Get The App

ધન (ભ.ધ.ફ.ઢ.) : એક મુશ્કેલીમાંથી નીકળશો તો બીજી આવશે, વિદ્યાર્થીઓ માટે પણ ખાસ સલાહ

Updated: Nov 1st, 2024


Google NewsGoogle News
ધન (ભ.ધ.ફ.ઢ.) : એક મુશ્કેલીમાંથી નીકળશો તો બીજી આવશે, વિદ્યાર્થીઓ માટે પણ ખાસ સલાહ 1 - image


- 29 માર્ચથી લોખંડના પાયે શરૂ થઇ રહેલી શનિની પનોતી આપના માટે કષ્ટદાયી રહે. ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકર વર્ગની તકલીફ જણાય

- એક મુશ્કેલીમાંથી બહાર આવો ન આવો ત્યાં બીજી મુશ્કેલી આવી પડે. કિંકર્તવ્યમૂંઢની પરિસ્થિતિમાં આવી જાવ

વિક્રમ સંવત ૨૦૮૧નું વર્ષ આપના માટે પ્રતિકૂળ રહે. તેમાં પણ વર્ષનો પ્રારંભ તેમજ વર્ષના અંતિમ આખરી દિવસો આપના માટે વધુ મુશ્કેલ રહે. વર્ષ દરમ્યાન ફાગણ વદ અમાસ તા. ૨૯ માર્ચથી આપ લોખંડના પાયે શરૂ થઇ રહેલી શનિની અઢી વર્ષની નાની પનોતીના બંધનમાં આવશો. જે આપના માટે કષ્ટદાયી રહેશે.

આરોગ્ય સુખાકારી

આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ આપના માટે ઠીક રહે. વર્ષારંભે રાહુ-ગુરૂનું નબળું પરિભ્રમણ સ્વાસ્થ્યની બાબતમાં આપને ચિંતા રખાવે. માથામાં, છાતીમાં, કમર-પીઠમાં, હૃદયમાં ફેફસામાં દર્દ પીડા રખાવે. પગની તકલીફ જણાય. ગુપ્તરોગથી આપે સંભાળવું પડે. કરોડરજ્જુમાં ગાદીમાં તકલીફ ના થાય તેની કાળજી આપે રાખવી પડે. વર્ષની મધ્યથી ગુરૂ-રાહુનું પરિભ્રમણ સુધરતા આપને રાહત જણાય.

પરંતુ તા. ૨૯/૩/૨૦૨૫થી શરૂ થઇ રહેલ શનીની પનોતી આપને સ્વાસ્થ્ય સંબંધી ચિંતા રખાવશે. આંખોની, મોં, દાંત, જડબાની, ગળાની, ગરદન ખભાની તકલીફ જણાય. ઉંમરના લીધે આંખે દેખાવાનું ઓછું થાય. મોતીયાની કે ઝામરની તકલીફ અનુભવાય. છાતીમાં દુઃખાવો, ગભરામણ, મૂંઝારો, બળતરા અનુભવાય તો તરત જ દાક્તરી સલાહ લઇ લેવી.

તા. ૨૯/૩/૨૦૨૫ થી તા. ૧૮/૫/૨૦૨૫ સુધીનો સમય વધુ મુશ્કેલીવાળો રહેશે. આ સમય દરમ્યાન શનિ-રાહુ-ગુરૂ ત્રણેય ગ્રહોનું પરિભ્રમણ આપના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે. જેમને પહેલાં હૃદયરોગનો હુમલો આવી ગયો હોય, હૃદય સંબંધી અન્ય કોઈ સમસ્યા હોય કે કોલેસ્ટોરલની તકલીફ હોય તો તેમણે સવિશેષ કાળજી રાખવી પડે. ૧૪/૫ થી ગુરૂનું પરિભ્રમણ સારું થતાં આપને રાહત થતી જાય. પંરતુ વર્ષાન્તે તા. ૧૮ ઓક્ટોબર ધનતેરસના દિવસથી આઠમો ગુરૂ થતાં પુનઃ આપની આરોગ્ય વિષયક બાબતોમાં ચિંતા અનુભવાય. દિવાળીના સમયમાં વિશેષ કાળજી રાખવી પડે.

