કર્ક (ડ.હ.) : વર્ષ પસાર થતું જાય તેમ આપને રાહત થાય, વર્ષાન્તે સાનુકૂળતા રહે...
- નવી કારકીર્દી શરૂ કરનાર માટે વર્ષનો ઉત્તરાર્ધ વધુ સારો રહે. ભાઈભાંડુનો સહકાર મળી રહે.
વિક્રમ સંવત ૨૦૮૦ ના નવા વર્ષનો પ્રારંભ આપના માટે મધ્યમ રહે. આપના કામમાં ઉતાર-ચઢાવ આવ્યા કરે. આપના કામની સાથે અન્ય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. ઘર-પરિવારનું કામકાજ રહે. પરંતુ જેમ વર્ષ પસાર થતું જાય તેમ આપને સાનુકૂળતા થતી જાય. આપના કામનો ઉકેલ આવતો જાય. આપના કામમાં અન્યનો સાથ-સહકાર મળી રહેતાં રાહત થતી જાય. પરંતુ પરદેશના કામમાં આપે ધ્યાન રાખવું પડે.
આરોગ્ય સુખાકારી
આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. વર્ષ દરમ્યાન નાની-નાની કોઈને કોઈ તકલીફ જણાય. વર્ષારંભે આપને પીઠમાં-કમરમાં-છાતીમાં દર્દ-પીડા જણાય. તો વર્ષાન્તે આપને મોં, દાંત, જડબાની તકલીફ જણાય. ખભામાં ગરદનમાં દર્દ-પીડા રહે. તા. ૧૩ ફેબુ્રઆરીથી તા. ૨૩ એપ્રિલ સુધીનો સમય આપે વધુ ધ્યાન રાખવું પડે. આ સમય દરમ્યાન પડવા-વાગવાથી ફેકચર-મચકોડથી સંભાળવું પડે. અગ્નિ-ઈલેકટ્રીકથી દાઝવાથી ધ્યાન રાખવું પડે. તે સિવાય આંખોમાં દર્દ-પીડા, પીઠમાં, કમરમાં દર્દ-પીડા રહે. આ સમય દરમ્યાન વાહન ધીરે ચલાવવું. બી.પી.ની તકલીફ હોય તેમણે વધુ ધ્યાન રાખવું પડે.
જેઠ સુદ આઠમથી અષાઢ સુદ આઠમ સુધીના સમયમાં આપે આંખોની કાળજી રાખવી પડે. આ સમય દરમ્યાન આંખોની કોઈને કોઈ તકલીફ જણાય. આંખોમાં ઈન્ફેકશન, સોજો જણાય. આંખો લાલ થઈ જવી, આંખોમાં બળતરાની તકલીફ રહે. તા. ૨૬ ઑગસ્ટથી ૨૦ ઑકટોબર સુધીના સમય દરમ્યાન આપને માનસિક પરિતાપ-વ્યગ્રતા-બેચેની રહ્યા કરે.
નાની-નાની વાતમાં ગુસ્સો આવી જાય. માનસિક તણાવ અનુભવો, ધીરજ અને શાંતિ રાખવા પડે. પિતાની, પિતૃપક્ષની ચિંતા રહે. આ સમય દરમ્યાન પણ આપે આંખોની કાળજી રાખવી પડે. આંખમાં કચરો પડવાથી, કંઈક વાગવાથી આંખોને નુકસાન ન થાય તેની તકેદારી આપે રાખવી પડે. નજીકના પાત્ર સાથે, પ્રિયપાત્ર સાથે વાદ-વિવાદ થવાથી મન વ્યગ્ર-બેચેન રહ્યા કરે.
આર્થિક સુખ-સંપત્તિ
આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. જોકે વર્ષ દરમ્યાન આવકનું પ્રમાણ ચાલુ રહેતાં આપના વ્યવહારો સચવાઈ રહે. ઘરખર્ચ નીકળી જાય. વર્ષના પ્રારંભમાં આપે ઉઘરાણીના નાંણા ફસાઈ ન જાય તેનું ધ્યાન રાખવું પડે. પરંતુ જેમ-જેમ વર્ષ પસાર થતું જાય તેમ-તેમ આપને રાહત થતી જાય. આપના ઉઘરાણીના નાંણા છૂટા થાય. આકસ્મિક કોઈ લાભ-ફાયદો મળી રહે. આકવનો સ્રોત અટકી ગયો છે તેમ લાગતો હોય તો તે ચાલું થાય.
