ક્યારે શરૂ થઈ રહ્યો છે ચાતુર્માસ? ચાર મહિના સુધી નહીં થાય કોઈ માંગલિક કાર્ય
Chaturmas 2024 : ચાતુર્માસ એટલે કે તે ચાર મહિનામાં જ્યારે ભગવાન સુઈ જાય છે, આ ચાર મહિના દરમિયાન કોઈ શુભ કાર્યો કરવામાં આવતા નથી. ચાતુર્માસમાં ભલે શુભ કાર્યો કરવામાં ન આવતા હોય, પરંતુ આ ચાર મહિના દરમિયાન જપ, તપ, પૂજા અને પાઠ કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
અષાઢ મહિનાની દેવશયની એકાદશીથી ચાતુર્માસ શરૂ થાય છે, અને કારતક મહિનાની દેવઉઠી અગિયારસના રોજ સમાપ્ત થાય છે. આ વર્ષ 2024માં ચાતુર્માસ ક્યારે શરૂ થશે, તેનું મહત્વ, કયા કામો પર પ્રતિબંધ રહેશે આ દરેક બાબતો વિશે વિસ્તૃતમાં જાણીએ.
આ પણ વાંચો: -બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને કરો આ મંત્રોનો જાપ, માં લક્ષ્મી ગરીબીને કરશે સદાય માટે દૂર
2024માં ચાતુર્માસ ક્યારે શરૂ થશે?
આ વર્ષે ચાતુર્માસ 17મી જુલાઈ 2024થી શરૂ થઈ રહ્યો છે, આ દિવસે દેવશયની એકાદશી મનાવવામાં આવશે. તા. 12 નવેમ્બર 2024ના રોજ દેવઉઠી એકાદશીના રોજ ચાતુર્માસ પૂરો થશે. હિંદુ કેલેન્ડરમાં અષાઢ મહિનાના છેલ્લા દિવસોમાં ચાતુર્માસ શરૂ થાય છે. એટલે કે શ્રામણ, ભાદરવો, આસો અને કારતક મહિનાના છેલ્લા દિવસો સુધી ચાલુ રહે છે.
ચાતુર્માસમાં માંગલિક કાર્ય કેમ બંધ
હિંદુ ધર્મમાં એવી માન્યતા રહેલી છે કે, ચાતુર્માસના 4 મહિના દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં રહે છે, જ્યારે સૂર્ય દક્ષિણાયનમાં હોય છે. સૂર્યનું તેજ ઓછું થાય છે. એટલે જો તમે આ સમયગાળા દરમિયાન કોઈ માંગલિક કે શુભ કાર્ય કરો છો, તો તમને ભગવાનની કૃપા પ્રાપ્ત નથી થતી, અને તમે કરેલા કાર્યનું શુભ ફળ પણ નથી મળતું.
ચાતુર્માસ ક્યારથી ક્યા સુધી હોય છે?
શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે આ સમયે ભગવાન ક્ષીર સાગર અનંત શૈયા પર શયન કરતાં હોય છે. એટલા માટે આ ચાર મહિનામાં કોઈ શુભ કામ કરવામાં આવતા નથી. ત્યાર પછી કારતક માસમાં શુક્લપક્ષની એકાદશી એટલે કે દેવઉઠી અગિયારસ ભગવાન યોગનિદ્રામાંથી જાગે છે.
ચાતુર્માસનું મહત્વ
ચાતુર્માસ દરમિયાન ભગવાનની પૂજા- પાઠ અને ધ્યાન કરવાથી જીવનમાં નવી ઉર્જાનો સંચાર થાય છે. એટલું જ નહીં પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ કહેવામાં આવે છે. ચાતુર્માસના ચાર મહિના દરમિયાન સંતો, મહાત્માઓ, જૈન સાધુઓ અને ઋષિમુનિઓ કોઈ ચોક્કસ સ્થળે રોકાય છે, અને ઉપવાસ કરે છે, મૌન પાળે છે, ધ્યાન-સાધના કરે છે. તેના ફળ રુપે તેઓ અદ્ભુત સિદ્ધિઓ હાંસલ કરે છે.
ચાતુર્માસ નિયમો
ચાતુર્માસની શરૂઆત વર્ષાઋતુથી થાય છે. એટલે કે આ સમયગાળામાં પાણીમાં હાનિકારક બેક્ટેરિયા પેદા થતા હોય છે, અને આપણી પાચન શક્તિ પણ ધીમી પડી જાય છે. જેના કારણે આ ચાર મહિનામાં ખાવા-પીવાની આદતોમાં જરા પણ બેદરકાર ન રહેવું જોઈએ, આનાથી માત્ર દોષ જ નથી લાગતો, પરંતુ સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે.
- ચાતુર્માસ દરમિયાન કાચા લીલા પાંદડાવાળા શાકભાજી ન ખાવા જોઈએ.
- તેમજ દૂધ, દહીં, છાશનું સેવન ટાળવું જોઈએ.
- માંસાહારી અને મસાલેદાર ખોરાક ખાવાની બિલકુલ મનાઈ છે.
- જો તમે ચાતુર્માસ દરમિયાન દરરોજ થોડું મધનું સેવન કરો છો, તો તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે.