જન્માષ્ટમી પર બે શુભ સંયોગ, જો શુભ મુહૂર્તમાં કરશો પૂજા તો શ્રીકૃષ્ણની થશે અપાર કૃપા
Krishna Janmashtami 2024: શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર હિંદુ ધર્મના એ તહેવારોમાંથી એક છે જેની દરેક વ્યક્તિ રાહ જુએ છે. વર્ષ 2024માં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર 26 ઓગસ્ટના રોજ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. શ્રાવણ મહિનાની વદ પક્ષની આઠમની તિથિએ ઉજવાતો જનમાષ્ટમીનો આ તહેવાર માત્ર ભારતમાં જ નહીં, પરંતુ અન્ય ઘણા દેશોમાં પણ ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી પર બે શુભ યોગ પણ બની રહ્યા છે. તો આવો આ શુભ યોગો વિશે અને કૃષ્ણ જન્માષ્ટમીના શુભ પૂજાના સમય વિશે જાણીએ.
જન્માષ્ટમી તિથિ
વર્ષ 2024માં આઠમ તિથિ 26મી ઓગસ્ટના રોજ સવારે 3.40 કલાકે શરૂ થશે અને 26મીએ સવારે 2.20 કલાકે પૂર્ણ થશે. એટલે કે આઠમ તિથિ 27મીએ સવારે 2.20 વાગ્યા સુધી રહેશે. તેથી જન્માષ્ટમીનો તહેવાર 26 ઓગસ્ટે જ ઉજવવામાં આવશે.
જન્માષ્ટમી પર શુભ યોગ
આ વખતે જન્માષ્ટમી પર કેટલાક શુભ યોગ પણ બની રહ્યા છે. આ દિવસે રોહિણી નક્ષત્ર બપોરે 3.55 કલાકે શરૂ થશે અને 27મીએ મધ્યરાત્રિ સુધી ચાલુ રહેશે. આ સાથે જ જન્માષ્ટમીના દિવસે ચંદ્ર વૃષભ રાશિમાં બિરાજમાન હતા. એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો, ત્યારે પણ આવો જ યોગ રચાયો હતો, એટલે કે તે સમયે પણ ચંદ્ર વૃષભ રાશિમાં હતો. આ સાથે આ વખતે જન્માષ્ટમીનો તહેવાર સોમવારે છે. જ્યારે પણ આ તહેવાર સોમવાર કે બુધવારે આવે છે ત્યારે તેને ખૂબ જ શુભ સંયોગ માનવામાં આવે છે.
પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ભગવાન કૃષ્ણનો જન્મ થયો ત્યાર બુધવાર હતો. જ્યારે ભગવાન કૃષ્ણનું નામ જે દિવસે રાખવામાં આવ્યું હતું, તે સોમવાર હતો. એટલે આ બે દિવસોમાં કૃષ્ણ જન્માષ્ટમીના તહેવાર ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થઈ શકે છે. આ શુભ યોગમાં જો વિધિ- વિધાનથી ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે તો, વ્યક્તિની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. ચાલો હવે જાણીએ કે આ દિવસે પૂજા માટેનું શુભ મુહૂર્ત ક્યારે અને કયા સમય સુધી શુભ રહેશે.
કૃષ્ણ જન્માષ્ટમીએ પૂજાનો શુભ સમય
સવારે પૂજા માટેનો શુભ સમય - સવારે 5.55 થી 7.36 (આ દરમિયાન અમૃત ચોઘડિયા હશે).
સાંજે પૂજા માટેનો શુભ સમય - બપોરે 3:35 થી 7 વાગ્યા સુધી.
રાત્રે પૂજા માટેનો શુભ સમય - 12 મધ્યરાત્રિથી 12.45 સુધી.
અભિજીત મુહૂર્ત- આ એક શુભ સમય માનવામાં આવે છે અને આ સમય દરમિયાન તમે ભગવાન કૃષ્ણની પૂજા પણ કરી શકો છો, અભિજીત મુહૂર્ત દિવસ દરમિયાન સવારે 11:56 થી બપોરે 12:48 સુધી રહેશે.
આમ તો જન્માષ્ટમી પર ગમે ત્યારે ભગવાન કૃષ્ણનું ધ્યાન કરી શકાય છે. પરંતુ જો ઉપર જણાવેલ શુભ મુહૂર્તમાં પૂજા કરશો, તો તમને સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે.