આજથી ખરમાસ શરૂ, એક મહિના સુધી નહીં થઈ શકે માંગલિક કાર્ય
નવી દિલ્હી,તા. 14 માર્ચ 2024, ગુરુવાર
ખરમાસ વર્ષમાં બે વાર આવે છે. એકવાર જ્યારે સૂર્ય ધનુરાશિમાં પ્રવેશ કરે છે અને બીજી જ્યારે સૂર્ય મીન રાશિમાં જાય છે. 14 માર્ચ, 2024 ને ગુરુવારે બપોરે 3:12 વાગ્યાથી ખરમાસ શરૂ થશે. સૂર્ય ભગવાન 13 એપ્રિલે રાત્રે 9:03 વાગ્યા સુધી અહીં બિરાજશે, ત્યારબાદ તેઓ મેષ રાશિમાં પ્રવેશ કરશે. આ સાથે, ખરમાસ સમાપ્ત થશે.
ખરમાસ દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી કે કોઈ નવું કાર્ય શરૂ કરવામાં આવતું નથી. ખરમાસ દરમિયાન લગ્ન, મુંડન, સગાઈ, જનેઉ, ગૃહ પ્રવેશ વગેરે જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી. જ્યારે સૂર્ય ગુરુની રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે ખરમાસ થાય છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, જ્યારે સૂર્ય ભગવાન ગુરુની રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તેમનું તેજ ઓછું થઈ જાય છે. આજ કારણ છે કે, આ સમયગાળા દરમિયાન લોકો કોઈ પણ શુભ કાર્ય કરતા નથી. જો કે, એવી દલીલ પણ કરવામાં આવે છે કે, સૂર્યદેવ તેમના ગુરુની સેવા કરવાનું શરૂ કરે છે અને કોઈપણ શુભ કાર્યમાં હાજર રહેતા નથી. શુભ કાર્યોમાં નવગ્રહોની પૂજા કરવામાં આવે છે અને તેમના માટે હવન કરવામાં આવે છે. ગ્રહોના રાજા સૂર્ય ન હોય ત્યારે શુભ કાર્યો કેવી રીતે થઇ શકે?
આ કામો ખરમાસમાં થઈ શકે છે
- આ મહિનો ધર્મ, દાન, જપ અને તપ વગેરે માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
- ખરમાસમાં બ્રાહ્મણ, ગુરુ, ગાય અને સાધુ-સંન્યાસીની સેવા કરવી જોઈએ.
- ખરમાસના આ મહિનામાં તીર્થયાત્રા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
- ખરમાસ દરમિયાન ભગવાન સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ.
- શ્રી આદિત્ય હૃદય સ્તોત્રનો દરરોજ ત્રણ વાર ખર્માસમાં પાઠ કરવો જોઈએ.