ભગવાન શ્રી રામ આ ગુણોના કારણે કહેવાયા છે મર્યાદા પુરુષોત્તમ
22મી જાન્યુઆરીનો દિવસ માત્ર રામભકતો જ નહીં પણ દરેક ભારતીય માટે ઐતિહાસિક, અભૂતપૂર્વ અને અવિસ્મરણીય હતો
22મી જાન્યુઆરીનો દિવસ માત્ર રામભકતો જ નહીં પણ દરેક ભારતીય માટે ઐતિહાસિક, અભૂતપૂર્વ અને અવિસ્મરણીય હતો, કારણ કે 500 વર્ષોની જે ઘડીની રાહ જોવાઈ રહી હતી તેનો ગઈ કાલ અંત આવ્યો હતો અને ભગવાન રામ ગર્ભ ગૃહમાં બિરાજમાન થયા હતાં. ગઈકાલે આખો દેશ રામના નારાથી ગુંજી રહ્યો હતો. પરંતુ આપણે બધા જાણીએ છીએ કે ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. આવો આજે આ આર્ટિકલમાં ભગવાન શ્રીરામમાં એવા ક્યા ગુણો હતા કે તેમને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવતા હતા.
સંયમ અને ધૈર્ય જાળવી રાખ્યું
મુશ્કેલ સમયમાં પ્રભુ રામે દરેક જગ્યાએ સંયમ, સંકલ્પ, ધૈર્ય અને સાહસ જીવન જીવવાનું ઉદાહરણ પૂરુ પાડ્યું છે. વિપરિત પરિસ્થતિમાં તેમણે પણ ધૈર્ય અને સંયમ જાળવી રાખ્યું હતું. તેમજ તેમણે ક્યારેય ગુસ્સામાં આવીને કોઈ નિર્ણય પણ નથી કર્યો.
એક વચન
પ્રભુ શ્રીરામના જીવનમાં તેમના જીવનમાં આપેલા દરેક વચન અને કર્તવ્યોનું પાલન કર્યું છે. એવુ કહેવાય છે કે, ભગવાન શ્રીરામે પોતાના વચનનું પાલન કરતા તેમણે તેમના પ્રાણથી પણ વધારે પ્રિય ભાઈ લક્ષ્મણને પણ મૃત્યુદંડનો આદેશ આપી દીધો હતો.
એક પત્ની
પ્રભુ શ્રીરામ માતા સીતાને અપાર પ્રેમ કરતા હતા. પ્રભુ શ્રીરામે પોતાના જીવનમાં માત્રને માત્ર એક જ મહિલાને પ્રેમ કર્યો અને તેની સાથે લગ્ન કર્યા હતા. તેમણે ક્યારેય અન્ય મહિલા વિશે વિચાર્યું પણ નથી.
શાકાહારી
વનવાસ દરમિયાન તેમણે કંદ-મુળ ખાઈને તેમના જીવનના 14 વર્ષ વિતાવ્યા હતા, પરંતુ જંગલમાં રહીને પણ પ્રભુ શ્રીરામ, લક્ષ્મણ અને માતા સીતાએ ક્યારેય તામસિક અથવા તો રાજસિક ભોજન ગ્રહણ નથી કર્યું.
તપસ્વી જીવન
ભગવાન રામે જ્યારે વનવાસ ધારણ કર્યો ત્યારે તેમણે દરેક રાજસી વસ્ત્રોનો ત્યાગ કર્યો હતો અને તપસ્વીઓના વસ્ત્રો ધારણ કરીને વનવાસ રવાના થઈ ગયા હતા. રસ્તામાં તેમણે જે મળ્યું તે ખાઈ લેતા હતા અને જ્યા રાત પડે ત્યા સુઈ જતા હતા.
સેવા અને સહયોગ
વનવાસ દરમિયાન તેમણે આદિવાસી અને વનવાસી લોકોના જીવનને સુધારવાનું કાર્ય પણ કર્યું છે. જેમા શબરીનો પ્રસંગ, કેવટ પ્રસંગ અને અહિલ્યા પ્રસંગમાં એ વાતની જાણકારી મળે છે કે તેમણે કેટલા લોકોનો ઉદ્ધાર કર્યો હતો.
સૌનું સમ્માન
પ્રભુ શ્રીરામ પોતાના જીવનમાં દરેકને સમ્માન આપતાં હતા. તેમણે દરેક સંબંધોમાં ખૂબ પ્રેમ, આદર અને શિષ્ટાચારથી નિભાવ્યા હતા.