Get The App

મેષ (અ.લ.ઇ.) : ગમે ત્યાં પૈસાનું રોકાણ કે વ્યવહાર કરતાં સાચવજો, મહિલાઓની જવાબદારી વધશે

Updated: Nov 2nd, 2024


Google NewsGoogle News
મેષ (અ.લ.ઇ.) : ગમે ત્યાં પૈસાનું રોકાણ કે વ્યવહાર કરતાં સાચવજો, મહિલાઓની જવાબદારી વધશે 1 - image


- ઈન્કમટેક્ષ-સેલ્સટેક્ષ, જી.એસ.ટી.ના ચક્કરમાં આપની ભૂલ બેદરકારીના લીધે ફંડ કે કાનૂની કાર્યવાહી થતાં દાઝ્યા પર ડામ જેવી પરિસ્થિતિ ઉભી થાય

આરોગ્ય સુખાકારી

આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ આપના માટે મધ્યમ રહે. માનસિક પરિતાપ-વ્યગ્રતા રહ્યા કરે. વાયરલ-સીઝનલ બીમારીથી સંભાળવું પડે. તે સિવાય લમણામાં-આંખોમાં દર્દ-પીડાનો અનુભવ થાય. આંખોમાં ઈન્ફેક્શનથી સંભાળવું પડે. પહેલેથી જેમની આંખો નબળી હોય, ચશ્મા હોય તેમણે વિશેષ કાળજી રાખવી પડે. મોતિયાની-ઝામરની અસરના લીધે જોવામાં તકલીફ જણાય. પગની તકલીફ અનુભવાય.

કારતક-માગશર માસ દરમ્યાન આપે દૂધ-દૂધની બનાવટની વાનગીઓથી પરેશાની ના થાય તેનું ધ્યાન રાખવું પડે. તે સિવાય ચામડી સંબંધીત સમસ્યા ઉદ્ભવે. તા.૨/૪/૨૦૨૫ થી તા.૬/૬/૨૦૨૫ સુધી રક્ત સંબંધીત સમસ્યા અનુભવાય. બી.પી.ની તકલીફ હોય તેમણે સંભાળવું પડે. તે સિવાય છાતીમાં દર્દ-પીડા, ગભરામણ જેવું અનુભવાય.

આર્થિક સુખ-સંપત્તિ

વિક્રમ સંવત ૨૦૮૧ દરમ્યાન પહેલાં રાહુ અને પછી શનિનું પરિભ્રમણ પ્રતિકૂળ રહેતાં આપે નાંણાકીય રીતે સંભાળવું પડે. વૈશાખ વદ છઠ તા.૧૮/૫/૨૦૨૫ સુધી રાહુનું પ્રતિકૂળ પરિભ્રમણ રહે છે. આપ બારમા રાહુના બંધનમાં અટવાયેલા રહો. આકસ્મિક ખર્ચાઓને લીધે, ખોટા ખર્ચાઓને  લીધે નાંણાકીય મુશ્કેલી જણાય.

તા.૨૯/૩/૨૦૨૫ થી શનિનું પરિભ્રમણ મીન રાશિમાં શરૂ થતાં આપને સાડા સાત વર્ષની પનોતીનો પ્રથમ તબક્કો લોખંડના પાયે શરૂ થાય છે જે આપની નાંણાકીય મુશ્કેલીમાં વધારો કરો. આપનું નાંણાકીય આયોજન ખોરવાઈ જાય. નવા રોકાણો કરવામાં આપે ધ્યાન રાખવું પડે. જો કે વર્ષ દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ આપના નાંણાકીય વ્યવહારો સાચવવામાં આપને મદદરૂપ રહે. પરંતુ વર્ષાન્તે આસો વદ બારસ (ધનતેરસ)થી ગુરૂનું પરિભ્રમણ આપના માટે પ્રતિકૂળ થાય છે તેથી દિવાળીના સમય દરમ્યાન આકસ્મિક ખર્ચના લીધે નાંણાભીડનો સામનો કરવો પડે.

