ત્રીજા વિશ્વયુધ્ધના એંધાણ : ગઠબંધન સરકારમાં ભંગાણના યોગ
મા નવદુર્ગા અને એકલિંગજીદાદાની અસીમ કૃપાથી વિક્રમ સંવત ૨૦૮૧ અનલ નામ સંવત્સરનો પ્રારંભ કારતક સુદ એકમને શનિવાર તા. ૨ નવેમ્બરથી થાય છે.
વર્ષ દરમ્યાન ગ્રહોના પરિભ્રમણ, યુતિ, યોગ જોતાં દેશને દુનિયા માટે સંવત-૨૦૮૧ નું વર્ષ કઠીન રહે. વિશ્વમાં ક્યાંકને ક્યાંક કોઈ ઘટના, પ્રસંગ, પરિસ્થિતિ સર્જાતા રાજકિય વર્તુળોમાં અને પ્રજામાં ઉચાટ-ઉદ્વેગ રહે.
વર્ષ દરમિયાન ગુરૂ ત્રણ રાશિમાંથી પસાર થઈ રહ્યો છે. શનિ તેમજ રાહુ બે રાશિમાંથી પરિભ્રમણ કરી રહ્યા છે. વર્ષની મધ્યમાં શનિ-રાહુની યુતિ સર્જાય છે. તેમજ અન્ય ગ્રહોના પરિભ્રમણ યોગના આધારે જોઈએ તો -
- દેશને દુનિયા માટે આવનારું વર્ષ પડકારરૂપ રહે.
- વિશ્વની મહાસત્તાઓ સામ-સામે આવી જતાં તંત્ર પરિસ્થિતિનું નિર્માણ થાય.
- તૃતિય વિશ્વયુદ્ધના એંધાણ ઉભા થાય.
- સત્તાની સાઠમારીમાં પ્રજા પીસાય.
- વૈશ્વિક સત્તાઓ પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે ચડસાચડસીમાં આવી જાય.
- પર્યાવરણીય પરિસ્થિતિ વિષમ થતાં વિશ્વની-પ્રજાની ચિંતામાં વધારો થાય.
વૃષભના ગુરુનું ફળ
તા. ૧૪ મે ૨૦૨૫ બુધવાર સુધી ગુરૂ વૃષભ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યો છે. વૃષભના ગુરૂ દરમ્યાન -
- વરસાદ ઓછો થાય.
- પ્રજાની પીડામાં વધારો થાય.
- વૈશાખ અને આસો માસમાં રસીઓને, હાથીઓને પીડા રહે.
- બધી રસકસવાળી વસ્તુઓ સસ્તી થાય.
- શૃંગાલ અને માળવાના પ્રદેશોમાં ઉત્પાત થાય.
- રાજ્યનો, દેશનો ભંગ થાય.
- રાજાઓમાં વિગ્રહ, રાજનેતાઓના વૈચારિક મતભેદ સપાટી પર આવે. તેમાં વધારો થાય.
ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થાય.
- અષાઢ-શ્રાવણમાં સારો વરસાદ થાય પરંતુ ભાદરવામાં વરસાદની ખેંચ સર્જાય.
- પશુઓમાં રોગચાળાનું પ્રમાણ વધતાં પશુઓનાં મૃત્યુનું પ્રમાણ વધે.
- ઘી અને ધાન્યના વેચાણમાં ઘટાડો થાય.
મિથુનના ગુરૂનું ફળ
વૈશાખ વદ-બીજ તા. ૧૪/૫/૨૦૨૫ થી ગુરૂ મિથુન રાશિમાં પરિભ્રમણની શરૂઆત કરી રહ્યો છે. તે દરમ્યાન -
- વિશ્વમાં ખંડવૃષ્ટિ થાય.
- પાણીની ખેંચ વર્તાય. પાણીના પ્રશ્ને દેશ-દેશ, પ્રજા વચ્ચે ઘર્ષણ ઊભું થાય.
- પ્રજામાં રોગચાળો ફેલાય. પીડા અનુભવવી પડે.
- ઘોડાઓને-બાળકોને કષ્ટ-પીડા રહે.
