મિથુન (ક.છ.ઘ.) : ક્યારેક સાનુકુળતા, ક્યારેક પ્રતિકૂળતા અનુભવાય, ઉત્તરાર્ધ ચિંતાવાળો રહે...

Updated: Nov 13th, 2023


Google NewsGoogle News
મિથુન  (ક.છ.ઘ.) : ક્યારેક સાનુકુળતા, ક્યારેક પ્રતિકૂળતા અનુભવાય, ઉત્તરાર્ધ ચિંતાવાળો રહે... 1 - image


- નોકરી ધંધામાં વર્ષનો પ્રારંભ આપને હર્ષ-લાભ રખાવે તો વર્ષાન્તે આપને ચિંતા રખાવે. 

સંવત ૨૦૮૦નો પ્રારંભ આપના માટે સાનુકુળ રહે. આપના કામનો એક પછી એક ઉકેલ આવતો જાય. આપને કામમાં આકસ્મિક સરળતા સાનુકુળતા મળી રહે. દેશ-પરદેશના કામ ઉકેલાતા જાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાનીનો અંત આવે. પરંતુ તા. ૧-૫-૨૦૨૪થી ગુરૂનું પરિભ્રમણ પ્રતિકૂળતાવાળુ રહેશે. માનસિક પરિતાપ ઉચાટ-ઉદ્વેગ અનુભવાય.  

આરોગ્ય સુખાકારી

આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષનો પ્રારંભ આપના માટે સારો રહે. વજનમાં વધારો જણાય. જૂની બીમારીમાં આપને રાહત રહે. પરંતુ જેમ જેમ વર્ષ પસાર થતું જાય તેમ તેમ આપે આરોગ્યની બાબતમાં કાળજી રાખવી પડે. શારિરીક માનસિક અસ્વસ્થતા રહ્યા કરે. આવેશ-ઉશ્કેરાટ જલ્દી આવી જાય. માનસિક તણાવનો અનુભવ કરો. તે સિવાય આપને આંખોમાં દર્દ પીડા રહે. ચશ્મા હોય તેમણે સમયસર આંખો ચેક કરાવતાં રહેવું. ઉંમરલાયક વ્યક્તિએ મોતિયાની રેટીનાની, ઝામરની તપાસ કરાવી લેવી. નાના બાળકોને વધુ પડતું ટી.વી. મોબાઈલ જોવાના લીધે ચશ્મા આવી જાય.

તા. ૧૩-૧-૨૪થી ૧૫-૩-૨૪ સુધીના સમયમાં મોં આવી જવું, મોમાં ચાંદા છાલા પડવાથી સંભાળવું પડે. દાંતની જડબાની તકલીફ જણાય. દર્દ-પીડા રહે. દાંત પડાવવો પડે કે રૂટ કેનાલ કરાવવી પડે. ગરદનની, ખભાની તકલીફ રહે. કરોડરજ્જુના ઉપરના મણકામાં દર્દ-પીડા અનુભવાય. સ્પોન્ડીલાઈસીસની તકલીફ થાય. જેને પહેલેથી તકલીફ હોય તેમણે સંભાળવું પડે. તે સિવાય પગની ગુપ્તભાગની તકલીફ જણાય.

વૈશાખ સુદ સાતમથી જેઠ સુદ આઠમ સુધીના સમયમાં આંખોની તકલીફ થાય. અપૂરતી ઊંઘ, ઉજાગરાને લીધે, કામના તણાવના લીધે આંખોમાં દર્દ-પીડા જણાય. આપની બેદરકારી વધુ તકલીફ આપે. બહાર જતાં આવતાં ગોગલ્સ, ચશ્માથી આંખોનું રક્ષણ કરવું.  અષાઢ અને શ્રાવણ મહિના દરમ્યાન આપે સીઝનલ વાયરલ બીમારીથી સંભાળવું પડે.  તે સિવાય જમણી બાજની આંખ મોં, ખભામાં તેમજ ડાબી બાજુના પગમાં દર્દ-પીડા રહે. વાહન ચલાવતી વખતે તકેદારી આપે રાખવી પડે.

