Get The App

વ્રજમાં 40 દિવસ હોળીની ધૂમ: લડ્ડુમાર-લઠ્ઠમાર હોળીની શરૂઆત કઈ રીતે થઈ? શ્રીકૃષ્ણના 3 મુખ્ય મંદિરોનું મહાત્મ્ય

Updated: Mar 11th, 2025


Google News
Google News
વ્રજમાં 40 દિવસ હોળીની ધૂમ: લડ્ડુમાર-લઠ્ઠમાર હોળીની શરૂઆત કઈ રીતે થઈ? શ્રીકૃષ્ણના 3 મુખ્ય મંદિરોનું મહાત્મ્ય 1 - image


તહેવારોના દેશ ભારતમાં જુદા જુદા રાજ્યોમાં હોળી-ધૂળેટીની જુદી જુદી રીતે ઉજવણી કરવામાં આવે છે. જેમાં સૌથી મોટો ઉત્સવ ઉત્તર પ્રદેશના મથુરા-વૃંદાવનમાં કરવામાં આવે છે. દેશ વિદેશથી હજારો કૃષ્ણ ભક્તો હોળી રમવા માટે અહીં આવે છે. વ્રજમાં એક કે બે દિવસ નહીં 40 દિવસ સુધી હોળી-ધૂળેટીની ઉજવણી કરવામાં આવે છે. જેમાં બરસાનાની લઠમાર હોળીમાં તો દેવતા પણ રૂપ બદલીને આવતા હોવાની માન્યતા છે. 

આવો જાણીએ વ્રજની ખાસ હોળી ઉત્સવની ખાસિયતો

લડ્ડુમાર હોળી 

વ્રજની હોળીની શરૂઆત લડ્ડુમાર હોળીથી થાય છે. બરસાનામાં શ્રી રાધારાણીના જન્મસ્થળ પર મહિલાઓ અને યુવતીઓ ગોવાળિયાઓ પર લાડુ મારીને હોળી રમે છે. 

લઠ્ઠમાર હોળી 

આ હોળી નંદગાંવમાં રમાય છે. બરસાનાથી આવેલી યુવતીઓ અને મહિલાઓ નંદગાંવના યુવકો પર લાઠી-દંડા ફટકારીને હોળી રમે છે. હિન્દી કેલેન્ડર અનુસાર દર વર્ષે ફાગણ મહિનાની શુક્લ પક્ષને નવમીએ લઠ્ઠમાર હોળી રમાય છે. જેના માટે એક દિવસ અગાઉ બરસાનાથી નંદગાંવમાં આમંત્રણ પણ અપાય છે. 

એવી માન્યતા છે કે એકવખત શ્રીકૃષ્ણ રાધા રાનીને મળવા બરસાના પહોંચ્યા ત્યારે તેઓ ગોપીઓ સાથે ખિજવતા હતા. તેમનો આ વ્યવહાર જોઈ રાધાજી અને તેમની સખીઓ શ્રીકૃષ્ણ અને ગોવાળિયાઓ પાછળ લાઠી લઈને દોડ્યા. ત્યારથી જ લઠ્ઠમાર હોળીની શરૂઆત થઈ. એવી માન્યતા છે કે અહીં મહિલાઓ રાધાજીની સખી બનીને પુરુષો પર લાઠીનો વરસાદ કરે છે પણ કોઈને ક્યારેય ઈજા થતી નથી. 


છડીમાર હોળી 

ગોકુળમાં લાઠીની જગ્યાએ છડીથી હોળી રમવાની પરંપરા છે. વર્ષોની આ પરંપરામાં શ્રીકૃષ્ણની પાલકીની પાછળ ગોપીઓ સજી-ધજીને હાથમાં છડી લઈને ઊભી રહે છે. હોળીની આ પરંપરાઓ ભગવાન શ્રીકૃષ્ણ અને ગોપીઓના પ્રેમ તથા લીલાને દર્શાવે છે. 

વ્રજ કઈ રીતે પહોંચી શકાય 

હવાઈ માર્ગ: આગ્રા એરપોર્ટ મથુરા શહેરથી 60 કિમી દૂર આવેલું છે. આ સિવાય દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ 160 કિમી દૂર છે. 

