mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

મકર (ખ.જ.) : વર્ષ દરમ્યાન આપને સારી -નરસી પરિસ્થિતિમાંથી પસાર થવાનું બને...

Updated: Nov 13th, 2023

મકર (ખ.જ.)  : વર્ષ દરમ્યાન આપને સારી -નરસી પરિસ્થિતિમાંથી પસાર થવાનું બને... 1 - image


- વર્ષના ઉત્તરાર્ધમાં ગુરૂનું પરિભ્રમણ સારૂ થતા તે આપને રાહત આપતો જાય.

વિક્રમ સંવત ૨૦૮૦માં ગુરૂનું પરિભ્રમણ મિશ્ર રહે. શનિની સાડા સાત વર્ષની પનોતીનો છેલ્લો તબક્કો સોનાના પાયે પગ પરથી પસાર થઈ રહ્યો છે. જે નબળો છે. રાહુનું પરિભ્રમણ પણ મિશ્ર રહે.  આમ આ વર્ષ દરમ્યાન આપને સારી -નરસી પરિસ્થિતિમાંથી પસાર થવાનું બને. વર્ષ દરમ્યાન સતત માનસિક પરિતાપ-વ્યગ્રતા, ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે. શાંતિથી દિવસો પસાર કરી લેવા. 

આરોગ્ય સુખાકારી

 આરોગ્ય સુખાકારીની દૃષ્ટિએ આ વર્ષ નબળું રહે. વર્ષની શરૂઆતથી જ આપ ચોથા ગુરૂના પ્રતિકૂળ પરિભ્રમણનો અહેસાસ કરો. વર્ષ દરમ્યાન શનિનું પરિભ્રમણ પણ પ્રતિકૂળ રહે છે તેથી આરોગ્યની બાબતમાં આપે બેદરકારી રાખવી નહીં. માથાની, આંખની તકલીફ અનુભવાય. સવારે ઉઠો ત્યારે અચાનક ચક્કર આવે. આંખેે અંધારા આવે તેવું બને. આ બાબતોને અવગણવી નહીં.

 આ સિવાય મોં, દાંત-જડબાની, ગળાની, ગરદનની, ખભાની તકલીફ જણાય. કરોડરજ્જુના ઉપરના મણકામાં તકલીફ અનુભવાય. છાતીમાં-પીઠમાં દર્દ-પીડા રહે. છાતીમાં ભાર-ભાર, બળતરા, ગભરામણ જેવું લાગે. ટુંકમાં વર્ષ દરમ્યાન માથાની હૃદય-સુધીનો ભાગ વધુ સંભાળવો પડે.

ચૈત્ર સુદ પાંચમથી વૈશાખ સુદ સાતમ દરમ્યાન આપને ગરમીની તકલીફ,  છાતીમાં દર્દ-પીડા જણાય. આપની બેકાળજીના લીધે આપની મુશ્કેલીમાં વધારો થાય.  ૧૬ ઑગસ્ટથી ૧૬ સપ્ટેમ્બર દરમ્યાન આપને પગની, ગુપ્તાંગની, ગુપ્ત રોગોની સમસ્યા સર્જાય. આ સમય દરમ્યાન આંખોની વિશેષ કાળજી રાખવી. આંખમાં કચરો જવાથી, કંઈ વાગી જવાથી દર્દ-પીડા રહે. સોજો આવી જાય.

 આંખોમાં શસ્ત્રક્રિયાથી સંભાળવું પડે. મોતિયાબિંદ, ઝામરના લીધે જોવામાં તકલીફ રહે. આપની મુશ્કેલીમાં વધારો થાય.  વર્ષાન્તે ગુરૂનું પરિભ્રમણ સારું થતું જાય તેથી આપને થોડી રાહત-શાંતિ થતાં જાય.

