આજે કાળીચૌદશની રાત્રે કરેલી પૂજા-સાધનાનું સહસ્ત્રગણું મળે છે ફળ, 7 વખત હનુમાન ચાલિસા કરવાનું ભૂલતા નહી
Kali Chaudas Pooja : અમદાવાદ સહિત રાજ્યભરમાં ધનતેરસની આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. હવે આજે કાળી ચૌદશ છે. શાસ્ત્રવિદોના મતે કાળીચૌદશના દિવસ અને રાત્રિએ કરેલી પૂજા-સાધના સહસ્ત્રગણું ફળ આપે છે.
સાધના માટે તુરંત ફળ આપતો સિદ્ધ દિવસ
કાળીચૌદશને નરક ચતુર્દશી અને રૂપ ચૌદશ પણ કહેવામાં આવે છે. આ દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે. ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે. એવી માન્યતા છે કે, જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે. જ્યોતિષીઓના મતે કાળી ચૌદશ ઉગ્ર દેવી-દેવતાની સાધના માટે તુરંત ફળ આપતો સિદ્ધ દિવસ ગણાય છે.
7 વખત હનુમાન ચાલિસા કરવાથી ભય નાશ પામે
કાળી ચૌદશ દરમિયાન તંત્ર-યંત્ર-મંત્ર સાધના તેમજ મહાકાળી પૂજા, હનુમાનજીની પૂજા, ભૈરવ પૂજા શિધ્ર ફળ આપે છે. કાળી ચૌદશના દિવસ અને રાત્રિને સિદ્ધદાયી માનવામાં આવે છે તેમ જણાવતા જ્યોતિષી ચેતન પટેલે ઉમેર્યું કે કાળીચૌદશની સાધના મંત્ર પ્રયોગ કે આરાધના કરવાથી ભૂત અંધકાર, પ્રેત પિશાચ રાત્રિ, ભય નાશ પામે છે. આપત્તિ, સંકટ સામે રક્ષણ મળે છે અને શક્તિની પ્રાપ્તિ થાય છે. કાળી ચૌદશની રાતે ઘૂપ-દીવો પ્રગટાવી 7 વખત હનુમાન ચાલિસા કરવાથી ભય નાશ પામે છે. શત્રુ બાધા-દૂર થાય અને આકસ્મિક રક્ષણ મળે છે.