Get The App

મકર : લવમેરેજ કરવા છે? તો થોડો સંઘર્ષ તો કરવો પડશે... .

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
મકર : લવમેરેજ કરવા છે? તો થોડો સંઘર્ષ તો કરવો પડશે...                                                                     . 1 - image


21 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી 

ક્રાંતિવૃત્ત ૨૭૦થી ૩૦૦ સુધીમાં મકર રાશિનો સમાવેશ થાય છે. ઉત્તરા, શ્રવણ અને ઘનિતાનો નક્ષત્ર મકર રાશિમાં સમાવેશ થાય છે. રાશિનું ચિન્હ મૃગના મોઢાવાળો મગર છે. પૃથ્વી તત્ત્વની ચર સ્વભાવની આ સ્ત્રી રાશિ છે. મકર રાશિના જાતકોમાં આળસ અને જિદ વિશેષ જોવા મળે છે. જે વાતને પકડે તેને છોડવી નહીં આ એમનો મુખ્ય સ્વભાવ છે. પોતાની તર્કશક્તિથી કાર્યને અમલમાં મૂકી પોતાનો સ્વાર્થ કેવી રીતે પૂરો કરવો તે આ રાશિના લોકો ખૂબ સારી રીતે જાણે છે. મગર ચિહ્ન હોવાથી આ જાતકોમાં આ લક્ષણો વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. મનમાં શું છે, હૃદયમાં શું ચાલી રહ્યું છે તે કળી ન શકાય. વાતની ભાષાકીય રજૂઆત જુદી હોય. તેથી આ જાતકોને સમજવા ખૂબ અઘરા હોય છે. મગર પાણીમાં અને જમીન ઉપર બંને જગ્યાએ રહી શકે છે. માટે આ જાતકો દૂધમાં અને દહીંમાં બંનેમાં પગ રાખી પોતાનો સ્વાર્થ કઢાવી લેવાની આવડત ધરાવતા હોય છે. આળસુ પ્રકૃતિના આ લોકો પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે ગમે તેટલી ધીરજ રાખી શકતા હોય છે. મહત્વાકાંક્ષા, ઈચ્છાશક્તિ, દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા આ લોકો આયોજનપૂર્વક પોતાનું કામ કરાવતા જોવા મળે છે. ક્યારેક તેઓ શંકાશીલ બને છે. તેમના સ્વભાવમાં લુચ્ચાઈ પણ ઘણી વખત જોવા મળે છે.

રજુઆત - સ્મિતા સુથાર

સલમાન ખાન  - 27 ડિસેમ્બર 

દીપિકા પદુકોણ - 5 જાન્યુઆરી

શરીર - મન - સ્વાસ્થ્ય 

શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની વાત કરીએ તો ૨૦૨૫માં મકર રાશિના જાતકોને શારીરિક તંદુરસ્તી પ્રબળ રહેશે. કોઈ લાંબી બીમારી આવે એવા કોઈ યોગ મકર રાશિના જાતકોને બનતા નથી. માનસિક શાંતિ પણ એકંદરે સારી રહે. આધ્યાત્મિક ગતિવિધિ સાથે જોડાયેલા મકર રાશિના જાતકોની માનસિક શાંતિ ભંગ ન થાય એવા યોગ બને છે. અચાનક નાની-મોટી બીમારી આવી શકે, પણ તેમાંથી ખૂબ ઝડપથી બહાર નીકળી શકાશે. ઓછી પીડા અને ઓછા ખર્ચમાં રોગનું નિદાન થઈ જશે. ટૂંકમાં, ૨૦૨૫માં મકર રાશિના શારીરિક અને માનસિક સુખાકારી રહેશે. 

મારું ઘર મારો પરિવાર 

પારિવારિક સંબંધોની જો વાત કરવામાં આવે તો મકર રાશિના જાતકોને પરિવારમાં બોલવાથી મનદુ:ખ થઈ શકે છે. તેથી સમજીવિચારીને કામ કરવાં. જોકે પરિવારમાં કે અન્ય સંબંધોની દુનિયામાં કશુંક અપ્રિય બને કે મનદુ:ખ થઈ જાય એવા ખાસ યોગ ગ્રહ બળના આધારે જોઈ શકાતા નથી. આ વર્ષે પરિવાર સાથે નાની-મોટી મુસાફરી કરો તેવી શક્યતા છે.  

પ્રેમ - લગ્ન - સંતતિ 

લગ્ન એક સંસ્કાર છે. આ સંસ્કારમાં સંસારના મોટા ભાગના લોકો જોડાતા હોય છે. મકર રાશિના જાતકો માટે લગ્નની વાત કરીએ તો ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં લગ્નના યોગો પ્રબળ બને છે. પ્રેમલગ્ન કરવા ઈચ્છનાર વ્યક્તિઓએ થોડો સંઘર્ષ કરવો પડે. પરિવારની સંમતિ સાથે પ્રેમલગ્ન કરવા ઈચ્છનાર જાતકોને વડીલોની સહમતી મેળવવામાં થોડી તકલીફ પડે. સંતાનપ્રાપ્તિની ઈચ્છા ધરાવતા મકર રાશિના જાતકોએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી પડશે. પ્રયત્ન કરવાથી તરત પરિણામ ન પણ મળે. મેડિકલ રિપોર્ટ્સ તેમજ ડોક્ટરની સલાહ મુજબ આગળ વધવાથી ૨૦૨૫ના આખરમાં શુભ પરિણામ પ્રાપ્ત થાય તેવું ગ્રહ બળના આધારે જોવા મળે છે. 

