જાણો શું છે નવકાર મંત્રનો અર્થ અને તેનું મહત્ત્વ
Navkar Mahamantra: હવે દર વર્ષે નવમી એપ્રિલે વિશ્વ નવકાર મહામંત્ર દિવસ મનાવવામાં આવશે. આ દિવસ નિમિત્તે દુનિયાભરમાં, દુનિયાના દરેક દેશના મોટા શહેરોમાં નવકાર મહામંત્રના જાપ અને ધ્યાનનું આયોજન કરવામાં આવશે, જેથી વિશ્વમાં આધ્યાત્મિક શાંતિ અને ઊર્જાનો પ્રસાર થઈ શકે.
જૈન દર્શનમાં પ્રાર્થનનો હેતુ જ ચરિત્રભર્યું જીવન જીવવાનો છે. નવકાર મહામંત્ર દિવસ ઊજવવાનો હેતુ ફક્ત જાપ કરવાનો નથી, પરંતુ નવકાર મંત્રના ઊંડાણપૂર્વકનો અર્થ સહિતની વિગતો તમામ ભાષામાં પ્રકાશિત થઈને ઘરે-ઘરે પહોંચે તે પણ છે. જૈન દર્શનમાં નવકાર મંત્રનો ભારોભાર મહિમા કરાયો છે. દુનિયાના સમસ્ત મંત્રો કરતા નવકાર મંત્ર જુદો પડે છે. આ એક એવો મંત્ર છે, જે ભૌતિક સુખો પર નહીં પણ આત્મશુદ્ધિ પર ભાર મૂકે છે. ત્યારે આપણે તેની નવ વિશેષતા શું છે એ સમજીએ.
નવકાર મંત્રનો અર્થ શું છે?
જૈન ધર્મમાં સૌથી મહત્ત્વનો મંત્ર છે નવકાર મંત્ર. ધ્યાન કરતી વખતે જૈનો દ્વારા આ પહેલી પ્રાર્થના છે . આ મંત્રને પંચ નમસ્કાર મંત્ર, નમસ્કાર મંગલા અથવા પરમેષ્ઠી મંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું કારણ એ છે કે, આ મંત્ર પંચ-પરમેષ્ઠી એટલે કે અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો અને બધા તપસ્વીઓને સમર્પિત છે.
નવકાર મંત્ર મોટા ભાગે પ્રાકૃત કે માગધી ભાષા-લિપિમાં જોવા મળે છે, જેનો અર્થ એકદમ સરળ અને બધાને સમજાય એવો છે.
એ ભાષામાં નવકાર મંત્રની જોડણી કે લિપિ આ પ્રકારે હતી.
णमो अरिहंताणं
णमो सिद्धाना
णमो आयरियाना
णमो उवज्जायन
णमो लोए सव्व साहुणं
एसो पंच णमोकारो, सव्व पावप्पणासणो
मंगलालंच सव्वेसिं, पढम हवई मंगलं
એટલે કે
હું અરિહંતોને નમન કરું છું
હું સિદ્ધોને નમન કરું છું
હું આચાર્યોને નમન કરું છું
હું ઉપાધ્યાયોને નમન કરું છું
હું દુનિયાભરના સાધુઓને નમન કરું છું
આ પાંચ નમસ્કાર, તમામ પાપનો સંપૂર્ણ નાશ કરે છે.
તમામ શુભ મંત્રોમાં, આ સૌથી શુભ મંત્ર છે.
આમ, નવકાર મંત્ર આ પાંચ પુણ્યાત્માને વંદન કરે છે અને તેના ચોક્કસ કારણ છે.
- અરિહંતોને નમસ્કારનું કારણ એ છે કે, તેમણે ચાર પ્રતિકૂળ કર્મનો નાશ કર્યો છે. અરિહંતોએ બધા જ આંતરિક શત્રુઓ ક્રોધ, માયા, લોભ, રાગ, દ્વેષ તમામનો નાશ કર્યો છે.
- સિદ્ધોને પણ નમન છે કારણ કે, તેમણે મોક્ષ પ્રાપ્ત કર્યો છે.
- આચાર્યોને નમનનો હેતુ એ છે કે, તેઓ શિક્ષક છે અને તેઓ બીજાને શીખવે છે કે, કેવી રીતે એક વ્યક્તિએ જીવન જીવવું જોઈએ. તેમણે અન્યો માટે મોક્ષનો માર્ગ મોકળો કરી આપ્યો છે.
