Get The App

મહાદેવના આ મંદિર પર દર 12 વર્ષે પડે છે વીજળી, ખંડિત થઈ જાય છે શિવલિંગ પણ ભક્તોને નથી થતું કોઈ નુકસાન

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
મહાદેવના આ મંદિર પર દર 12 વર્ષે પડે છે વીજળી, ખંડિત થઈ જાય છે શિવલિંગ પણ ભક્તોને નથી થતું કોઈ નુકસાન 1 - image
Image Social Media

Bijli Mahdev Temple : હિમાચલ પ્રદેશના કુલ્લુમાં સાત હજાર આઠસો ફૂટની ઊંચાઈ પર વીજળી મહાદેવનું મંદિર આવેલું છે. એવું માનવામાં આવે છે કે, આ મંદિરમાં સ્વયં મહાદેવ આકાશમાંથી પડતી વીજળીથી ભક્તોને બચાવે છે. વીજળીથી ભક્તોને કોઈપણ જાતનું નુકસાન ન થાય તે માટે ભોલેનાથ પોતે જ વીજળીનો પ્રહાર ઝીલી લે છે. દર 12 વર્ષ પછી વીજળી મહાદેવ મંદિરના શિવલિંગ પર આકાશમાંથી વીજળી પડે છે, ત્યારે શિવલિંગના ટુકડે-ટુકડા થઈ જાય છે. મંદિરની બહાર લગભગ 50 ફૂટની ઊંચાઇએ ઝાડ પર સ્થાપિત ત્રિશૂળ દ્વારા વીજળી સીધી શિવલિંગ સુધી પહોંચે છે. એટલે આ મંદિરનું નામ વીજળી મહાદેવ પડ્યું.

વીજળી પડવા છતાં ભોલેનાથના ભક્તો રહે છે સુરક્ષિત

જો કે, શિવલિંગના આટલા ટુકડાઓ થઈ જવા ( ખંડિત થઈ જાય છે) છતાં પણ મહાદેવનું શિવલિંગ રહસ્યમય રીતે ફરીથી જોડાઈ જાય છે. એવી માન્યતા છે કે, મંદિરના પૂજારી શિવલિંગના દરેક ટુકડાને એકત્રિત કરે છે. અને મીઠું, માખણ અને સત્તુની પેસ્ટ લગાવી શિવલિંગને પાછું જોઇન્ટ કરી દે છે. અને થોડા સમય બાદ ફરી શિવલિંગ પહેલાના જેવું જ થઈ જાય છે. નવાઈની વાત એ છે કે, દર 12 વર્ષે પડતી આ વીજળીનો કોઈ નિશ્ચિત સમય નથી. આ પ્રહાર સીધો શિવલિંગ પર થાય છે.  પરંતુ આનાથી ક્યારેય કોઈ ભક્તને કોઈ પણ જાતની ઈજા પહોંચી નથી. 

વીજળી મહાદેવનો મહિમા અપાર

કુલ્લુમાં બિરાજમાન વીજળી મહાદેવનું મંદિર પાર્વતી અને બિયાસ નદીના સંગમ પાસે આવેલું છે. શ્રાવણ મહિનામાં હજારો ભક્તો વીજળી મહાદેવના દર્શન કરવા આવે છે. ભક્તોનું માનવું છે કે, જ્યારે પણ ભગવાન આ વિસ્તારના લોકોને કોઈ બુરાઈથી બચાવવા માંગે છે, ત્યારે શિવલિંગ પર વીજળી પડે છે. 12 વર્ષમાં એકવાર વીજળી પડવાનું રહસ્ય હજુ સુધી ઉકેલાયું નથી. જો કે, એવી માન્યતાઓ પણ છે કે વીજળી એ એક પ્રકારનું દૈવી વરદાન કે આશીર્વાદ છે, કે જેમાં અનેક શક્તિઓ રહેલી છે. જેના કારણે કુલ્લુ શહેર અને ત્યાંના લોકો સુરક્ષિત રહે છે.



Google NewsGoogle News