મહાશિવરાત્રિ પર ઘરે લાવો શિવજી સાથે જોડાયેલી આ 5 શુભ વસ્તુઓ, ભોલેનાથની થશે અપાર કૃપા

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News
મહાશિવરાત્રિ પર ઘરે લાવો શિવજી સાથે જોડાયેલી આ 5 શુભ વસ્તુઓ, ભોલેનાથની થશે અપાર કૃપા 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 26 ફેબ્રુઆરી 2024 સોમવાર

પંચાંગ અનુસાર દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રિનો પર્વ મનાવવામાં આવે છે. આ વર્ષે આ તિથિ શુક્રવાર 8 માર્ચે આવી રહી છે. આ દિવસે શિવભક્ત વ્રત રાખીને ભગવાન શિવની પૂજા-અર્ચના કરે છે. માન્યતા છે કે મહાશિવરાત્રિના દિવસે વ્રત રાખવાથી અને પૂજા-પાઠ કરવાથી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને સમસ્ત દુ:ખ દૂર થાય છે.

શિવજીની કૃપા મેળવવા માટે મહાશિવરાત્રિના દિવસે ઘણા ઉપાય પણ કરવામાં આવે છે. જ્યોતિષ અનુસાર મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ સાથે જોડાયેલી અમુક ખાસ વસ્તુઓને ઘરે લાવવી જોઈએ. આ વસ્તુઓ ભગવાન શિવને ખૂબ પ્રિય છે. તેથી મહાશિવરાત્રિના દિવસે તેને ઘરે લાવવી શુભ હોય છે. 

નંદીની મૂર્તિ

મહાશિવરાત્રિના દિવસે ઘરે નંદીની મૂર્તિ જરૂર લાવવી. નંદી ભગવાન શિવને ખૂબ પ્રિય હોય છે અને તેમનું વાહન પણ છે. મહાશિવરાત્રિના પાવન દિવસે નંદીની મૂર્તિ ઘરે સ્થાપિત કરવાથી શિવજી ખૂબ પ્રસન્ન થાય છે. તમે ચાંદીથી બનેલી નાની નંદીની મૂર્તિ લાવીને તેને પોતાની તિજોરી કે ધનના સ્થાને પણ મૂકી શકો છો. તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.

રૂદ્રાક્ષ

મહાશિવરાત્રિના દિવસે એક મુખી રૂદ્રાક્ષ ઘરે લાવો. રૂદ્રાક્ષ ઘણા પ્રકારના હોય છે પરંતુ એક મુખી રૂદ્રાક્ષને શિવનું સ્વરૂપ માનવામાં આવ્યુ છે. સાથે જ હિંદુ ધર્મમાં રૂદ્રાક્ષને સુખ, શાંતિ અને સમૃદ્ધિનું પણ પ્રતીક માનવામાં આવે છે. જ્યોતિષ અનુસાર મહાશિવરાત્રિના શુભ દિવસે એક મુખી રૂદ્રાક્ષ લાવીને તેને ભગવાન શિવના મંત્રોચ્ચાર સાથે સિદ્ધ કરો અને જે બાદ ધારણ કરી લો. તમે તેને ઘરે પણ સ્થાપિત કરી શકો છો કે પછી તિજોરીમાં પણ રાખી શકો છો.

શિવલિંગ

મહાશિવરાત્રિના દિવસે શિવલિંગની પૂજાનું વિશેષ મહત્વ છે. શિવલિંગ અભિષેક વિના મહાશિવરાત્રિની પૂજા અધૂરી માનવામાં આવે છે. જ્યોતિષ અનુસાર મહાશિવરાત્રિના દિવસે તમે ગ્રહ દોષથી મુક્તિ માટે રત્નોથી નિર્મિત શિવલિંગ ઘરે લાવી શકો છો. આ સિવાય તમે પારદ શિવલિંગ પણ લાવી શકો છો. ઘર પર પારદ શિવલિંગ વિધિસર સ્થાપિત કરો અને નિયમિત પૂજા કરો. તેનાથી પિતૃ દોષ, કાલસર્પ દોષ અને વાસ્તુ દોષ વગેરે દૂર થાય છે.

બિલિપત્ર

શિવજીને બિલિપત્ર ખૂબ પ્રિય છે અને તેના વિના શિવજીની કોઈ પણ પૂજા અધૂરી માનવામાં આવે છે. દરમિયાન મહાશિવરાત્રિના દિવસે બિલિપત્ર જરૂર લાવો અને શિવજીની પૂજા કરો. તેનાથી ભોલેનાથની કૃપા પ્રાપ્ત થશે.

મહામૃત્યુંજય યંત્ર

મહામૃત્યુંજય યંત્રને ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. જે ઘરે નિયમિત તેની પૂજા થાય છે. ત્યાં રોગ, દોષ, આર્થિક તંગી વગેરેનો સામનો કરવો પડતો નથી. તેથી તમે મહાશિવરાત્રિના દિવસે મહામૃત્યુંજય યંત્ર ઘરે લાવી શકો છો. તેને ઘરે સ્થાપિત કરો અને નિયમિત પૂજા કરો.


Google NewsGoogle News