રાશિ-ભવિષ્ય-2024 : કુંભ રાશિના જાતકો માટે આ વર્ષ કેવું રહેશે ?
કુંભ : Aquarius (ગ. સ. શ. ષ.) ૨૦ જાન્યુઆરીથી ૧૮ ફેબ્રુઆરી
ક્રાંતિવૃતના ૩૦૦થી ૩૩૦ અંશના ભાગમાં એક્વેરિયસ એટલે કે કુંભ રાશિનો સમાવેશ થાય છે. વાયુ તત્ત્વ. સ્થિર સ્વભાવની રાશિ. આ રાશિ પશ્ચિમ દિશામાં વધારે બળવાન બને છે. રાશિ સ્વામી શનિ છે. આ રાશિના જાતકો ખૂબ મહેનતુ હોય છે, મદદની ભાવનાવાળા હોય છે અને કામ તથા સંબંધોમાં વફાદાર હોય છે. વિકાસલક્ષી કાર્ય કરવા તેમને ગમતાં હોય છે. જીવનમાં માનવતાને ક્યારેય છોડતા નથી. સ્વભાવે થોડા ગરમ હોવા છતાં પણ તેઓ સ્વાભાવિક રીતે સહનશીલ પણ હોય છે. બીજાને કેવી રીતે મદદરૂપ થવાય તેના વિશે તેઓ સૌથી પહેલાં વિચારે છે. વફાદારીની વાત કરીએ તો ૧૨ રાશિમાં સૌથી વફાદાર રાશિ એક્વેરિયસ અથવા તો કુંભ રાશિ છે. કુંભ રાશિના જાતકોને સારા મિત્ર તરીકે કે ખાનગી બાબત શેર કરવામાં કશો વાંધો નથી. ખોટો દેખાવ કરવો આ રાશિના જાતકોને ગમતો નથી. તેઓ ધીમી ગતિએ પરંતુ મક્કમ પ્રગતિ કરનારા હોય છે. વિચાર, વાણી અને વર્તનના સ્તરે આ જાતકો ઉચ્ચ કક્ષાના હોય છે. જે વિષયમાં રુચિ હોય તેમાં ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે. તેમની માનસિક શક્તિ ઘણી સારી હોય છે. તેઓ હિંમતવાન છે અને તેમનામાં સાહસિકતાના ગુણો પણ જોવા મળે છે. આ રાશિના જાતકોની સૌથી મોટી નબળાઈ એક જ છે - આળસ .
ભણતર અને ગણતર
૨૦૨૪નું વર્ષ કુંભ રાશિના વિદ્યાર્થીઓ માટે સારું પરિણામ આપે, પરંતુ સરકારી પરીક્ષાઓ આપવાની હશે તો તમાં પરિણામ ઓછું મળે તેવું ગ્રહબળના આધારે જોઈ શકાય છે. ઘણી મહેનત કરી હોવા છતાં પણ ક્યારેક વધારે પડતા આત્મવિશ્વાસના કારણે પરીક્ષા આપતી વખતે લખવામાં કે ઓરલ પરીક્ષા વખતે બોલવામાં ગરબડ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. પરદેશ ભણવા જવાનું વિચારી રહ્યા હો તો અનુભવીઓની સલાહ લીધા પછી જ વિઝા માટે એપ્લાય કરવું. નહીંતર પસ્તાવાનો વારો આવે.
ગાડી ઔર બંગલા
મકાન ખરીદવાની ઈચ્છા હોય, જમીન લેવાનું વિચારતા હો કે કોઈ પણ વાહન ખરીદવાનું વિચારતા હોય તો મે મહિના પછીનો સમય વધારે અનુકૂળ રહેશે. ભલે થોડી રાહ જોવી પડે, પણ મે મહિના પછી સારી પ્રોપર્ટી કે વાહન ખરીદી શકવાના યોગ બને છે.
શાદી અને સંતતિ
આ રાશિ માટે ૨૦૨૪ના વર્ષમાં કોઈ ખાસ સારા યોગ બનતા નથી. તેથી લગ્નોત્સુક જાતકોએ એક વર્ષ સુધી થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી જોઈએ. જો એમ થશે તો સારું પરિણામ મળશે. લવમેરેજ કરવા ઈચ્છતી વ્યક્તિઓએ ધીરજ ખાસ રાખવી. ઉતાવળિયો નિર્ણય ક્યારેક ખોટો સાબિત થાય તેવું બને. લગ્નનાં સપનાં જોઈ રહેલા કુંભ રાશિના જાતકોને આ વર્ષે જલ્દી નિર્ણય લેવો નહીં. હા, સંતાનની આશા રાખનાર દંપતીઓ માટે આ વર્ષે યોગ ઘણા સારા બને છે.
