ધનતેરસથી લઈને ભાઈબીજ સુધી, જાણો પાંચ દિવસીય દિવાળીની તારીખો અને મહત્વ

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
ધનતેરસથી લઈને ભાઈબીજ સુધી, જાણો પાંચ દિવસીય દિવાળીની તારીખો અને મહત્વ 1 - image

Image:freepik 

નવી દિલ્હી,તા. 30 ઓક્ટોબર 2023, સોમવાર 

હિંદુ પંચાગ અનુસાર શ્રાવણ મહિનાથી સાથે જ તહેવારોની ફૂલગુલાબી સીઝન શરૂ થઈ જાય છે. આ તહેવારોની હારમાળામાં દિવાળી સૌથી શ્રેષ્ઠ તહેવાર કહેવાય છે. કારતક મહિનાની અમાસના દિવસે ઉજવાતા પ્રકાશ પર્વ, દિવાળીનું અનેરૂં મહત્વ હોય છે. ગુજરાતવાસીઓ માટે તો દિવાળીનો અનેરો જ ઉત્સાહ હોય છે કારણકે દેવ ઉઠી એકાદશી શરૂ થતું આ પર્વ સામાન્ય રીતે લાભ પાંચમે પૂર્ણ થાય છે. જોકે અન્ય પ્રદેશોમાં ધનતેરસથી શરૂ કરીને ભાઈબીજ એટલેકે પાંચ દિવસ સુધીનો દિવાળીનો તહેવાર મનાવાય છે.

આ વર્ષે દિવાળી 12 નવેમ્બર 2023 (Diwali 2023 Date)ના રોજ આવી રહી છે. પાંચ દિવસ ચારે બાજુ ભક્તિ અને હર્ષોલ્લાસનો માહોલ હોય છે અને તેની તૈયારીઓ ઘણા દિવસો પહેલાથી જ શરૂ થઈ જાય છે. તો આવો આપણે જાણીએ આ પંચદિવસીય તહેવારના દરેક દિનનું મહત્વ.

ધનતેરસ :

ધનતેરસના દિવસથી જ દિવાળીનો તહેવાર શરૂ થાય છે. કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તારીખે ધનતેરસ આવે છે. તેને ધન ત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે લોકો યમરાજ, કુબેર દેવ અને આયુર્વેદચાર્ય ધન્વંતરીની પૂજા કરે છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન ધનવંતરી સમુદ્ર મંથન દરમિયાન અમૃતના વાસણ સાથે પ્રગટ થયા હતા. તેથી આ દિવસે વાસણો, ધાતુ અને ઝવેરાત વગેરે ખરીદવાની પરંપરા છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 10 નવેમ્બર 2023ના રોજ છે.

કાળી ચૌદશ :

દિવાળી પહેલા નરક ચતુર્દશી ઉજવવામાં આવે છે. તેને રૂપ ચૌદસ અથવા કાળી ચૌદસ પણ કહેવામાં આવે છે. એવી પૌરાણિક માન્યતા છે કે કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો હતો અને 16,100 કન્યાઓને તેની જેલમાંથી મુક્ત કરી હતી. આ ઉપરાંત આ દિવસ વિશે એવી પણ માન્યતા છે કે નરક ચતુર્દશીના દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરવાથી વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે નરક ચતુર્દશી 12 નવેમ્બર 2023ના રોજ છે.

દિવાળી :

દિવાળી અથવા દીપાવલી પાંચ દિવસીય આ પર્વના ત્રીજા દિવસે ઉજવવામાં આવે છે. આ પાંચ દિવસો વચ્ચે આ સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે. પૌરાણિક ગ્રંથોના ઉલ્લેખ અનુસાર આ દિવસે ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પરત ફર્યા હતા તેથી, ભગવાન રામના સ્વાગત માટે અયોધ્યાના લોકોએ સમગ્ર અયોધ્યાને દીવાઓથી જગમાવી હતી. ત્યારબાદથી દિવાળી પર દીવા પ્રગટાવવાની પરંપરા શરૂ થઈ છે. આ વર્ષે દિવાળી 12 નવેમ્બર 2023ના રોજ આવી રહી છે.

ગોવર્ધન પૂજા અને અન્નકૂટ :

દિવાળીના બીજા દિવસે અન્નકૂટ અથવા ગોવર્ધન પૂજા થાય છે. આ દિવસે પાળેલા બળદ, ગાય, બકરી વગેરેને સ્નાન, શણગાર કરીને પૂજા કરવામાં આવે છે. તેમજ ગાયના છાણમાંથી ગોવર્ધન બનાવવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે અને ઘણી વાનગીઓ ચઢાવવામાં આવે છે. આ દિવસ માટે માન્યતા છે કે ત્રેતાયુગમાં આ દિવસે શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વતને પોતાની નાની આંગળી પર ઉપાડ્યો હતો અને ગોવર્ધનની છાયામાં ગ્રામજનોની રક્ષા કરી હતી. આ વર્ષે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ 14 નવેમ્બર 2023ના રોજ છે. હા, ગુજરાતી કલ્ચર પ્રમાણે કહીએ દિવાળી અને બેસતા વર્ષના આ પર્વ વચ્ચે 13 નવેમ્બરનો એક પડતર દિવસ આ વર્ષે પણ આવી રહ્યો છે.

ભાઈબીજ અથવા યમ દ્વિતિયા :

ગુજરાતી પરંપરા પ્રમાણે ભાઈબીજ, હિન્દી સંસ્કૃતિમાં ભાઈ દૂજ અને યમ દ્વિતિયા પાંચ દિવસીય તહેવારના પાંચમા એટલેકે છેલ્લા દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર ભાઈ-બહેનના સંબંધને સમર્પિત છે. આ દિવસે બહેનો તેમના ભાઈને તિલક લગાવે છે અને તેમના લાંબા આયુષ્યની કામના કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે યમરાજ પણ તેમની બહેન યમુનાને મળવા તેમના ઘરે ગયા હતા. આ વર્ષે ભાઈ દૂજ 15 નવેમ્બર 2023ના રોજ છે.


Google NewsGoogle News