રાશિ-ભવિષ્ય-2024 : ડોલર કે પાઉન્ડમાં કમાતા હશો તો આ વર્ષે તમને ખૂબ લાભ થશે

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
રાશિ-ભવિષ્ય-2024 : ડોલર કે પાઉન્ડમાં કમાતા હશો તો આ વર્ષે તમને ખૂબ લાભ થશે 1 - image


મીન : Pisces (દ. ચ. ઝ. થ.) ૧૯ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

ક્રાંતિવૃતના ૩૩૦થી ૩૬૦ અંશ સુધીના ભાગમાં પાઇસીસ એટલે કે મીન રાશિ આવેની છે. પૂર્વ ભાદ્રાપદા, ઉત્તર ભાદ્રપદા અને રેવતી આ ત્રણ નક્ષત્રો આ રાશિમાં સમાવિષ્ટ થાય છે. આ રાશિનું ચિહ્ન મત્સ્યનું યુગ્મ છે. જળ તત્વની દ્વિ-સ્વભાવવાળી આ સ્ત્રી અને બ્રાહ્મણ વર્ણની રાશિ છે. આ રાશિના જાતકો સૌમ્ય સ્વભાવના હોય છે. તેઓ કફ પ્રકૃતિ ધરાવે છે. સંવેદનશીલ સ્વભાવ. સુધારાવાદી અને માનવતાવાદી. સ્વભાવે દયાળુ, માયાળુ અને પરોપકારી હોય છે. આ જાતકો હંમેશા સારા સલાહકાર હોય છે. ક્યારેક વણમાગી સલાહ આપવી તે આ જાતકોનું એક લક્ષણ છે. તેમનું વાંકચતુર્ય સારું હોય છે. ઉદાર દિલના ધર્મમાં માનવાવાળા હોય છે. તેમની ભાષા ઘણી વાર ઉપદેશાત્મક બની જતી હોય છે. કોઈપણ કાર્યમાં અન્યોને સાથે રાખવા અને સહાનુભૂતિ મેળવવી તેવા પ્રયત્નો કરવા - તે આ જાતકોની પ્રકૃતિ છે.  હોશિયાર, ડાહ્યા અને સમજુ હોવા છતાં નિર્ણયશક્તિ પ્રમાણમાં ઓછી હોય છે. હંમેશા બીજાના સહકારથી જ વધારે સારું કાર્ય કરી શકે છે. એકલા હાથે નિર્ણય લેવો તેમજ એકલા હાથે કાર્ય કરવું આ વ્યક્તિઓના સ્વભાવમાં હોતું નથી. આરંભે શૂરા હોય છે. ધાર્યા પ્રમાણે સાથ સહકાર અને કામમાં સફળતા ન મળે તો આ જાતકો હતાશ થઈ જાય છે. અસંતોષ અને અસહિષ્ણુતા તેમની નબળાઈ છે. તેથી તેઓ જલ્દીથી નાસીપાસ થઈ જાય છે.

ભણતર અને ગણતર

આ રાશિના જાતકો લગભગ દરેક ફિલ્ડમાં સારો અભ્યાસ કરી શકે છે. તેમાં પણ ખાસ કરીને એન્જિનીયરિંગ ક્ષેત્રમાં, એમાંય ઇલેક્ટ્રોનિક્સમાં તેઓ વિશેષપણે આગળ વધતા જોવા મળે છે. લાગણીશીલ અને કવિ હૃદયના હોવાના કારણે તેઓ સારા સાહિત્યકાર પણ બની શકે છે. કવિતાઓ લખવી ઉપદેશ સાહિત્યની રચના કરવી એમને ગમે તેવું કામ છે. .

ગાડી ઔર બંગલા 

મકાન, જમીન અને વાહન લેવા ઇચ્છનાર આ રાશિના જાતકોને ૨૦૨૪નું વર્ષ પ્રમાણમાં સારું પરિણામ આપે તેવા યોગ છે. જોઈન્ટ પ્રોપર્ટી કે વાહન લેવાની ઈચ્છા રાખતા હોય તેવા જાતકોએ ૨૦૨૪ના વર્ષમાં સાવચેતીપૂર્વક આગળ વધવું જોઈએ, અન્યથા તકલીફોનો સામનો કરવો પડે. કોઈપણ પ્રોપર્ટી કે વાહન પોતાના નામે ખરીદવાની હશે તો તેમાં સફળતા મેળવી શકાશે, પરંતુ જોઈન્ટ નામે લેવાના પ્રયત્ન કરશો તો ગૂંચવાડા ઊભા થશે. 

