કર્ક (ડ.હ.) .
- નોકરીમાં યશ-પદ-ધનની પ્રાપ્તિ થાય, કામની પ્રશંસા થવાથી ઉત્સાહ વધે
- ધંધાકીય દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. વર્ષારંભે ગુરૂ ગ્રહની પ્રબળતા આપને લાભ-ફાયદો કરાવડાવે
- વર્ષની મધ્યમથી વર્ષના અંત સુધીનો સમય મધ્યમ રહેશે. જોકે આપના કામ થવાથી રાહત રહે
સં વત ૨૦૭૯ નું નવું વર્ષ આપના માટે સારું રહે. વર્ષારંભના દિવસો સારા પસાર થાય. યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકતમાં દિવસ પસાર થાય. જૂના-નવા સંબંધો તાજા થાય. નવી ઓળખાણ-મિત્રતા થાય. પરંતુ શનિની પ્રતિકૂળતાને લીધે આપને મુશ્કેલી અનુભવાય. પરિવારમાં વડીલવર્ગને બિમારી-ચિંતાનું આવરણ આવી જાય.
વર્ષનો ઉત્તરાર્ધ આપના માટે મધ્યમ રહે. ગુરૂ-રાહુની યુતિના લીધે આપે સંભાળવું પડે.
આરોગ્ય સુખાકારી
આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિ એ સંવત ૨૦૭૯ નું વર્ષ ગત વર્ષની સરખામણીએ સારું પસાર થાય. ગત વર્ષ દરમ્યાન કષ્ટ-પીડામાંથી પસાર થયા હોય તેમાંથી બહાર આવતા જાવ.
વર્ષ દરમ્યાન પીઠમાં-શ્વાસમાં દર્દ-પીડાથી સંભાળવું પડે. વર્ષારંભથી તા. ૧૭-૧-૨૦૨૩ સુધી પેટ-પેઢુની, ગુદાભાગની પગની તકલીફ જણાય. તા. ૧૩ ફેબુ્રઆરીથી તા. ૧૪ માર્ચ સુધી આંખોમાં દર્દ-પીડા અનુભવાય. નંબરમાં વધઘટ થવાને લીધે મોતીયાની અસરના લીધે કે બીજી કોઈ ઈન્ફેકશનના લીધે વાંચવામાં-જોવામાં તકલીફ રહે. તે સિવાય જેઠ અને અષાઢ માસ દરમ્યાન પણ આંખોની તકલીફ અનુભવાય. નાની મોટી શસ્ત્રક્રિયા કરાવવી પડે. તે સિવાય ફાગણ વદ-પાંચમથી વૈશાખ વદ - પાંચમ સુધી પીઠમાં - કમરમાં દર્દ-પીડા રહે. કીડનીની તકલીફ ઉભી થાય. તા. ૩-૧૦ થી તા. ૧૬-૧ સુધી આપે. છાતીમાં દર્દ-પીડાથી સંભાળવું પડે. બી.પી.ની તકલીફ હોય તેમને સમયસર દાકતરી તપાસ કરાવતા રહેવું. કમરમાં-પીઠમાં, આંખોમાં દર્દ-પીડા રહે. સાંસારિક કે વ્યવસાયિક ચિંતા-ઉચાટના લીધે બી.પી. ડાયાબીટીસ જેવી તકલીફ આવે. જો પહેલેથી જ હોય તો તેમાં ધ્યાન રાખવું.આસો માસમાં વજન ઉપાડવામાં, ખસેડવામાં કમરમાં ચસક આવી જાય તેની તકેદારી રાખવી પડે. દિવાળીના સમયમાં સાફસૂફી વગેરે કાર્યોમાં આપે ધ્યાન રાખવું પડે.
આર્થિક સુખ-સંપત્તિ
સંવત ૨૦૭૯ નો વર્ષનો પ્રારંભ આપના માટે આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ સારો રહે. આપના મહત્વના કામ થાય. આવક થાય. ફસાયેલા નાણાં છૂટા થવાથી રાહત-હળવાસ રહે. જેમની નોકરી છૂટી ગઈ હોય તેમને નોકરી મળતા આવક ચાલુ થાય. ગત વર્ષની સરખામણીએ વર્ષ સારું રહે.
તા. ૧૨-૩ થી તા. ૧૦-૫ દરમ્યાન અસ્ત્ર-શસ્ત્ર-વાહનથી સંભાળવું પડે. કાયદાકીય બાબતોમાં અટવાઈ જવાને લીધે ખર્ચમાં વધારો જણાય. તે સિવાય તા. ૧૫-૬- થી તા. ૧૬-૭ દરમ્યાન રાજકીય-સરકારી કીન્નાખોરીના ભોગ આપે બનવું પડે અને તેની અસર આપના અર્થોપાર્જન પર પડે.
