Get The App

Dhanteras 2024: મંગળવારે કે બુધવારે, ક્યારે છે ધનતેરસ? આ 24 મિનિટ સોનું ખરીદવાનો શ્રેષ્ઠ સમય

Updated: Oct 28th, 2024


Google NewsGoogle News
Dhanteras 2024


Dhanteras 2024: ધનતેરસનો તહેવાર કારતક મહિનામાં કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે નવા વાસણો તેમજ સોના-ચાંદીના આભૂષણોની ખરીદી કરવી પણ શુભ માનવામાં આવે છે. તેમજ ભગવાન કુબેર, ભગવાન ધનવંતરી અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.

ધનતેરસ ક્યારે ઉજવવામાં આવશે?

દર વર્ષે દિવાળીના બે દિવસ પહેલા ધનતેરસ ઉજવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, ધનતેરસનો તહેવાર કારતક મહિનામાં કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. આ વખતે ધનત્રયોદશી 29 ઑક્ટોબરે ઉજવવામાં આવશે.

ધનતેરસની ત્રયોદશી તિથિ 29 ઑક્ટોબરે સવારે 10:31 વાગ્યે શરુ થશે અને 30 ઑક્ટોબરે બપોરે 1:15 વાગ્યે સમાપ્ત થશે.

ધનતેરસની પૂજાનું મુહૂર્ત

ધનતેરસની પૂજા સાંજે કરવામાં આવે છે. 29 ઑકટોબરે સાંજે 6:31 થી 8:31 સુધીનું પૂજા માટે શ્રેષ્ઠ મુહૂર્ત છે. 

ધનતેરસ 2024 શુભ મુહૂર્ત

આ વખતે ધનતેરસના દિવસે ત્રિપુષ્કર યોગ બની રહ્યો છે, જેમાં ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેમાં ખરીદી માટેનું શુભ મુહૂર્ત...

પ્રથમ મુહૂર્ત: 29 ઑક્ટોબરે સવારે 6:31થી 10:31 સુધી રહેશે.

બીજું મુહૂર્ત: બપોરે 11:42થી બપોરે 12:27 સુધી રહેશે.

ગોધૂલિ મુહૂર્ત: વૈદિક કેલેન્ડર મુજબ, સ્થાનિક સૂર્યાસ્ત પહેલા 12 મિનિટ અને સૂર્યાસ્ત પછી 12 મિનિટના સંધ્યાકાળના સમયને ગોધૂલિ મુહૂર્ત કહેવામાં આવે છે. જે દરમિયાન ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. આ દિવસે સંધ્યાનો સમય સાંજે 5:38થી 6:04 સુધીનો રહેશે. આ દરમિયાન સોનું ખરીદવું ફળદાયી રહે છે. 

ધનતેરસ પૂજાવિધિ

પ્રદોષ કાળમાં ધનતેરસની પૂજા કરવામાં આવે છે. જેમાં બાજોઠ પર લાલ રંગનું કપડું પાથરી દો. આ પછી ગંગાજળનો છંટકાવ કરીને બધું શુદ્ધ કરો. ત્યારબાદ ભગવાન ધનવંતરી, માતા મહાલક્ષ્મી અને ભગવાન કુબેરની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો. ભગવાનની આગળ સુગંધિત ધૂપ અને ઘીનો દીવો કરવો. તેમજ આસોપાલવ કે આંબાના પાન અને શ્રીફળ સાથે એક કળશ સ્થાપિત કરો. 

ત્યારબાદ ધનતેરસના દિવસે તમે જે પણ ધાતુ કે વાસણ કે ઘરેણાં ખરીદ્યા હોય તેને પૂજામાં રાખો. દેવી-દેવતાઓને લાલ ફૂલ અર્પણ કરો. લક્ષ્મી સ્તોત્ર, લક્ષ્મી ચાલીસા, અને કુબેર સ્તોત્રનો પાઠ કરો. ધનતેરસની પૂજા દરમિયાન દેવી લક્ષ્મીના મંત્રોનો જાપ કરો અને મીઠાઈ પણ અર્પણ કરવી.

આ પણ વાંચો: સોનું-ચાંદી જ નહીં ધનતેરસે આ વસ્તુઓની ખરીદી પણ મનાય છે શુભ, મળશે મા લક્ષ્મીના આશીર્વાદ

ધનતેરસમાં દીપદાનનું મહત્ત્વ 

ધનતેરસના દિવસે દીપદાન પણ કરવામાં આવે છે. કહેવાય છે કે ધનતેરસના દિવસે જે ઘરમાં યમરાજને દીવો કરવામાં આવે છે ત્યાં અકાળે મૃત્યુ નથી થતું. ધનતેરસની સાંજે મુખ્ય દ્વાર પર 13 દીવા પ્રગટાવવા જોઈએ અને ઘરની અંદર પણ 13 દીવા પ્રગટાવવા જોઈએ. 

આ દિવસે રાત્રે સૂતા પહેલા મુખ્ય દીવો પ્રગટાવવામાં આવે છે. આ દીવાને પ્રગટાવવા માટે જૂના દીવાનો ઉપયોગ કરવામાં આવે છે. આ દીવો ઘરની બહાર દક્ષિણ તરફ મુખ કરીને પ્રગટાવવો જોઈએ. વાસ્તવમાં દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ઘરમાં દીવો પ્રગટાવવાથી તમામ નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે.

ધનતેરસના દિવસે આ વસ્તુઓ ખરીદવી જોઈએ

- ધનતેરસના દિવસે તમે લક્ષ્મીજી તેમજ ગણેશજીની મૂર્તિ ખરીદી શકો છો અને દિવાળીના દિવસે તેની પૂજા કરવી જોઈએ.

- આ દિવસે સોનું, ચાંદી અને સાવરણી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

- આ સિવાય ધાતુના વાસણો ખરીદવું ખૂબ જ શુભ છે. ખાસ કરીને ચાંદી અને પિત્તળને ભગવાન ધનવંતરીની મુખ્ય ધાતુ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમે આ દિવસે ચાંદી અથવા પિત્તળના વાસણો ખરીદી શકો છો.

Dhanteras 2024: મંગળવારે કે બુધવારે, ક્યારે છે ધનતેરસ? આ 24 મિનિટ સોનું ખરીદવાનો શ્રેષ્ઠ સમય 2 - image


Google NewsGoogle News