ધન (ભ.ધ.ફ.ઢ.) : ગુરુની સાનુકૂળતા, રાહુની પ્રતિકૂળતાને કારણે ઉતાર ચઢાવનો અનુભવ થયા કરે
- વિક્રમ સંવત 2080નું વર્ષ આપે ધીરજ અને શાંતિ રાખીને પસાર કરી લેવું.
વિક્રમ સંવત ૨૦૮૦નું વર્ષ આપના માટે મધ્યમ રહે. ગુરુની સાનુકૂળતા અને રાહુની પ્રતિકૂળતાને કારણે ઉતાર ચઢાવનો અનુભવ થયા કરે. નોકરી- ધંધામાં આપે ઉતાવળમાં કોઈપણ કાર્ય કરવું નહી વર્ષ જેમ જેમ પસાર થતું જાય તેમ તેમ આપને કાર્યપૂર્તિમાં મુશ્કેલી અનુભવાતી જાય. રાહુની પ્રતિકૂળતાને લીધે બંધનયુક્ત પરિસ્થિતિમાં મુકાઈ ગયા છો તેવો અહેસાસ થતો જાય.
આરોગ્ય સુખાકારી
આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ નબળું રહે. રાહુની પ્રતિકૂળતાના લીધે આરોગ્યલક્ષી કોઈની કોઈ સમસ્યા આપને રહ્યા કરે. વર્ષારંભે ગુરૂની સાનુકૂળતાને લીધે થોડી રાહત અનુભવાય. પરંતુ ૧ મે ૨૦૨૪થી ગુરૂનું પરિભ્રમણ નબળું થાય છે રોગ અને શત્રુસ્થાનમાંથી પસાર થઈ રહેલો ગુરૂ રાહુની સાથે મળીને આપના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે. છાતીમાં, ફેફસામાં, કમરમાં દર્દ-પીડા રહ્યા કરે. જૂની બીમારીમાં આપની બેદરકારીના લીધે વધારો થાય. કરોડ રજ્જુના વચ્ચેના મણકાઓથી લઈને પૂંછડીના મણકાઓ સુધીમાં, ગાદીના તકલીફ જણાય વજન ઉંચકવામાં ગાદી ખસી જાય કે દબાઈ ન જાય તેનું ધ્યાન રાખવું પડે. આપે એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટિક કરાવવી પડે. રક્ત સંબંધિત બીમારી, રક્તના વિકારથી થતી બીમારીથી સંભાળવું પડે.
તા. ૧૪ માર્ચથી ૧ જુનના સમય દરમિયાન આંખોમાં, પીઠમાં, કમરમાં દર્દપીડા રહે. કીડનીમાં તકલીફ ઉભી થાય, છાતીના ભાગમાં, પાંસળીમાં, હૃદયમાં શસ્ત્રક્રિયા કરાવવી પડે. આપના ડર કે ડોક્ટરની ભૂલના લીધે શસ્ત્રક્રિયામાં મુશ્કેલી ઉભી થાય તેની ગંભીર અસરો આપના શરીર ઉપર પડી શકે.
આ ઉપરાંત ૧૬ જુલાઈથી ૧૬ ઓગસ્ટ દરમ્યાન વજન ઉંચકવામાં ગાદી પર અસર ન થાય તેનું ધ્યાન રાખવું પડે. પેટ, પેઢુની તકલીફ, એસીડીટીની તકલીફ, મસાની તકલીફ જણાય. વર્ષના પ્રારંભે તા. ૧૬-૧૧-૨૩થી તા. ૨૭-૧૨-૨૩ સુધી આંખોમાં ઇન્ફેક્શન, બળતરા, આંખો લાલ થઈ જવી, સોજો આવવો જેવી તકલીફ રહે જેમને ચશ્મા હોય તેમને આ સમય દરમ્યાન આંખોની વિશેષ કાળજી રાખવી. અપૂરતી ઉંઘ, ઉજાગરા, તણાવના લીધે આંખો પર અસર ન થાય તેનું ધ્યાન રાખવું, ઉંમરલાયક વ્યક્તિને મોતિયાની અસર, ઝામરના લીધે જોવામાં તકલીફ અનુભવાય.