આર્થિક સુખ-સંપત્તિ

સંવત ૨૦૮૦માં નાણાંકીય આયોજન ખૂબ સાચવીને કરવું પડે. વર્ષાના પ્રારંભે ગુરૂનું પરિભ્રમણ પ્રતિકૂળ ચાલી રહ્યું છે. તેમજ શનિની સાડા સાતી પનોતી પણ પ્રતિકૂળ પસાર થઈ રહી છે તેથી નાણાંકીય આયોજનમાંઆપે ધ્યાન રાખવું પડે. જમીન-મકાન-વાહનના પ્રશ્ને આપને આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય પરંતુ ખર્ચ વધી જતાં આપની મુશ્કેલીમાં વધારો જણાય. સંયુક્ત માલ-મિલ્કતના પ્રશ્ને આપની મુશ્કેલીમાં વધારો જણાય. ઉધારમાં માલ આપવનો, ધંધો કરવાનો બંધ કરવો. સગાસંબંધી વર્ગમાં કે મિત્રતાના સંબંધમાં જોઈને ઉધારમાં માલ આપો અને પછી પૈસા ફસાઈ જાય. આપ સામેથી માંગીના શકો અને તે આપને સામેથી આપે નહીં તેવું બને.

જો કે ચૈત્ર વદ આઠમથી ગુરૂનું પરિભ્રમણ સાનુકૂળ થતું જાય તેથી આપને ધીરે ધીરે રાહત થતી જાય. ધંધામાં આકસ્મિક ઘરાકી આવતા આવક જણાય. ઉઘરાણીના નાણાં છુટા થાય. ધંધામાં નવો કોઈ ઓર્ડર મળી રહેતાં આવકમાં વધારો જણાય. ખોટા ખર્ચાઓ અને આકસ્મિક ખર્ચાઓ ઓછા થતાં બચતનું આયોજન કરી શકો.

તા. ૧૬ ડિસેમ્બર થી તા. પ ફેબુ્રઆરી સુધીનો સમયગાળો નાણાકીય રીતે વધુ મુશ્કેલ રહે. તબિયતની અસ્વસ્થતાને લીધે, કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને આપને ખર્ચ જણાય. બેંકના, વીમા કંપનીના કામમાં, શેરોના કામમાં નુકસાનીથી સંભાળવું પડે. 

નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ? :

વર્ષના પ્રારંભથી જ ગુરૂ અને શનિની પ્રતિકૂળતાને લીધે નોકરીમાં આપને મુશ્કેલી રહે. નોકરીની, ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગની કોઈ ને કોઈ ચિંતા -પરેશાનીના લીધે કામમાં મન લાગે નહીં. કામમાં રૂકાવટ-મુશ્કેલી જણાય. આપના ધાર્યા પ્રમાણેના કામ થઈ શકે નહીં. આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગની તકલીફ રહે. ઉપરી વર્ગનો ઠપકો સાંભળવો પડે. આપના કામની કદર થાય નહીં પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં ગુરૂનું સાનુકૂળ પ્રતિભ્રમણ આપને રાહત આપતું જાય. આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો આપની  બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતના આધારે ઉકેલાવી શકો. આપના કામની કદર થતી જાય.

આપને કામમાં આકસ્મિક સરળતા-સાનુકૂળતા થતી જાય. કામ કરવાના ઉત્સાહમાં વધારો થાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. નોકરીમાં નવી તક પ્રાપ્ત થાય. બઢતી-બદલીના પ્રશ્નમાં પ્રગતિ જણાય પરંતુ અનિચ્છિત જગ્યાએ બદલીના લીધે ઉચાટ-ઉદ્વેગ રહે.

વર્ષના પ્રારંભે માગશર સુદ-ચોથથી  પોષ વદ -દસમ દરમયાન સરકારી -ખાતાકીય કાર્યવાહીથી સંભાળવું પડે. નાંણાકીય જવાબદારી વાળું કાર્ય સંભાળતા હોય તો તેમાં વિશેષ તકેદારી રાખવી પડે. 

ધંધામાં વર્ષ કેવું પસાર થાય ? 

વિક્રમ સંવત ૨૦૮૦ના પ્રારંભે ગુરૂ ગ્રહનું પ્રતિકુળ પરિભ્રમણ તેમજ સમગ્ર વર્ષ દરમ્યાન શનિની પ્રતિકૂળ ચાલ આપના ધંધાકીય સમીકરણોમાં ઉલટફેર લાવે.

