નાગા સાધુ કેવી રીતે બને છે? કુંભમાં ક્યાંથી આવે છે અને શું છે તેમની પરંપરા, જાણો સંપૂર્ણ કહાણી
Image: Facebook
MahaKumbh Mela 2025: વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો ગણાતો 'મહા કુંભ' યુપીના પ્રયાગરાજમાં શરૂ થઈ રહ્યો છે. આ વખતના કુંભમાં 40 કરોડથી વધુ લોકોના એકઠા થવાની સંભાવના છે. જે માટે સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સાથે-સાથે કુંભમાં લાખોની સંખ્યામાં સાધુ-સંત પહોંચે છે અને તેમના માટે પણ ખાસ તૈયારી કરવામાં આવે છે પરંતુ દર વખતે કુંભમાં એકઠા થનાર નાગા સાધુ કુતૂહલનો વિષય રહે છે. નાગા સાધુઓ વિના કુંભની કલ્પના કરી શકાતી નથી. ચાલો જાણીએ કોઈ સંન્યાસી કેવી રીતે નાગા સાધુ કે સાધ્વી બને છે અને ક્યારથી આ પરંપરા ચાલતી આવી રહી છે.
કુંભમાં નાગા સાધુઓ
કુંભ દરમિયાન વિભિન્ન અખાડામાં નાગા સાધુઓનું અમૃત સ્નાન થાય છે ત્યાં મહિલા નાગા સાધુ ભગવા વસ્ત્ર પહેરીને રહે છે. નાગા સાધ્વી ક્યારેય જાહેરમાં નિર્વસ્ત્ર રહેતાં નથી. નાગા સાધુ લાંબા વાળ રાખે છે તો નાગા સાધ્વી મુંડન કરાવીને રહે છે અને સંપૂર્ણપણે બ્રહ્મચર્યનું પાલન કરે છે. દેશ-વિદેશથી આવેલી સાધ્વીઓનો જમાવડો પણ કુંભમાં લાગેલો છે.
કુંભમાં મહિલા સાધ્વી મહંત દિવ્યા ગિરીએ જણાવ્યું કે કુંભમાં નાગા સાધ્વીઓની પરંપરા રહી છે. પહેલા નાગા સાધ્વી જૂના અખાડાનો ભાગ હતાં પરંતુ હવે એક અલગ શાખા બનાવાઈ છે. નાગા સાધ્વીઓના નિયમ પણ સાધુઓની જેમ કઠોર હોય છે. દર વખતની જેમ આ વખતે પણ તમામ નાગા અમૃત સ્નાનમાં ભાગ લેશે, જે કુંભમાં આકર્ષણનું સૌથી મોટું કેન્દ્ર માનવામાં આવે છે.
દિવ્ય નાગા સાધુ પોતાના જીવનને તપસ્યા કરીને અદ્ભુત બનાવે છે. ભભૂતમાં લપેટેલું શરીર અને તન પર કેસરી વસ્ત્ર તેમની ઓળખ છે. માથા પર ત્રિપુંડ, ગળામાં રુદ્રાક્ષ અને હાથમાં ત્રિશૂળ તેની હાજરીનો આભાસ અપાવે છે. મોટાભાગના નાગા સાધુ શિવ અને શક્તિના ઉપાસક છે, જેમના અધ્યાયની શરૂઆત જ તેમના અંતથી થાય છે. તે એક-એક કરીને પોતાના પરિવાર, સગા-વ્હાંલા અને વિશ્વના તમામ વૈભવને ત્યાગી દે છે અને ત્યારે તેમને નાગાની સિદ્ધિ મળે છે.
આ પણ વાંચો: શરીર પર 45 કિલો રુદ્રાક્ષ, જાણો મહાકુંભમાં પધારનારા ગીતાનંદ ગિરી મહારાજ વિશે
ક્યારથી શરૂ થઈ નાગા પરંપરા
કુંભમાં જૂના અખાડાના થાનાપતિ ધનાનંદ ગિરી જણાવે છે કે જેમને સંત સમાજ અને શંકરાચાર્ય તરફથી નાગાની ઉપાધિ મળી જાય છે, તેમને જ નાગા રહેવાની પરવાનગી આપવામાં આવે છે. જે નાગા દિગંબર છે તે સમય આવવા પર ધર્મના પ્રચાર માટે આગળ આવે છે પરંતુ જે સાધુએ જીવતાજીવ પોતાના હાથે પોતાના અંતિમ સંસ્કાર કરી દીધા હોય આખરે તેમના જીવનનો હેતું શું હોય છે.
