ભાદરવી પૂનમ : શિવજીએ પ્રાર્થના કરતાં પ્રગટ થયેલાં માતાજી સ્થિત થયા અને એ સ્થળ અંબાજી કહેવાયું

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
ambaji temple history


Shaktipeeth Ambaji: શક્તિપીઠ અંબાજી પાછળ અનેક દંતકથાઓ છે. એક દંત કથા અનુસાર મહાસાસૂર રાક્ષસના આતંકથી શિવજીએ પ્રાર્થના કરતાં માતાજી પ્રગટ થયાં હતાં અને આ રાક્ષસનો વધ કર્યો હતો. આ સમયે પ્રગટ થયેલા તેજથી મા આદ્યશક્તિ પ્રગટ થયાં હતાં અને જ્યાં સ્થિત થયાં ત્યાં શક્તિપીઠ કહેવાયું હતું.

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાઇ રહ્યો છે. લાખો કરોડો માઈભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર અંબાજી અનેક રીતે મહત્વ ધરાવે છે. 

મહિષાસુરનો સંહાર કરવા આદ્યશક્તિ પ્રગટ થયાં હતા

દેવી ભાગવત અનુસાર અગ્નિદેવીની કૃપાથી મહિષાસુર નામનો રાક્ષસ નર જાતિથી મરી ના શકે તેવું વરદાન ધરાવતો હતો. તેમજ તે અતિ બળવાન બની અત્યાચાર અને ત્રાસ વર્તાવતો હતો. આ બળવાન દાનવનો સંહાર કરવા દેવોએ ભગવાન શિવજીને પ્રાર્થના કરી. તે સમયે એક તેજ પ્રગટ થયું અને મા આદ્યશક્તિ પ્રગટ થયાં હતા. આ દાનવોનો સંહાર માતાજીએ કરતાં તેઓ મહિષાસુર મર્દિની કહેવાયા છે. 

આ બળવાન દાનવનો સંહાર કરવા દેવોએ ભગવાન શિવજીને પ્રાર્થના કરી હતી. તે સમયે એક તેજ પ્રગટ થયું અને મા આદ્યશક્તિ પ્રગટ થયાં અને માતાજી ત્યાં જ સ્થિર થઈ ગયા એટલે આ સ્થળ   શકિતપીઠ અંબાજી કહેવાયું છે. 

આ પણ વાંચો: ગણેશ ચતુર્થીની ઉત્સાહભેર તૈયારીઓ શરૂ, જ્યોતિષીએ જણાવ્યો સ્થાપનાના મુહૂર્તનો ચોક્કસ સમય

દાંતા સ્ટેટના મહારાણા માતાજીને અંબાજીમાં લાવ્યા હતા 

એક દંતકથા અનુસાર માતાજીના અનન્ય ઉપાસક અને દાંતા સ્ટેટના મહારાણા, માતાજીને અંબાજીમાં લાવ્યા હતા. મહારાણા આગળ આગળ ચાલતા હતા અને પાછળ માતાજીની સવારી આવતી હતી. મહારાણાને પાછળ જોવાની મનાઈ હતી. રસ્તામાં ગાઢ જંગલ આવતાં સહજ રીતે મહારાણાથી પાછળ જોવાયુ કે માતાજી કેટલે દૂર છે. બસ માતાજી તે ક્ષણે ત્યાં જ સ્થિર થઈ ગયાં હતાં. પછી મહારાણાએ સ્થળે મંદિર બનાવ્યું હતું જે આજે અંબાજી કહેવાય છે. 

મંદિર પ્રાગૈતિહાસિક કાળનું હોવાનું મનાય છે. પણ ઉપલબ્ધ પરિસ્થિતી જોતાં અત્યારનું સ્થાનક 1200 વર્ષ જેટલું પુરાણું છે. અંબાજીનાં વર્ણન સ્તુતિઓની પરંપરા છેક પુરાણોથી લઈને આદિ શંકરાચાર્ય તથા અર્વાચીન ઈતિહાસ અને પ્રવાસ વર્ણનોમાં પણ જોવા મળે છે.

રવપાલજી પરમારને માતાજીએ રાજ્ય અપાવ્યું

ઉજજૈનના પ્રખ્યાત પરમાર રાજા વિક્રમના પછી 40મી પેઢીએ રવપાલજી પરમાર થયા હતા. તે દ્વારકાની યાત્રાએ ગયા હતા અને ત્યાંથી પાછા વળતાં કચ્છ અને સિંધની સરહદ ઉપર નગરઠઠ્ઠા છે તેની પાસે અંબિકા દેવીના સ્થાનક આગળ આવ્યા પછી તેમણે એવો નિયમ લીધો કે માતાજીની પૂજા કર્યા સિવાય અન્ન, પાણી લેવું નહિ. આથી દેવી અંબિકા પ્રસન્ન થયાં અને રવપાલજીને ઈ.સ.809 માં સિંધનું રાજ્ય પાછુ મળ્યું હતું.

દાંતા મહારાજના વારસો આઠમે પૂજા કરે છે

કેદારસિંહજીએ ઈ.સ. 1069 માં તરસંગમાં તરસંગીયા ભીલ નામના રાજાને મારીને પોતાની ગાદી ગબ્બર ગઢથી તરસંગમાં લઈ ગયા હતા. તે પછી રાણા જેતમલજી ઈ.સ. 1544 માં પોતાની રાજગાદી દાંતામાં લાવ્યા હોવાનો ઉલ્લેખ છે. દાંતા મહારાજના વારસદારો આજે પણ દર વર્ષે આસો નવરાત્રિની આઠમે પરિવારની રસમ અનુસાર અંબાજી આવીને વિધિવત માની પૂજા કરે છે.

ભાદરવી પૂનમ : શિવજીએ પ્રાર્થના કરતાં પ્રગટ થયેલાં માતાજી સ્થિત થયા અને એ સ્થળ અંબાજી કહેવાયું 2 - image


Google NewsGoogle News