શાદી અને સંતતિ

આ રાશિના લગ્ન કરવા ઈચ્છુક જાતકોનું અચાનક લગ્નનું ગોઠવાઈ જાય આવા યોગ ગ્રહબળોના આધારે જોવા મળે છે. અલબત્ત, મેળાપક કરાવીને, કુંડળીના જોઈને જ લગ્ન માટે આગળ વધવું. લવમેરેજ કરવા ઈચ્છુક જાતકોને મે મહિના પછીનો સમય વધારે અનુકૂળ રહેશે. પરદેશ રહેતી વ્યક્તિ સાથે લગ્ન કરતાં પહેલાં ખૂબ વિચાર કરવો. સંતાનની ઈચ્છા ધરાવતાં દંપતિઓ ડોક્ટરની સલાહ લઈને આગળ વધશે તો ૨૦૨૪નું વર્ષ તેમના માટે સંતાનપ્રાપ્તિ માટે સારો યોગ લઈને આવ્યું છે. 

જોબ, બિઝનેસ અને કરીઅર

ધંધા સાથે સંકળાયેલી વ્યક્તિઓને આ વર્ષ ખૂબ સારું પરિણામ મળશે. પરદેશની કંપની સાથે કામ કરતા હશે અથવા તો જે ડોલર કે પાઉન્ડમાં કમાતા હશે તેમના માટે આ ૨૦૨૪નું વર્ષ ખૂબ સારી પ્રગતિ અને લાભો લઈને આવ્યું છે. નોકરી કરતા અથવા નોકરી મેળવવાની ઈચ્છા રાખનારા જાતકોને આ વર્ષે  ગેરસમજ ન થાય તેની કાળજી રાખવી. તમારા બોસ સાથે જીભાજોડીમાં પડવું નહીં. ઓફિસની કોઈ પણ વ્યક્તિ સાથે વાદવિવાદથી દૂર રહેવું આપના માટે હિતાવહ છે. ઈમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલી  વ્યક્તિઓને આ વર્ષ ખૂબ સારું પરિણામ મળે. નવો ધંધો વિકસે તેમજ નવી પાર્ટીઓ સાથે વધારે સારાં કાર્ય કરવાના યોગ ઊભા થાય.

દેશ-દેશાવર

પાઇસીસ યા તો મીન રાશિના જે જાતકો પરદેશ જવાની ઈચ્છા રાખતા હશે તેમને આ વર્ષ ખૂબ સારું પરિણામ મળે. વિઝા અગાઉ ગમે તેટલી વખત રિજેક્ટ થયા હોય તો પણ ૨૦૨૪ના વર્ષમાં વિઝા પણ મળી જશે અને વિદેશ પ્રવાસ પણ થઈ શકશે. પરદેશમાં સેટ થવા માટેના ખૂબ સારા યોગ આ રાશિના જાતકોના બની રહ્યા છે.

નારી તું નારાયણી 

આ રાશિની સ્ત્રીઓના પરિવારમાં આ વર્ષે નવી વ્યક્તિનું આગમન થાય. અજાણી વ્યક્તિઓને મળવાના યોગ બને અને તેનાથી તેને કંઈક નવી દિશા મળે. નોકરી કરવા ઈચ્છનાર બહેનોને આ ૨૦૨૪નું વર્ષ ગુડ ન્યુઝ લઈને આવ્યું છે. બિઝનેસ કરતી મહિલાઓને નવા ઓર્ડર મળે તેમ જ ધંધાનો વિકાસ થાય. બહારનાં કામો મળે, વિદેશથી પણ ઓર્ડરો મળે તેવા યોગ છે. વડીલો તેમજ બોસ સાથે જેટલું ઓછું બોલશો એટલા વધારે ફાયદામાં રહેશો. જીભાજોડીમાં ક્યારેય પડવું જ નહીં. વધારે પડતો આત્મવિશ્વાસ નુકસાન ન કરાવે તેનું ધ્યાન રાખવું. પરદેશના કામોથી આ રાશિની બહેનોને શુભ ફળની પ્રાપ્તિ થાય. દાંપત્ય જીવનમાં થોડું સાચવીને ચાલવાનો સમય છે. સંબંધોને ટકાવી રાખવા માટે વિશેષ પ્રયત્નો કરજો. 

વિશેષ ઉપાય

મીન, કર્ક અને વૃષિક - આ ત્રણેય જળ તત્વની ત્રિકોણ રાશિઓ છે. મીન રાશિના જાતકોએ ગુરૂવારે ઉપવાસ કરવો તેમજ ગુરુના મંત્ર કરવા. મહાદેવની પૂજા કરવાથી, મહાદેવના મંત્રો કરવાથી અને ચંદ્રના મંત્ર કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય. ભાગ્યના અધિપતિ ગ્રહ મંગળ છે. તેના અધિાતા દેવ ગણપતિ છે. કોઈ પણ શુભ કામની કે નવા કામની શરૂઆત કરતાં પહેલાં ગણપતિનું પૂજન-અર્ચન ખાસ કરવું. મંગળના મંત્ર પણ આ રાશિના જાતકોને વધારે શુભ પરિણામ આપી શકે છે.


Google NewsGoogle News