આર્થિક સુખ સંપત્તિ
વર્ષના પ્રારંભથી ચૈત્ર વદ આઠમ સુધી ગુરૂની સાનુકૂળતા રહ છે. તેથી આપને સારું રહે, આવક જણાય, ઉઘરાણીના નાણાં છૂટા થઈ રહ્યા છે તેવો અનુભવ થાય. પરંતુ સમગ્ર વર્ષ દરમ્યાન રાહુનું પરિભ્રમણ આપના માટે પ્રતિકૂળ રહે છે તેથી નાણાંકીય રોકાણમાં ધ્યાન રાખવું પડે. આપની ગણત્રી ધારણા અવળી પડતા આપે નફામાં નુકસાન ભોગવવું પડે. વર્ષની મધ્યથી ગુરૂનું પરિભ્રમણ પણ આપના ખર્ચાઓમાં વધારો કરાવે. વર્ષના ઉત્તરાર્ધમાં બીમારીમાં, કોર્ટ કચેરીમાં ખર્ચ થાય. અનીતિથી આવેલો રૂપિયો ખરાબ કામોમાં ખર્ચાઈ રહ્યો છે તેવો અહેસાસ થાય. જમીન- મકાન- વાહનમાં આકસ્મિક ખરીદી આવતા આપનું નાણાંકીય આયોજન ખોરવાઈ જાય.
આપે વર્ષના પ્રારંભથી જ નાણાંકીય આયોજન સમજી વિચારીને કરવું આકસ્મિક ખર્ચાઓની જોગવાઈ કરી રાખવી. મોટા ખર્ચાઓને લીધે નાણાંભીડનો અનુભવ થાય. પરિવારમાં વડીલ વર્ગની બીમારીના કારણે ખર્ચ રહે. વર્ષ પસાર થતું જાય તેમ ખર્ચાઓ વધતા જાય અને એક સમયે ઘર ખર્ચ કાઢવામાં, સામાજિક વ્યવહારિક વ્યવહારો ચલાવવામાં મુશ્કેલી અનુભવાય.
વર્ષના પ્રારંભે તા. ૧૬-૧૧-૨૦૨૩થી ૨૭-૧૨-૨૦૨૩ દરમ્યાન આપે મોટા નાણાંકીય જોખમોથી સંભાળવં પડે. વ્યાજે, ઉધાર લાવેલા પૈસા પાછા આપવમાં મુશ્કેલી અનુભવાય. કોર્ટ- કચેરી થતા આપની મુશ્કેલીમાં ખર્ચમાં વધારો થાય. સરકારી- ખાતાકીય કામમાં લાંચ રૂશ્વત લેવામાં ફસાઈ જાવ અને કાયદાકીય પ્રક્રિયામાં સમય નાણાંનો વેડફાટ થાય.
નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?
નોકરીમાં આ વર્ષ જેમ જેમ પસાર થતું જાય તેમ તેમ આપની મુશ્કેલીમાં વધારો થતો જાય. વર્ષના પ્રારંભે ગુરુની સાનુકૂળતા અને રાહુની પ્રતિકૂળતાનો મિશ્ર પ્રભાવ રહે. કેટલાક અગત્યના કામ ઉકેલાય તો કેટલાક કામમાં આપને પ્રતિકૂળતા જણાય. આપની બુદ્ધિ- અનુભવ- આવડત, મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. મહત્ત્વના નિર્ણયો લેવાના હોય તો લઈ શકાય પરંતુ વર્ષનો ઉત્તરાર્ધ ગુરુના પરિભ્રમણના લીધે મુશ્કેલ થતો જાય. હરિફ વર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગ આપના કાર્યમાં અડચણ ઉભી કરે.
મિત્રતાના સંબંધમાં, લાગણીના સંબંધમાં આવી જઈને કોઈ કામ કરવું નહીં. ઘર- પરિવારની ચિંતાના લીધે કામકાજમાં મન લાગે નહીં. મુશ્કેલી જણાય. રાહુની પ્રતિકૂળતાને લીધે આપને બંધનયુક્ત પરિસ્થિતિનો અહેસાસ થાય. વર્ષારંભે ૧૬ નવેમ્બરથી ૨૭ ડિસેમ્બર દરમ્યાન આપે વાણીની સંયમતા રાખીને શાંતિથી પોતાનું કામકાજ કરી લેવુ. કાયકાદીય કાર્યવાહીથી સંભાળવું પડે. રાજકીય- સરકારી દબાણમાં આવી જઈને કોઈ કામ કરવામાં આપની મુશ્કેલીમાં વધારો જણાય. કોર્ટ કચેરીના કેસમાં આપની તકલીફ વધે.
તા. ૧૪-૩-૨૪થી તા. ૧૩-૪-૨૪ દરમ્યાન પરદેશના કામમાં તકલીફ રહે. બઢતી- બદલીના પ્રશ્નમાં રૂકાવટ- વિલંબ જણાય. મહત્ત્વના કામકાજ અંગેની મુલાકાતમાં આપે ઉતાવળ કરવી નહીં. યાત્રા- પ્રવાસ દરમ્યાન બહારનું ખાવાપીવામાં ધ્યાન રાખવુ પડે.
ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?
સંવત ૨૦૮૦માં ધંધાકીય રીતે આપે આંધળા અને જોખમી સાહસોથી દૂર રહેવું વર્ષના પ્રારંભે ગુરૂની સાનુકૂળતાના લીધે આપના કામ ઉકેલાય. નવા કામ મળી રહે પરંતુ તે ક્ષણિક સાનુકૂળતા- લાભને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારનું આયોજન કરવું નહીં. કોઈના પર વધુ પડતી નિર્ભરતા આપની મુશ્કેલીમા વધારો કરે. આપની સાથે વર્ષોથી રહી કામ કરનાર માણસ આપની પાસે જ કામ શીખીને આપની સામે પડે. સંયુક્ત ધંધામાં- ભાગીદારીવાળા ધંધામાં આપના મંતવ્યનું કોઈ મહત્ત્વ ન રહેતાં આપને અપમાનજનક પરિસ્થિતિનો અહેસાસ થાય. એવા સમયે ધંધામાં ચાલુ રહેવું કે છૂટા પડવું તે અંગે દ્વિધા રહે. વર્ષ દરમ્યાન નવા કોઈ સાહસ કરવાને બદલે જે છે, જેવું છે તે સચવાઈ રહે તેની તકેદારી આપે રાખવી પડે. કારતક સુદ ત્રીજથી માગશર વદ એકમ સુધીના સમયગાળામાં નાણાંભીડનો અનુભવ થાય. આપની ગણત્રી- ધારણા આવળા પડતાં આપની ચિંતા- મુશ્કેલીમાં- ખર્ચમાં વધારો થાય. નુકસાનીના લીધે બજારમાંથી ઉધાર, વ્યાજે નાણાં લાવવા પડે. કોર્ટ કેસ ચાલતો હોય તો તેમાં આપની મુશ્કેલીમાં ખર્ચમાં વધારો જણાય.
માર્ચ અને એપ્રિલ માસ દરમ્યાન આપે કોઈના ભરોસે રહેવું નહીં. સહાયક વર્ગ, નોકર ચાકર વર્ગની તકલીફ અનુભવાય. આપના યશ- પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચે તેની તકેદારી રાખવી પડે. બહારગામ ધંધો કરતા હોય તો અજાણી પાર્ટી સાથે ધંધો કરવામાં આપ ફસાઈ ન જાવ. છેતરપીંડીનો ભોગ ના બનો તેનું ધ્યાન રાખવું પડે. વર્ષાન્તે ૨૧ ઓક્ટોબરથી વાણીની સંયમતા રાખવી પડે.
સ્ત્રી વર્ગ
સ્ત્રી વર્ગને માટે વર્ષ મધ્યમ રહે. વર્ષના પ્રારંભે પતિ- સંતાનનો સાથ સહકાર મળી રહે. અવિવાહિત સંતાનની ચિંતા દૂર થતી જાય. વ્યવસાયી મહિલાઓની આકસ્મિક સરળતા- સાનુકૂળતા મળી રહે. લાભ- ફાયદો જણાય. પરંતુ આરોગ્ય વિષયક ચિંતા રહે. વર્ષ પસાર થતું જાય તેમ ગુરુનું પરિભ્રમણ પણ મધ્યમ થતું જાય જે આપને કામમાં મુશ્કેલી રખાવડાવે. બીમારી સ્થાનમાં આવેલો ગુરૂ આપને માતાના આરોગ્ય- આયુષ્યની ચિંતા રખાવે આપે પણ સ્વાસ્થ્યની કાળજી રાખવી પડે. સમયસર સ્વાસ્થ્યનું ચેક અપ કરાવતા રહેવું. બ્રેસ્ટ કેન્સર, હૃદયરોગની બીમારીથી સંભાળવું પડે. મેનોપોઝ ચાલી રહ્યું હોય કે આવવાની તૈયારી હોય તેમને શારીરિક- માનસિક કોઈને કોઈ તકલીફ રહ્યા કરે.