નાગા સાધુઓનો એક યોદ્ધા તરીકેના રૂપમાં ઉલ્લેખ પુસ્તકોમાં ભલે ઓછો મળતો હોય પરંતુ ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે-જ્યારે ધર્મને બચાવવાનો અંતિમ પ્રયત્ન નિષ્ફળ થતો જોવા મળે છે ત્યારે નાગા સાધુઓએ ધર્મની રક્ષા માટે ન માત્ર હથિયાર ઉઠાવ્યા છે પરંતુ જીવ આપીને કે જીવ લઈને ધર્મની રક્ષા કરી છે. નાગા સાધુઓએ પોતાના સમયમાં સનાતનને બચાવવા માટે મોટા-મોટા યુદ્ધ પણ કર્યાં છે.
ધાર્મિક ઈતિહાસના ગ્રંથોમાં એ વાતનો ઉલ્લેખ મળે છે કે આઠમી સદીમાં જ્યારે સનાતન ધર્મની માન્યતાઓ અને મંદિરોને સતત ખંડિત કરવામાં આવી રહ્યાં હતા ત્યારે આદિ ગુરુ શંકરાચાર્યએ ચાર મઠોની સ્થાપના કરી. ત્યાંથી સનાતન ધર્મની રક્ષાની જવાબદારી સંભાળી. તે સમયે જ આદિ ગુરુ શંકરાચાર્યને જરૂર અનુભવાઈ કે સનાતન પરંપરાઓની રક્ષા માટે માત્ર શાસ્ત્ર જ પૂરતું નથી, શસ્ત્ર પણ જરૂરી છે. ત્યારે તેમણે અખાડા પરંપરા શરૂ કરી જેમાં ધર્મની રક્ષા માટે મરનાર સંન્યાસીઓએ તાલીમ લેવાનું શરૂ કર્યું, નાગા સાધુ તે જ અખાડાના ધર્મ રક્ષક માનવામાં આવે છે.
આ પણ વાંચો: શિવજીને જળાભિષેક કેમ કરાય છે, જાણો મહાકુંભ સાથેનું કનેક્શન અને તેની પાછળની કહાની
ધર્મ રક્ષક કહેવાય છે નાગા સાધુ
ધર્મ રક્ષાના માર્ગ પર ચાલવા માટે જ નાગા સાધુઓએ પોતાના જીવનને એટલું અઘરું બનાવી દીધું છે જેથી વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરી પડકારોનો સામનો કરી શકાય. કેમ કે જ્યારે કોઈ પોતાના જીવનમાં સંઘર્ષ નહીં કરે તો તે ધર્મની રક્ષા કેવી રીતે કરી શકશે. કહેવાય છે કે જ્યારે 18મી સદીમાં અફઘાન લુટેરા અહમદ શાહ અબ્દાલી ભારત વિજય માટે નીકળ્યો તો તેની બર્બરતા થઈ એટલું ખૂન વહી ગયું કે આજસુધી ઈતિહાસના પાનામાં અબ્દાલીનો ઉલ્લેખ ગુંડાની જેમ કરવામાં આવે છે. તેણે જ્યારે ગોકુલ અને વૃંદાવન જેવી આધ્યાત્મિક નગરી પર કબ્જો કરીને ગુંડાગિરી શરૂ કરી ત્યારે રાજાઓની પાસે પણ તે શક્તિ નહોતી જે તેનાથી ટકરાઈ શકે પરંતુ દરમિયાન હિમાલયમાંથી નીકળેલા નાગા સાધુઓએ જ અબ્દાલીની સેનાને હરાવી હતી.
તે સમયના ગજેટિયરમાં એ પણ લખ્યું છે કે 1751ની આસપાસ અહમદ ખાન બંગસે કુંભના દિવસોમાં અલ્હાબાદના કિલ્લા પર ચઢાઈ કરી અને તેને ઘેરી લીધો. હજારો નાગા સંન્યાસી તે સમયે સ્નાન કરી રહ્યાં હતાં, તેમણે પહેલા તમામ ધાર્મિક સંસ્કાર પૂરા કર્યા પછી પોતાના શસ્ત્ર ધારણ કરીને બંગસની સેના પર તૂટી પડ્યાં. ત્રણ મહિના સુધી ખૂબ યુદ્ધ ચાલ્યું. અંતમાં પવિત્ર નગરી પ્રયાગરાજની રક્ષા થઈ અને અહેમદ ખાં બંગસની સેનાએ હાર માનીને પાછું ફરવું પડ્યું. નાગા સાધુ સમગ્ર ભારતમાં જ્યાં જે કામ ન થતું હોય ત્યાં અડગ રહીને તે કાર્યને સફળ કરી દે છે. ભલે રિદ્ધિના દ્વારા, સિદ્ધિના દ્વારા કે પછી તન દ્વારા.