તા. ૩-૧૦ થી વર્ષના અંત સુધી આપે કોઈને કોઈ સફળતાના લીધે નાણાંકીય રીતે સંભાળવું પડે. આકસ્મિક કોઈ બીમારી, કૌટુંબિક-પારિવારીક પ્રશ્નોના લીધે બીમારીના લીધે આકસ્મિક ખર્ચ જણાય. સંતાનના પ્રશ્ને આપની બેચેની વ્યગ્રતા રહે. તેના લીધે ખર્ચ-ખરીદીમાં વધારો જણાય.
આ સિવાય વર્ષ દરમ્યાન આપની આવકનો સ્ત્રોત ચાલુ રહેતાં આપના પારિવારીક-સામાજિક-વ્યવહારિક ખર્ચને પહોંચી વળવામાં સાનુકૂળતા રહે. આપના વ્યવહારો સરવાઈ રહેતા રાહત રહે. તે સિવાય જૂના-નવા સંબંધોનો લાભ પણ આપને વર્ષ દરમ્યાન મળી રહે.
પત્ની-સંતાન-પરિવાર
વર્ષારંભે આપને ગુરૂની સાનુકૂળતા છે જેથી પારિવારિક કામનો ઉકેલ આવે. ગત વર્ષ દરમ્યાન અનુભવેલી મુશ્કેલીઓમાંથી બહાર આવતા જાવ. પત્ની-સંતાનના નસીબ ભાગ્યનો લાભ આપને મળી રહે. વર્ષો જૂના વાદ-વિવાદ, મનમોટાવ, ગેરસમજ દૂર થતા સંબંધો ફરી તાજા થાય. અવિવાહિત વર્ગને વર્ષારંભથી તા. ૨૧-૪-૨૦૨૩ સુધીના સમય દરમ્યાન વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. સંતાનના અભ્યાસ-કારકીર્દી માટે સમય સાનુકૂળ રહે. સંતાનને વિદેશગમનના પ્રયાસ કરતા હોવ તો તેમાં સફળતા મળી રહે. વિદેશ સ્થાયી થયેલા સંતાન સાથે મુલાકાતના યોગ ઉભા થાય. પરદેશ જવાનું આયોજન ગોઠવાય.
નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?
સંવત ૨૦૭૯ નો પ્રારંભ આપના માટે સાનુકૂળ રહે. નોકરીમાં યશ-પદ-ધનની પ્રાપ્તિ થાય. આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે.
લાંબા સમયથી અટકી પડેલા બઢતી-બદલીના પ્રશ્નમાં પ્રગતિ જણાય. બઢતી-બદલી આવવાથી આનંદ રહે. પરંતુ બઢતી સાથે બહાર જવાની તૈયારી આપે રાખવી પડે. ઉપરી વર્ગ- સહકાર્યકર વર્ગ- નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર રહેવાથી આનંદ-ઉત્સાહ રહે. તેઓ આપને મદદરૂપ થવાના પ્રયત્નો કરે. તેમની મદદથી આપના કાર્યમાં સફળતા મળી રહે.
વર્ષની મધ્યમથી વર્ષના અંત સુધીનો સમય આપના માટે મધ્યમ રહેશે. જોકે આપના કામ થવાથી રાહત રહે. તેમ છતાં આપને ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે. ક્યારેક-ક્યારેક કામમાં ધારી સફળતા મળે નહીં. મિત્રવર્ગની તકલીફ રહે. લાગણીના સંબંધોમાં કે બે આંખની શરમમાં કોઈ કામ કરવામાં આપે ધ્યાન રાખવું પડે. તા. ૧૨ માર્ચથી તા. ૧૦ મે સુધીના સમય દરમ્યાન ખાતાકીય તપાસમાં અટવાઈ ન જાવ તેનું ધ્યાન રાખવું પડે. નાણાંકીય જવાબદારી સંભાળનારે કોઈના પર વિશ્વાસ રાખવો નહીં. તમારી બેદરકારીના લીધે કે અન્યની ભૂલના લીધે તમારે નાણાંકીય ભરપાઈ કરવી પડે.આ સિવાય તા. ૩-૧૦ થી વર્ષના અંત સુધી આપને નોકરીમાં મુશ્કેલી જણાય. કોઈની શેહ-શરમમાં આવીને કોઈ કામ કરવું નહીં કે કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. પરદેશના કાર્યમાં આપની મુશ્કેલીમાં વધારો થાય. પરદેશની કંપની સાથે સમયચક્રનું અનુકૂલન સાધવામાં ખાવા-પીવાની-ઊંઘવાની અસ્તવ્યસ્તાને લીધે તબિયત પર અસર જણાય.
ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?
ધંધાકીય દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. વર્ષારંભે ગુરૂ ગ્રહની પ્રબળતા આપને લાભ-ફાયદો કરાવડાવે. ગત વર્ષ દરમ્યાન અનુભવેલી મુશ્કેલીઓમાંથી બહાર આવીને આગળ વધી શકો.