- ઉપાધ્યાયોને પણ નમન છે કારણ કે, તેઓ તપશ્ચર્યા કરીને આગળ વધી રહેલા તપસ્વીઓના ઉપદેશક છે. તેઓ મોક્ષમાર્ગના આત્મજ્ઞાનીઓ છે.
- તો સાધુ-સંતો, ઋષિઓ અને ભગવંતોને પણ નમન છે કારણ કે, તેઓ સમ્યક ચરિત્ર એટલે કે યોગ્ય આચરણનું પાલન કરે છે. આ રીતે તેમણે આત્મજ્ઞાન હાંસલ કરી લીધું છે.
- નવકાર મંત્રના પાંચેય પદમાં આ રીતે પાંચ પ્રકારના લોકોને નમસ્કાર કરાયા છે. આ મંત્રમાં છેલ્લે કહેવાયું છે કે, આ મંત્ર બોલવાથી તમામ પાપનો નાશ થાય છે. બધા જ શુભ કે મંગળ કાર્યોમાં આ સૌથી મંગળ કાર્ય છે.
નવકાર મંત્રનું ફળ મેળવવા વિધિપૂર્વકની આરાધના જરૂરી
કોઈ પણ ક્રિયાનું સંપૂર્ણ ફળ મેળવવું હોય તો વિધિપૂર્વક આરાધના જરૂરી છે. જો ખેડૂત વિધિપૂર્વક વાવણી સહિતની પ્રક્રિયા કરે, તો જ તે ધાન્યરૂપી ફળ પ્રાપ્ત કરી શકે છે. આ માટે શ્રી નમસ્કાર મહામંત્રના જાપની સંક્ષિપ્ત વિધિ પણ સમજી લેવી જરૂરી છે.
તે સમજવા માટે નમસ્કાર મહા મંત્રના જાપ કરતી વખતે નીચેનું લખાણ ધ્યાનપૂર્વક વાંચી અમલમાં મૂકવાનો પ્રયત્ન કરવો હિતાવહ છે.
નવકાર મહામંત્રનું સ્મરણ શા માટે?
- દવાથી જેમ રોગ શમે, ખોરાકથી ભૂખ શમે એવી જ રીતે, શ્રી નવકાર મંત્રના જાપથી આંતરિક બાહ્ય અશાંતિ દૂર થાય જ!
- આપણો અનુભવ આ બાબતમાં સાક્ષી નથી ભરતો. તેનું એનું કારણ આપણી અજ્ઞાનદશા છે.
- જન્મ-મરણના ચકરાવામાં ફસાવનારા કર્મરૂપી મહારોગને આપણે ઓળખી શક્યા નથી.
આ કારણસર સાચા ઉપાયો અમલમાં આવી શકતા નથી. એટલે જીવનમાં પંચ પરમેષ્ઠીઓની સાચી ઓળખાણ કરીને તેઓના શરણે વૃત્તિઓને રાખી પ્રવૃત્તિઓને શાંતિની દિશામાં વાળવા માટે નમસ્કાર મહા મંત્રનું સ્મરણ કરવું જરૂરી છે.
નવકાર મંત્રની નવકારવાળી કેવી રીતે ગણવી જોઈએ?
શ્રી નમસ્કાર મહામંત્રના જાપનો મૌલિક શક્તિનો વિકાસ કરવા માટે અર્ધખુલ્લી મુઠ્ઠીરૂપે ચાર આંગળીવાળી, તર્જનીના વચલા વેઢા ઉપર માળા રાખી, અંગૂઠાના પહેલા ટેરવાથી (નખ ન અડે તે રીતે) મણકા ફેરવવારૂપે જાપ કરવાનું શાસ્ત્રીય વિધાન છે.
કેવી રીતે માળાનો ઉપયોગ કરવો?
* નવકાર મહામંત્રના જાપ માટે લેવાતી માળા-અઢાર અભિષેક કરેલી માળા (આચાર દિનકરના) પ્રતિષ્ઠા મંત્રથી પ્રતિષ્ટિત અને સૂરિમંત્ર કે વર્ધમાન વિદ્યાર્થી અભિમંત્રિત હોવી જોઈએ.
* કોઈની ગણેલી માળાથી શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ ન કરવો, તેમજ આપણી માળા બીજાને ગણવા આપવી નહીં.