આર્થિક સુખ સંપત્તિ

આર્થિક સુખ સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. વર્ષ દરમ્યાન આકસ્મિક ખર્ચાઓ, ખોટા ખર્ચાઓને લીધે આપને નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડે. આવક વધે નહીં, આવક સ્થિર થઇ ગઇ છે કે આવક ઘટતી જઈ રહી છે તેવું લાગ્યા કરે. બીજી બાજુ જાવકનું પ્રમાણ વધતું જતાં આપના નાણાંકીય આયોજનમાં ફેરફાર કરવા પડે. ૧૮/૫ સુધી આપ ચોથા રાહુના બંધનમાં છો તેથી આવકના સ્ત્રોતોમાં ઘટાડો થાય. ઘર-પરિવારના લીધે, સ્વાસ્થ્ય સંબંધી કોઈ તલીફના લીધે, માતા-પીતાના આરોગ્યને લીધે ખર્ચ જણાય. તા. ૧૪ મે સુધી ગુરૂના પરિભ્રમણના લીધે રાજકીય સરકારી ખાતાકીય-કાર્યવાહીના લીધે કોર્ટ-કચેરીના લીધે ખર્ચમાં વધારો જણાય. ફાગણ વદ અમાસ તા. ૨૯/૩/૨૦૨૫થી અઢી વર્ષની નાની પનોતી લોખંડના પાયે શરૂ થઇ રહી છે જે આપની નાણાંકીય મુશ્કેલીમાં વધારો કરે. ભરોસામાં ઉધારીમાં ધંધો કરો કે નામા આપો અને તે પાછા ન આવતાં આપને નાણાંભીડનો અનુભવ થાય. તેમાં પણ ફાગણ વદ-અમાસથી વૈશાખ વદ-છઠ્ઠ સુધીનો સમય ાપના માટે વધારે મુશ્કેલ રહે. કોઇના જામીન બન્યા હોય તો આપના પર કાર્યવાહી થાય. બેંકમાંથી લોન લીધી હોય, બહારથી ઉછીના નાણા લીધા હોય તો સમયસર નાણા ન ભરી શકવાને લીધે આપના યશ-પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચે તેની તકેદારી રાખવી પડે. જો કે ગુરૂની સાનુકુળતાને લીધે આપને વર્ષાન્તે થોડી રાહત જણાય. આપના વ્યવહારો સચવાઇ જાય. ઉઘરાણીના નાણામાંથી થોડા નાણા પાછા આવવાથી રાહત થાય.

પત્ની-સંતાન-પરિવાર

કૌટુંબિક પારિવારીક દ્રષ્ટિએ વર્ષ નબળું છે. વર્ષ દરમ્યાન કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ રહ્યા કરે. માતા-પિતાના આરોગ્ય આયુષ્ય અંગે ચિંતામાં રહો. મોસાળ પક્ષે સાસરી પક્ષે બીમારી ચિંતા ખર્ચનું આવરણ આવી જાય. જો કે પત્ની સંતાનનો સાથ સહકાર રહેતાં આપને રાહત રહે. શનિની પનોતી શરૂ થયા બાદ આપની કૌટુંબિક પારિવારીક ચિંતામાં વધારો થાય. સંયુક્ત માલ-મિલ્કતના પ્રશ્ને, ધંધાના પ્રશ્ને ઘરનું વાતાવરણ ડહોળાઈ જાય. ભાઈભંડુ સાથે વાદ-વિવાદ-ગેરસમજ, મનદુઃખ ઉભા થઇ જાય. સંબંધો બગડે નહીં તેની આપે તકેદારી રાખવી પડે. ૨/૪ થી ૬/૬ સુધીના સમય દરમ્યાન સંતાનના પ્રશ્ને આપને ઉચાટ ઉદ્વેગ ચિંતા ખર્ચ અનુભવાય.

નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?

વર્ષારંભથી જ આપ ચોથા રાહુના બંધનમાં છો તેથી નોકરીમાં આપે પ્રતિકૂળતાનો સામનો કરવો પડે. આપના ગણત્રી ધારણા પ્રમાણેના કામ થાય નહીં. ચોથો રાહુ તેમજ છઠ્ઠો ગુરૂ આપના હરિફવર્ગ દુશ્મનવર્ગમાં વધારો કરે. આપની પ્રગતિની ઇર્ષ્યા કરનાર વર્ગ આપના કાર્યમાં રૂકાવટ-મુશ્કેલી ઉભી કર્યા કરે. તા. ૧૪/૫ થી ગુરૂની તેમજ તા. ૧૮/૫થી રાહુની ભ્રમણકક્ષામાં પરિવર્તન થતાં આપને થોડીક રાહત જણાશે. આપના વિલંબમાં પડેલા કામ થઇ રહ્યા છે તેવું લાગે. પરંતુ આપે ધીરજ અને શાંતિ રાખીને કામ કરવું. અન્ય કોઇના ભરોેસ રહેવામાં આપને મુશ્કેલી જણાય કે ઠપકાના ભોગ બનવું પડે. મહત્ત્વના નિર્ણય લઇ શકાય.

૨૯ માર્ચથી લોખંડના પાયે શરૂ થઇ રહેલી શનિની પનોતી આપના માટે કષ્ટદાયી રહે. ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકર વર્ગની તકલીફ જણાય. ઓફિસમાં આંતરિક રાજકારણના ભોગ બનો. આપની સાથે રહેનારા માણસો જ આપની વિરુદ્ધ થતાં જાય. આપના યશ-પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચે તેની તકેદારી રાખવી પડે. સરકારી નોકરીમાં પદભ્રષ્ટ ના થાય કે નોકરીમાંથી નિલંબીત ના થવું પડે. રાજકીય સરકારી ખાતાકીય કિન્નાખોરીના ભોગ બનો કે કાર્યવાહીમાં અટવાઈ જાવ. જો કે તેમ છતાં ૧૪/૫થી ગુરૂનું પરિભ્રમણ સારું થાય છે તેથી આપને થોડી રાહત રહે. પરંતુ કોઇના પર આંખ બંધ ખરીને ભરોસો કરવો નહીં. નાણાંકીય જવાબદારી સંભાળનારે વિશેષ સાવધાની રાખવી પડે.

ધંધામાં વર્ષ કેવું પસાર થાય?

વિક્રમ સંવત ૨૦૮૧ના વર્ષ દરમ્યાન ધંધામાં આપે ધીરજ રાખીને શાંતિથી દિવસ પસાર કરી લેવા. વર્ષારંભથી મધ્ય સુધી રાહુની પ્રતિકૂળતા અને વર્ષની મધ્યમથી લોખંડના પાયે શરૂ થયેલી શનિની પનોતી આપને કોઇને કોઈ મુશ્કેલી રખાવે. આપના ધાર્યા પ્રમાણેનું કામ ન થવાથી ઉચાટ-ઉદ્વેગ રહે. સંયુક્ત ધંધામાં, ભાગીદારીવાળા ધંધામાં વાદ-વિવાદ-ગેરસમજ મનદુઃખથી સંભાળવું પડે.ઘરે રહો તો ધંધાની ચિંતા રહે અને ધંધા પર જાવ તો ઘર-પરિવારની ચિંતા સતાવ્યા કરે. હરિફ વર્ગ - ઇર્ષ્યા કરનાર વર્ગ આપના ગ્રાહકવર્ગને તોડવાના પ્રયાસ કરો અને તેમાં સફળ થાય. ધંધો વધારવાનું નવું યુનિટ ખોલવાનું વિચારતાં હોય તો તે મુલતવી રાખવા. મહત્ત્વના નિર્ણય લેવામાં આપે ઉતાવળ કરવી નહીં.

