આ વખતે મહાશિવરાત્રિ પર 11 કલાક રહેશે ભદ્રા નક્ષત્ર, જાણો શિવલિંગ પર અભિષેકનું શુભ મુહૂર્ત
Mahashivratri 2025: વૈદિક પંચાગ પ્રમાણે મહાશિવરાત્રિનું પર્વ દર વર્ષે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રિ 26 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ વખતે મહાશિવરાત્રિ પર ઘણા શુભ સંયોગ બનવા જઈ રહ્યા છે. બીજી તરફ આ વખતે મહાશિવરાત્રિ પર 11 કલાક ભદ્રા નક્ષત્ર રહેશે. કારણ કે, ભદ્રાને કોઈપણ શુભ કાર્ય માટે અવરોધરૂપ માનવામાં આવે છે. તો આવી સ્થિતિમાં શિવભક્તોને એ વાતની ચિંતા છે કે મહાશિવરાત્રિ પર જળ અભિષેકનું શુભ મુહૂર્ત કયું હશે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે, આ વખતે મહાશિવરાત્રિ પર ભોલેનાથને જળ ચઢાવવાનો સૌથી શુભ સમય કયો છે.
મહાશિવરાત્રિ પર 11 કલાક રહેશે ભદ્રા નક્ષત્ર
વૈદિક પંચાગ પ્રમાણે મહાશિવરાત્રિ પર ભદ્ર નક્ષત્ર 26 ફેબ્રુઆરીના રોજ સવારે 11:08 વાગ્યાથી રાત્રે 10:05 વાગ્યા સુધી રહેશે. મહાશિવરાત્રિના દિવસે ચતુર્દશી તિથિના આરંભ સાથે જ ભદ્રાનો છાયો પણ શરુ થઈ જશે. એટલે કે મહાશિવરાત્રિ પર ભદ્રાનો છાયો લગભગ 11 કલાક સુધી રહેશે. જોકે, ભદ્રાનો તહેવાર કે શિવલિંગના જળ અભિષેક પર કોઈ પ્રભાવ નહીં પડશે.
પાતાળ લોકમાં ભદ્રા
આ વર્ષે મહાશિવરાત્રિ પર ભદ્રાનો વાસ પાતાળ લોકમાં છે. શાસ્ત્રો પ્રમાણે પાતાળ લોકની ભદ્રા પૃથ્વીને અસર નથી કરતી. તેથી આ વખતે મહાશિવરાત્રિ પર જળ અભિષેક કરવામાં ભદ્રાની કોઈ અસર થશે નહીં.
જાણો શિવલિંગ પર અભિષેકનું શુભ મુહૂર્ત
મહાશિવરાત્રિ પર શિવલિંગ પર જળ અભિષેક માટે દરેક પ્રહરમાં શુભ મુહૂર્ત રહેશે. તમે સવારે 6:47થી 9:42 વાગ્યા સુધી ભગવાન શિવને જળ અર્પણ કરી શકો છો. ત્યારબાદ 11:06થી બપોરે 12:35 સુધી જળ અભિષેક કરી શકાય છે. ત્યારબાદ બપોરે 3:25થી 6:08 અને પછી રાત્રે 8:54થી 12:01 વાગ્યા સુધી શિવલિંગ પર જળ અભિષેક કરવાનું મુહૂર્ત છે.