* કોઈના હાથનો સ્પર્શ પણ થવા દેવો નહીં.
* નવકારવાળી મૂકવા માટે પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ કે સ્ટીલની કોઈ પણ જાતની ડબ્બીનો ઉપયોગ કરવો નહીં.
કેવી જાતની માળાનો ઉપયોગ કરવો?
* સુતરની માળા તથા સુખડની માળા સર્વશ્રેષ્ઠ છે. પ્લાસ્ટિકની માળા ગણવી નહીં.
આજે અણસમજથી પ્લાસ્ટિકની નવકારવાળીઓ ખૂબ જ પ્રમાણમાં વપરાય છે, તે ઉચિત નથી. કેમ કે-પ્લાસ્ટિક બનાવનારી કંપનીઓ તથા વૈજ્ઞાનિકો સાથે પત્રવ્યવહાર દ્વારા મેળવેલા પ્રમાણભૂત માહિતીના આધારે ચોક્કસ જાણવા મળ્યું છે કે -
‘પ્લાસ્ટિક ઝાડમાંથી નીકળતા રસ જેવી ચીજમાંથી બને છે, પણ તેને આજના મોહક સ્વરૂપમાં તૈયાર કરવા માટે બળદના આંતરડાનો રસ વગેરે ખૂબ જ અશુભ દ્રવ્યો વપરાય છે.’
તેથી પ્લાસ્ટિકની માળા સદંતર ત્યાગ કરવા ધ્યાન રાખવું.
શ્રી નવકારના જાપમાં અન્ય કઈ બાબતોનું ધ્યાન રાખવું?
* શ્રી નવકારના જાપમાં એકાગ્રતા જરૂરી છે.
* માળા અને જગ્યા નક્કી કરેલી જોઈએ.
* એક જ જગ્યાએ આસન રાખવું જરૂરી છે.
* એક જ નવકારવાળી ઉપર જાપ કરવો જરૂરી છે.
* નવકારવાળી ગણતી વખતે ડાબો હાથ માળાને અડકવો જોઈએ.
* શ્રી નવકારના જાપ શરૂ કરતાં પૂર્વે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું તથા શાસનપતિ શ્રી મહાવીર પ્રભુનું તેમજ અનંત લબ્ધિ નિધાન શ્રી ગૌતમ સ્વામીજીનું નામ ત્રણ વાર લેવું.
* નવકાર ગણવા માટે દિશા પણ એક રાખવી જરૂરી છે.
* શુદ્ધ કપડાં પહેરી નવકાર ગણવા જોઈએ.
* નવકારવાળી કેટલી ગણવી, તે સંખ્યા ચોક્કસ રાખવી.
* જાપ સમયે શરીર હલવું જોઈએ નહીં.
* બગાસું ન ખાવું જોઈએ.
* આંખો બંધ રાખવી પણ ધ્યાન નવકાર પટની સામે રાખવું.
* મ્હોં ખુલ્લું રાખી નવકાર ન ગણવા.
* તેમ જ જાપ વખતે હોઠ ફફડાવવા નહીં.
શ્રી નવકાર મંત્ર કયા સમયે ગણવો?
સવારે 6 વાગે, બપોરે 12 વાગે અને સાંજે 6 વાગે તેમજ સવારે ચાર વાગ્યાથી સૂર્યોદય સુધી શ્રેષ્ઠ, સૂર્યોદયથી એક કલાક સુધી મધ્યમ અને સવારના 10 વાગ્યા સુધી સામાન્ય કહેવાય.
દિવસના 10 વાગ્યાથી સૂર્યાસ્ત પછી અઢી ઘડી (1 કલાક) સુધીનો સમય સામાન્ય જાપ માટે યોગ્ય નથી.
શ્રી નવકાર મહા મંત્ર ગણવા માટે કેવાં આસનનો ઉપયોગ કરવો?
* સફેદ-શુદ્ધ ઊનનું આસન રાખવું.
શ્રી નવકાર મંત્રના જાપ માટે કઈ દિશા યોગ્ય?
* જાપ માટે પૂર્વ અને ઉત્તર દિશા સારી છે. તેમાં પણ સવારના 10 વાગ્યા સુધીના જાપ માટે પૂર્વ દિશા અને સૂર્યાસ્તથી અઢી ઘડી (1 કલાક) પછી જાપ માટે ઉત્તર દિશા યોગ્ય છે.