જોબ, બિઝનેસ અને કરીઅર
જે જાતકો ધંધા સાથે સંકળાયેલા છે તેમના બિઝનેસમાં અડચણ ઊભી થાય, તેમજ ધાર્યા પ્રમાણે ઓર્ડર ન મળવાથી પ્રગતિ ઓછી થઈ રહી હોય તેવી લાગણી જાગ્યા કરે. નવા સાહસ કરવાનું જો વિચારતા હોય તો ખર્ચ ઘણો વધારે ન ન થઈ જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. ભાગીદારીમાં કામ કરતા હો તો ભાગીદાર સાથે અણબનાવ થાય અથવા ભાગીદારી છૂટી થાય આવા યોગ કુંડલીના આધારે જોઈ શકાય છે. નોકરીયાત વ્યક્તિઓને પગારવધારો થાય, પ્રમોશન મળે અને પ્રગતિના યોગ ઊભા થાય. શેરબજારમાં રોકાણ કરતા જાતકોને લાંબા ગાળાના રોકાણથી ફાયદો થાય અને શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં નુકસાન થાય તેવા યોગ બને છે. તેથી લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટની દિશામાં વિચારશો તો મજાનો ફાયદો થશે.
દેશ-દેશાવર
કુંભ અથવા તો એક્વેરિયસ રાશિના જાતકો પરદેશ જવાની ઈચ્છા રાખતા હશે તો તેમના માટે ૨૦૨૪નું વર્ષ થોડું કઠિન રહેશે. ટુરિસ્ટ વિઝા પર જવા ઈચ્છનાર વ્યક્તિઓ થોડા સમય માટે ચોક્કસ વિદેશ જઈ શકે, પણ પરદેશમાં કાયમ માટે સેટલ થવાની શક્યતા આ વર્ષે ઓછી છે. આ વર્ષે તમને જન્મભૂમિ પર જ નોંધપાત્ર સફળતા મેળવી શકાશે. સ્ટુડન્ટ વિઝા પર વિદેશ જતા વિદ્યાર્થીઓને મિશ્ર પરિણામ મળે. પરદેશમાં અભ્યાસની સાથે સાથે નોકરી કરવાની તક ન પણ મળે તે શક્ય છે.
નારી તું નારાયણી
આ રાશિની સ્ત્રીઓએ ૨૦૨૪ના વર્ષ દરમિયાન દાંપત્ય જીવનમાં સાવચેતીપૂર્વક વર્તન કરવું. નાનાં ભાઈ-બહેનો સાથે અણબનાવ ઊભો થાય તેવું પણ કુંભ રાશિની બહેનોના કેસમાં બની શકે. જે બહેનો સરકારી નોકરી કરતી હશે તેમને સરકાર સાથે લેણાદેણી આ વર્ષ દરમિયાન ઓછી રહે. લગ્ન કરવા ઈચ્છુક બહેનો માટે એપ્રિલ મહિના સુધીનો સમય સારો છે. છતાં વિચારીને આગળ વધવું. સારા મુહૂર્તમાં મેળાપક કરીને કાર્ય કરવું. સંતાન પ્રાપ્તિ ઈચ્છનાર બહેનો માટે આ વર્ષ ઘણું સારું રહેશે. પરદેશ જવા ઈચ્છનાર મહિલાઓને મે મહિના પછીનો સમય વધારે અનુકૂળ રહે. કુટુંબ સાથે આ વર્ષે સાથે લેણાદેણી રહે. આથક લાભ મળે આવા યોગ ઊભા થશે.
વિશેષ ઉપાય
કુંભ રાશિ, મિથુન રાશિ અને તુલા રાશિ - આ ત્રિકોણ રાશિ છે. કુંભ રાશિના જાતકોએ શનિ ચાલીસા અને હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. શનિ મંત્ર કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય. સાથે સાથે વિષ્ણુસહનામના પાઠ પણ કરવા. બુધવારે મગ ખાવા તેમજ બુધના મંત્ર કરવા. તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થશે. ભાગ્યનો અધિપતિ ગ્રહ શુક્ર છે. માટે શુક્રના મંત્ર કરવાથી તેમજ શુક્રવારે મહાલક્ષ્મીજીની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય. શુક્રવારના દિવસે મહાલક્ષ્મીનાં ચરણોમાં કમળનું ફૂલ મૂકવાથી આથક લાભ વિશેષપણે મેળવી શકાય.