- પશ્ચિમમાં સિંધુ પ્રદેશમાં, વાયવ્ય અને ઉત્તર દિશામાં ચિત્ર-વિચિત્ર વર્ષાનો અનુભવ થાય.
- પૂર્વ, અગ્નિ, દક્ષિણ, ઈશાન દિશાના દેશોમાં વરસાદ જોવા મળે.
- કાંસુ, કપૂર, ચંદન, મજીઠ, નારીયેળ, સોપારી, સોનુ-ચાંદી, સફેદ વસ્ત્ર ચૈત્ર સુધી પાંચ મહિના સસ્તા રહે પછી મોંઘા થાય.
- સૂંઠ, મરચું, પીપરીમૂળ, મજીઠ, જાયફળ, તેજીના મોંઘા થાય.
- ચોરોનો ઉપદ્રવ વધે.
કર્કના ગુરૂનું ફળ
આસો વદ-બારસ-ધનતેરસ તા. ૧૮-૧૦-૨૦૨૫ શનિવારના રોજ ગુરૂ કર્ક રાશિમાં પરિભ્રમણની શરૂઆત કરશે. જે વર્ષાન્ત સુધી રહેશે. આ સમય મધ્યમ રહે.
ગુરૂનું ત્રણ રાશિમાં પરિભ્રમણ
સંવત ૨૦૮૧ ના વર્ષમાં ગુરૂ ત્રણ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યો છે. વર્ષાંરંભે વૃષભમાં, વર્ષની મધ્યમાં મિથુનમાં અને છેક વર્ષના અંતે કર્ક રાશિમાંથી પસાર થાય છે. આ સમય દેશ અને દુનિયા માટે સાવધ રહેવાનો છે.
- હજારોની સંખ્યામાં યોદ્ધાઓનો નાશ થાય.
- અર્થાત્ વિશ્વમાં યુદ્ધની પરિસ્થિતિ વધુ વિકટ થતી જાય.
- પૃથ્વી પ્રેતોથી પૂર્ણ થાય. એટલે કે પૃથ્વી પર પશુ-પક્ષી- મનુષ્યોના અપમૃત્યુના પ્રમાણમાં વધારો થાય. જીવની અવગતી વધે. કુદરતી મૃત્યનું પ્રમાણ ઘટે.
શનિ-રાહુની યુતિ
ફાગણ વદ અમાસ શનિવાર તા. ૨૯ માર્ચ ૨૦૨૫ થી શનિ કુંભમાંથી મીન રાશિમાં પરિભ્રમણની શરૂઆત કરશે. તે સમયે રાહુ મીન રાશિમાંથી પરિભ્રમણ કરી રહ્યો છે. વૈશાખ વદ-૬ રવિવાર તા. ૧૮ મે ૨૦૨૫ સુધી રાહુ મીન રાશિમાં છે. આમ, ૨૯ માર્ચ ૨૦૨૫ થી ૧૮ મે ૨૦૨૫ સુધી મીન રાશિમાં શનિ-રાહુની યુતિ રહે છે.
આ સમય દરમ્યાન -
- દેશ અને દુનિયા માટે આ સમય ઘણો વિકટ રહે.
- દેશની મહાસત્તાઓ વચ્ચે અહમનો ટકરાવ થાય. હઠાગ્રહના લીધે વિશ્વ યુદ્ધના ખપ્પરમાંે હોમાતું જાય.
- અણુયુદ્ધની પરિસ્થિતિ ઉત્પન્ન થાય.
- વિશ્વમાં ભૂકંપ-રક્તપાતની સ્થિતિનું નિર્માણ થાય.
- પ્રજાની પીડામાં વધારો થાય.
- દેશમાં રાજકીય પક્ષો વચ્ચેની ખેંચતાણમાં વધારો થાય.
- સામાસામા આક્ષેપોને લીધે રાજકારણનું વરવું સ્વરૂપ પ્રજા સમક્ષ આવે.
- પર્યાવરણીય, ભૌગોલિક સ્થિતિમાં ફેરફાર જોવા મળે.
- વિશ્વમાં દેશભંગના બનાવો જોવા મળે.