Get The App

દેશભરમાં કેવી રીતે થઈ ગણેશોત્સવની શરૂઆત? બાળ ગંગાધર ટિળક અને સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે છે ખાસ કનેક્શન

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
દેશભરમાં કેવી રીતે થઈ ગણેશોત્સવની શરૂઆત? બાળ ગંગાધર ટિળક અને સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે છે ખાસ કનેક્શન 1 - image


Ganesh Chaturthi 2024: આજે ગણેશ ચતુર્થીનો તહેવાર દેશભરમાં ખૂબ ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આજથી વર્ષો લોકમાન્ય બાળ ગંગાધર ટિળકે જ ગણેશોત્સવનો પાયો મૂક્યો હતો. આ તહેવારને મનાવવા પાછળનો ઉદ્દેશ અંગ્રેજો વિરુદ્ધ ભારતીયોને એકજૂથ કરવાનો હતો. આજે જે ગણેશોત્સવને લોકો એટલી ધૂમ ધામથી મનાવે છે, આ પર્વને શરૂ કરવામાં લોકમાન્ય બાલ ગંગાધર ટિળકને ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

ઈસ. 1857ની ક્રાંતિની નિષ્ફળતા બાદ બ્રિટિશ ગુલામીમાંથી આઝાદીની લડતનો આ બીજો તબક્કો હતો. લોકમાન્ય બાલ ગંગાધર ટિળક આ સંઘર્ષના જનક હતા. રાષ્ટ્રવાદની ભાવના વિકસાવવા અને સમાજને સંગઠિત કરવા માટે તેમણે અનેક રીત અપનાવી. તેમણે વિઘ્નોનો નાશ કરનાર આરાધ્ય શ્રી ગણેશની પૂજા ઘરની દીવાલોમાંથી બહાર કાઢી અને તેને સાર્વજનિક ઉત્સવ બનાવ્યો.

શૌર્ય અને સાહસના નાયક છત્રપતિ શિવાજીના ઉત્સવનું આયોજન કરી તેમણે યુવાનોને સંગઠિત કર્યા અને તેમને આઝાદીની લડત માટે પ્રેરિત કર્યા. જ્યારે અંગ્રેજ સરકારે જાહેરમાં આવા કાર્યક્રમો યોજવા પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારે ટિળકે આ પ્રકારના રાજકીય અને સામાજિક પ્રયોગો કર્યા હતા. 

ગણેશોત્સવ દેખીતી રીતે આ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમ હતો, પરંતુ તેની પાછળનો હેતુ બ્રિટિશ ગુલામી સામેના સંઘર્ષ માટે લોકોને જાગૃત અને સંગઠિત કરવાનો હતો. અંગ્રેજોએ ટૂંક સમયમાં આ જોખમને ઓળખી લીધું. દમનનું ચક્ર શરૂ કર્યું અને ટિળકે વારંવાર જેલમાં જવું પડ્યું. જો કે 'સ્વરાજ અમારો જન્મસિદ્ધ અધિકાર છે'ના પ્રણેતા ટિળકનું જીવન દેશને સમર્પિત હતું અને તેના માટે તેઓ કોઈપણ કિંમત ચૂકવવા હંમેશા તૈયાર હતા.

ગણેશ રાષ્ટ્રીય એકતાના પ્રતીક

ટિળકે 20 ઓક્ટોબર 1893ના રોજ પૂણેમાં પોતાના નિવાસસ્થાન કેસરીબરડા ખાતે પ્રથમ સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન કર્યું હતું. તેનો આ કાર્યક્રમ દસ દિવસ સુધી ચાલ્યો. ઈતિહાસકારોના મતે શિવાજી મહારાજના બાળપણમાં તેમની માતા જીજાબાઈએ ગ્રામદેવતા કસ્બા ગણપતિની સ્થાપના કરી હતી. પાછળથી પેશ્વાઓએ તેનો વિસ્તાર કર્યો, પરંતુ ટિળકના ગણેશોત્સવની ઉજવણી માત્ર ધાર્મિક વિધિઓ સુધી મર્યાદિત ન રહી.

ટિળકે ગણેશને રાષ્ટ્રીય એકતાના પ્રતીક તરીકે સ્થાપિત કર્યા. આ ઉત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમો દ્વારા સામાજિક કુરિવાજો અને અસ્પૃશ્યતા દૂર કરવાના અસરકારક સંદેશા આપવામાં આવ્યા હતા. સામાજિક એકતા અને રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ આ આયોજનના મૂળમાં હતો.

પૂજાના બહાને બ્રિટિશ રાજ વિરુદ્ધ સંદેશ

ગણેશોત્સવના આયોજનની લોકપ્રિયતાને ટૂંક સમયમાં જ વિસ્તાર મળ્યો. ઠેક-ઠેકાણે આ ઉત્સવમાં સક્રિયપણે ભાગ લેનાર લોકોની ભીડ વધતી જ ગઈ. પ્રત્યક્ષ રીતે ઉત્સવનો હેતુ આરાધ્ય શ્રી ગણેશની પૂજા હતી. પરંતુ આયોજન દરમિયાન યુવાનોના જૂથો દેશભક્તિના ગીતો ગાતા ભ્રમણ કરતા. પેમ્ફલેટનું વિતરણ કરતા હતા. લોકોને અંગ્રેજ શાસન સામે ઊભા રહેવા માટે સંગઠિત થવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ પ્રકારના ધાર્મિક પૂજા-અર્ચનાના નામે સરકાર વિરુદ્ધ સર્જાઈ રહેલા વાતાવરણથી અંગ્રેજ ચિંતિત હતા. ગુપ્તચર અહેવાલોમાં પણ આ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ કારણે આ યોજનાના સૂત્રધાર ટિળક કોઈને કોઈ બહાને અંગ્રેજોના નિશાન પર રહ્યા હતા.






Google NewsGoogle News