વિદ્યાર્થી વર્ગ
વિદ્યાર્થી વર્ગ માટે વર્ષ ઠીક છે રાહુની પ્રતિકૂળતા મહેનતના પ્રમાણમાં આપને સફળતા આપે નહીં ક્ષણિક સફળતાથી વધુ પડતા આત્મવિશ્વાસમાં આવી જવું નહીં. વર્ષ દરમ્યાન અભ્યાસનું આયોજન કરો પરંતુ તે પ્રમાણે અભ્યાસ કરવામાં કોઈને કોઈ મુશ્કેલી આવ્યા કરે. મિત્ર વર્ગ સાથે હરવા ફરવામાં, મોજ મજામાં અભ્યાસ બગડે અને તેની અસર પરિણામ પર જોવા મળે. પરીક્ષા સમયે આપે બીમારી, હતાશા, નિરાશાથી સંભાળવું પડે. કોઈના દોરવાયા દોરવાઈ ગયા વગર આપની બુદ્ધિ અનુભવ આવડતનો ઉપયોગ કરવો. પરીક્ષા દરમ્યાન કોઈની ભૂલ ચાલાકીના ભોગ તમે ના બનો તેનું ધ્યાન રાખવું. ટૂંકમાં જાત મહેનત પર વિશ્વાસ રાખીને મહેનત કરવી.
ખેડૂત વર્ગ
ખેડૂત વર્ગ માટે વર્ષ નબળું રહે. શિયાળુ- રવિપાકમાં થોડી રાહત રહે પરંતુ ઉનાળુ ચોમાસુ પાકમાં આપે ધ્યાન રાખવું પડે વધુ પડતા રાસાયણિક ખાતરના ઉપયોગના લીધે પાક બળી જાય કે ખરાબ થઈ જાય. નોકરી- ધંધા સાથે ખેતી કરનારની મુશ્કેલીમાં વધારો જણાય. કોઈકની ઇર્ષ્યાના ભોગ આપે બનવું પડે. વર્ષારંભે સંતાનનો સાથ સહકાર મળી રહે પરંતુ વર્ષ પસાર થતું જાય તેમ તે પણ ખેતીથી વિમુખ થતો જાય. કોઈપણ આયોજન વગર વ્યાજે, રૂપિયા લાવી ખેતી કરો, સંપૂર્ણપણે વરસાદી ખેતી પર નિર્ભર રહો તો આપની મુશ્કેલીમાં વધારો જણાય. ઘરમાં વડીલ હોય તો તેમના આરોગ્યની- આયુષ્યની ચિંતા રહે.
ઉપસંહાર
વિક્રમ સંવત ૨૦૮૦નું વર્ષ આપે ધીરજ શાંતિ રાખીને પસાર કરી લેવું. થોભો અને રાહ જુઓની નીતિ આપના માટે હિતાવહ રહે. કોઈના પરનો વધુ પડતો ભરોસો તૂટતા નિરાશા- હતાશા અનુભવો. આરોગ્ય વિષયક કોઈને કોઈ સમસ્યાનો આપે સામનો કરવો પડે. આપની બેદરકારીના લીધે રોગ વકરી જાય અને આપની મુશ્કેલીમાં વધારો થાય. વર્ષાન્તે નોકરી- ધંધામાં હરિફ વર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગની પરેશાની વધતી જાય. કોર્ટ- કચેરીના કેસમાં આપે ઉતાવળ કરવી નહીં. શાંતિથી સમય પસાર કરી લેવો.
પત્ની-સંતાન-પરિવાર
વર્ષના પ્રારંભે આપને પત્ની સંતાનનો સાથ- સહકાર મળી રહે. ગુરૂની સાનુકૂળતા આપને મદદરૂપ થાય. વર્ષ પસાર થતું જાય તેમ ગુરૂનું પરિભ્રમણ મધ્યમ થતું જાય. વર્ષ દરમ્યાન રાહુની પ્રતિકૂળતા આપને વડીલ વર્ગની ચિંતા રખાવે. કુટુંબ- પરિવારમાં કોઈ વડીલ હોય તો તેમના આરોગ્ય- આયુષ્યની ચિંતા રહે. વડીલ વર્ગ મૃત્યુના લીધે પરિવારમાં શોકનું વાતાવરણ ફેલાઈ જાય. વર્ષના ઉત્તરાર્ધમાં મોસાળ પક્ષે સાસરી પક્ષે બીમારી- ચિંતાનું આવરણ આવી જાય. તે સિવાય પુત્ર- પૌત્રાદિકના અભ્યાસ કારકીર્દીની ચિંતા આપને સતાવ્યા કરે. પત્ની સાથે વાદ-વિવાદ, ગેરસમજ- મનદુ:ખથી સંભાળવું પડે. પુત્ર-પૌત્રાદિકને વિદેશ જવાનું આયોજન કરી રહ્યા હોવ તો તેમાં આપને સરળતા-સાનુકૂળતા મળી રહે. પરંતુ એક બાજુ આનંદ રહે તો એક બાજુ ઉચાટ અનુભવાય. સગા-સબંધી, મિત્રવર્ગનો સાથ સહકાર વર્ષ દરમ્યાન મળી રહે.