૧૩ ફેબુ્રઆરીથી ૨૩ એપ્રિલ દરમ્યાન આપે બેંકના, વીમા કંપનીના કામમાં ધ્યાન રાખવું પડે. શેરોમાં રોકાણ કરવામાં, ધામાં આપે સાચવવું પડે. સ્વાસ્થ્યની અસ્વસ્થતાને લીધે ખર્ચ-ખરીદી જણાય. આ સમય દરમ્યાન પુત્ર-પૌત્રાદિક માટે તેમજ પિતા માટે પણ ખર્ચ જણાય. ચિંતા રહે. પરદેશના કામમાં આપના કાર્યમાં ખર્ચમાં વધારો જણાય.
૧૪ જૂનથી ૧૬ જુલાઈ દરમ્યાન આકસ્મિક કોઈને કોઈ ખર્ચ-ખરીદીના લીધે નાંણાભીડ જણાય. આ સમય દરમ્યાન આપે નાંણાકીય આયોજનનું ધ્યાન રાખવું પડે.શ્રાવણ સુદ-૧૪ થી આસો વદ-૩ સુધીના સમય દરમ્યાન રૂપિયા, રૂપિયા ભરેલું પાકીટ ખોવાઈ કે ચોરાઈ ન જાય તેની તકેદારી આપે રાખવી પડે. રાજકીય-સરકારી કનડગતના લીધે આપે નાંણાકીય નુકસાની સહન કરવી પડે. કોર્ટ-કચેરીમાં દંડ કે દંડાત્મક કાર્યવાહી થતાં કારણ વગરનો નાંણાનો વ્યય જણાય. સંતાન માટે ખર્ચ-ખરીદી જણાય. તેના પરદેશના કામમાં આપને ખર્ચ રહે.
નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?
નોકરીમાં વર્ષારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. અન્યનું કામ આપની પાસે આવવાથી કે બીજું કોઈ કામ આવી જવાને લીધે આપના કાર્યભાર દોડધામ-શ્રમમાં વધારો જણાય. નોકરીની સાથે ઘર-પરિવારના કામ અંગે વ્યસ્તતા રહે કે ચિંતા અનુભવાય. આકસ્મિક બદલી થવાના લીધે ઉચાટ-ઉદ્વેગમાં રહો. અન્ય સહકર્મચારીઓ સાથે ગોઠવવામાં મુશ્કેલી જણાય. જોકે વર્ષની મધ્યથી આપને ધીમે-ધીમે રાહત થતી જાય. આપના કાર્યમાં આકસ્મિક સરળતા મળી રહેતાં કામનો ઉકેલ લાવી શકો. આપના દોડધામ-શ્રમમાં રાહત થતી જાય. સંતાનનો સાથ-સહકાર મળી રહેતાં આપને આનંદ-ઉત્સાહ રહે. આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. ૧૩ ફેબુ્રઆરીથી ૨૩ એપ્રિલ દરમ્યાન નાંણાકીય જવાબદારીમાં આપે સંભાળવું પડે. આપની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઈચ્છા થાય નહીં. કામ કરવામાં મુશ્કેલી પડે. વાણીની સંયમતા રાખીને આપે શાંતિથી પોતાનું કામ કરી લેવું.
તા. ૨૬/૮/૨૪ થી ૨૦/૧૦/૨૪ દરમ્યાન આપે ઓફીસ પોલીટીક્સ, કોર્પોરેટ પોલીટીક્સના ભોગ ના બનવું પડે તેની તકેદારી રાખવી પડે. નોકરીમાં સરકાર તરફથી કે અન્ય કોઈ તરફથી પોલીસ કેસ, કોર્ટ કેસ થયો હોય તો આપની મુશ્કેલીમાં વધારો થાય. બેંકમાં, વીમા કંપનીમાં કામ કરનારે વિશેષ સાવધાની રાખવી પડે. આપની પ્રગતિની ઈર્ષ્યા કરનાર વર્ગ આપના કાર્યમાં મુશ્કેલી ઉભી કરવાના પ્રયત્નો કરે. આપે ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરી લેવા.
ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?
ધંધાકીય દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. વર્ષારંભથી જ આપને કોઈને કોઈ કાર્યની પૂર્તિ માટે વ્યસ્તતા જણાય. જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં, ખાણી-પીણીના ધંધામાં દોડધામ-શ્રમ જણાય. વર્ષ જેમ પસાર થતું જાય તેમ આપને ધીમે-ધીમે રાહત થતી જાય. આપની દોડધામ શ્રમમાં ઘટાડો જણાય. પુખ્ત સંતાન આપને ધંધામાં મદદરૂપ થવાના પ્રયાસ કરે. તેની મદદથી કામનો સરળતાથી ઉકેલ લાવી શકો. પરંતુ વર્ષ દરમ્યાન પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં ધ્યાન રાખવું પડે. આકસ્મિક ઘરાકી આવી જવાથી, નવી ઘરાકી બંધાવાથી આપને લાભ-ફાયદો જણાય. તેમ છતાં વર્ષ દરમ્યાન અમુક સમય આપે ધીરજ અને શાંતિથી પસાર કરી લેવો. તા. ૧૫ માર્ચથી ૨૩ એપ્રિલના સમય દરમ્યાન આપને ધંધામાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. સુસ્તી-બેચેનીના લીધે આપને કામ કરવાની ઈચ્છા થાય નહીં. તેમજ અન્ય કોઈના ભરોસે આપ કામ છોડી શકો નહીં. ધંધાની જગ્યાએ અકસ્માત-દુર્ઘટનાથી આપે સંભાળવું પડે.૨૬/૮ થી ૨૦/૧૦ દરમ્યાન આપને રાજકીય-સરકારી-ખાતાકીય કોઈને કોઈ તકલીફ આવ્યા કરે. જેના લીધે આપના કામમાં રૂકાવટ રહે. ઈન્કમટેક્ષ, જી.એસ.ટી. ભરવામાં મોડું કર્યું હોય કે આવક છૂપાવી હોય, ખોટા બીલ રજુ કર્યા હોય તો આપની મુશ્કેલીમાં વધારો થાય. આપે દંડ કે દંડાત્મક કાર્યવાહીનો સામનો કરવો પડે. તે સિવાય નાંણાકીય નુકસાનીથી સંભાળવું પડે.
સ્ત્રીવર્ગ
સ્ત્રીવર્ગને વર્ષારંભથી જ ઘર-પરિવાર અને વ્યવસાયની જવાબદારી એક સાથે સંભાળવામાં મુશ્કેલી જણાય. કામ અંગેની સતત વ્યસ્તતાને લીધે ઘર-પરિવારને યોગ્ય ન્યાય આપી શકો નહીં. વર્ષ પસાર થતું જાય તેમ આપને રાહત થતી જાય. પતિ-સંતાનનો સાથ-સહકાર મળી રહે. તેમને આપની મુશ્કેલીનો અહેસાસ થતાં આપને મદદરૂપ થવાના પ્રયત્નો કરે. વર્ષાન્તે અવિવાહીતને વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા- પરેશાનીમાં ઘટાડો થતો જાય. આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ-ઉત્સાહ અનુભવો. લાંબા સમયથી સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવનારને સંતાન પ્રાપ્તિના, ગર્ભાધાનના યોગ ઉભા થાય.
