કાશીની ભસ્મ હોળીની શીખ: મૃત્યુ દુઃખ નહીં મોક્ષની મહાયાત્રા, જાણો 'મસાન હોળી' સાથે જોડાયેલી પૌરાણિક કથા
'મસાન હોળી'ને પ્રસિદ્ધ સ્મશાન ઘાટ મણિકર્ણિકા ઘાટ પર મનાવવામાં આવે છે
Holi 2024: હિન્દુ ધર્મમાં હોળીના તહેવારનું ખૂબ મહત્ત્વ છે. હોળીના દિવસે લોકો તમામ પ્રકારના વેરઝેર ભૂલીને એકબીજાને રંગો લગાવીને શુભેચ્છા પાઠવે છે. હોળી માત્ર રંગોથી જ નથી રમવામાં આવતી. મથુરા-વૃંદાવનમાં હોળી ફૂલો અને લાડુથી રમવામાં આવે છે.
આ દિવસથી ભસ્મ હોળીની પરંપરા શરુ થઈ હતી
રાધાજીની જન્મભૂમિ બરસાનામાં નંદગામના લોકો લઠમાર હોળી રમે છે. વારાણસીમાં ચિતાની રાખથી હોળી રમવાની અનોખી પરંપરા છે. બનારસની હોળીને સ્મશાનના હિન્દી લાગતા વળગતા શબ્દ 'મસાન હોળી' તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે, રંગભરી એકાદશીના દિવસે ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને કાશી લઈને આવ્યા હતાં. આ દરમિયાન ભગવાને બધા લોકો સાથે ગુલાલથી હોળી રમી હતી. પરંતુ ભૂત-પ્રેત, જીવ-જંતુની સાથે તેઓ હોળી રમી શક્યા નહતાં. ત્યારબાદ, તેમણે રંગભરી એકાદશીના એક દિવસ બાદ સ્મશાનમાં પોતાની ટોળકી સાથે હોળી રમી હતી. બસ ત્યારથી ભસ્મ હોળી (મસાન હોળી)ની પરંપરા શરૂ થઈ હતી.
આ હોળી મણિકર્ણિકા ઘાટ પર મનાવવામાં આવે છે
'મસાન હોળી'ને પ્રસિદ્ધ સ્મશાન ઘાટ મણિકર્ણિકા ઘાટ પર મનાવવામાં આવે છે. આ વિસ્તારમાં સવારથી લોકોની ભીડ જમા થવા લાગે છે. સાધુઓ અને શિવભક્તોની ટોળી ભોળાનાથની પૂજા અને હવન કરે છે. ભજન-કીર્તનની સાથે નૃત્યનું પણ આયોજન કરવામાં આવે છે અને ચિતાની ભસ્મથી હોળી રમવામાં આવે છે. આ હોળીના માધ્યમથી મૃત્યુને દુઃખના રૂપમાં નહીં પરંતુ, મોક્ષ પ્રાપ્તિના રૂપમાં જોવામાં આવે છે.