જગન્નાથજીના મંદિરની સતત સુરક્ષા કરે છે હનુમાન દાદા, એટલે જ શાંત રહે છે દરિયો: જાણો રોચક ગાથા
Image Twitter |
Jagannath Puri Mandir : અહીં હનુમાનજીનું એક એવું મંદિર છે, જ્યાં તેમની મૂર્તિ હંમેશા સાંકળોથી બાંધીને રાખવામાં આવે છે. ઓડિશામાં આવેલા પવિત્ર પુરી વિસ્તાર જગન્નાથ પુરી ધામ તરીકે ઓળખાય છે. ભગવાન જગન્નાથના મંદિર તેમજ સ્વયં ભગવાનની મૂર્તિ વિવિધ ચમત્કારો અને રહસ્યોથી જોડાયેલી છે, પરંતુ આ મંદિરની એવા અન્ય કેટલાય રહસ્યમય મંદિરો આવેલા છે, જેમાંથી એક હનુમાનજીનું મંદિર છે, જ્યાં તેમની મૂર્તિને સાંકળોથી બાંધીને રાખવામાં આવી છે.
દર્શન માટે દરિયો બેચેન બન્યો હતો
પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ભગવાન જગન્નાથના આ સ્થાન પર આવ્યા પછી દરેક દેવતાઓ, મનુષ્યો અને ગંધર્વોની ઈચ્છા થઈ કે, ભગવાનના દર્શન કરીએ. તેથી આ દરેક લોકો ભગવાન જગન્નાથના દર્શન માટે ત્યાં પહોંચ્યા ત્યારે આ દેવતાઓને દર્શન માટે જતા જોઈને સમુદ્રને પણ દર્શન કરવાની ખૂબ ઈચ્છા થઈ, તેથી દરિયાએ કેટલીયેવાર મંદિરમાં પ્રવેશવાની કોશિશ કરી, જેના કારણે મંદિર અને ભક્તોને ખૂબ નુકસાન થયું હતું.
ભક્તોએ જગન્નાથજી પાસે મદદ માંગી
દરિયાએ ઘણી વખત મંદિરમાં પ્રવેશ કરવાની કોશિશ કરી અને તેના કારણે મંદિર અને ત્યાં આવતાં ભક્તોને નુકસાન થયું હતું. તેથી તમામ ભક્તોએ ભગવાન જગન્નાથને આ સમસ્યાના સમાધાન માટે વિનંતી કરી હતી. કારણ કે દરિયાની ભગવાનના દર્શન કરવાની ઈચ્છાથી ભક્તોને દર્શન કરવા શક્ય નહોતા. ત્યારે ભગવાન જગન્નાથે હનુમાનને સમુદ્રને નિયંત્રિત કરવા માટે નિયુક્ત કર્યા. ત્યારે એવુ કહેવાય છે કે, પવનપુત્ર હનુમાનજીએ સમુદ્રને બાંધી દીધો હતો. ત્યાર બાદથી પુરીનો દરિયો શાંત થઈ ગયો હતો.
દરિયાએ ચતુરાઈ બતાવી
એવું કહેવાય છે કે, હનુમાનજીએ ભગવાન જગન્નાથની આજ્ઞાનું પાલન કરીને દિવસ-રાત સમુદ્રની રક્ષા કરવામાં લાગી ગયા હતા. ત્યાર બાદ સમુદ્રનું મંદિરમાં પ્રવેશવું મુશ્કેલ બની ગયું હતું. તેથી સમુદ્રે ખૂબ જ ચતુરાઈથી હનુમાનજીની ભક્તિનો લાભ લેવા માટે તેમને પડકાર આપ્યો કે, તમે ભગવાનના કેવા ભક્ત છો, ક્યારેય ભગવાનના દર્શન માટે જતા નથી. તમને ક્યારેય ઈચ્છા જ નહીં થતી હોય કે, ભગવાન જગન્નાથની અનોખી સુંદરતાના દર્શન કરીએ. ત્યારે હનુમાનજીએ પણ વિચાર્યું કે, ઘણા દિવસો થઈ ગયા છે, તો, આજે ભગવાનના દર્શન કરી લઉ.
આ રીતે સાંકળથી બાંધ્યા બજરંગબલી
કથા પ્રમાણે સમુદ્રની વાતોમાં આવીને હનુમાનજી પણ ભગવાન જગન્નાથના દર્શન કરવા નીકળી પડ્યા. પછી દરિયો પણ તેમની પાછળ આવવા લાગ્યો. આ રીતે જ્યારે પણ પવનસુત મંદિરમાં જતા ત્યારે સમુદ્ર પણ તેમની પાછળ પાછળ આવી જતો અને ફરી મંદિરમાં નુકસાન થવા લાગ્યું. ત્યારે જગન્નાથજી હનુમાનની આ કાર્યથી નારાજ થઈને તેમને સોનાની સાંકળોથી બાંધી દીધા. કહેવાય છે કે, જગન્નાથપુરીમાં દરિયા કિનારે આવેલ બેડી હનુમાનજીનું પ્રાચીન મંદિર એ જ છે, જ્યાં ભગવાને હનુમાનજીએ બાંધી દીધા હતા.