દ્વારકાથી લઈને નાથદ્વારા-મથુરા સુધી... પાંચ રાજ્યોમાં 12 તીર્થસ્થળો જોડે છે શ્રીકૃષ્ણ સર્કિટ
Shri Krishna Circuit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી મુંબઈમાં એશિયાના બીજા સૌથી મોટા ઇસ્કોન મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર કૃષ્ણ સર્કિટ દ્વારા દેશના વિવિધ તીર્થસ્થાનો અને ધાર્મિક સ્થળોને જોડી રહી છે. આવો એ જાણીએ કે, વડાપ્રધાન મોદીએ જે કૃષ્ણ સર્કિટનો ઉલ્લેખ કર્યો છે તે શું છે? તેમજ તે કેટલા રાજ્યોને જોડશે?
કેન્દ્રીય પર્યટન મંત્રાલય દ્વારા સ્વદેશ દર્શન યોજના હેઠળ દેશભરમાં થીમ-આધારિત 15 પર્યટન સર્કિટ વિકસાવવામાં આવી રહ્યા છે. જેમાં નોર્થ ઇસ્ટ સર્કિટ, બૌદ્ધ સર્કિટ, હિમાલય સર્કિટ, કોસ્ટલ સર્કિટ, કૃષ્ણ સર્કિટ, ડેઝર્ટ સર્કિટ, ટ્રાઇબલ સર્કિટ, ઇકો સર્કિટ, વાઇલ્ડલાઇફ સર્કિટ, ગ્રામીણ સર્કિટ, આધ્યાત્મિક સર્કિટ, રામાયણ સર્કિટ, હેરિટેજ સર્કિટ, તીર્થંકર સર્કિટ અને સૂફી સર્કિટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કૃષ્ણ સર્કિટનો સંપૂર્ણ પ્લાન શું છે?
સ્વદેશ દર્શન યોજના હેઠળ વિકસિત થઈ રહેલી કૃષ્ણ સર્કિટમાં પાંચ રાજ્યોમાં ધાર્મિક સ્થળોનો સમાવેશ થાય છે. જે મોટાભાગે શ્રીકૃષ્ણ સાથે જોડાયેલ છે. આ સર્કિટનો વિસ્તાર ગુજરાત, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઓડિશા સુધી છે. આ પાંચ રાજ્યોમાંથી 12 સ્થળો આ સર્કિટનો ભાગ છે. આમાં ગુજરાતનું દ્વારકા, રાજસ્થાનનું નાથદ્વારા, સીકર અને જયપુર, હરિયાણામાં કુરુક્ષેત્ર, ઉત્તર પ્રદેશમાં મથુરા, વૃંદાવન, ગોકુલ, બરસાણા, નંદગાંવ અને ગોવર્ધન અને ઓડિશામાં પુરીનો સમાવેશ થાય છે.
પાંચ રાજ્યોના ધાર્મિક સ્થળોને જોડશે
1. ઉત્તર પ્રદેશ: મથુરા, ભગવાન કૃષ્ણનું જન્મસ્થળ
Image Mathura Shri Krishna Mandir |
કૃષ્ણ સર્કિટમાં ભગવાન કૃષ્ણના જન્મસ્થળ મથુરાને દ્વારકા સાથે જોડવામાં આવશે. મથુરા ઉત્તર પ્રદેશમાં યમુના નદીના કિનારે આવેલું છે. તે ફક્ત હિન્દુઓ માટે જ નહીં પરંતુ બૌદ્ધ અને જૈન ધર્મના અનુયાયીઓ માટે પણ મહત્વપૂર્ણ છે. હાલમાં મથુરા ધાર્મિક અને ઐતિહાસિક મહત્ત્વનું મુખ્ય કેન્દ્ર છે.
ભગવાન શ્રીકૃષ્ણનું જન્મસ્થળ મથુરા સુપ્રસિદ્ધ છે. એવું માનવામાં આવે છે કે, કંસનો વધ કર્યા પછી ભગવાન કૃષ્ણએ અહીં આરામ કર્યો હતો. શ્રીકૃષ્ણએ વૃંદાવનમાં અનેક લીલાઓ રચી હતી. નંદગાંવને શ્રીકૃષ્ણના પાલક પિતા નંદરાય દ્વારા બરસાણા નજીક નંદીશ્વર નામની સુંદર પહાડ પર વસાવવામાં આવ્યું હતું. ગોવર્ધન પર્વત મથુરા જિલ્લામાં જ આવેલો છે, જેને ઈન્દ્રના પ્રકોપથી વ્રજવાસીઓને બચાવવા માટે કૃષ્ણએ પોતાની તર્જની આંગળી પર ઉંચો કર્યો હતો. મથુરામાં ઘણા વિકાસ કામ થઈ ગયા છે.
