Get The App

નવરાત્રિમાં અખંડ જ્યોત પ્રગટાવી હોય તો આવી ભૂલ ન કરતાં, જાણી લો જરૂરી નિયમ

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
નવરાત્રિમાં અખંડ જ્યોત પ્રગટાવી હોય તો આવી ભૂલ ન કરતાં, જાણી લો જરૂરી નિયમ 1 - image


Image: Facebook

Shardiya Navratri 2024: આસો મહિનાના શુક્લ પક્ષથી નવરાત્રિનું 9 દિવસો સુધી ચાલનારું પર્વ શરૂ થઈ જાય છે. નવરાત્રિનું પર્વ માતા દુર્ગાને સમર્પિત હોય છે. આ દરમિયાન 9 દિવસ સુધી માતા દુર્ગાના 9 અલગ-અલગ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે. નવરાત્રિનો ઉત્સવ માતા દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત કરવાનો એક સોનેરી અવસર હોય છે. આ દરમિયાન વિધિસર માતા દુર્ગાની પૂજા અર્ચના કરવા અને વ્રત રાખવાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને ભક્તોને આશીર્વાદ આપે છે.

નવરાત્રિની પૂજા અર્ચનામાં માતા દુર્ગાની પ્રસન્નતા માટે પૂરા 9 દિવસો સુધી અખંડ જ્યોત પ્રગટાવવાની પરંપરા છે. માન્યતા છે કે આ દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવવાથી માતા દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે. આ કારણે ઘણા ભક્તજન નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવે છે, પરંતુ અખંડ જ્યોત પ્રગટાવવાના પણ અમુક જરૂરી નિયમ માનવામાં આવે છે.

ક્યારે છે શારદીય નવરાત્રિ 2024?

પંચાંગ અનુસાર, આસો મહિનાના શુક્લ પક્ષની એકમ તિથિનો આરંભ 3 ઓક્ટોબરની સવારે 12:19 મિનિટે થશે અને તેનું સમાપન આગલા દિવસે 4 ઓક્ટોબરની સવારે 02:58 મિનિટ પર થશે. ઉદયા તિથિ અનુસાર, શારદીય નવરાત્રિ 3 ઓક્ટોબર 2024, ગુરુવારથી આરંભ થશે અને આ પર્વનું સમાપન 12 ઓક્ટોબર 2024, શનિવારે થશે.

અખંડ જ્યોત પ્રગટાવવાના જરૂરી નિયમ

નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવતી વખતે આ મંત્રનો જાપ જરૂર કરો, 'કરોતિ કલ્યાણમ, આરોગ્યમ ધન સંપદામ, શત્રુ બુદ્ધિ વિનાશાય, દીપમ જ્યોતિ નમોસ્તુતે.' અખંડ જ્યોતની વાટ માટે નાડાછડીનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે.

અખંડ જ્યોત વાળા દીવાને ક્યારેય પણ સીધો જમીન પર મૂકવો જોઈએ નહીં. આ દીવાને હંમેશા જવ, ચોખા કે ઘઉંના ઢગલા ઉપર જ રાખવો જોઈએ. ભક્તજન અખંડ જ્યોત પ્રગટાવવા માટે ઘી કે તેલનો ઉપયોગ કરે છે. ધ્યાન રાખો જો તમે ઘી થી અખંડ જ્યોત પ્રગટાવી રહ્યાં છો, તો તેને હંમેશા જમણી બાજુ રાખો અને જો તમે તેલથી અખંડ જ્યોત પ્રગટાવી રહ્યાં છો તો દીવાને હંમેશા ડાબી બાજુ રાખવો જોઈએ.

એક વખત અખંડ જ્યોત પ્રગટાયા બાદ ઘરને ક્યારેય પણ ખાલી ન છોડો. આ દરમિયાન ઘરમાં તાળું પણ ન મારો. ઘરમાં હંમેશા કોઈને કોઈ સભ્ય જરૂર હોવો જોઈએ. આ વાતનું હંમેશા ધ્યાન રાખો કે અખંડ જ્યોત પ્રગટાવવા માટે ક્યારેય પણ ખંડિત કે તૂટેલા કે પહેલા ઉપયોગમાં લીધેલા દીવાનો ઉપયોગ ભૂલથી પણ ન કરો. ધાતુના દીવાને સારી રીતે સાફ કરીને તમે અખંડ જ્યોત પ્રગટાવવા માટે ઉપયોગ કરી શકો છો. નવરાત્રિના સમાપન બાદ જ્યોતને ક્યારેય પણ જાતે ન ઓલવો પરંતુ દીવાને આપમેળે ઓલવવા દો.


Google NewsGoogle News