આમ વર્ષ દરમ્યાન આપે આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ સાચવવું પડે. મોટા અને જોખમી રોકાણોથી આપે દૂર રહેવું. શેરબજારમાં કે અન્ય ક્યાંય રોકાણ કરતાં પહેલાં આપે તપાસ કરી લેવી. અન્ય કોઈના કહેવાથી કે કોઈના દબાણમાં આવી જઈને ક્યાંય રોકાણ કરવું નહીં. તે સિવાય કોઈના જામીન બનવું નહીં. તેમ છતાં ગુરૂના સાનુકૂળ પરિભ્રમણના લીધે આવકનો સ્ત્રોત જળવાઈ રહેતાં આપના વ્યવહારો સાચવી શકો અને મોટી મુશ્કેલીમાંથી ઉગરી જાવ. પરંતુ તેનો અર્થ એ નથી કે આપ આડેધડ અને ખોટા ખર્ચાઓ કરો. વર્ષાન્તે તા.૧૮/૧૦/૨૫ થી ગુરૂનું પરિભ્રમણ પ્રતિકૂળ થતાં દિવાળીનો સમય બગડે નહીં તેની તકેદારી આપે રાખવી પડે.

નોકરીમાં વર્ષ કેવું પસાર થાય?

નોકરીમાં શનિ-રાહુનું પ્રતિકૂળ પરિભ્રમણ આપને તકલીફ આપે. કૌટુંબિક-પારિવારીક, સામાજિક-વ્યવહારિક કામકાજના લીધે આપના દોડધામ-શ્રમમાં વધારો થાય. સાસરી પક્ષ- મોસાળપક્ષની તકલીફના લીધે કામમાં ધ્યાન આપી શકો નહીં. કામના વધુ પડતાં તણાવ-દબાણના લીધે તબીયતની અસ્વસ્થતા રહે. વારંવાર રજાઓ પડવાના લીધે આપની મુશ્કેલીમાં વધારો થાય. કોર્ટ-કચેરીના પ્રશ્ને આપની સમસ્યા વધે. જો કે ગુરૂનું પરિભ્રમણ વર્ષ દરમ્યાન આપના માટે રાહત ઉભી કરે. તા.૧૪/૫/૨૦૨૫ થી ગુરૂનું પરિભ્રમણ સાનુકૂળ થતાં કામનો ઉકેલ ઝડપથી આવતો જાય. નવી તક પ્રાપ્ત થાય. પરંતુ ઉતાવળમાં કોઈ નિર્ણય કરવા નહીં. ધનતેરસથી ગુરૂનું પ્રતિકૂળ પરિભ્રમણ દિવાળીના સમયમાં આપના માટે મુશ્કેલી ઉભી કરે.

ધંધામાં વર્ષ કેવું પસાર થાય?

ધંધાકીય દ્રષ્ટિએ આપના માટે વર્ષ મધ્યમ રહે. ફાગણ વદ અમાસ ૨૯/૩/૨૫થી શનિનું પ્રતિકૂળ પરિભ્રમણ અને વૈશાખ વદ-૬ તા.૧૮/૫/૨૦૨૫ સુધી રાહુનુું પ્રતિકૂળ પરિભ્રમણ આપના માટે પ્રતિકૂળ સંજોગો ઉભા કર્યા કરે. આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામ ન થતાં ઉચાટ-ઉદ્વેગ રહે. બેંકમાંથી લોન લઈ, બહારથી ઉધારે નાંણા લઈ ધંધો વધારવાનું, નવું યુનિટ શરૂ કરવાનું કે નવો ધંધો શરૂ કરવાનું સાહસ કરવું નહીં. આપની પ્રગતિની ઈર્ષ્યા કરનાર વર્ગ, હરિફવર્ગ આપનો ધંધો તોડવાના, ગ્રાહકો તોડવાના પ્રયાસો કરે.

વર્ષની મધ્યથી લોખંડના ધંધામાં, કેમીકલના ધંધામાં, કમ્પ્યુટર-લેપટોપ કે તેને લગતા માલ-સામાન, સોફટવેર-હાર્ડવેરના ધંધામાં આપની મુશ્કેલીમાં વધારો થતો જાય. આવેલા ઓર્ડર કેન્સલ થતાં કે ઓર્ડર મળી રહેશે તે ગણતરીએ માલ-સામાન ભર્યો હોય કે ઉછીના નાંણા લીધા હોય અને ઓર્ડર ના મળતાં આપે નુકસાનીનો સામનો કરવો પડે. ઈન્કમટેક્ષ-સેલ્સટેક્ષ, જી.એસ.ટી. ના ચક્કરમાં ફસાઈ ન જાવ તેનું ધ્યાન રાખવું પડે. આપની ભૂલ બેદરકારીના લીધે ફંડ કે કાનૂની કાર્યવાહી થતાં દાઝ્યા પર ડાર જેવી પરિસ્થિતિ ઉભી થાય.

