રાશિ-ભવિષ્ય-2024 : વિદ્યાર્થીઓને આ વર્ષે ગુડ ન્યુઝ મળશે
કર્ક : Cancer (ડ, હ) ૨૨ જૂનથી ૨૨ જુલાઈ
ક્રાંતિવૃતના ૯૦થી ૧૨૦ અંશ સુધીના ભાગમાં કેન્સર રાશિનો સમાવેશ થાય છે. આ રાશિ પુનવર્સુ, પુષ્ય અને આશ્લેષ નક્ષત્રમાં આવે છે. આ રાશિનું ચિહ્ન કરચલો છે. જળ તત્વની સરસ સ્વભાવની આ રાશિ છે. કુંડલીના ચોથા સ્થાનમાં બળવાન બને છે કફ પ્રકૃતિ છે. આ રાશિનો સ્વામી ચંદ્ર છે. આ જાતકો સંવેદનશીલ અને ચંચળ મનના હોય છે, પરંતુ જો લાગણી ઉપર કાબુ મેળવે તો આ જાતકો ખૂબ સારા નિર્ણયો લઈ શકે છે. ત્યાગ, સેવા અને સમર્પણ ભાવના એનો મુખ્ય ગુણધર્મ છે. ચંદ્ર એ મનનું કારક છે. કલ્પનાઓમાં રહેવામાં, કવિતાઓ લખવામાં તેમને ખૂબ આનંદ આવે છે. તેમની પ્રશંસા થાય તો તેઓ ખૂબ સહેલાઈથી છેતરાઈ જાય છે. ક્યારેક આ રાશિના જાતકો ડરપોક પણ જોવા મળે છે. તેમની ગ્રહણ શક્તિ ખૂબ સારી હોય છે, ફળદ્રુપતા સારી હોય છે. સમર્પણની ભાવનાને કારણે આ જાતકો સામેવાળાને પ્રેમ કરે તો દિલથી પ્રેમ કરે છે. જોકે તેમના લાગણીઓને વારંવાર ઠેસ પહોંચે તેવા યોગ ઊભા થતા હોય છે. ખોટા ભ્રમમાં રહીને અતિ લાગણીથી નિર્ણય લેવા આ જાતકો માટે હિતાવહ નથી. કેન્સર રાશિના જાતકો ખૂબ સારા કલાકાર પણ બની શકે છે. તેમના જેવી ઊમશીલ કવિતાઓ બીજી કોઈ રાશિના જાતકો લખી શકતા નથી.
ભણતર અને ગણતર
કેન્સર રાશિના જાતકો આ વર્ષે ખૂબ સારો અભ્યાસ કરી શકે. તેઓ સારાં પરિણામો મેળવી શકે તેવા યોગ બને છે. મે મહિના પછી કોઈપણ સરકારી પરીક્ષાઓ, એન્ટ્રેન્સ એક્ઝામ, ગવર્મેન્ટ સ્કૂલ-કોલેજમાં એડમિશન લેવું - આ બધામાં સફળતા સારી મળે એવા યોગ બને છે. મેડિકલ, એન્જિનીયરિંગ તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સીનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને આ વર્ષ ખૂબ સારા ફળની પ્રાપ્તિ થાય. પરદેશ જવા ઇચ્છનાર સ્ટુડન્સ્સને આ વર્ષે થોડી અનુકૂળતા ઓછી રહે.
ગાડી ઔર બંગલા
કેન્સર રાશિના જે જાતકો નવું મકાન ખરીદવાની ઇચ્છા રાખતા હોય એ એપ્રિલ ૨૦૨૪ સુધીમાં ઘર, બંગલો કે ફ્લેટનું બુકિંગ કરાવી દે તો વધારે સારું ફળ મળશે. નવી કાર, બાઇક કે સ્કૂટર ખરીદવાના યોગો પણ ખૂબ સારા બની રહ્યા છે.
શાદી અને સંતતિ
કેન્સર રાશિના જે જાતકો લગ્ન કરવાની ઈચ્છા ધરાવે છે અને જેમની ઉંમર થઈ ગઈ છે તેમને આ વર્ષે અનુકૂળતા થોડી ઓછી રહેશે. લવમેરેજ કરવા ઇચ્છતી વ્યક્તિઓએ થોડા સંઘર્ષનો સામનો કરવો પડે. ગુરુ રાશિ પરિવર્તન કરે એટલે કે વૃષભ રાશિમાં આવે તે પછી એરેન્જ્ડ મેરેજ કે લવ મેરેજ કરવા માટે જો પ્રયત્ન કરે તો વધારે સારી સફળતા મળે તેવું જોઈ શકાય છે. સંતાન ઇચ્છુક વ્યક્તિઓ જો સમસ્યાનો સામનો કરતા હોય તો તેમના માટે મે મહિનાથી લઈને ડિસેમ્બર ૨૦૨૪ સુધીનો સમય મહત્ત્વનો છે. આ સમયગાળા દરમિયાન જો યોગ્ય પ્રયત્ન કરવામાં આવે અને યોગ્ય ટ્રીટમેન્ટ થાય તો વિશેષપણે શુભ ફળ મેળવી શકાય છે.