કમ્પ્યૂટર લેપટોપના ધંધામાં, સોફ્ટવેર-હાર્ડવેર, કમ્પ્યૂટર સ્ટેશનરી, કેમીકલ, લોખંડ, આર્કિટેકચરના ધંધામાં આપની મુશ્કેલી વધે. બેંકમાંથી લોન લીધી હોય, બહારથી વ્યાજે નાણા લઇને ધંધો શરૂ કર્યો હોય તો સમયસર હપ્તા ભરવામાં મુશ્કેલી પડે. ધંધામાં ઘરાકી અટકી ગઇ છે તેવો અહેસાસ થાય. આપની સાથે કામ કરનાર માણસ કામ છોડીને જતા રહેતાં કામમાં વિલંબ જણાય. સમયસર ઓર્ડર પૂરો ન કરી શકવાના લીધે ઓર્ડર કેન્સલ થાય કે આપે નુકસાનીનો સામનો કરવો પડે. જમીન-મકાન-વાહનની લે-વેચના ધંધામાં આપે સંભાળવું પડે. વર્ષના પ્રારંભથી ૨૬/૧૧ અને ૨૮/૧૨/૨૪થી ૭/૧/૨૦૨૫ દરમ્યાન આકસ્મિક ખર્ચાઓને લીધે ધંધામાં મુશ્કેલી રહે. નાણાંકીય જોખમ વધારવા નહીં. સફેદ વસ્તુના ધંધામાં, દૂધ-દૂધની બનાવટના ધંધામાં જરૂર પૂરતો જ માલ રાખવો. માલ બગડી જવાથી આપે નાણાંકીય નુકસાનીનો સામનો કરવો પડે.

વિદ્યાર્થી વર્ગ

સંવત-૨૦૮૧માં આપે વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહીં. મિત્રવર્ગ સાથે હરવા-ફરવામાં મોજમજામાં અભ્યાસ બગડે નહીં તેની કાળજી રાખવી. વ્યસની મિત્રોથી દૂર રહેવું. અભ્યાસમાં આયોજન મુજબ મહેનત કરવામાં રૂકાવટ મુશ્કેલી આવ્યા કરે. આયોજન પ્રમાણે અભ્યાસ થઇ શકે નહીં. મિત્ર વર્ગ સાથે વાદ-વિવાદ-ગેરસમજ મનદુઃખથી સંભાળવું પડે. મિત્રવર્ગની ચિંતા રહે. પરીક્ષા સમયે માનસિક હતાશા-નિરાશાથી સંભાળવું પડે.કૌટુંબિક પારિવારીક પરિસ્થિતિના લીધે અભ્યાસમાં તકલીફ પડે કે અભ્યાસ છોડવો પડે. વર્ષની મધ્યથી ગુરૂ સારો થતાં આપને રાહત રહે. પરંતુ મિત્રતા-લાગણીના ચક્કરથી તમારે સંભાળવું પડે. કારકિર્દીનું વર્ષ હોય તેમણે વિશેષ સાવધાની રાખવી. ૨૯ માર્ચથી પરદેશની કાર્યવાહીમાં મુશ્કેલી જણાય. અભ્યાસાર્થે વિદેશ જવાનું વિચારતાં હોય તો તેમાં રૂકાવટ મુશ્કેલી જણાય.

