આ વર્ષે ગુરુ પૂર્ણિમા વ્રત 20મીએ કે 21 જુલાઈએ? જાણો સાચી તારીખ, મુહુર્ત અને તેનું મહત્ત્વ
Guru Purnima : ગુરુ પૂર્ણિમાનો તહેવાર અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઊજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાને અષાઢ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ દિવસને વેદવ્યાસની જન્મજયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજા અને ઉપવાસ કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આ સાથે પોતાના ગુરુની પૂજા કરવાનું પણ ઘણું મહત્ત્વ છે. તેવામાં ગુરુ પર્ણિમાની તારીખને લઈને ઘણી મૂંઝવણો ઊભી થઈ છે કે ગુરુ પૂર્ણિમા કયા દિવસે ઉજવવી. આમ ગુરુ પૂર્ણિમાને લઈને યોગ્ય સમય, તેનું મહત્ત્વ અને પૂજા કરવાની સાચી રીત વિશે જાણકારી મેળવીએ.
ક્યારે છે ગુરુ પૂર્ણિમા
દિવાકર પંચાંગ પ્રમાણે, 20 જુલાઈએ સાંજે 6 વાગ્યે શરુ થતી અષાઢ મહિનાની ગુરુ પૂર્ણિમા 21 જુલાઈના બપોરના 3.47 વાગ્યે પૂરી થશે. શાસ્ત્રો પ્રમાણે, પૂર્ણિમાના વ્રત ચંદ્રોદય વ્યાપિની પૂર્ણિમાના દિવસે જ રાખવામાં આવે છે. પૂર્ણિમા તિથિ પર ખાસ કરીને રાત્રિ ઉપવાસ અને પૂજા કરવામાં આવે છે. આમ 20 જુલાઈના રોજ પૂર્ણિમાનું વ્રત રાખવામાં આવશે અને 21મીએ ગુરુને દાન આપવામાં આવશે.
ગુરુ પૂર્ણિમાની વિધિ કરવાની રીત
1. ગુરુ પૂર્ણિમાના દિવસે વહેલી સવારે જાગ્યાં પછી સવારની બધી ક્રિયાઓ પતાવીને વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધરવામાં આવે છે.
2. પૂજા કરવાના રૂમની વ્યવસ્થિત સાફ સફાય કર્યા પછી, વિષ્ણુ ભગવાન, લક્ષ્મી માતા અને વેદવ્યાસની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે છે. ત્યારબાદ ભગવાનની મૂર્તિઓ પર તિલક લગાવીને વ્રતની પ્રતિજ્ઞા લેવામાં આવે છે.
3. ભગવાન મૂર્તિ સ્થાપિત કરતા પહેલા તેમનું પંચામૃતથી અભિષેક કરીને વસ્ત્રો અર્પણ કરવામાં આવે છે. આ સાથે લક્ષ્મી માતા અને વેદવ્યાસની પણ પૂજા કરવામાં આવે છે.
4. આ પછી, ગુરુ ચાલીસાનો પાઠ કરવામાં આવે છે.
5. વિષ્ણુ ભગવાન, લક્ષ્મી માતા અને વેદવ્યાસને મીઠાઈ, ફળ અને ખીર વગેરે અર્પણ કર્યા બાદ ગુરુ પૂર્ણિમા વ્રત કથાનો પાઠ કરવામાં આવે છે.
6. અંતે ભગવાન સત્યનારાયણની આરતી કરવામાં આવે છે.
ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ
પૌરાણિક માન્યતા પ્રમાણે, મહાભારતના લેખક વેદવ્યાસના જન્મદિવસ તરીકે ગુરુ પૂર્ણિમા મનાવવામાં આવે છે. આમ આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસે વેદવ્યાસે ચાર વેદોની રચના કરી હતી અને આ દિવસે ગુરુએ પોતાના શિષ્યોને દિક્ષા આપી હતી.