રેલ માર્ગ: અમદાવાદ, દિલ્હી, મુંબઈ, કોલકાતા સહિતના મોટા શહેરોથી સીધી ટ્રેન કનેક્ટિવિટી 

સડક માર્ગ: કારથી મુસાફરી કરતાં ભક્તોને યમુના એક્સપ્રેસ-વેથી સરળતા રહે છે 

2025માં મથુરા-વૃંદાવનમાં હોળીના મુખ્ય કાર્યક્રમ 

7 માર્ચ: લડ્ડુમાર હોળી, શ્રીજી મંદિર, બરસાના 

8 માર્ચ: લઠ્ઠમાર હોળી, હોળી ગ્રાઉન્ડ, બરસાના 

9 માર્ચ: નંદગાંવ હોળી, નંદ ભવન, નંદગાંવ 

10 માર્ચ: ફૂલોની હોળી, બાંકે બિહારી મંદિર, વૃંદાવન 

10 માર્ચ: મથુરા ગોળી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિર, મથુરા 

11 માર્ચ: ગોકુળ હોળી, ગોકુળ અને રમણ રેતી 

13 માર્ચ: હોલિકા દહન, દ્વારકાધીશ મંદિર, મથુરા 

14 માર્ચ: ધૂળેટી, દ્વારકાધીશ મંદિર, મથુરા 

મથુરામાં લાખો ભક્તોની ભીડ હોવાથી બાંકે બિહારી મંદિર તરફથી ખાસ અપીલ: 

1. ઠાકોરજી પર દૂરથી ગુલાલ ઉડાડવો, અથવા ગોસ્વામીને આપવો 

2. કિંમતી વસ્તુઓ લઈને મંદિરમાં આવવું નહીં 

3. વૃદ્ધ, નાના બાળકો તથા બીમાર વ્યક્તિઓએ ભીડ છે ત્યાં સુધી મંદિરમાં આવવાનું ટાળવું 

4. મંદિરમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે અલગ અલગ દરવાજાનો જ ઉપયોગ કરવો 

5. શહેરમાં લાગુ ડાયવર્ઝન રૂટનું કડકાઇથી પાલન કરવું 

વ્રજમાં કુલ કેટલા મંદિરો? 

મથુરા, વૃંદાવન અને બરસાનામાં સૌથી મુખ્ય ત્રણ મંદિરો છે, બાંકે બિહારી મંદિર, રાધા રમણ મંદિર, રાધા વલ્લભ મંદિર. આ સિવાય લાડલીજી મંદિર, શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિર, પ્રેમ મંદિર, દ્વારકાધીશ મંદિર તથા ગિરિરાજજીની પરિક્રમાનું પણ અનેરું મહાત્મ્ય છે.

બાંકે બિહારી મંદિરનું મહાત્મ્ય:

દર બીજી મિનિટે પડદો પાડી દે છે ગોસ્વામી, એકીટશે દર્શન કરવાની મનાઈ 

વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં દરરોજ લાખો ભક્તો દર્શન કરવા માટે આવે છે. અહીં ભક્તો એકીટશે શ્રીકૃષ્ણના દર્શન કરી શકતા નથી. અહીં મંદિરના ગર્ભગૃહમાં ગોસ્વામી હંમેશા ઊભા રહે છે અને દર બીજી મિનિટે ઠાકોરજી સામે પડદો કરી દેવામાં આવે છે. આ પ્રથા પાછળ 400 વર્ષ જૂની કથા જોડાયેલી છે. 