ખેડૂતવર્ગ

સંવત-૨૦૮૧નું વર્ષ ખેડૂત વર્ગ માટે નબળું રહે. મહેનતના પ્રમાણમાં પાક ન થતાં યોગ્ય વળતર પ્રાપ્ત કરી શકો નહીં. જમીનને લગતી, પાકને લગતી, ખેતીના સાધનોને લગતી કોઇને કોઈ મુશ્કેલીઓ આવ્યા કરે. સંયુક્ત જમીનમાં ભાગ પડવાથી જમીન વહેંચાતા આપને જમીન ઓછી થાય અને નુકસાનીનો સામનો કરવો પડે. ભાઈભાંડું સાથેના સંબંધો બગડે નહીં તેની તકેદારી રાખવી પડે. આપને અન્યાય થયોછે તેવો અહેસાસ થયા કરે. ખેતરમાં કામ કરતાં પડવા વાગવાથી મચકોડ ફ્રેકચરથી સંભાળવું પડે. ઝેરી જીવજંતુ કે સર્પદંશથી તકેદારી રાખવી પડે. આરોગ્યની અસ્વસ્થતાને લીધે ખેતીમાં બરાબર ધ્યાન આપી શકો નહીં. અન્યને કામ પર રાખીને તેના ભરોસે કામ કરવામાં આપે સંભાળવું પડે. ઘર-પરિવારની ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં. ઉધારે નાણાં લઇ વાવેતર કરવું નહીં.

ઉપસંહાર

સંવત ૨૦૮૧ના વર્ષ દરમ્યાન આપે શારિરીક માનસિક સામાજિક વ્યવહારિક, કૌટુંબિક પારિવારીક વ્યવસાયિક,આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે. એક મુશ્કેલીમાંથી બહાર આવો ન આવો ત્યાં બીજી મુશ્કેલી આવી પડે. કિંકર્તવ્યમૂંઢની પરિસ્થિતિમાં આવી જાવ. જેમના ભરોસે રહી કામ કરવાની ગણતરી કરતા હોય તે જ આપને દગો વિશ્વાસ આપતા આપની મુશ્કેલીમાં વધારો થાય. ભાગીદારીમાં કામ કરનારે સાચવવું પડે. છાતીમાં પીઠમાં દર્દ-પીડા જણાત તો તરત જ દાક્તરી સલાહ લઇ લેવી. નાણાંકીય આયોજન સંભાળીને કરવું. બહારથી નાણા લાવીને કામ કરવાનું કે કરાવવાનું વિચારતા હોવ તો આપે સંભાળીને આગળ વધવું. વાહન ચલાવવામાં સાવધાની રાખવી પડે.

સ્ત્રી વર્ગ

આપને કુટુંબ પરિવારની ચિંતા રહ્યા કરે. વ્યવસાયી નોકરીયાત મહિલાઓને ઘર-પરિવાર સાથે વ્યવસાયની જવાબદારીઓ સંભાળવામાં મુશ્કેલીઓ પડે. સહકાર્યકરવર્ગ નોકર-ચાકરવર્ગની તકલીફ જણાય. ઉપરીવર્ગનો ઠપકો સાંભળવો પડે. નોકરીની સાથે વ્યવસાય કરનારે ધ્યાન રાખવું પડે. વધુ નાણા કમાવવાની લાલચમાં, નાણાંકીય લોભમાં ઘરની મૂડી ખોવાનો, નોકરીમાંથી છૂટા થવાનો વારો ના આવે તેની તકેદારી આપે રાખવી પડે. સાસરીપક્ષી, મોસાળપક્ષ, ભાઈભાંડુ વર્ગની ચિંતા રહે. ખર્ચ જણાય. જો કે ૧૪મેથી ગુરૂનું પરિભ્રમણ સાનુકુળ થતાં પતિનો સાથ મળી રહે. અવિવાહીત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. સંતાનપ્રાપ્તિના યોગ ઉભા થાય. નાણાંકીય આયોજનમાં ધ્યાન રાખવું. આ બધામાં સ્વાસ્થ્યની કાળજી રાખવાનું ભૂલાય નહીં.


Google NewsGoogle News