આ પણ વાંચો: નવકાર મંત્રનો ઉપયોગ આત્મશુદ્ધિ અને મોક્ષપ્રાપ્તિ માટે થાય છે, જાણો તેની નવ અદભૂત વિશેષતા
શ્રી નવકાર કેમ ગણાય?
* શુદ્ધ થઈને, શ્વેત વસ્ત્રો પહેરીને, અનુકૂળ ભૂમિતલ પ્રમાજીને,
* આસન બાંધીને, પૂર્વ યા ઉત્તર દિશા સન્મુખ બેસીને,
* સુતરની શ્વેત માળા લઈને શ્વેત કટાસણું પાથરીને, ઉણોદરીવ્રતના પાલનપૂર્વક,
ચિત્તને ‘શિવમસ્તુ સર્વ જગતઃ’ની ભાવના વડે વાસિત કરીને,
* દૃષ્ટિને નાસિકના અગ્રે સ્થાપીને
* ધીરે ધીરે તેનો પ્રત્યેક અક્ષર આખા શરીરમાં ફરી વળે- તેવી રીતે શ્રી નવકારનો જાપ કરવો જોઈએ.
* જાપનો સમય એક જ રાખવો જોઈએ, એટલે કે પાંચ માળા ગણવાના નિયમવાળો પુણ્યશાળી આત્મા છ ગણી શકે પણ પાંચથી ઓછી નહીં જ.
* જાપ માટેની માળા બદલવી ન જોઈએ.
* જાપ વખતે શરીર હાલવું ન જોઈએ, કમર વળવી ન જોઈએ.
* માનસજાપમાં હોઠ બંધ રહેવા જોઈએ તેમજ દાંત ખુલ્લા રહેવા જોઈએ.
* ઉપાંશુજાપમાં હોઠનો ફફડાટ વ્યવસ્થિત રહેવો જોઈએ.
* ભાષ્યજાપમાં ઉચ્ચાર તાલબદ્ધ રહેવો જોઈએ.
* જાપ પૂરો થાય તે પછી ઓછામાં ઓછી પાંચેક મિનિટ સુધી આંખો બંધ કરીને તે સ્થળમાં બેસી રહેવું જોઈએ.
* આમ કરવાથી જાપ-જન્ય સત્ત્વની સ્પર્શનાનો અદ્ભુત યોગ સધાય છે અને ક્યારેક ભાવસમાધિની અણમોલ પળ જડી જાય છે.
* જાપ માટેના ઉપકરણોને પૂરેપૂરા બહુમાનપૂર્વક પવિત્ર જગ્યામાં રાખવાં જોઈએ.
* ઉપકરણો પ્રત્યેનો આપણો ભાવ શ્રી નવકાર પ્રત્યેના આપણા ભાવ ઉપર તથા તે પ્રકારની અસર પહોંચાડે જ છે.
* જીભ એકલી જ નહિ, પરંતુ મન બરાબર શ્રી નવકાર ગણતાં શીખી જાય તે તરફ આપણું લક્ષ્ય રહેવું જોઈએ.
* મોટો ભાઈ નાના ભાઈને કવિતા શીખવાડે, તેમ આપણે મનરૂપી આપણા લઘુબંધુને સદ્ભાવના-પૂર્વક શ્રી નવકાર શીખવાડવો જોઈએ.
* મન શ્રી નવકારમાં પરોવાય છે, એટલે બધી ઈન્દ્રિયો પણ તેમાં ઓતપ્રોત થાય.
* તારું શરીર ભીંજાયા સિવાય ન રહે તેમ શ્રી નવકારમાં પ્રવેશેલા પ્રાણો પણ શુભ ભાવ વડે ભીંજાય જ.
જો ન ભીંજાય તો સમજવું કે, આપણા પ્રાણોનો અધિક ભાગ શ્રી નવકારની બહાર રહે છે.
શ્રી નવકાર ગણતી વખતે નીચેની ભાવના સતત ભાવે
‘શ્રી નવકારની બહાર જન્મ, જરા અને મૃત્યુ છે. શ્રી નવકારની અંદર શાશ્વત સુખનો મહાસાગર છે.’
શાશ્વત સુખ પ્રત્યેનો આપણો યથાર્થ પક્ષપાત, આપણા સહુને વહેલા-વહેલા શ્રી નવકારના અચિંત્ય પ્રભાવનો પક્ષકાર બનાવો.'