રાશિ-ભવિષ્ય-2024 : એન્જિનીયરિંગ અને મેડિકલના વિદ્યાર્થીઓએ આ વર્ષે સતર્ક રહેવું
મેષ : Aries (અ, લ, ઈ) 21 માર્ચથી 19 એપ્રિલ
ક્રાંતિવૃતના ૦ (શૂન્ય) થી ૩૦ અંશ સુધીના ભાગમાં એરીઝ અથવા મેષ રાશિ આવે છે. મેષ રાશિમાં અશ્વિની, ભરણી અને કૃતિકા નક્ષત્રનો સમાવેશ થાય છે. આ રાશિના જાતકો સામાન્ય રીતે ચંચળ, સાહસિક, તોફાની અને દીર્ઘાયુ હોય છે. તેમનો બાંધો મજબૂત હોય છે. રાશિસ્વામી મંગળ છે તેથી આત્મવિશ્વાસથી ભરપૂર તેમજ સ્વાવલંબી અને ક્રિયાશીલ હોય છે. પ્રબળ ઉત્સાહ, મહત્ત્વાકાંક્ષા, નીડરતા, સાહસિકતા અને જિદ્દી સ્વભાવ - આ તેમની લાક્ષાણિકતાઓ છે. તેઓ સ્પષ્ટ વક્તા છે, પણ ક્યારેક તેઓ કટુ વાણીનો ઉપયોગ કરતા હોય છે. આક્રમક સ્વભાવ ને ધીરજનો અભાવ. તમનામાં નેતૃત્વના ગુણો ઠાંસી ઠાંસીને ભર્યા છે. પુરુષ રાશિ અને ચર સ્વભાવને લીધે કોઈ પણ કામમાં લાંબો સમય સુધી ટકી ના રહે. તેથી સરકારી કામકાજમાં તેમજ પિતા સાથેની લેણદેણી વિશેષ ફળદાયી રહે. આ રાશિના લોકો ખૂબ ઉર્જાવાન હોય છે. તેમને અગ્રેસર રહેવું ગમે છે. તેમને હારવું પસંદ નથી. હારને તેઓ આસાનીથી સ્વીકારી શકતા નથી. તેઓ 'બોર્ન લીડર' છે. લોકોનું નેતૃત્વ તેઓ સહજતાપૂર્વક કરી શકે છે. આ ફાયર સાઇન છે. તેથી તેમનો સ્વભાવ ભડકીલો હોય છે. સામાન્યપણે તેઓ બહિર્મુખ વ્યક્તિત્ત્વ ધરાવતા હોય છે. વ્યક્તિ શરમાળ સ્વભાવની હોય તો પણ ભીતરથી તે આગના ગોળા જેવી હોવાની. એરીઝ રાશિવાળી વ્યક્તિઓ અંદરથી બાળક જેવી હોય છે.
ભણતર અને ગણતર
આ રાશિના જાતકોને અભ્યાસની બાબતનો વિચાર કરીએ તો ૨૦૨૪ના વર્ષમાં મહેનતના પ્રમાણમાં ધાર્યું પરિણામ ન મળે આવા યોગ બને. સંજોગો એવા ઊભા થાય કે ક્યારેક પરીક્ષા પણ ન આપી શકાય. નાપાસ થવાના યોગ પણ બની શકે. ખાસ કરીને એન્જિનીયરિંગ કે ડોક્ટરી લાઈનમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓના કેસમાં આવું બનવાના યોગ ગ્રહ પરના આધારે જોઈ શકાય છે. નોકરી કે ધંધા માટે આપવાની પરીક્ષાઓ, સરકારી પરીક્ષાઓ, યુપીએસસી-જીપીએસસી પ્રકારની પરીક્ષાઓમાં વધારે મહેનત કરવી પડે તેમજ ધાર્યું પરિણામ ન પણ મળે તેવું શક્ય છે.
ગાડી ઔર બગલા
આ રાશિના જાતકો ૨૦૨૪માં જો મકાન કે વાહન લેવાનું વિચારી રહ્યા હોય કે આયોજન કરી રહ્યા હોય અને જો તેમાં રુકાવટ આવતી હોય તો મેં મહિના પછી પ્રયત્ન કરવા. જરૂર સફળતા મળશે. ગુરુનું રાશિ પરિવર્તન મકાન કે જમીનની ખરીદી માટે પ્રબળ યોગ ઊભા કરે છે. મે મહિનાથી ઘર કે ગાડી ખરીદવા માટેના પ્રયત્નોનો આરંભ કરવાથી ધારી સફળતાની પ્રાપ્તિ થાય.