400 વર્ષ અગાઉ એક વૃદ્ધ મહિલા બાંકે બિહારીજીના મંદિરમાં કીર્તનમાં અત્યંત લીન થઈ ગઈ. મહિલાને કોઈ સંતાન નહોતા. મહિલા કલાકો સુધી શ્રીકૃષ્ણજીની મૂર્તિ સામે જોઈ રહેતી અને તેમને પોતાના પુત્ર બનાવી લેવાની ઈચ્છા વ્યક્ત કરી. જ્યારે વૃદ્ધા મંદિરથી ઘર તરફ જઈ રહી હતી ત્યારે બાંકે બિહારીજીની મૂર્તિ પણ તેમની પાછળ પાછળ ચાલવા લાગી. જે બાદ પૂજારીઓએ હાથ જોડીને ભગવાનને મંદિરમાં જ રહેવાની પ્રાર્થના કરી અને તેમને ફરી મૂળ સ્થાન પર સ્થાપિત કર્યા. આ દિવ્ય ઘટના સાબિત કરે છે કે ભગવાન કોઈ વસ્તુ નહીં પરંતુ ભક્તના ભાવના ભૂખ્યા છે. તે દિવસ બાદથી આ મંદિરમાં દર બીજી મિનિટે અમુક ક્ષણ માટે પડદો કરી દેવામાં આવે છે જેથી ભગવાન ફરી કોઈ ભક્તની પ્રેમ ભક્તિના કારણે મંદિર છોડીને ચાલ્યા ન જાય. 

કોણે બંધાવ્યું હતું મંદિર? 

બાંકે બિહારી મંદિરની સ્થાપના તેમના અનન્ય ભક્ત સ્વામી હરિદાસે કરી હતી. તેમને તાનસેનના ગુરુ કહેવામાં આવે છે. માન્યતા અનુસાર શ્રીહરિદાસની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન બાંકે બિહારી નિધિવનમાં પ્રગટ થયા હતા. અહીં જે મૂર્તિની પૂજા થાય છે તેમાં શ્રીકૃષ્ણ અને રાધાજી બંનેની છબી છે, તેથી અહીં અડધી મૂર્તિ પર રાધાજી તથા અડધી મૂર્તિ પર શ્રીકૃષ્ણનો શૃંગાર કરવામાં આવે છે. 

વર્ષમાં માત્ર એક જ વાર વાંસળી ધારણ કરે છે બાંકે બિહારી:

બાંકે બિહારીજી વર્ષમાં માત્ર એક જ વખત શરદ પૂર્ણિમાના દિવસે જ વાંસળી ધારણ કરે છે. આ દિવસે મંદિરમાં અનોખી જ રોનક હોય છે તથા ખાસ શ્વેત શૃંગાર કરવામાં આવે છે. આ દિવસે ઠાકોરજીને ખીરનો ભોગ અર્પણ કરાય છે. માન્યતા છે કે મંદિરમાં શ્રીકૃષ્ણના બાળસ્વરૂપની પૂજા થાય છે તેથી દરરોજ વાંસળી ધારણ કરાવવામાં આવતી નથી. 

દરરોજ નથી થતી મંગળા આરતી

માન્યતા છે કે ભગવાન શ્રીકૃષ્ણ દરરોજ રાત્રે નિધિવનમાં ગોપીઓ સંગ રાસ રચાવવા જાય છે અને રાત્રિના ત્રીજા પ્રહરમાં મંદિરમાં પરત ફરે છે. મંદિરમાં તેમના બાળસ્વરૂપની સેવા હોવાથી તેમને સવારે વહેલા ઉઠાડવામાં આવતા નથી. તેથી મંદિરમાં મંગળા આરતી નથી થતી, દિવસની શરૂઆત શૃંગાર આરતીથી થાય છે. જોકે વર્ષમાં માત્ર એક વખત મંગળા આરતી નથી થતી. જન્માષ્ટમીના દિવસે મંગળા આરતી કરાય છે કારણ કે ત્યારે શ્રીકૃષ્ણ નિધિવન નથી જતાં. 

રાધા વલ્લભ મંદિર:

કહેવામાં આવે છે કે રાધા વલ્લભ મંદિરમાં રાધાજી અને શ્રીકૃષ્ણજીના એક જ મૂર્તિમાં દર્શન કરી શકાય છે. કારણ કે અહીં બંને એકાકાર છે. આ મંદિરને લઈને કહેવત ખૂબ પ્રચલિત છે કે 'રાધાવલ્લભ દર્શન દુર્લભ'. કહેવાય છે કે ભક્તો પોતાની ઈચ્છાથી આ મંદિરમાં દર્શન નથી કરી શકતા, જ્યારે ભગવાન ઈચ્છે પછી જ આ મંદિરના દર્શન પ્રાપ્ત થાય છે. 