વિદ્યાર્થીવર્ગ
વિદ્યાર્થીવર્ગ માટે આ વર્ષ મધ્યમ રહે. વર્ષારંભથી જ યોગ્ય આયોજન કરી અભ્યાસની વ્યવસ્થા કરવી. મિત્રવર્ગ સાથે હરવા-ફરવામાં, મોજમસ્તીમાં સમય બગાડવો નહીં. જોકે જેમ-જેમ વર્ષ પસાર થતું જાય તેમ આપને અભ્યાસમાં સાનુકૂળતા થતી જાય. વર્ષનો અંત આપના માટે વધુ સુગમતાવાળો રહે. આપની મહેનતના પ્રમાણમાં સફળતા મળી રહે. કારકિર્દીનું વર્ષ હોય તેમને લાભ-ફાયદો મળી રહે. ઉચ્ચ અભ્યાસાર્થે બહારગામ કે પરદેશ જવાનું વિચારી રહ્યા હોવ તો તેમાં સફળતા મળી શકે. પરંતુ તા. ૧૫/૩ થી ૨૩/૪ અને તા. ૨૬/૮ થી તા. ૨૦/૧૦ દરમ્યાન સાચવવું પડે. શારીરિક-માનસિક અસ્વસ્થતાને લીધે તકલીફ અનુભવાય. પરીક્ષા સમયે પડવા-વાગવાથી-અકસ્માતથી સંભાળવું પડે.
ખેડૂતવર્ગ
સંવત ૨૦૮૦ નું વર્ષ ખેડૂત વર્ગ માટે મધ્યમ રહે. વર્ષના પ્રારંભમાં મુશ્કેલી રહે. ખેતીની સાથે નોકરી-ધંધો કરનારને સતત દોડધામ-શ્રમ-વ્યસ્તતા જણાય. કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. ભાગમાં ખેતી કરાવતાં હોય તો બધી વસ્તુ તેના ભરોસે ના છોડી દેવી. આપે થોડું-થોડું ધ્યાન આપતા રહેવું પડે. જોકે વર્ષ પસાર થતું જાય તેમ આપને રાહત થતી જાય. ખેતીમાં પાક સારો ઉતરતાં, ભાવ સારો મળતાં લાભ-ફાયદો જણાય. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને આપની ચિંતા-પરેશાનીમાં રાહત થતી જાય. તેના વિવાહ-લગ્નનો પ્રશ્ન ઉકેલાતાં, નોકરી-ધંધાનો પ્રશ્ન ઉકેલાતાં આપને આનંદ-ઉત્સાહ રહે.
ઉપસંહાર
ટૂંકમાં ૨૦૮૦ ના વર્ષના પ્રારંભમાં આપને દોડધામ-શ્રમ-વ્યસ્તતા રહ્યા કરે. આપના કાર્યની સાથે અન્યના કામમાં પણ આપે વ્યસ્ત રહેવું પડે. વર્ષ પસાર થતું જાય તેમ આપને રાહત થતી જાય. વર્ષાન્તે કામમાં સરળતા-સાનુકૂળતા મળી રહે. આકસ્મિક લાભ-ફાયદો મળી રહે. કૌટુંબિક-પારિવારીક સુખ-સંપત્તિમાં વધારો જણાય. નવી કારકીર્દી શરૂ કરનાર માટે વર્ષનો ઉત્તરાર્ધ વધુ સારો રહે. ભાઈભાંડુનો, સંતાનનો સાથ-સહકાર આપને મળી રહે.
પત્ની-સંતાન-પરિવાર
કૌટુંબિક-પારિવારીક દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. ઘર-પરિવારનો સાથ-સહકાર મળી રહે. પરંતુ પિતા સાથે વાદ-વિવાદ- મનદુ:ખ થઈ જાય. તેમ છતાં વર્ષ દરમ્યાન અમુક સમય આપે ધીરજ અને શાંતિથી પસાર કરી લેવો. વર્ષ પસાર થતું જાય તેમ આપને રાહત થતી જાય.
ચૈત્ર માસ બાદ આપને કૌટુંબિક પારિવારીક સુખ-સંપત્તિમાં વધારો થાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની દૂર થતી જાય. તેમના વિવાહ-લગ્નનો પ્રશ્ન ઉકેલાતાં આનંદ-ઉત્સાહ રહે. અવિવાહીત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. નવદંપતીને જેમને ઘણા સમયથી સંતાન ન હોય તેમને સંતાન પ્રાપ્તિના યોગ ઉભા થાય. આપના કાર્યમાં પત્ની-સંતાન મદદરૂપ થવાના પ્રયત્નો કરે. પત્ની સાથેના વાદ-વિવાદનો અંત આવે.