આર્થિક સુખ-સંપત્તિ

આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ વર્ષનો પ્રારંભ આપના માટે સારો રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવકમાં વધારો જણાય. આકસ્મિક કોઈ લાભ-ફાયદો મળી રહે. પુખ્ત ઉંમરના પુત્ર-પૌત્રાદિકનો સાથ-સહકાર મળી રહે. તેમને નોકરી મળી રહેતાં ઘરમાં આવક વધે. તે ઘરખર્ચમાં મદદરૂપ થવાના પ્રયાસ કરે. પરંતુ વર્ષની મધ્યથી બારમા ગુરૂના ચક્કરમાં આપ અટવાતાં જાવ. કોઇને કોઈ કારણસર ખર્ચાઓ આવ્યા કરે. જેને આપ ટાળી શકો નહીં. જમીન મકાન વાહનની ખરીદી થાય. તેથી આનંદ-ઉત્સાહ રહે. પરંતુ સાથે સાથે પત્નીના આરોગ્યની ચિંતા રહે. તે અંગે ખર્ચ જણાય. ધર્મકાર્ય શુભકાર્યમાં ખર્ચ-ખરીદી જણાય. વર્ષાન્તે કોઇને કોઈ ખર્ચના લીધે આપનું નાણાંકીય આયોજન વિખેરાઈ જાય તેવું બને. ઘરની બચતનો ઉપયોગ કરવો પડે તેવું બને.

પોષ, મહા, ફાગણ માસ દરમ્યાન આપને આરોગ્ય વિષયક તકલીફ રહે જેના લીધે ખર્ચ રહે. તે સિવાય ૧૨-૭-૨૪થી ૨૬-૮-૨૪ના સમયમાં આપને કોઇને કોઈ આકસ્મિક ખર્ચાઓ આવ્યા કરે. ક્યારેક કારણ વગરના ખોટા ખર્ચાઓ થઇ જાય. તેના લીધે આપને નાણાભીડનો અનુભવ થાય. આ સમયદરમ્યાન પૈસા કે પાકીટ પડી કે ચોરાઈ ન જાય તેની તકેદારી આપે રાખવી પડે. કોઈપણ જગ્યાએ નાણાકીય લેવડ-દેવડમાં આપે ધ્યાન રાખવું પડે. બેંકના કામમાં, શેરોના કામમાં, વીમા કંપનીના કામમાં આપને મુશ્કેલી પડે. આપે ઉતાવળ કરવી નહીં. કોઇના દોરવાયા દોરવાઈ જઇને ક્યાંય રોકાણ કરવું નહીં. કુટુંબ પરિવારમાં, સગા-સંબંધીવર્ગમાં જામીન બન્યા હોય તો આપની મુશ્કેલી વધે. સમય-નાણાના વ્યયની સાથે કોર્ટ-કચેરીના ચક્કરમાં ફસાઈ ન જાવ તેનું આપે ધ્યાન રાખવું પડે. તેમજ સંબંધો પણ બગડે. સરકારી ખાતાકીય કામમાં નાણાંકીય લેવડ દેવડમાં ધ્યાન રાખવું પડે.

નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?

વર્ષના પ્રારંભે નોકરીમાં, નોકરીના સ્થળે આપને સાનુકુળતા મળી રહે. આપના કામની કદર પ્રશંસા થવાથી આપનો કામ કરવાનો ઉત્સાહ વધે. આપના કામમાં આપને અન્યનો સાથ-સહકાર મળી રહે. આપના કામમાં આકસ્મિક સરળતા સાનુકુળતા મળી જતાં આનંદ-ઉત્સાહ જણાય. દેશ-પરદેશના કામનો ઉકેલ આવતો જાય. આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામો ઉકેલાતાં જાય. પરંતુ તા. ૧-૫-૨૦૨૪થી આપને કામમાં પ્રતિકૂળતાનો અનુભવ થતો જાય. આપની ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ કરવામાં મુશ્કેલી પડે. અન્ય કોઇની ભૂલનો ભોગ તમારે બનવું પડે. જે લોકો અત્યાર સુધી આપની સાથે હોય તેજ આપની વિરુદ્ધમાં થઇ જતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. આકસ્મિક બદલી થતાં ઘર-પરિવારથી દૂર થવું પડે. નવા માણસો સાથે ગોઠવાવામાં તકલીફ અનુભવાય.

પોષ માસથી ફાગણ માસ સુધીમાં આપને સ્વાસ્થ્ય સંબંધી તકલીફો રહે. જેના લીધે આપ કામમાં બરાબર ધ્યાન આપી શકો નહીં. તેમાં પણ કામના તણાવ, દબાણ, દોડધામ-શ્રમની અસર આપના શારિરીક માનસિક સ્વાસ્થ્ય પર થાય. તા. ૧૪-૫-૨૪ થી ૧૪-૬-૨૪ દરમ્યાન આપને સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગની તકલીફ જણાય. ઉપરીવર્ગ સાથે કોઈ બાબતે વાદ-વિવાદ, મનદુ:ખ થઇ જાય કે ઉપરીવર્ગ આપના કામથી નાખુશ રહેતાં આપે ઠપકો સાંભળવો પડે. તા. ૧૨-૭-૨૪થી ૨૬-૮-૨૪ દરમ્યાન આપે હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગનો સામનો કરવો પડે. તેઓ આપના કામમાં મુશ્કેલી ઉભી કરવાના પ્રયત્નો કરો. તે સિવાય કોઈ કાયદાકીય કાર્યવાહીમાં ફસાઈ ન જાવ તેની તકેદારી રાખવી પડે.  

ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?

વિક્રમ સંવત ૨૦૮૦નું આ વર્ષ ધંધાકીય દ્રષ્ટિએ આરોહ-અવરોહવાળું રહે. વર્ષના પ્રારંભે આપને કામમાં સાનુકુળતા મળે રહે. આપના કામનો ઉકેલ આવતો જાય. નવો ધંધો મળી રહે. આકસ્મિક કોઈ લાભ-ફાયદો જણાય. પારિવારિક ધંધામાં પુખ્ત ઉંમરના સંતાનનો સાથ-સહકાર મળી રહે. તેના નવા વિચારો, તકનીકના ઉપયોગના લીધે ધંધો વધે. ધંધામાં લાભ જણાય. આકસ્મિક ઘરાકી આવી જવાને લીધે આવકમાં વધારો જણાય. પરંતુ વર્ષની મધ્યથી આપને ધંધામાં રૂકાવટ મુશ્કેલીનો અનુભવ થતો જાય. આપના ગણત્રી ધારણા અવળાં પડતાં જાય અને આપની મુશ્કેલીમાં વધારો થતો જાય. કામમાં વિલંબ થતો જાય. તેના લીધે આપે નુકસાની ભોગવવી પડે. આપનો ગ્રાહકવર્ગ તૂટે તેવું બને. નવા નાણાંકીય જોખમો વધારવા નહીં તેમજ કોઇના દોરવાયા દોરવાઈ જવું નહીં.તા. ૧૩-૧-૨૪થી તા. ૧૫-૩-૨૪ સુધીના સમયમાં આપને નોકર ચાકરવર્ગની તકલીફ રહે. દેશ-પરદેશના કામમાં આયાત-નિકાસના કામમાં તકલીફ જણાય. તે સિવાય આપના સ્વાસ્થ્યને લીધે આપ ધંધામાં બરાબર ધ્યાન આપી શકો નહીં.  ધંધાની જગ્યાએ, ગોદામમાં કોઈ અકસ્માત સર્જાતા આપની મુશ્કેલીમાં વધારો થાય.

ચૈત્ર-વૈશાખ માસ દરમ્યાન સંયુક્ત ધંધામાં ભાઈભાંડુવર્ગ સાથે વાદ-વિવાદથી, મનદુ:ખ ગેરસમજથી સંભાળવું પડે. તા. ૧૨-૭થી તા. ૧૨-૮ દરમ્યાન હરિફવર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગ આપના ગ્રાહકવર્ગને તોડવાના પ્રયાસ કરે. જેના લીધે આપને માનસિક પરિતાપ વ્યગ્રતા જણાય. તા. ૧૬-૯થી ૧૭-૧૦ દરમ્યાન ધંધામાં કોઇને કોઈ સરકારી ખાતાકીય મુશ્કેલી જણાય. જેના લીધે ધાર્યા પ્રમામે કામ થઇ શકે નહીં.  

સ્ત્રીવર્ગ

સ્ત્રીવર્ગને વર્ષારંભે સાનુકુળતા મળી રહે. પતિ-સંતાનની ચિંતા ઓછી થાય. પતિ-સંતાનોનો સાથ-સહકાર મળી રહેતાં આનંદ-ઉત્સાહ રહે. પુખ્ત સંતાનના વિવાહ-લગ્નનો પ્રશ્ન ઉકેલાતાં હર્ષ લાભ થાય. પરંતુ વર્ષના મધ્યથી આપને કોઈ ને કોઈ કામમાં મુશ્કેલી જણાય. પતિ-સંતાનથી સાતે પિતૃપક્ષે ચિંતાનું આવરણ આવી જાય. સાસરીપક્ષ મોસાળપક્ષે બિમારી ચિંતા-ખર્ચ જણાય. વાદ-વિવાદથી મનદુ:ખથી ગેરસમજથી સંભાળવું પડે. કોર્ટ-કચેરીના પ્રશ્ને આપની ચિંતા-પરેશાનીમાં વધારો થાય. નાણાંકીય ખર્ચ-વધતાં નાણાંભીડનો સામનો કરવો પડે.તા. ૧૪-૫થી તા. ૧૪-૬ દરમ્યાન ભાઈભાંડુ વર્ગની તકલીફ જણાય. વ્યવસાયી મહિલાઓને સહકાર્યકરવર્ગ નોકર-ચાકરવર્ગ સાથે વાદ-વિવાદથી સંભાળવું પડે. તેમના અંગે ખર્ચ જણાતાં આપના નાણાંકીય આયોજનમાં તકલીફ જણાય.