1666 ની આસપાસ ઔરંગઝેબની સેનાએ હરિદ્વાર કુંભ દરમિયાન આક્રમણ કર્યું હતું. ત્યારે પણ નાગા સંન્યાસીઓએ તેમની સાથે લડવા મોર્ચો સંભાળ્યો હતો. ક્યારેક જોધપુરની એવી કહાણીઓ મળે છે જ્યાં હજારો નાગા સંન્યાસીઓએ પોતાનો જીવ આપીને ધર્મની રક્ષા કરી. ક્યારેક હરિદ્વારમાં તૈમૂર લંગના સમયના અથડામણની કહાણીઓ મળે છે. નાગા સાધુ ધર્મ માટે પોતાના આન બાન સન્માન માટે હંમેશા આકરી ટક્કર આપતાં રહે છે અને પોતાની તપસ્યા ચાલુ રાખે છે પરંતુ આઝાદી બાદથી નાગા સાધુઓએ શસ્ત્ર ન ઉઠાવવાનો નિર્ણય લીધો, શા માટે દેશની રક્ષા માટે આપણા વીર જવાન પોતાની જવાબદારી સંભાળી ચૂક્યા હતા. તેમ છતાં આજે સાધુઓને ગુરુઓ તરફથી શસ્ત્ર ચલાવવાનું શિક્ષણ આપવામાં આવે છે.
શરીર પર ચિતાની રાખ લપેટી લે છે
નાગા દીક્ષા દરમિયાન બે પ્રકારના નાગા સાધુ તૈયાર થાય છે. એક દિગંબર નાગા સાધુ, બીજા શ્રી દિગંબર નાગા સાધુ. દિગંબર નાગા સાધુ એક લંગોટ ધારણ કર્યા સિવાય અને કોઈ વસ્ત્ર ન પહેરીને જ્યારે શ્રી દિગંબરની દીક્ષા લેનાર સાધુ સંપૂર્ણ રીતે નિર્વસ્ત્ર રહે છે. સૌથી મુશ્કેલ શ્રી દિગંબર નાગા સાધુ બનવાનું જ હોય છે કેમ કે ત્યારે સંયમ અને બ્રહ્મચર્ય પર હંમેશા અડગ રહેવા માટે તેમની તમામ ઈન્દ્રિયોનો નાશ કરી દેવાય છે. નિર્વસ્ત્ર રહેનાર સાધુ સમગ્ર શરીર પર રાખને રગળીને રાખે છે તેના પણ બે કારણ હોય છે. એક તો રાખ નશ્વરતાનું પ્રતીક છે. બીજું રાખ એક પ્રકારના આવરણનું કામ કરે છે જેથી ભક્તોની પાસે આવવામાં કોઈ પ્રકારનો કોઈ સંકોચ ના રહે.
કુંભ દરમિયાન પણ નાગા સાધુ બનાવવામાં આવે છે અને સ્થળના હિસાબે આ નાગા સાધુઓને અલગ-અલગ નામ આપવામાં આવે છે. પ્રયાગરાજના કુંભમાં નાગા સાધુ બનનારને નાગા, ઉજ્જૈનમાં બનનાર ખૂની નાગા, હરિદ્વારમાં બનનારને બર્ફાની નાગા અને નાસિકમાં બનનારને ખિચડિયા નાગા કહેવાય છે. નાગા બનવાની દીક્ષા લીધા બાદ સાધુઓને પસંદગીના આધારે પદ પણ આપવામાં આવે છે. આ સાધુઓમાં કોતવાલ, પૂજારી, મોટા કોતવાલ, ભંડારી, કોઠારી, મોટા કોઠારી, મહંત અને સચિવના પદ હોય છે. જેમાં સચિવને સૌથી મહત્ત્વનું માનવામાં આવે છે. નાગા અખાડાના આશ્રમ અને મંદિરોમાં રહે છે. સાથે જ અમુક નાગા સાધુ પહાડ ગુફાઓમાં જીવન પસાર કરે છે. અખાડાના આદેશથી આ સાધુ પગપાળા ભ્રમણ કરે છે. આ દરમિયાન ઝૂંપડી બનાવીને ધૂની પણ રમાડે છે.
