જાણો ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ 14 વર્ષના વનવાસ દરમિયાન સૌથી વધુ કયા શહેરમાં રોકાયા હતા
Image Source: Wikipedia
અમદાવાદ, તા. 17 જાન્યુઆરી 2024 બુધવાર
અયોધ્યામાં બની રહેલા ભગવાન રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. અયોધ્યામાં થનારા આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ વચ્ચે ભગવાન રામની કહાનીઓ પણ જણાવાઈ રહી છે.
પોતાના વનવાસ દરમિયાન ભગવાન રામે અયોધ્યાથી ધનુષકોટિ અને પછી લંકા સુધીની યાત્રા કરી હતી. આ 14 વર્ષના સમયમાં તેઓ અલગ-અલગ સ્થળો પર રોકાયા હતા અને એક સ્થળ પર અમુક સમય રહીને આગળ વધ્યા હતા. ભગવાન રામ, લક્ષ્મણ, સીતા જે-જે રાજ્યોમાં રોકાયા હતા, તેમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, તમિલનાડુ વગેરે સામેલ છે.
ક્યાં સૌથી વધુ સમય સુધી રોકાયા હતા?
ભગવાન રામનો વનવાસ 14 વર્ષનો હતો અને માન્યતા છે કે આ વનવાસ દરમિયાન સૌથી વધુ સમય તેમણે ચિત્રકૂટમાં જ પસાર કર્યો હતો. અયોધ્યાથી ચિત્રકૂટ સુધી આવવામાં ભગવાનને 10 દિવસ લાગ્યા હતા. જે બાદ લાંબા સમય સુધી તેઓ ચિત્રકૂટ અને તેની આસપાસના સ્થળ પર રહ્યા હતા. ચિત્રકૂટથી ભગવાન સુતીક્ષણ આશ્રમ સુધી ગયા હતા અને ત્યાં આસપાસ ફરતા રહ્યા હતા અને તેમણે આ દરમિયાન ઘણા ઋષિ મુનિઓના દર્શન કર્યા હતા.
જો તમે ચિત્રકૂટ જાવ છો તો ત્યાં ઘણા મંદિર, આશ્રમને લઈને કહેવામાં આવે છે કે ત્યાં ભગવાન રામ આવ્યા હતા. જોકે, ચિત્રકૂટમાં પસાર કરેલા સમયને લઈને ઘણી કહાનીઓ છે અને અલગ અલગ ટાઈમની ડિટેલ સામે આવે છે. ઘણા લોકોનું કહેવુ છે કે ભગવાન અહીં 12 વર્ષ સુધી રહ્યા હતા અને અમુક લોકોનું કહેવુ છે કે ત્યાં માત્ર દોઢ વર્ષ રહ્યા હતા અને બાકી 12 વર્ષ અમુક મહિના બીજા સ્થળો પર રહ્યા હતા.
વનવાસના 10 વર્ષ વિશે ઘણી ઓછી માહિતી છે. 14 વર્ષના વનવાસમાં 10 વર્ષનું વર્ણન અમુક ચોપાઈઓમાં જ પૂરુ થઈ ગયુ છે અને વાલ્મીકિ રામાયણમાં 10 વર્ષ માટે માત્ર 3-4 શ્લોક લખવામાં આવ્યા છે. રામચરિતમાનસમાં અડધા ભાગમાં 10 વર્ષની વાત લખેલી છે. દરમિયાન વચ્ચેના સમયની જાણકારી નથી પરંતુ આ ઘણા રિપોર્ટમાં સામે આવ્યુ છે કે સૌથી વધુ તેઓ ચિત્રકૂટ અને આની આસપાસના વિસ્તારોમાં રહ્યા હતા.