વિદ્યાર્થીવર્ગ

વિદ્યાર્થીવર્ગ માટે તા. ૧-૫-૨૪ સુધીનો સમય અભ્યાસ માટે સારો છે. આ સમય દરમ્યાન આપને અભ્યાસમાં મહેનતના પ્રમાણમાં સફળતા મળી રહે. કારકિર્દીના વર્ષમાં રાહત રહે. પરંતુ ત્યાર પછીનો સમય આપના માટે પ્રતિકૂળતાવાળો રહે. મહેનતના પ્રમાણમાં સફળતા મળે નહીં. આયોજન કર્યા મુજબ અભ્યાસ કરવામાં તકલીફ જણાય. કોઇને કોઇ કારણસર આપના આયોજનને અનુસરી ના શકો. તેમાં બદલાવ આવ્યા કરે. વધુ પડતા આત્મવિશ્વાસના લીધે આપને પરીક્ષામાં તકલીફ જણાય. 

ખેડૂત વર્ગ

ખેડૂત વર્ગને વર્ષના પ્રારંભમાં હર્ષ-લાભ રહે. ખેતીમાં પાક સારો ઉતરતાં આપની ચિંતા-પરેશાની દૂર થાય. સંતાનના પ્રશ્ને આપને રાહત થતી જાય. તેના અભ્યાસમાં કારકિર્દીના પ્રશ્ને આપનો તણાવ દર થાય. અવિવાહીત સંતાનના વિવાહ-લગ્નનું નક્કી થતાં આનંદ થાય. પરંતુ ચૈત્ર માસથી આપના માટે સમય પ્રતિકૂળ શરૂ થાય છે તેથી આપને કામમાં તકલીફ જણાય. બહારથી ઉછીના નાણા લાવીને ખેતી કરવી નહીં. કે કોઈ પ્રસંગ કરવો નહીં. ખેતી સાથે નોકરી-ધંધો કરનાર વર્ગને વર્ષના ઉત્તરાર્ધમાં કોઈને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે.  

ઉપસંહાર 

આમ વિક્રમ સંવત ૨૦૮૦નું વર્ષ આરોહ-અવરોહમાં પસાર થાય. ક્યારેક સાનુકુળતા તો ક્યારેક પ્રતિકૂળતા અનુભવાય. કૌટુંબિક-પારિવારીક દ્રષ્ટિએ વર્ષનો ઉત્તરાર્ધ ચિંતાવાળો રહે. માનસિક પરિતાપ-વ્યગ્રતા રખાવે. નોકરી ધંધામાં વર્ષનો પ્રારંભ આપને હર્ષ-લાભ રખાવે તો વર્ષાન્તે આપને ચિંતા રખાવે. આપના દોડધામ શ્રમ ખર્ચમાં વધારો જણાય. સ્ત્રીવર્ગ માટે વર્ષ મધ્યમ બની રહે.

પત્ની-સંતાન-પરિવાર

કૌટુંબિક પારિવારીક દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. વર્ષારંભે પત્ની સંતાનનો સાથ સહકાર મળી રહે. સંતાનના અભ્યાસ કારકિર્દી, વિવાહ-લગ્ન અંગેની ચિંતા-પરેશાની દૂર થાય.   પરંતુ મે મહિનાથી આપને પિતા-પત્નીનાં આરોગ્ય-આયુષ્યની ચિંતા રહે. સંતાન સાથે વાદ-વિવાદ મનદુ:ખ થઇ જાય. પિતાના આરોગ્યની ચિંતા રહે. પિતૃપક્ષે કોઈ વડીલ હોય તો તેમની પણ ચિંતા રહ્યા કરે. પત્ની સાથે નાની નાની વાતમાં વિવાદ ઝઘડો થઇ જાય.  પત્ની સાથે કોર્ટ કેસ ચાલતો હોય તો આપની મુશ્કેલીમાં વધારો થાય. તે સિવાય મોસાળપક્ષે સાસરીપક્ષે બીમારી ખર્ચ ચિંતા દોડધામનું આવરણ આવી જાય. સંયુક્ત માલ-મિલ્કત ધંધાના પ્રશ્ને કુટુંબ પરિવારમાં વાદ-વિવાદ ગેરસમજ, મનદુ:ખ ઉભા થાય. ઘરનું વાતાવરણ ડોહળાયેલું રહે. તે સિવાય કોઇને કોઈ ખર્ચાઓને લીધે નાણાંભીડ રહેતાં તેની અસર પણ કુટુંબ પરિવાર પર થાય.

Gemini

Google NewsGoogle News