તેમ છતાં તા.૧૪/૫/૨૫ સુધી ગુરૂનું મધ્યમ અને ત્યારબાદ સાનુકૂળ પરિભ્રમણ આપને થોડી-થોડી રાહત આપતું જાય. એક-બે મહત્વના કામ ઉકેલાય કે મહત્વના ઓર્ડર મળી રહેતાં કામ કરવાનો ઉત્સાહ રહે. પરંતુ કોઈના ભરોસે રહ્યા વગર આત્મનિર્ભર રહેવું. ભાગીદારીવાળા ધંધામાં છૂટા થવાના સંજોગો ઉભા થાય. દેશ-પરદેશના કામમાં પ્રગતિ જણાય. પરંતુ વર્ષાન્તે ધનતેરસથી ગુરૂનું પરિભ્રમણ પ્રતિકૂળ થતાં દિવાળીના સમયમાં આપની મુશ્કેલી વધે-સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરી રાખવો નહીં. ભલે બે ધક્કા વધુ ખાવા પડે પરંતુ જરૂર પૂરતો જ માલ લાવવો.

સ્ત્રી વર્ગ

સ્ત્રીવર્ગને વર્ષ દરમ્યાન કૌટુંબિક પારિવારીક-સામાજિક-વ્યવહારિક જવાબદારીમાં વધારો થાય. તેના લીધે આપના દોડધામ-શ્રમ વધે. વ્યવસાયી-નોકરીયાત મહિલાઓને ઘર-પરિવાર અને વ્યવસાય-નોકરીની જવાબદારીઓ એકસાથે સંભાળવામાં મુશ્કેલી અનુભવાય. સાસરીપક્ષ-મોસાળપક્ષ, પિતૃપક્ષની, સંતાનની ચિંતા અનુભવાય. નાંણાકીય આયોજન ખૂબ જ સાવચેતીપૂર્વક કરવું પડે નહીંતર નાંણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડે. જો કે ગુરૂના પરિભ્રમણના લીધે વર્ષ દરમ્યાન આપને રાહત રહે. વર્ષની મધ્યથી અવિવાહીતવર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. યાત્રા-પ્રવાસ, જૂના સ્વજન-સ્નેહીની, મિત્રવર્ગની મુલાકાથી આનંદ અનુભવો. પરંતુ દિવાળીના સમયમાં આપને માતા-પિતાના આયુષ્ય-આરોગ્યની ચિંતા રહે. બન્ને પક્ષના વડીલો માટે ઉચાટ-ઉદ્વેગ રહે.

વિદ્યાર્થી વર્ગ

વિદ્યાર્થીવર્ગ માટે આ વર્ષ આકરી મહેનતનું રહેશે. વર્ષારંભથી જ અભ્યાસની તૈયારીઓ શરૂ કરી દેવી. છેલ્લી ઘડીની તૈયારી કે કોઈના ભરોસે રહેવાની કુટેવ છોડવી પડશે. રાહુ-શનિનું પ્રતિકૂળ પરિભ્રમણ વર્ષ દરમ્યાન આપને પજવ્યા કરે. મહેનતના પ્રમાણમાં સફળતા ઓછી મળે. પરીક્ષા સમયે બીમારી-અકસ્માત, હતાશા-નિરાશાથી સંભાળવું પડે. હતાશા-નિરાશામાં મૌન રહી મનમાં ને મનમાં મૂંઝાયા વગર માતા-પિતા, વડીલવર્ગ, મનોચિકિત્સકના સલાહ-સૂચન-માર્ગદર્શન લેવા. ગુરૂનું પરિભ્રમણ આપને પાસ કરાવી દે પરંતુ મહેનતના પ્રમાણમાં કે જોઈએ તેના કરતાં ઓછા ગુણ આવવાથી દુઃખ થાય. મનગમતી લાઈન છોડવી પડે. તા.૧૪/૫/૨૫ પછી વિદેશમાં અભ્યાસાર્થે જવાની કામગીરીમાં આપને પ્રગતિ જણાય. સાનુકૂળતા રહે. તા.૨ એપ્રીલ થી તા. ૬ જૂન સુધીના સમયમાં મિત્રવર્ગ સાથે વાદ-વિવાદ-ગેરસમજ-મન દુઃખથી સંભાળવું પડે.