શિવજીના હૃદયમાંથી પ્રગટ થયા રાધાવલ્લભજી 

પૌરાણિક કથા અનુસાર આત્મદેવજી ભગવાન શિવના પરમ ઉપાસક હતા. તેમના કઠોર તપ પછી ભગવાન શિવે તેમને વરદાન માંગવા કહ્યું. આત્મદેવજીએ કહ્યું હતું કે તમે મને તમારા હૃદયની સૌથી પ્રિય વસ્તુ આપો. ત્યારે શિવજીએ પોતાના હૃદયથી રાધાવલ્લભજીને પ્રગટ કર્યા. રાધાવલ્લભજીનું વિગ્રહ તથા સેવા કરવાની પદ્ધતિ પણ પ્રદાન કરી. જે રીતે શિવજી રાધાવલ્લભજીની સેવા કરતાં હતા આજે એ જ પદ્ધતિથી આ મંદિરમાં ઠાકોરજીની સેવા કરવામાં આવે છે. 

ઔરંગઝેબના શાસનકાળમાં રાધવલ્લભજીના વિગ્રહને રાજસ્થાનના ભરતપુરમાં લઈ જવું પડ્યું હતું. 123 વર્ષ સુધી ત્યાં જ તેમની સેવા કરવામાં આવી. જે બાદ ફરી વૃંદાવનમાં મૂર્તિની સ્થાપના કરાઇ. 

આ મંદિર એ જ જગ્યા પર બનાવાયું છે જ્યાં કૃષ્ણજીએ પહેલીવાર રાધાજીને વાંસળી સંભળાવી હતી 

મંદિરમાં ઠાકોરજીની દરરોજ આઠ વખત આરતી કરાય છે 

દર વર્ષે વૈશાખ મહિનામાં શ્રીકૃષ્ણજીનો વિવાહ ઉત્સવ કરાય છે 

રાધા રમણ મંદિર:

રાધા રમણ મંદિરમાં વિરાજિત વિગ્રહની પ્રાકટ્ય શાલિગ્રામ શિલામાંથી થયું હોવાની માન્યતા છે. માનવામાં આવે છે કે અહીં એક જ મંદિરમાં ત્રણ ઠાકોરજીના દર્શન થાય છે. કારણ કે એક જ વિગ્રહમાં મુખ શ્રીગોવિંદદેવજીના મુખ, ગોપીનાથજીના વક્ષસ્થળ તથા મદનમોહનજીના ચરણના દર્શન થાય છે. 

રાધારમણજીનું પ્રાગટ્ય આશરે 500 વર્ષ અગાઉ હોવાની માન્યતા પ્રચલિત છે. ચૈતન્ય મહાપ્રભુના અનુયાયી આચાર્ય ગોપાલ ભટ્ટ શાલિગ્રામની સેવા કરતાં હતા. પણ તેમના મનમાં હંમેશા એક વાત રહેતી કે શાલિગ્રામજી તેમને મૂર્તિ રૂપમાં દર્શન આપે. જે બાદ વૈશાખ શુક્લ પૂર્ણિમાએ શાલિગ્રામમાંથી રાધારમણની મૂર્તિ પ્રગટ થઈ. 

આ મંદિરમાં ક્યારેય દિવાસળીનો પ્રયોગ નથી થતો. સેંકડો વર્ષથી અહીં પ્રજ્વલિત અગ્નિમાંથી જ રસોઈ તથા અન્ય કર્યો કરવામાં આવે છે. વર્ષોથી આ અગ્નિ ક્યારેય શાંત નથી થઈ.

રાધારમણજી મંદિરમાં શૃંગારનું પણ અનેરું મહાત્મ્ય છે. અહીં ઠાકોરજીનું વિગ્રહ કદમાં નાનું હોવાથી ભક્તો દૂરબીન લઈને પણ દર્શન કરતાં જોવા મળે છે. કહેવાય છે કે રાધારમણજી દરરોજ અલગ અલગ રૂપમાં દર્શન આપે છે. ઘણીવાર તેમના બે જ દાંતના દર્શન થાય છે તો અમુકવાર પાંચ દાંત પણ દેખાય છે. તેમની સેવા કરતાં ગોસ્વામી જણાવે છે કે ઘણીવાર ઠાકોરજીના વાઘાનું માપ પણ ઘણીવાર બદલાઈ જાય છે. 

Tags :