર મહિનાના બદલે પાંચ મહિનાનો હશે. ચાતુર્માસની શરૂઆત દેવશયની એકાદશીના દિવસે 29 જૂન 2023એ શરૂ થશે અને દેવઉઠી એકાદશી પર 23 નવેમ્બર 2023એ ચાતુર્માસ સમાપ્ત થઈ જશે. દેવઉઠી એકાદશી પર ભગવાન વિષ્ણુ શયનકાળથી જાગી જશે.
ચાતુર્માસમાં શું કરવુ
ચાતુર્માસમાં ભક્તોએ એકાંતવાસમાં રહીને બ્રહ્મચર્યનું પાલન કરવુ જોઈએ અને જમીન પર સૂવુ જોઈએ.
જપ, તપ, મંત્ર, યજ્ઞ અને પૂજા માટે ચાતુર્માસને શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે દેવતાઓ શયનકાળમાં હોવાથી આ સમયે નકારાત્મક શક્તિઓ વધુ સક્રિય થઈ જાય છે. તેથી જપ, તપ અને પૂજા-પાઠથી આના અશુભ પ્રભાવને ઓછો કરી શકાય છે.
ચાતુર્માસમાં કોઈ પાત્રમાં ભોજન ન કરીને પાંદડા પર ભોજન કરવુ જોઈએ. સાથે જ આ દરમિયાન માત્ર એક સમયે જ ભોજન કરવુ જોઈએ.
ચાતુર્માસમાં તુલસીના છોડની પૂજા કરો અને સાંજે ઘી નો દીવો પ્રગટાવો.
ચાતુર્માસમાં આટલુ ન કરવુ
ચાતુર્માસમાં તેલ, મધ, મૂળો, પરવર, રીંગણ વગેરેનું સેવન કરવુ જોઈએ નહીં. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આને યોગ્ય માનવામાં આવતુ નથી.
ચાતુર્માસના ચાર મહિનામાં શ્રાવણમાં પાંદડાવાળા શાકભાજી ખાવા ન જોઈએ, ભાદરવા મહિનામાં દહીંનું સેવન ન કરો, આસો મહિનામાં દૂધ અને કારતક મહિનામાં લસણ-ડુંગળીનો ત્યાગ કરો.
ચાતુર્માસ દરમિયાન અન્ય લોકો પાસેથી અન્ન લેવુ જોઈએ નહીં પરંતુ તમે જરૂરિયાતમંદોને અન્નનું દાન કરી શકો છો.
આ દરમિયાન માંગલિક કાર્ય ન કરો અને કોઈ શુભ કાર્યની શરૂઆત પણ ના કરો.
ચાતુર્માસમાં તુલસીના પાન ન તોડો અને શરીરમાં તેલ માલિશ પણ ન કરવી જોઈએ.