રાશિ-ભવિષ્ય-2024 : ધન રાશિના નોકરીયાત, ધંધાર્થી, વિદ્યાર્થીઓ, લગ્ન ઈચ્છુક માટે આ વર્ષ કેવું રહેશે?
ધન : Sagittarius (ભ, ધ, ફ, ઢ) ૨૨ નવેમ્બરથી ડિસેમ્બર ૨૧
ક્રાંતિવૃત્તના ૨૪૦થી ૨૭૦ અંશ સુધીના ભાગમાં ધન રાશિ આવે છે. મૂળ પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા નક્ષત્ર ધન રાશિમાં સ્થાન પામે છે. અગ્નિ તત્ત્વની આ દ્વિ-સ્વભાવ રાશિ છે. તે પૂર્વ દિશામાં બળવાન બને છે. તેનું ચિહ્ન ધનુર્ધારી અર્ધમાનવ અને અર્ધઅશ્વ છે. અર્ધમાનવના હાથમાં તીર-કમાન છે. આ ક્ષત્રિય વર્ણની રાશિના સ્વામી ગુરુ છે. ધન રાશિના જાતકો મોટે ભાગે ધામક હોય છે. સ્વભાવે ગરમ હોય છે. પિત્ત પ્રકૃતિ ધરાવે છે. તેમનામાં આળસ જોવા મળે છે, પરંતુ અગ્નિ તત્ત્વની રાશિ હોવાના કારણે આ જાતકો પૂરી મહેનતથી કામ કરે છે અને હાથમાં લીધેલું કામ પૂરું કરીને જંપે છે. શરત એટલી જ છે કે કામ તેમને ગમવું જોઈએ. જ્યાં સુધી મનપસંદ કામ ન મળે ત્યાં સુધી તેઓ આળસ કર્યા કરશે. ધ્યેયપ્રાપ્તિ તેઓ પૂરી તાકાત લગાવી દે છે. તેમના જીવનનું ધ્યેય નક્કી જ હોય છે. જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. તેમનો શારીરિક રીતે સામાન્યપણે મજબૂત હોય છે. વફાદારી અને પરગજુપણું એમનાં શુભ ગુણો છે. તેમને ચેલેન્જ ઉપાડવી ખૂબ ગમે છે. ધર્મ પ્રત્યે રુચિ હોવાને કારણે તેઓ પૂજાપાઠ અને મંત્ર આરાધના કરે છે. પરિણામે તેઓ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. અલબત્ત, સિદ્ધિ મેળવ્યા પછી જો તેઓ ફરી સાંસારિક મોહમાયામાં પડી જાય તો ધીરે-ધીરે આ સિદ્ધિઓ નષ્ટ પણ પામી શકે છે.
ભણતર અને ગણતર
ધન રાશિના જાતકોને અભ્યાસમાં આ વર્ષે સારા ફળની પ્રાપ્તિ કરવાના યોગ બને છે. હા, તેમણે વધારે મહેનત કરવી પડશે. મહેનત કર્યા પછી યોગ્ય ફળની પ્રાપ્તિ સારી રીતે મેળવી શકશો. પરદેશમાં અભ્યાસ ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે સારા યોગ બને છે. સરકારી પરીક્ષા આપનારા જાતકો માટે આ વર્ષ ઘણી સફળતા લાવશે. સરકારી કોલેજોમાં એડમિશન લેવા માટેની એન્ટ્રેન્સ એક્ઝામ્સમાં પણ આ જાતકો સારું પરિણામ લાવી શકશે. આ વર્ષે વિશેષ શુભ પરિવર્તનના મજબૂત સંજોગો ઊભા થશે.
ગાડી ઔર બંગલા
જે જાતકોને ફ્લેટ કે જમીન ખરીદવાની ઈચ્છા હોય તેમની ઇચ્છા આ વર્ષે પૂરી થશે. જે જાતકો વાહન ખરીદવા માગે છે તેમના માટે મે મહિના સુધીનો સમય વધારે અનુકૂળ રહેશે. મકાન રિ-સેલમાં લેવું હશે કે સેકન્ડ-હેન્ડ ગાડી ખરીદવી હશે તો એપ્રિલ મહિના સુધીનો સમય વધારે સારો છે. ટૂંકમાં, ધન રાશિના જાતકો માટે ૨૦૨૪નું વર્ષ સુખસગવડનાં સાધનો અને તેનો ભોગવટો લખાવીને આવ્યું છે.
