'કરવા ચોથ' 31 ઓક્ટોબરે કે 1 નવેમ્બરે? જાણો તારીખ, શુભ મુહૂર્ત, મહત્વ અને પૂજા વિધિ
Image Source: Freepik
અમદાવાદ, તા. 21 ઓક્ટોબર 2023 શનિવાર
કરવા ચોથની પૂજા 1 નવેમ્બરે 5.44 વાગ્યાથી સાંજે 7.02 વાગ્યા સુધી કરી શકાશે. જ્યોતિષ અનુસાર આ વર્ષે કારતક કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ 31 ઓક્ટોબર મંગળવારે રાત્રે 9.30 મિનિટથી શરૂ થઈને 1 નવેમ્બરે રાત્રે 09.19 મિનિટ સુધી છે. દરમિયાન ઉદયા તિથિ અનુસાર કરવા ચોથનું વ્રત 1 નવેમ્બર બુધવારે રાખવામાં આવશે. કરવા ચોથની પૂજા 1 નવેમ્બરે 05.44 મિનિટથી સાંજે 07.02 મિનિટ સુધી કરવામાં આવી શકે છે.
કરવા ચોથનું વ્રત કેવી રીતે મનાવવામાં આવે છે
આ દિવસે પરિણીત સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આખો દિવસ નિર્જળા વ્રત રાખે છે. વ્રત શરૂ થયા પહેલા સાસુના હાથે સજેલી સરગી લેવામાં આવે છે. જે બાદથી આ વ્રતની શરૂઆત માનવામાં આવે છે. જે બાદ રાતના સમયે ચંદ્રદેવને જળ અર્પણ કર્યા બાદ જળ ગ્રહણ કરવામાં આવે છે અને વ્રત કરતી મહિલાઓ પાણી પીને પોતાનું વ્રત ખોલે છે.
કરવા ચોથના દિવસની પૂજા વિધિ
કરવા ચોથના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન બાદ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો, વ્રતનું સંકલ્પ લો અને પૂજાની સામગ્રી તૈયાર કરો. આખો દિવસ નિર્જળા વ્રત રાખવુ. માટીથી ગૌરી અને ગણેશ બનાવો. માતા ગૌરીને સોહાગણની વસ્તુઓ બંગડી, ચાંદલો, ચુંદડી, સિંદૂર અર્પણ કરો. કરવામાં ઘઉં અને તેના ઢાંકણામાં ખાંડનું બુરુ મૂકો. કંકુથી કરવા પર સ્વસ્તિક બનાવો. સાંજે ગૌરી અને ગણેશની પૂજા કરી અને કથા સાંભળો. રાત્રે ચંદ્રને જોઈને પતિના આશીર્વાદ લો અને વ્રતના પારણા કરો.
કરવા ચોથના દિવસનું મહત્વ અને ઈતિહાસ
જ્યોતિષ અનુસાર એવી માન્યતા છે કે કરવા ચોથનું વ્રત રાખવાના કારણે માતા પાર્વતીને ભગવાન શિવ પતિ રૂપમાં મળ્યા હતા. આ વ્રત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને અખંડ સૌભાગ્યવતી માટે રાખે છે.
કરવા ચોથનો ભોગ કેવી રીતે તૈયાર કરવો
કરવા ચોથમાં પારણા માટે ક્યાંક શીરો પૂરી અને ચૂરમુ તો ક્યાંક બટાકાની શાકભાજી અને પૂરી બનાવવામાં આવે છે. ક્યાંક આ દિવસે દાળના ફરા અને કઢી બનાવવામાં આવે છે. કરવા ચોથે શીરો, પૂરી, ખીર, શાકભાજી, મિઠાઈ પણ બનાવવામાં આવે છે. આ વ્રતમાં ભોજન બનાવવામાં લસણ અને ડુંગળીનો ઉપયોગ ન કરો. ભોગ લગાવવા માટે તમે ઘી અને ગોળ લઈ શકો છો. જેમાં તમે સૌથી પહેલા ભગવાન ગણેશજીના ભોગની થાળી તૈયાર કરો. જેમાં શીરો-પૂરી મૂકો. હિંદુ ધર્મમાં સોહાગણ મહિલાઓ માટે કરવા ચોથનું વ્રત ખૂબ મહત્વનું હોય છે. આ વ્રત દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ રાખવામાં આવે છે.