વર્ષારંભે ગુરૂ-શનિ બંનેની પ્રતિકૂળતાને લીધે ધંધામાં આપના ધાર્યા પ્રમાણે કામ થઈ શકે નહીં. એક મુશ્કેલીમાંથી બહાર આવો ત્યાં બીજી મુશ્કેલી આવી ચડે. શું કરવું ? શું ન કરવું ? તેવી કિંકર્તવ્યમૂંઢ જેવી પરિસ્થિતિમાં મુકાઈ જાવ. આપની ગણત્રી - ધારણાઓ અવળી પડતાં, આપના લીધેલા નિર્ણયો અવળા પડતાં આપની મુશ્કેલીમાં વધારો જણાય. જૂના ગ્રાહકવર્ગને સાચવવા માટે નુકસાનીમાં પણ ધંધો કરવો પડે. સંયુક્ત ધંધામાં, ભાગીદારીવાળા ધંધામાં ખટરાગ-મનદુ:ખ થતાં છૂટા થવાનો પ્રશ્ન ઉભો થાય. સંબંધો બગડે નહીં તેની આપે તકેદારી રાખવી પડે.

તેમ છતાં ચૈત્ર વદ આઠમથી ગુરૂનું પરિભ્રમણ સાનકૂળ થતાં આપને વર્ષના ઉત્તરાર્ધમાં થોડી રાહત થતી જાય. ઘરાકી પુન: શરૂ થતાં ધંધો ચાલતો થાય. એક-બે મહત્વના ઓર્ડર મળી રહેતાં કે પુરાં થતાં આપને રાહત રળે. નાણાં છુટા થાય.

તા. ૧૬ ડીસેમ્બર થી તા. ૫ ફેબ્રુઆરીનો સમયગાળો આપના માટે વધુ નબળો રહે. ધંધો બંધ થતાં આવક થાય નહીં. કારીગર વર્ગ-નોકર-ચાકવર્ગની ભૂલના લીધે આપે નુકસાનીનો સામનો કરવો પડે. ઈન્કમટેક્ષ, જી.એસ.ટી.ના ચક્કરમાં અટવાયા કરો.

૧૬ ઓગસ્ટ થી ૧૬ સપ્ટેમ્બર દરમ્યાન આપને સ્વાસ્થ્ય સંબંધીત કોઈને કોઈ સમસ્યા રહે જેના લીધે ધંધામાં ધ્યાન-સમય આપી શકો નહીં. કામના તણાવ-દબાણની અસર આપના સ્વાસ્થ્ય પર પડે.

સ્ત્રીવર્ગ

સ્ત્રીવર્ગને માટે વર્ષનો પ્રારંભ વધુ પ્રતિકૂળ રહે. નોકરી-ધંધાની સાથે ઘર-પરિવારની જવાબદારી સંભાળવવામાં કોઈન ેકોઈ મુશ્કેલી આવ્યા કરે. માતા-પિતાના આરોગ્ય આયુષ્યની ચિંતા સતાવ્યા કરે. આકસ્મિક ખર્ચાઓને લીધે નાણાકીય આયોજન ખોરવાઈ જાય. નાણાકીય ભીડનો સામનો કરવો પડે. વર્ષ પસાર થતું જાય તેમ આપને ધીમ-ધીમે થોડી રાહત થતી જાય. આપના કામમાં સાનુકૂળતા થતી જાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થતી જાય.આપના કામમાં પતિ-સંતાનનો સાથ -સહકાર મળી રહે. નોકરી-ધંધામાં બઢતી-બદલીના યોગ ઉભા થાય.

પરંતુ વર્ષ દરમ્યાન શનિનું પરિભ્રમણ પ્રતિકૂળ રહે છે તેથી માનસિક પરિતાપ -વ્યગ્રતા રહ્યા કરે. કુટુંબ-પરિવારમાં કોઈને કોઈ ચિંતા રહે. નાણાકીય રીતે આપે સંભાળવું પડે. 

વિદ્યાર્થી વર્ગ

વિક્રમ સંવત ૨૦૮૦ના પ્રારંભે વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં રૂકાવટ-મુશ્કેલી અનુભવાય.મહેનતના પ્રમાણમાં સફળતા મળે નહીં. અભ્યાસની સાથે કુટુંબ-પરિવારની જવાબદારી આવી પડતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. દોડધામ-શ્રમ વધે. મિત્રવર્ગ સાથે વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખ થઈ જાય. 

પરીક્ષા સમયે બીમારીથી સંભાળવું પડે. કારકિર્દીનું વર્ષ હોય તેમણે સમય વેડફયા વગર વર્ષારંભથી જ મહેનતનો પ્રારંભ કરી દેવો.