જોબ, બિઝનેસ અને કરીઅર
ધંધામાં વધારે મહેનત કરવી પડે અને ક્યારેય ધારી સફળતા ન પણ મળે એવું બને. નોકરીની શોધ કરી રહેલા જાતકો માટે મે મહિના પછી સારા યોગ બને છે. નોકરીમાં પ્રમોશન અને બઢતી મેળવવા ઇચ્છતા જાતકો માટે આ વર્ષ વધારે અનુકૂળ છે. શેર માર્કેટ સાથે સંકળાયેલા જાતકોએ ૨૦૨૪નું વર્ષ ખૂબ સાવચેતીપૂર્વક કામ કરવું. સમજ્યા-વિચાર્યા વગર જો શેર માર્કેટમાં રોકાણ કરવાનો પ્રયત્ન કરશો તો નુકસાનીમાંથી પસાર થવું પડશે.
દેશ-દેશાવર
કેન્સર રાશિના જે જાતકો આ વર્ષે જો પરદેશ જવાની ઈચ્છા રાખતા હોય તેમણે એપ્રિલ મહિના પછી વિસા મેળવવા માટે પ્રયત્ન કરવો જોઇએ. જો એ પહેલા પ્રયત્ન થાય તો કામ અટકી જાય અને વિઝા કેન્સલ થાય તેવું પણ બની શકે. સ્ટુડન્ટ વિઝા પર જનારાઓ મે મહિના પછી પ્રયત્ન કરશે તો વધારે શુભ ફળની પ્રાપ્તિ થઈ શકશે. ગેરકાયદેસર પરદેશ જવાનો પ્રયત્ન કરનારા જાતકો સત્વરે અટકી જાય તે અત્યંત જરૂરી છે.
નારી તું નારાયણી
કેન્સર રાશિની મહિલાઓ માટે ૨૦૨૪નું વર્ષ મિશ્ર પરિણામ આપવાવાળું છે. વતનથી દૂર જનાર બહેનોને થોડી વધારે મહેનત કરવી પડે, વધારે પ્રયત્નો કરવા પડે એવા યોગ ગ્રહ બળના આધારે જોઈ શકાય છે. પરિવારમાં ક્યાંક ને ક્યાંક કંકાસ ઊભો ન થાય તેનું ધ્યાન રાખવું અને બને ત્યાં સુધી વાદવિવાદ ઓછા કરવો. સંતાનો સાથે થોડું મનદુઃખ રહે. સંતાનોથી વિયોગ ઊભો થવાની સંભાવના ઊભી થાય. સંતાનો તમારું કહ્યા પ્રમાણે ન તે શક્ય છે. અભ્યાસ કરતી બહેનોને ભણતરમાં ક્યાંક ને ક્યાંક વિઘ્નો આવે અને ધાર્યું પરિણામ ન મળે તેવું બને. વધારે સારું પરિણામ મેળવવા માટે અભ્યાસરત બહેનોએ આ વર્ષે વધારે મહેનત કરવી પડશે.
વિશેષ ઉપાય
આ રાશિના જાતકોએ મહાદેવની ઉપાસના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય. સોમવારના દિવસે ખીર ચડાવવી જોઈએ. યોગકારક ગ્રહ મંગળ હોવાથી ગણપતિ સ્તોત્ર કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થશે. જો તમારી પાસે કોઈ ગુરુ મંત્ર હોય તો તેનો સતત જાપ કરવાથી પણ કેન્સર રાશિના જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થાય તેવા યોગ છે. આ રીતે આ ઉપાયો સતત કરતા રહેવાથી જીવનમાં ક્યાંક સંઘર્ષનો સામનો કરવો પડતા હશે તો તેમાંથી શાંતિ અને રાહત મેળવી શકાશે.
કેન્સર રાશિના જે જાતકો લગ્ન કરવાની ઈચ્છા ધરાવે છે અને જેમની ઉંમર થઈ ગઈ છે તેમને આ વર્ષે અનુકૂળતા ઓછી રહેશે. લવમેરેજ કરવા ઇચ્છતી વ્યક્તિઓએ થોડા સંઘર્ષનો સામનો કરવો પડે.