શાદી અને સંતતિ
લગ્ન કરવા ઈચ્છુક ધન રાશિના જાતકોને આ વર્ષ ખૂબ સારું પરિણામ મળે તેવા યોગ બને છે. લવમેરેજ કરવા ઇચ્છતાં યુવક-યુવતીઓને મેષ રાશિનું ગુરુ વધારે શુભ ફળની પ્રાપ્તિ કરાવે તેમજ ધાર્યું પરિણામ આપે. સંતાનપ્રાપ્તિ કરવા ઈચ્છતા દંપત્તિઓને માટે એપ્રિલ મહિના પછીનો સમયગાળો ગર્ભાધાન માટે વધારે અનુકૂળ રહેશે. મે મહિનાથી આ જાતકોના સંતાનપ્રાપ્તિના યોગ પ્રબળ બને છે.
જોબ, બિઝનેસ અને કરીઅર
જે જાતકો બિઝનેસ કરે છે તેમને આ વર્ષે ખૂબ પ્રગતિ થાય તેવા પ્રયોગો વિશેષ પ્રમાણમાં બને છે. ધન રાશિના જાતકો ધંધામાં નવું સાહસ કરીને પ્રગતિ અને વિસ્તાર કરી શકે છે. જો સાહસ કરશો તો સિદ્ધિ મળશે તે નક્કી છે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાથી શુભ ફળની પ્રાપ્તિ મળતી જ હોય છે. નોકરી ઇચ્છતી વ્યક્તિઓને પણ આ ૨૦૨૪નું વર્ષ શુભ ફળ આપશે. શેર બજારમાં સાથે પનારો પાડતા જાતકોએ ખૂબ સાવચેતી રાખવી જરૂરી છે. નહીં તો પૈસા ગુમાવવાનો વારો આવશે. ધન રાશિની વ્યક્તિઓને આ વર્ષે શેરબજારથી ખાસ ફાયદો થાય તેવા યોગ બનતા નથી.
દેશ-દેશાવર
પરદેશ જવું એ એક ફેશન બની ગઈ છે. નાની-મોટી મુસાફરીના યોગ અને સંજોગ બનતા હોય છે. ધન રાશિના વ્યક્તિઓ માટે વિઝા તેમજ પરદેશનાં કાર્યો કરવા માટે ૨૦૨૩નું વર્ષ ઉત્તમ પૂરવાર થવાનું છે. જે જાતકોને અગાઉ વિઝા ન મળ્યા હોય તેઓ આ વર્ષે જો ફરીથી અપ્લાય કરશે તો વિઝા મળી જાય તેવી પૂરેપૂરી સંભાવના છે.
નારી તું નારાયણી
ધન રાશિની બહેનોને ફક્ત ઘરકામ કરીને બેસી રહેવું ફાવતું નથી. તેમને કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરવી ગમતી હોય છે. આ રાશિની મહિલાઓ જો નોકરી કરવા ઈચ્છતી હશે તો આ વર્ષે તેમને ખૂબ સારું પરિણામ મળશે. પરદેશ ફરવા જવા કે સ્થાયી થવા વિચારતી બહેનોને આ વર્ષે સારી સફળતા મળે તેવા યોગ ગ્રહબળના આધારે જોઈ શકાય છે. અભ્યાસ કરતી બહેનો ખૂબ સારું પરિણામ મેળવી શકશે. સંતાન મેળવવા ઈચ્છુક બહેનોને આ વર્ષે સફળતા ઓછી મળી શકે તે શક્ય છે. જોકે તેમના માટે મે મહિના પછીનો સમય વધરે અનુકૂળ છે. હા, લગ્નોત્સુક યુવતીઓ માટે આ વર્ષે સારા યોગ બને છે. શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરતી બહેનોને સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે.
વિશેષ ઉપાય
અગ્નિ તત્ત્વની ત્રણ રાશિ - મેષ, સિંહ અને ધન - એક ત્રિકોણમાં આવે છે. આ જાતકોએ હંમેશા અગ્નિની ઉપાસના કરવી જોઈએ. તેમણે ગાયત્રી મંત્રના જાપ કરવા જોઈએ. સૂર્યના મંત્ર કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય. ગણપતિના મંત્ર કરવાથી તેમજ ગુરુએ આપેલો મંત્ર જપવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. સૂર્યનારાયણને જળ ચઢાવવું જોઈએ. દર મંગળવારે ગાયને ઘી-ગોળ અને રોટલી ખવડાવવાથી ધન રાશિના જાતકોને વિશેષ શુભ ફળને પ્રાપ્તિ થઈ શકે છે.