નાગા સાધુ જે રાખને લપેટે છે તે ઘણી વખત ચિતાઓથી લાવેલી મડદાઓની રાખ હોય છે. તો ઘણી વખત જે ધૂનીની સામે તે બેસી રહે છે તેની જ રાખને રગડી લે છે. જ્યારે પરંપરાઓની સંપૂર્ણરીતે જાણકારી ન હોય તો અસમંજસના કારણે જાતભાતની ધારણાઓ બનતી રહે છે જેમાં મુખ્ય છે નાગા સાધુઓનું નિર્વસ્ત્ર હોવું અને આ કડીમાં આવે છે તે સંન્યાસિન જે આ નાગા પંથથી જોડાયેલી હોય છે તે પણ નાગા સાધુઓની જેમ નાગા પંથનું પાલન કરે છે.
આ પણ વાંચો: Makar Sankranti 2025: મકર સંક્રાંતિ પર્વ ક્યારે છે? જાણો શુભમુહૂર્ત અને પૂજાવિધિ
કેવું હોય છે નાગા સાધ્વીનું જીવન
એક સવાલ છે કે માત્ર નાગા પુરુષ બાબા જ શા માટે નજર આવે છે શું મહિલા નાગા સાધ્વી પણ હોય છે. તેનો જવાબ આપતાં જૂના અખાડાના મહંત દિવ્યા ગિરીએ કહ્યું કે નાગા સાધ્વીમાં પણ દિગંબર હોય છે પરંતુ સામાજિક વ્યવસ્થા કે મર્યાદાના કારણે જાહેરમાં નાગા સાધ્વી બનાવવામાં આવતા નથી. સામાજિક વ્યવસ્થાના કારણે નાગા સાધ્વી એકાંતમાં રહે છે. નાગા પરંપરામાં મહિલાઓનું સ્થાન છે પરંતુ તેમને જાહેરમાં લવાતા નથી. આ કારણ છે કે કુંભમાં જાહેરમાં નાગા સાધ્વી નજર આવતાં નથી. કુંભમાં 2013થી મહિલા અખાડાની પરંપરા શરૂ થઈ અને ત્યારથી સતત સાધ્વી આ મહાપર્વમાં ભાગ લઈ રહી છે.
પોતાના અંતિમ સંસ્કાર જાતે જ કરે છે
કુંભમાં હરિદ્વારથી આવેલા નાગા સાધુ મણિરાજ પુરીએ જણાવ્યું કે 'તેમણે 13 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું અને પછી ઉત્તરાખંડના પહાડોમાં રહેવા લાગ્યા. સાધુ બનવાની ત્રણ પ્રક્રિયાઓથી પસાર થઈને તે હવે પૂર્ણ નાગાસાધુ બન્યા છે. સાધુઓની સંગતમાં આવ્યા પહેલા અભ્યાસ પણ કર્યો છે પરંતુ નાગા સાધુ બનવાની તમામ પ્રક્રિયાઓને પૂરી કરીને હવે તે સનાતન અને માનવ કલ્યાણ માટે બધું જ ત્યાગીને નીકળી પડ્યાં છે.
નાગા સાધુ મણિરાજ પુરીએ જણાવ્યું કે નાગા બનવું સરળ હોતું નથી. પોતાના શરીરના અંતિમ સંસ્કાર અને પિંડદાન કર્યા બાદ સંન્યાસની દીક્ષા લેવામાં આવે છે. ઘણી પ્રક્રિયાઓથી પસાર થયા બાદ આખરે લિંગ તોડ પ્રક્રિયા સૌથી મહત્ત્વની હોય છે જેમાં પોતાના કામને વશમાં કરવા માટે લિંગ તોડી દેવામાં આવે છે. પરંતુ આ પ્રક્રિયા શું હોય છે તે નાગા સાધુએ જણાવવાનો ઈનકાર કરી દીધો. તેમનું કહેવું છે કે આ એક ગુપ્ત પ્રક્રિયા છે જેને જાહેરમાં જણાવી શકાય નહીં.
કુંભમાં અમૃત સ્નાનની શરૂઆત પણ તમામ અખાડાના નાગા સાધુઓથી જ થાય છે. નાગા સાધુ ઘોર તપથી જીવનમાં બધું જ ત્યાગી ચૂક્યા હોય છે અને દરમિયાન તેઓ સૌથી પવિત્ર માનવામાં આવે છે. નાગા સાધુઓના સ્નાન બાદ જ અન્ય સાધુ અને શ્રદ્ધાળુ કુંભ સ્નાન કરે છે. કુંભના સમાપ્ત થયા બાદ નાગા સાધુ ત્યાંની પાવન માટીને શરીર પર લપેટીને પાછા પોતાના આશ્રમ કે એકાંતવાસમાં જતાં રહે છે. તે બાદ ફરીથી આગામી કુંભ દરમિયાન સંત સમાગમમાં સામેલ થવા માટે આવે છે.