તા. ૨૧-૪-૨૦૨૩ સુધી આપને ધંધામાં સાનુકૂળતા રહે. દેશ-પરદેશના કામનો ઉકેલ આવતો જાય. આપના રૂકાવટ-મુશ્કેલીમાં અટવાઈ પડેલા કામનો આપની બુદ્ધિ-મહેનત-અનુભવ આવડતથી ઉકેલ લાવી શકો. ધંધાની જગ્યા ફેરબદલ કરવાનું વિચારતા હોવ, ધંધો બદલવાનું વિચારતા હોવ તો તેમાં સાનુકૂળતા મળી રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુઓ, ભાગીદારીવાળા ધંધામાં ભાગીદારનો સાથ-સહકાર મળી રહે.
ત્યારબાદ ગુરૂ-રાહુની યુતિના લીધે આપે ધંધામાં થોડી સાવધાની રાખવી પડે. ધીરજ અને શાંતિ રાખીને કામ કરવું કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. ઉતાવળીયા નિર્ણયો લેવા નહીં. વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખથી સંભાળવું પડે.
તા. ૧૨ માર્ચથી ૧૬ જુલાઈ સુધી ધંધામાં મુશ્કેલી જણાય. જમીન-મકાન, વાહનના ધંધામાં, તેલ-ખનીજ સંપત્તિના ધંધામાં મુશ્કેલીનો સામનો કરવો પડે. ઉધાર ધંધો કરવામાં નાણાં ફસાઈ જાય તેવું ન બને તેનું ધ્યાન રાખવું પડે. સરકારી ખાતાકીય તપાસમાં ફસાઈ ન જાવ તેની તકેદારી રાખવી. તા. ૩ ઓક્ટોબરથી વર્ષના અંત સુધી આપે ધીરજ અને શાંતિ રાખીને નિર્ણય કરવા. પેસ્ટીસાઈઝ દવાઓ, આરોગ્યલક્ષી દવાઓના ધંધામાં આપે વિશેષ તકેદારી રાખવી પડે.
સ્ત્રીવર્ગ
સ્ત્રીવર્ગને ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી આનંદ-ઉત્સાહ રહે. શારીરિક-માનસિક સ્વસ્થતામાં સુધારો થતાં સરળતાથી આપનું કામકાજ કરી શકો.
નોકરી-ધંધામાં વર્ષના પ્રારંભમાં આપને સાનુકૂળતા રહે. પતિ-સંતાનનો સાથ-સહકાર આપને મળી રહે. પુખ્ત સંતાનના વિવાહ લગ્નની વાતચીત આવે કે નક્કી થવાથી આનંદ રહે.
વિદ્યાર્થી વર્ગ
વિદ્યાર્થી વર્ગને તા. ૨૧-૪-૨૦૨૩ સુધીનો સમય વિદ્યાભ્યાસ માટે સાનુકૂળ રહે. આત્મવિશ્વાસમાં વધારો થવાથી અભ્યાસમાં સરળતા મળી રહે. પરંતુ પરીક્ષા સમયે આપે આંખોમાં દર્દ-પીડાથી સંભાળવું પડે. વધુ પડતા રાત્રી ઉજાગરા આપની મુશ્કેલીમાં વધારો કરે. માથામાં દર્દ-પીડાની તકલીફ રહે.
તે સિવાય વર્ષની મધ્યથી વર્ષના અંત સુધીનો સમય મધ્યમ રહે. મિત્રવર્ગ સાથે હરવા ફરવામાં, આળસમાં, લાગણીના સંબંધોમાં અભ્યાસ બગડે નહીં તેની તકેદારી રાખવી પડે. તા. ૩ ઓક્ટોબરથી વર્ષાન્તની સુધી મિત્રવર્ગ સાથે વાદ-વિવાદ - મનદુઃખ - ગેરસમજ ઊભી થઈ જવાના લીધે ઉચાટ-ઉદ્વેગ રહે. તે સિવાયના સમય દરમ્યાન આપે સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે જેના લીધે આપના અભ્યાસમાં વિલંબ-રૂકાવટ રહે.
ઉપસંહાર
ટૂંકમાં જોવા જઈએ તો સંવત ૨૦૭૯ નું વર્ષ આપના માટે મધ્યમ રહે. વર્ષનો પ્રારંભ સારો રહે તો વર્ષના અંતમાં સમય મધ્યમ રહે. નોકરી-ધંધાકીય રીતે, પારિવારીક દ્રષ્ટિએ સંતાન પત્ની વગેરે માટે પ્રારંભિક સમય સાનુકૂળ રહે. વર્ષની મધ્યથી વર્ષના અંત સુધી પારિવારીક-વ્યવસાયિક ચિંતા-ઉચાટ રહ્યા કરે.