Hindu Marriage: લગ્નના કેટલા પ્રકાર હોય છે? જાણો કયા વિવાહને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
Hindu Marriage: લગ્નના કેટલા પ્રકાર હોય છે? જાણો કયા વિવાહને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 30 નવેમ્બર 2023 ગુરૂવાર

લગ્ન જીવનનો સૌથી મહત્વનો અને સુંદર પડાવ હોય છે. હિંદુ ધર્મના 16 સંસ્કારોમાં લગ્ન 14 મો સંસ્કાર છે.  

લગ્ન કેટલા પ્રકારના હોય છે

હિંદુ ધર્મમાં લગ્ન એક ધાર્મિક-સંસ્કાર છે. હિંદુ ધર્મમાં 8 પ્રકારના મુખ્ય વિવાહ ગણાવાયા છે. આ વિવાહમાં સર્વશ્રેષ્ઠ બ્રહ્મ વિવાહને અને સૌથી નિમ્ન કોટિનું સ્થાન પિશાચ વિવાહને આપવામાં આવ્યુ છે. આ આઠ વિવાહમાં બ્રહ્મ, દૈવ, આર્ષ, પ્રાજાપત્ય, અસુર, ગંધર્વ, રાક્ષસ અને પિશાચ વિવાહ સામેલ છે.

બ્રહ્મ વિવાહ

16 સંસ્કારોમાં બ્રહ્મ વિવાહને પણ સામેલ કરવામાં આવ્યા છે. બ્રહ્મ વિવાહ વર-વધૂ બંને પક્ષની સંમતિથી થાય છે. આ વિવાહમાં વૈદિક રીતિ અને નિયમનું પાલન કરવામાં આવે છે. વર-વધૂના કુળ, ગોત્ર જોવામાં આવે છે. કુંડલી મિલાવવામાં આવે છે. હરિદ્રાલેપ, દ્વાર પૂજા, મંગલાષ્ટકં, પાણિગ્રહણ, જયમાલા વગેરે સંપૂર્ણ રીતિ રિવાજ નિભાવવામાં આવે છે. આ વિવાહને કરવા માટે શુભ મુહૂર્ત પર જરૂર વિચાર કરવામાં આવે છે.

દેવ વિવાહ

આ વિવાહમાં કોઈ ખાસ હેતુ સેવા, ધાર્મિક કાર્ય માટે કન્યાના વિવાહ તેની સંમતિથી કોઈ વિશેષ વર સાથે કરાવવામાં આવે છે. આ મધ્યમ વિવાહ માનવામાં આવે છે.

આર્ષ વિવાહ

શાસ્ત્રો અનુસાર આ વિવાહ ઋષિઓ સાથે સંબંધિત છે. જેમાં કોઈ ઋષિ વિવાહની ઈચ્છાથી કન્યાના પિતાને ગાય અને બળદ કે તેની જોડીને દાનમાં આપીને વિવાહ કરે છે. આ ગૌદાન ધાર્મિક કારણથી કરવામાં આવે છે. કન્યાના મૂલ્ય સ્વરૂપ કરવામાં આવતુ નથી.

પ્રજાપત્ય વિવાહ

આ વિવાહમાં કન્યાના પિતા નવદંપતિને આદેશ આપે છે કે લગ્ન બાદ તેઓ ગૃહસ્થ ધર્મનું પાલન કરીને જીવન વિતાવશે. જેમાં વિવાહ પહેલા એક વિશેષ પૂજા થાય છે. યાજ્ઞવલ્ક્ય અનુસાર આ વિવાહથી ઉત્પન્ન સંતાન પોતાની પેઢીઓને પવિત્ર કરનાર હોય છે.

અસુર વિવાહ

આમાં વર પક્ષ કન્યાના પરિજનોને અમુક ધન આપીને કન્યાને ખરીદી લે છે અને તેની સાથે લગ્ન કરે છે. આમાં કન્યાની સંમતિ મહત્વની હોતી નથી.

ગંધર્વ વિવાહ

ગંધર્વ વિવાહમાં યુવક-યુવતી એકબીજા સાથે પ્રેમ કરીને લગ્નની ઈચ્છા વ્યક્ત કરે છે. પછી માતા-પિતાની સંમતિથી આ વિવાહ થાય છે. વર્તમાન સમયમાં લવ મેરેજ ગંધર્વ વિવાહની જેમ જ છે. 

રાક્ષસ વિવાહ

ઈચ્છા વિરુદ્ધ કરવામાં આવેલા વિવાહ રાક્ષસ વિવાહ કહેવાય છે. આ વિવાહમાં કોઈ કન્યાનું અપહરણ કરીને તેની સાથે જબરદસ્તી લગ્ન કરવામાં આવે છે. તેને નિકૃષ્ટ સ્તરના વિવાહ માનવામાં આવે છે.

પિશાચ વિવાહ

આ સૌથી નિમ્ન કોટિના વિવાહ માનવામાં આવે છે. આમાં સ્ત્રીની સંમતિ વિના, દગાથી, બેભાન અવસ્થામાં તેની સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની સાથે વિવાહ કરે છે. તેને પિશાચ વિવાહ કહેવાય છે.


Google NewsGoogle News