Amarnath Yatra 2023 : જાણો અમરનાથ ગુફાનો ઈતિહાસ અને તેની સાથે જોડાયેલા રોચક તથ્યો
Image Source: Wikipedia
શ્રીનગર, તા. 30 જૂન 2023 શુક્રવાર
અમરનાથ ગુફા મહાદેવના તીર્થ સ્થળોમાંનું એક માનવામાં આવે છે. અમરનાથ ગુફાનું સનાતન ધર્મમાં વિશેષ મહત્વ છે. દર વર્ષે મોટી સંખ્યામાં મહાદેવના ભક્ત તેમની એક ઝલક મેળવવા માટે દૂર-દૂરથી આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ બર્ફાની બાબાના દર્શન કરી લે છે. તેને શિવ શંકરની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. લગભગ 10થી 12 ફૂટ ઊંચા બરફનું શિવલિંગ કુદરતી રીતે અમરનાથ ગુફામાં બને છે. દક્ષિણ કાશ્મીરના હિમાલયનો પ્રદેશમાં અમરનાથ ગુફા સ્થિત છે, જે શ્રીનગરથી લગભગ 141 કિલોમીટરના અંતરે 3888 મીટર એટલે કે 12756 ફૂટની ઊંચાઈ પર સ્થિત છે.
અમરનાથ ગુફા સાથે જોડાયેલા 5 રોચક તથ્ય
1. ગુફાની લંબાઈ
અમરનાથ ગુફાની લંબાઈ અંદરની તરફ 19 મીટર અને 16 મીટર પહોળી છે. આ ગુફાની ઊંચાઈ 11 મીટર છે અને આ લગભગ 150 ફૂટના ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ તે ગુફા છે જ્યાં ભગવાન શિવે માતા પાર્વતીને અમરત્વનું જ્ઞાન આપ્યુ હતુ. ભગવાન ભોલેનાથ પોતે આ ગુફામાં બિરાજમાન રહે છે. માતા સતીનું ગળુ અહીં પડ્યું હતું. તેથી આને 51 શક્તિપીઠો પૈકીનું એક ગણવામાં આવે છે.
2. એકમાત્ર બરફનું શિવલિંગ
કાશ્મીરમાં અસંખ્ય ધાર્મિક તીર્થ છે, જેમાં 45 શિવ ધામ, 3 બ્રહ્મા ધામ, 60 વિષ્ણુ ધામ, 22 શક્તિ ધામ અને લગભગ 700 નાગ ધામ સ્થિત છે. આ તમામમાં સૌથી વધુ મહત્વનું અમરનાથ ધામ છે. કહેવાય છે કે જે વ્યક્તિ કાશીમાં શિવલિંગના દર્શન અને પૂજા કરે છે તેને 10 ગણુ ફળ મળે છે પરંતુ અમરનાથ બાબાના દર્શન પ્રયાગથી 100 ગણા અને નૈમિષારણ્યથી હજાર ગણુ પુણ્ય આપનારા માનવામાં આવે છે. કાશ્મીરનો શાસક સામદીમત વિશે ઉલ્લેખ છે કે તે ભગવાન શિવનો બહુ મોટો ભક્ત હતો. જે જંગલોમાં બરફથી નિર્મિત શિવલિંગની પૂજા આરાધના કરતો હતો. બરફનું શિવલિંગ સમગ્ર દુનિયામાં કાશ્મીર સિવાય ક્યાંય પણ નથી.
3. બર્ફાની બાબાની ઊંચાઈ વધે-ઘટે છે
પ્રચલિત માન્યતા અનુસાર બર્ફાની બાબાની ઊંચાઈ ચંદ્ર અનુસાર ઘટે અને વધે છે. જ્યારે પૂનમ હોય છે ત્યારે શિવલિંગ પૂર્ણ આકારમાં હોય છે. અમાસના દિવસે શિવલિંગનો આકાર ઘટે છે. શિવલિંગ પર સતત બરફની વર્ષા થતી રહે છે.
4. અમરનાથ ગુફાનો ઈતિહાસ
માન્યતા અનુસાર અમરનાથ ગુફાની શોધ બુટ્ટા મલિક નામના પશુપાલક દ્વારા કરવામાં આવી હતી. બુટ્ટા મલિક પશુ ચરાવતી વખતે ખૂબ દૂર પહોંચી ગયો જ્યાં તેની મુલાકાત સાધુ સાથે થઈ, તેમણે બુટ્ટા મલિકને કોલસાથી ભરેલો એક થેલો આપ્યો. મલિકે જ્યારે તે થેલાને ઘરે જઈને જોયો તો તેમાં સોનુ હતુ. કોલસામાંથી સોનુ બનેલુ જોઈને તે ચોંકી ગયો. બુટ્ટા મલિક પાછો તે સાધુની શોધમાં નીકળી પડ્યો. સાધુને શોધતા-શોધતા તેને અમરનાથ ગુફા જોવા મળી પરંતુ ત્યાં સાધુ નહોતા. ત્યારથી આ સ્થાન તીર્થ સ્થળ તરીકે પ્રચલિત થયુ.
5. અમરનાથ ગુફાની પ્રચલિત કથા
ધાર્મિક ગ્રંથો અનુસાર અમરનાથ ગુફામાં ભગવાન શિવે માતા પાર્વતીને અમરકથા સંભળાવી હતી. અમર કથાને કોઈ અન્ય જીવ ન સાંભળી શકે તેથી ભગવાન શિવે પંચતત્વ વાયુ, જળ, પૃથ્વી, આકાશ અને અગ્નિનો ત્યાગ કરીને આ પર્વતમાળાઓમાં પહોંચીને માતા પાર્વતીને અમરકથા સંભળાવી. આ રહસ્ય માતા પાર્વતી સાથે શુક (કબૂતર) એ પણ સાંભળી લીધી. બાદમાં આ શુક, શુકદેવ ઋષિ તરીકે જાણીતા થયા.