શાદી અને સંતતિ
૨૦૨૪માં આ રાશિના જાતકો માટે અરેન્જ્ડ મેરેજ કરવાના યોગ બને છે. લાંબા સમયથી પ્રયત્નો કરવા છતાં પણ જો સારું ઠેકાણું ન મળતું હોય તો એપ્રિલ ૨૦૨૪ સુધીમાં પ્રયત્ન કરવાથી સારું પાત્ર મળે અને લગ્નજીવન સુખી થાય. સંતાનપ્રાપ્તિની ઈચ્છા રાખનારી વ્યક્તિઓ માટે પણ એપ્રિલ મહિના સુધીનો સમય ખૂબ સારો છે. આ સમય દરમિયાન પ્રયત્ન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય, સુંદર સંતાન પ્રાપ્ત થાય.
જોબ, બિઝનેસ અને કરીઅર
મેષ રાશિના જાતકોને નોકરી છૂટવાના યોગ બને. બીજી નોકરી ન મળે ત્યાં સુધી જૂની નોકરીમાં રાજીનામું ન આપવું હિતાવહ છે. સંજોગોવશાત્ જો નોકરી છોડવાની જરૂર પડે તો મે મહિના પછી સારી નોકરી મળવવાના યોગ બને છે. મેષ રાશિના જાતકોને જો ધંધામાં રુચિ હોય અથવા ઓલરેડી બિઝનેસ કરતા હોય તો આ ૨૦૨૪નું વર્ષ એમના માટે ખૂબ ફળદાયી સાબિત થશે. મેષ રાશિના જાતકો માટે સારા ધંધાકીય યોગ બને છે. બારમે રાહુલ બંધન યોગ કરે છે માટે કોઈપણ અવ્યવહારિક કાર્ય ન થાય તેનું ધ્યાન રાખવું.
દેશ-દેશાવર
હાલના યુગમાં પરદેશનો ક્રેઝ છવાયેલો છે. એરીઝ યા તો મેષ રાશિના જાતકો માટે આ વર્ષે પરદેશ જવાના ઘણા સારા યોગ ઊભા થાય છે. સ્ટુડન્ટ વિઝા પર વિદેશ જવા ઈચ્છુક વિદ્યાર્થીઓની ઇચ્છા પૂરી થશે. ધંધાના અર્થે કે નોકરીના ભાગરૂપે પણ આ રાશિના જાતકોને પરદેશ જવાનું બને તેવા યોગ પ્રબળ છે.
નારી તું નારાયણી
આ વર્ષ દરમિયાન સાતમા દામ્પત્યજીવનના સ્થાને કેતુનો પ્રભાવ હોવાથી અવિવાહિત દીકરીઓનાં લગ્નનો પ્રશ્ન ઉકેલાઈ જશે. બારમા સ્થાને ગુરુ સ્થિત હોવાથી વિદેશ જવાનો કોયડો સરળ બનશે. સંતાનસુખ પ્રાપ્ત થાય. રાહુ-કેતુને કારણે મન વિચલિત અને અશાંત ન બને તે માટે સતત સતર્ક રહેવંુ. દાંપત્યજીવન સુમધુર હોવા છતાં મુશ્કેલીઓ આવી પડે. વધારાની જવાબદારીઓ ઉપાડવી પડે. સંયમ અને વિવેકથી કામ લેવું. પ્રેમસંબંધમાં વિશ્વાસઘાત અને દગાખોરી ન થાય તે માટે જાગૃત રહેવું. વાણી અને વ્યવહારમાં ઉશ્કેરાટ ન આવે તે જોજો. નોકરી કરતી સ્ત્રીઓ માટે પ્રગતિ અને પ્રમોશનના યોગ ઊભા થાય. સિંહ, વૃશ્ચિક અને ધન રાશિની વ્યક્તિઓ સાથે તમારી સારી લેણદેણ રહેશે.
વિશેષ ઉપાય
કોઈ પણ અવયોગને યોગકારક બનાવવા માટે દરરોજ હનુમાન ચાલીસા કે બજરંગબાણના નિત્ય પાઠ કરવા જોઈએ. દર મંગળવારે લાલ-સિંદુરીયા રંગના ગણપતિની લાલ રંગનાં ફૂલોથી પૂજા કરવી. ખીલે બાંધેલી ગાયને ઘાસ નાખવું. જૂન મહિના પછીના બીજા તબક્કામાં સફળતા મળે. કર્ક એ વૃશ્ચિક રાશિની વ્યક્તિઓ સાથેના વ્યવહારમાં સતર્કતા રાખવી.