હનુમાન જન્મોત્સવ: જાણો હનુમાન પ્રાગટ્યની અજાણી ગાથા, કોણ હતાં અંજની માતા?
AI Image |
Hanumanji Janmotsav: હિન્દુ ધર્મમાં હનુમાન જયંતીનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે. હિન્દુ પંચાંગ મુજબ હનુમાન જયંતી દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. પંચાંગ પ્રમાણે આજે 12 એપ્રિલના શનિવારના રોજ હનુમાન જયંતી છે. ત્યારે આવો જાણીએ હનુમાનજીના પ્રાગટ્યની અજાણી ગાથા, સાથે જ એ પણ જાણીએ કે હનુમાનજીના માતા અંજની ખરેખર કોણ હતાં?
આ પણ વાંચો: Hanuman Janmotsav 2025 : હનુમાન ચાલીસાની 6 ચોપાઈ, જાપ કરવાથી મળશે વિશેષ ફળ
હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ પૂનમના રોજ થયો હતો. તેમની માતાનું નામ અંજની દેવી હતું. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાએ હનુમાનજીના જન્મ અને અંજની માતા વિશે કેટલીક અજાણી વાત પર પ્રકાશ પાડ્યો છે. તેમના મતે વિદ્વાનો દ્વારા અંજની દેવીની કેટલીક વાત જાણવા મળે છે જેમાં તેમનો પૂર્વ જન્મ અને હનુમાનજીના જન્મ અંગેની કથા છે.
કોણ હતાં માતા અંજની?
![]() |
AI Image |
અંજની માતા પૂર્વજન્મમાં દેવરાજ ઇન્દ્રના દરબારમાં એક અપ્સરા હતાં. તેમનું નામ પુંજીકસ્થલી હતું. એક વખત ઋષિ દુર્વાસા ઇન્દ્રના દરબારમાં પહોંચ્યા હતા, તેઓ કોઈ કામમાં વ્યસ્ત હતા ત્યારે એક અપ્સરાના કામકાજથી તેમને ખલેલ પડી, જેથી ગુસ્સે થઈને દુર્વાસા ઋષિએ આ સુંદર અપ્સરાને વાનર બનવાનો શ્રાપ આપ્યો. પરંતુ અપ્સરાની આજીજી અને નિર્દોષતા જોઈ દુર્વાસા ઋષિએ શ્રાપ મુક્ત થવાનો ઉપાય પણ બતાવ્યો કે, તે અમુક સમય મર્યાદા સુધી વાનર સ્વરૂપ ધારણ કરશે અને આદરણીય પણ બનશે.
અપ્સરાનો અંજની તરીકે જન્મ
આગળ જતાં આ અપ્સરાએ વાનર શ્રેષ્ઠ વિરજની પત્નીના ગર્ભથી જન્મ લીધો અને તેમનું નામ અંજની રાખવામાં આવ્યું. જેમના વિવાહ વાનરરાજ કેસરી સાથે થયા અને તેમને ત્યાં ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે હનુમાનજીનો જન્મ થયો.
હનુમાનજીને કેમ અપાવવામાં આવે છે બળની યાદ?
વિદ્વાનો જણાવે છે કે કોઈ વિશેષ કાર્ય હેતુ ભક્તિ કરવાની હોય તો હનુમાનજીને તેમના બળની યાદ અપાવવામાં આવે છે. ભગવાન શ્રીરામના નામ સાથે ભક્તિ કરવામાં આવે છે. તેની પાછળ પણ એક રસપ્રદ કથા છે. હનુમાનજી નાનપણમાં ખૂબ ચંચળ સ્વભાવના અને તોફાની હતા જેના કારણે એકવાર ઋષિમુનિઓએ ગુસ્સામાં શ્રાપ આપ્યો હતો કે, તું તારું બળ ભૂલી જઈશ ત્યારે અન્ય ઉપસ્થિત લોકોની વિનંતીના કારણે ઋષિએ કહ્યું કે, જો કોઈ તારું બળ તને યાદ અપાવશે તો જ તું બળ પ્રાપ્ત કરીશ અને સફળ થઈશ, જેથી ભક્તો દ્વારા પ્રાર્થનામાં તેમનું બળ યાદ કરાવવામાં આવે છે.
![]() |
AI Image |
કળિયુગમાં હનુમાનજી છે ખૂબ પ્રભાવશાળી
હનુમાનજી તેમના પરાક્રમ અને વીરતા ઉપરાંત તેમની રામ ભક્તિ માટે પણ જાણિતા છે. ભગવાન રામ સાથેની તેમની નિષ્ઠા અને ભક્તિની વાતો તો ગ્રંથો ઉપરાંત લોકમુખેથી પણ સાંભળવા મળે છે. આજે પણ કળિયુગમાં હનુમાનજીની ભક્તિ ખૂબ પ્રભાવશાળી માનવામાં આવે છે. જે યોગ્ય માર્ગદર્શન મુજબ કરવાથી ત્વરિત ફળની પ્રાપ્તિ થાય છે, માર્ગદર્શન મુજબ જો હનુમાનજીની વિશિષ્ટ ભક્તિ કરવામાં આવે તો ભક્તોને પોતાની કોઈપણ પીડા, ગ્રહદોષ, ભય વગેરે જેવી બાબતોમાં રાહત મળે છે.