સોનું-ચાંદી જ નહીં ધનતેરસે આ વસ્તુઓની ખરીદી પણ મનાય છે શુભ, મળશે મા લક્ષ્મીના આશીર્વાદ
Dhanteras 2024 : હિંદુ કેલેન્ડર અનુસાર ધનતેરસ કારતક માસમાં કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ (13મો દિવસ) પર ઉજવવામાં આવતો મુખ્ય હિંદુ તહેવાર છે. તેને ધનત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. 'ધનતેરસ' એ બે શબ્દોથી બનેલો શબ્દ છે. જેમાંથી પહેલો શબ્દ છે 'ધન' જેનો અર્થ થાય છે પૈસા, જ્યારે 'તેરસ' એટલે કૃષ્ણ પક્ષનો 13મો દિવસ. સોનું ખરીદવા કે નવો ધંધો શરૂ કરવા માટે આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. સામાન્ય રીતે ધનતેરસ ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં આવે છે.
આ દિવસે લોકો દેવી લક્ષ્મી, ભગવાન કુબેર અને ભગવાન ધન્વંતરીની પૂજા કરે છે. અને સંપત્તિ, સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધ ભવિષ્ય માટે તેમના આશીર્વાદ માંગે છે. આ વર્ષે ધનતેરસ 29 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે. ત્રયોદશી તિથિ સવારે 10.31 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે બપોરે 1.15 વાગ્યા સુધી ચાલશે. પૂજા માટેનો શુભ સમય સાંજે 6.30 થી 8.12 સુધીનો રહેશે. ચાલો જાણીએ ધનતેરસ પર કઈ વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે અને તેની પાછળના કારણો શું છે.
સોનું અને ચાંદી
ધનતેરસ પર સોના અને ચાંદીમાં સિક્કા કે ઘરેણાંની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. આ દિવસે ઘરેણાંની માંગ વધી જવાથી તેની કિંમતમાં વધારો થઇ જાય છે. સોનાનું સાંસ્કૃતિક મહત્ત્વ વધારે છે. તેને સંપત્તિ અને પ્રતિષ્ઠાનું પ્રતીક માનવામાં આવે છે. બીજી તરફ સોના કરતાં ચાંદી એ ઘણો સસ્તો વિકલ્પ છે.
વાસણ
આ દિવસે તાંબા અને પિત્તળના નવા વાસણો ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે રસોડામાં સમૃદ્ધિ નું પ્રતીક છે. આ સમયગાળા દરમિયાન ઘણીવાર સ્ટીલ અને લોખંડની વસ્તુઓ ખરીદવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે.
સાવરણી
ધનતેરસ પર સાવરણી લાવવી એ પરિવારમાંથી આર્થિક સમસ્યાઓ દૂર કરવાનું પ્રતીક છે. માન્યતા અનુસાર તે ભક્તોને તમામ દેવામાંથી મુક્તિ અપાવવામાં મદદ કરે છે. અને ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ લાવે છે.
નવું વાહન
જો તમે કોઈ નવા વાહનની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો ધનતેરસ આ માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. જેથી તમને પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. નવા વાહનના આગમનથી ઘરમાં સકારાત્મક વાતાવરણ સર્જાય છે.
ગેજેટ્સ અને ઉપકરણો
લોકો તેમના ઘર માટે નવા ઘરનાં ઉપકરણો ખરીદવા અથવા સ્માર્ટફોન જેવા ગેજેટ્સ ખરીદવા માટે ઘણાં ઉત્સુક હોય છે. આજકાલ ઘણાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ તેમજ ઑફલાઇન રિટેલ સ્ટોર્સ ઉત્પાદનો પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરે છે.