2. રાજસ્થાન: શ્રીનાથદ્વારામાં બાળ સ્વરૂપની પૂજા થાય છે.
રાજસ્થાનના મેવાડ વિસ્તારના રાજસમંદ જિલ્લાના નાથદ્વારામાં સ્થિત ભગવાન શ્રીકૃષ્ણનું સ્વરૂપ શ્રીનાથજી દેશ અને દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. શ્રીનાથજી નાથદ્વારામાં એક હવેલીમાં બિરાજમાન છે. તેનું નિર્માણ મેવાડના તત્કાલીન મહારાણા રાજ સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. અહીં, શ્રીનાથજીની દિવસમાં આઠ વખત બાળ સ્વરૂપમાં પૂજા કરવામાં આવે છે.
સ્વદેશ દર્શન યોજના હેઠળ કૃષ્ણ સર્કિટ હેઠળ નાથદ્વારામાં વિકસિત પ્રવાસન સુવિધાઓનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 ઓક્ટોબર 2023ના રોજ ઉદ્ઘાટન કર્યું છે. અહીં એક અર્થઘટન કેન્દ્ર વિકસાવવામાં આવ્યું છે, જેમાં શ્રીનાથજીની ગોવર્ધનથી નાથદ્વારા સુધીની યાત્રાનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ગ્રાફિક્સ અને વિઝ્યુઅલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
3. હરિયાણા: કુરુક્ષેત્રમાં થયું હતું મહાભારત
હરિયાણાનું કુરુક્ષેત્ર કૌરવો અને પાંડવો વચ્ચેના યુદ્ધ એટલે કે મહાભારત માટે જાણીતું છે. અહીં ભગવાન કૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. કુરુક્ષેત્ર દિલ્હીથી આશરે 170 કિમી દૂર છે. અહીં સ્થિત બ્રહ્મસરોવરનું ધાર્મિક અને પૌરાણિક મહત્ત્વ છે.
4. ઓડિશા: ધરતી પરનું વૈકુંઠ છે, પુરીનું શ્રીજગન્નાથ મંદિર
ઓડિશાના પુરીમાં આવેલું ભગવાન શ્રીજગન્નાથનું મંદિર હિન્દુ ધર્મના ચાર પ્રસિદ્ધ ધામોમાંથી એક છે. એક પૌરાણિક માન્યતા પ્રમાણે, વિશ્વ પ્રખ્યાત જગન્નાથ મંદિર પૃથ્વીનું વૈકુંઠ છે. અહીં સ્થાપિત શ્રીજગન્નાથની મૂર્તિમાં બ્રહ્મા દ્રવ્ય છે. તેને ભગવાન કૃષ્ણનું હૃદય માનવામાં આવે છે. એટલે એવું કહેવાય છે, કે ભગવાન કૃષ્ણ પોતે આ મંદિરમાં હાજર છે. એવું પણ માનવામાં આવે છે કે, પુરીમાં ભગવાન જગન્નાથના દર્શન કરવાથી વ્યક્તિના બધા પાપ ધોવાઈ જાય છે, અને તેની બધી ઈચ્છાઓ પૂરી થાય છે.
જગન્નાથ મંદિર
5. ગુજરાત: શ્રીકૃષ્ણની કર્મભૂમિ છે દ્વારકા
ગુજરાતનું દ્વારકા હકીકતમાં એક સૌથી પ્રાચીન શહેર છે. એવું માનવામાં આવે છે કે, શ્રી કૃષ્ણ પોતે મથુરા છોડ્યા પછી અહીં સ્થાયી થયા હતા અને આ તેમની કર્મભૂમિ છે. આદિ શંકરાચાર્ય દ્વારા તીર્થસ્થળ તરીકે સ્થાપિત કરાયું હતું. અને તે ચાર ધામ અને હિન્દુઓના સાત પવિત્ર નગરોમાંનું એક છે. દેવનાગરી દ્વારકા મંદિરના મુખ્ય દેવતા ભગવાન કૃષ્ણ છે. તેમને દ્વારકાધીશ તરીકે પૂજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, દ્વારકા મંદિરની મુલાકાત લેવાથી ઘણા જન્મોના પાપ ધોવાઈ જાય છે.