ખેડૂતવર્ગ

ખેડૂતવર્ગ માટે વર્ષ મધ્યમ રહે. વર્ષ દરમ્યાન કુદરત કે અન્ય કોઈ પર ભરોસો રાખ્યા વગર જાત મહેનત પર ભરોસો રાખવો. રાહુ-શનિની પ્રતિકૂળતા આપને મુશ્કેલી શતાવેે. વધુ પડતા રાસાયણીક ખાતરના ઉપયોગથી દવાના છંટકાવથી પાક બગડી જાય અને આપને નુકશાની ભોગવવી પડે. કુદરતી આપદા કે અન્ય મુશ્કેલી ના લીધે ઉભો પાક નષ્ટ થાય કે બગડી જાય. ભાગીદારીમાં કે માણસો રાખીને કામ કરનારની તકલીફમાં વધારો થાય. કોઈ સાથેના વાદ-વિવાદ-ઝઘડાનું પરિણામ આપે ભોગવવું ના પડે તેની તકેદારી રાખવી પડે. તા.૧૪/૩/૨૫ થી ૧૩/૪/૨૫ સુધીના સમયમાં રાજકીય સરકારી, ખાતાકીય કામમાં મુશ્કેલી રહે. તા.૨/૪/૨૫ થી ૬/૬/૨૫ સુધીના સમયમાં આગ, કુદરતી આપદા, વાદ-વિવાદથી સંભાળવું પડે. જો કે વર્ષ દરમ્યાન ગુરૂની સાનુકૂળતાને લીધે આપને રાહત રહે. ક્યારેક આકસ્મિક લાભ મળી જાય. પરંતુ વર્ષાન્તે પુનઃઆપની મુશ્કેલીમાં વધારો થાય.

ઉપસંહાર

વિક્રમ સંવત ૨૦૮૧ ના વર્ષમાં વર્ષની મધ્ય સુધી રાહુનુ પ્રતિકૂળ પરિભ્રમણ તા.૨૯ માર્ચ ૨૦૨૫ થી શરૂ થઈ રહેલ શનિની સાડાસાત વર્ષની પનોતીનો પ્રથમ તબક્કો જે લોખંડના પાયે છે તેથી આપને કષ્ટ-પીડા રખાવે. આપની મુશ્કેલીમાં વધારો કરે. નાંણાકીય આયોજન ખૂબ જ સાવચેતીપૂર્વક કરવું પડે. રાજકીય-સરકારી-ખાતાકીય, કોર્ટ-કચેરીના પ્રશ્નોમાં, કોટુંબિક-સામાજિક પ્રશ્નોમાં અટવાયેલા રહો અને આપના દોડધામ-શ્રમ ખર્ચ વધતાં જાય.

જો કે વર્ષ દરમ્યાન ગુરૂનું મધ્યમ, સાનુકૂળ, પ્રતિકૂળ પરિભ્રમણ આપને મિશ્ર ફળ આપે. રાહુ-શનિની પ્રતિકૂળતા સામે ક્યારેક રાહત-સાનુકૂળતા આપે તો ક્યારેક તે જ આપની મૂશ્કેલીમાં વધારો કરે. માતા-પિતા, વડીલવર્ગની ચિંતા રખાવે. આરોગ્યની દ્રષ્ટિએ બેદરકારી રાખવી નહીં.

પત્ની-સંતાન-પરિવાર

કૌટુંબિક-પારિવારિક દ્રષ્ટિએ વર્ષ સારું રહે. સંયુક્ત માલ-મિલ્કતના પ્રશ્ન, કૌટુંબિક-પારિવારીક અન્ય કોઈ પ્રશ્નનો ઉકેલ આવતાં રાહત અનુભવો. તા.૧૪/૫/૨૦૨૫ પછી અવિવાહિત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. પરિવારમાં વધારો થાય. સંતાનના પરદેશના કાર્યમાં સાનૂકળતા રહે. પરંતુ ૧૮/૫/૨૦૨૫ સુધી બારમો રાહુ આપને કોર્ટ-કચેરીના પ્રશ્ને વિલંબ કરાવે કે રૂકાવટ મુશ્કેલી રખાવે. ખર્ચ કરાવે, તો તા.૨૯/૩/૨૦૨૫થી શનિની પનોતિનો પ્રથમ તબક્કો લોખંડના પાયે શરૂ થાય છે તે પણ આપને ચિંતા-ઉચાટ રખાવે. મોસળ પક્ષે-સાસરી પક્ષે બીમારી-ચિંતા ખર્ચનું આવરણ આવી જાય. વાદ-વિવાદથી સંભાળવું પડે. સંતાનોના પ્રશ્ને આપને ચિંતા જણાય. પુખ્ત વયના સંતાનો સાથે ગેરસમજ-મતભેદ થવાથી મનદુઃખ જણાય.

AriesRashi

Google NewsGoogle News