 વર્ષની મધ્યથી જ ગુરૂની સાનુકૂળતા થતાં આપને રાહત થતી જાય. અભ્યાસમાં ધ્યાન આપી શકો. ઉચ્ચ અભ્યાસાર્થે પરદેશ જવાનું વિચારતાં હોય, તેવું આયોજન કરી રહ્યા હોવ તો તેમાં પ્રગતિ જણાય. સાનુકૂળતા મળી રહે.

વર્ષના પ્રારંભે માગશર-સુદ-ચોથથી પોષ વદ દસમ દરમ્યાન અભ્યાસમાં મન લાગે નહીં. મનની એકાગ્રતા જળવાય નહીં. અભ્યાસની તૈયારી કરવા બેસો પરંતુ મન બીજે ભટકયા કરે.

ખેડૂત વર્ગ 

વિક્રમ સંવત ૨૦૮૦નું આ વર્ષ આપના માટે ઠીક રહે. વર્ષના પ્રારંભે ગુરૂની પ્રતિકૂળતા તેમજ સમગ્ર વર્ષ દરમ્યાન શનિની પ્રતિકૂળતાને લીધે આપને કામમાં મુશ્કેલી જણાય. ઘર-પરિવારની ચિંતા, કૌટુંબિક-પારિવારીક પ્રશ્નોને લીધે ખેતીમાં ધ્યાન આપી શકો નહીં.

 ખેતી સાથે નોકરી-ધંધો કરનારને બંને પલડામાં પગ રાખવામાં મુશ્કેલી રહે. કાંતો ખેતી પર ધ્યાન આપને કાં તો નોકરી-ધંધા પર ધ્યાન આપો. ભાગમાં ખેતી કરનારાને માટે આ સમય મુશ્કેલીનો રહે.

 ભાગીયા, ખેતમજુરો, કામદારોની તકલીફ જણાય. ભાઈ ભાંડુ સાથે સંયુક્ત જમીન-ખેતી-માલમિલ્કતના પ્રશ્ને વાદ-વિવાદ થઈ જાય.

ઉપસંહાર

આમ, વિક્રમ સંવત ૨૦૮૦નો પ્રારંભ વધુ પ્રતિકૂળતાવાળો રહે. ગુરૂ-શનિનું પરિભ્રમણ આપની મુશ્કેલીમાં વધારો કરતું જાય. દરેક ક્ષેત્રે આપની પીછેહઠ થઈ રહી છે તેવું લાગ્યા કરે. કૌટુંબિક-પારિવારીક પ્રશ્નો, નાણાંભીડના લીધે ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે.

 પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં ગુરૂનું પરિભ્રમણસારૂ થતા તે આપને રાહત આપતો જાય. કેટલાંક મહત્વના કામનો, પ્રશ્નોનો ઉકેલ આવતાં હળવાશ અનુભવો.

પત્ની-સંતાન-પરિવાર

કૌટુંબિક-પરિવારીક દર્ષ્ટિએ વર્ષ નબળું રહે. કુટુંબ-પરિવારનાં કોઈના કોઈ પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ રહ્યા કરે. ખર્ચ જણાય. સંયુક્ત માલ-મિલ્કતના પ્રશ્ને વાદ-વિવાદ, ગેરસમજ ઉભી થાય. કલહ-કંકાસનું વાતાવરણ સર્જાય. કામ કરતાં હોય ત્યાં કે અન્ય જગ્યાએ લાગણી-મિત્રતાના ચક્કરમાં ફસાઈને કૌટુંબિક જીવન ખરાબ કરવું નહીં.

વર્ષ પસાર થતું જાય તેમ ધીમે ધીમે આપને થોડી રાહત થતી જાય. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની દૂર થતી જાય. તેના અભ્યાસ-કારકિર્દી-આરોગ્યના પ્રશ્ને આપને રાહત થતી જાય. આપના કામમાં સંતાનનો સાથ-સહકાર મળી રહે. અવિવાહિત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત  આવવાથી આંનદ-ઉત્સાહ રહે. નવદંપતીને, જેમનો સંતાન માટે પ્રયત્ન કરતાં હોય તેમને સંતાન પ્રાપ્તિના યોગ ઉભા થાય.

Gujarat