ભણતર અને ગણતર 

વિદ્યાર્થીઓની વાત કરીએ તો મકર રાશિના જાતકો, કે જે ડિગ્રી કોર્સ  કરી રહ્યા છે, તેમના ત્રીજા સ્થાનમાં મીન રાશિના શનિ મહારાજ બેઠા છે. તેઓ અભ્યાસ ભુવનને દ્રષ્ટિ કરતા હોવાથી ધાર્યું પરિણામ ન મળે તેવા યોગ બને. માટે ડિગ્રી કોર્સ કરી રહેલા વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે.

નોકરી - ધંધો - કરીઅર 

મકર રાશિના જાતકોમાંથી જે નોકરિયાત છે તેમણે મેથી ઓક્ટોબર મહિના દરમિયાન કોઈ જાતની જીભાજોડી કલીગ કે સિનિયર સાથે ન કરવી. પ્રમોશન કે પગારવધારો ઈચ્છનાર નોકરિયાત વર્ગે ઓક્ટોબર મહિના સુધી શાંતિ જાળવીને દિવસ પસાર કરવા પડશે. તે પછી ઓક્ટોબર-નવેમ્બર-ડિસેમ્બરમાં એ ધાર્યું પરિણામ લાવે અને એમની ઈચ્છા પૂત થાય તેવા પ્રબળ યોગ બને છે. બિઝનેસ કરતા મકર રાશિના જાતકો માટે મિથુન રાશિનો ગુરુ છઠ્ઠા ભાવમાં બેસીને પાંચમી દ્રષ્ટિથી કર્મ ભુવનને જોતો હોવાથી ધંધામાં પ્રગતિ અને વિકાસ થાય તેવા યોગ ઊભા થાય છે. કમિશન-દલાલી સાથે સંકળાયેલા મકર રાશિના જાતકોને ઓક્ટોબર-નવેમ્બર-ડિસેમ્બરમાં ખૂબ સારું પરિણામ મળે. 

પૈસા યે પૈસા

જે જાતકો શેરબજાર સાથે સંકળાયેલા છે તેમને ધન રાશિમાં રહેલો રાહુ અચાનક ધનલાભ આપે. વારસાની મિલકતથી પૈસા મળે તેવા યોગ જોવા મળે છે. પૈસા આવે તો સામે ખર્ચ પણ વધારે પ્રમાણમાં થાય તેવું બની શકે. અજાણી વ્યક્તિ માટે તેમજ પત્ની પાછળ ખર્ચ કરવો પડે તેવું ગ્રહ બળના આધારે જોઈ શકાય છે. નાનાં ભાઈબહેનોની જવાબદારી જો તમારા શિરે હશે તો તેમની પાછળ પણ કોઈકને કોઈક કારણસર ખર્ચ કરવો પડે તેવા યોગ જોઈ શકાય છે. 

વાહન અને જમીન 

વાહન, ઘર કે જમીન લેવા ઈચ્છનાર મકર રાશિના જાતકોએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી પડશે. વાહન કે મકાન ખરીદવામાં તમારી ઈચ્છા મુજબ સમયસર આયોનજ ન પણ થાય. ઘર ખરીદી લીધું હોય તો પણ તેમાં રહેવા જવાના યોગ ક્યારે બનશે કે કેટલું રહી શકાશે તે ગ્રહ બળના આધારે વિચારવું પડે. વારસાની મિલકત મેળવવા ઇચ્છતા મકર રાશિના જાતકોને ઘણા સમયથી પ્રયત્ન કરી રહ્યા હોવા છતાં ઉકેલ ન આવતો હોય તેવા જાતકોને મે ૨૦૨૫ પછી અચાનક પરિસ્થિતિમાં પરિવર્તન આવે અને સફળતા મળે.

નારી તું નારાયણી 

મકર રાશિની જે બહેનો લગ્ન કરવા ઈચ્છે છે તેમને ઓક્ટોબર-નવેમ્બર-ડિસેમ્બરમાં ખૂબ સારા માગાં આવે તેમજ લગ્નનું આયોજન ખૂબ ઝડપથી થઈ જાય તેવા યોગ છે. સંતાન ઈચ્છનાર મકર રાશિની બહેનોને થોડી રાહ જોવી પડે. નોકરિયાત મહિલાઓ મેથી ઓક્ટોબર દરમિયાન ઓફિસમાં કોઈની સાથે દલીલબાજી કરવી નહીં. વદેશ પ્રવાસ કરવા ઈચ્છતી મકર રાશિની બહેનોને વિઝા લેવા માટે થોડા વધારે પ્રયત્નો કરવા પડે. મકર રાશિના બહેનોને એવું અનુભવાશે કે ભાગ્ય સપોર્ટ કરતું નથી. 

વિશેષ ઉપાય 

મકર રાશિમાં રાશિનો અધિપતિ સની મીન રાશિમાં ત્રીજા ભાવમાંથી પસાર થાય છે. ગુરુ મહારાજ મિથુન અને કર્ક રાશિમાં છઠ્ઠા અને સાતમા સ્થાનમાંથી પસાર થશે. રાહુલ બીજા સ્થાનમાંથી તેમજ કેતુ આઠમા સ્થાનમાંથી ૨૦૨૫ દરમિયાન ભ્રમણ કરતા હોવાથી આ ગ્રહબળના આધારે મકર રાશિના જાતકોએ મંત્ર-યંત્ર અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરીને શનિ મહારાજને પ્રબળ કરવા જોઈએ. શારીરિક શ્રમ કરતા મજૂર વર્ગને યોગ્ય પ્રમાણમાં જરૂરિયાત મુજબનું દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થશે.

Capricorn

Google NewsGoogle News