Get The App

મેષ : પરદેશ જવું છે? તો મેથી ઓક્ટોબર દરમિયાન પ્લાન કરી શકો છો

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
મેષ : પરદેશ જવું છે? તો મેથી ઓક્ટોબર દરમિયાન પ્લાન કરી શકો છો 1 - image


- 20 માર્ચથી 20 એપ્રિલ

ક્રાંતિવૃતના ૦ (શૂન્ય) થી ૩૦ અંશ સુધીના ભાગમાં એરીઝ અથવા મેષ રાશિ આવે છે. મેષ રાશિમાં અશ્વિની, ભરણી અને કૃતિકા નક્ષત્રનો સમાવેશ થાય છે. આ રાશિના જાતકો સામાન્ય રીતે ચંચળ, સાહસિક, તોફાની અને દીર્ઘાયુ હોય છે. તેમનો બાંધો મજબૂત હોય છે. રાશિસ્વામી મંગળ છે તેથી આત્મવિશ્વાસથી ભરપૂર તેમજ સ્વાવલંબી અને ક્રિયાશીલ હોય છે. પ્રબળ ઉત્સાહ, મહત્ત્વાકાંક્ષા, નીડરતા, સાહસિકતા અને જિદ્દી સ્વભાવ - આ તેમની લાક્ષાણિકતાઓ છે. તેઓ સ્પષ્ટ વક્તા છે, પણ ક્યારેક તેઓ કટુ વાણીનો ઉપયોગ કરતા હોય છે. આક્રમક સ્વભાવ ને ધીરજનો અભાવ. તમનામાં નેતૃત્વના ગુણો ઠાંસી ઠાંસીને ભર્યા છે. પુરુષ રાશિ અને ચર સ્વભાવને લીધે કોઈ પણ કામમાં લાંબો સમય સુધી ટકી ના રહે. તેથી સરકારી કામકાજમાં તેમજ પિતા સાથેની લેણદેણી વિશેષ ફળદાયી રહે. આ રાશિના લોકો ખૂબ ઉર્જાવાન હોય છે. તેમને અગ્રેસર રહેવું ગમે છે. તેમને હારવું પસંદ નથી. હારને તેઓ આસાનીથી સ્વીકારી શકતા નથી.  તેઓ 'બોર્ન લીડર' છે. લોકોનું નેતૃત્વ તેઓ સહજતાપૂર્વક કરી શકે છે. આ ફાયર સાઇન છે. તેથી તેમનો સ્વભાવ ભડકીલો હોય છે. સામાન્યપણે તેઓ બહિર્મુખ વ્યક્તિત્ત્વ ધરાવતા હોય છે.  વ્યક્તિ શરમાળ સ્વભાવની હોય તો પણ ભીતરથી તે આગના ગોળા જેવી હોવાની. એરીઝ રાશિવાળી વ્યક્તિઓ અંદરથી બાળક જેવી હોય છે.

રાની મુખર્જી - 21 માર્ચ

કંગના રનૌત - 23 માર્ચ 

શરીર , મન,સ્વાસ્થ્ય

આ સમય દરમિયાન જન્મેલા મેષ રાશિના જાતકોને શારીરિક સ્વસ્થતા સારી રહેશે.

ઓક્ટોબર-નવેમ્બર આ બે મહિના દરમિયાન આપને માનસિક પરેશાની રહે, તેવું બને. માતાની તબિયત પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. માતાના નરમગરમ સ્વાસ્થ્યને કારણે તમને માનસિક પરેશાની રહેશે. માતાના સ્વાસ્થ્ય પાછળ ખર્ચ કરવો પડે સેવા યોગ મેષ રાશિના જાતકો માટે બને છે. મેથી ઓક્ટોબર સુધીનો સમયગાળો પરદેશ જેવા ઈચ્છતી વ્યક્તિઓ માટે ખૂબ સારો છે. હા, ડોક્યુમેન્ટ્સ તૈયાર કરતી વખતે વિશેષ કાળજી રાખજો.  

મારું ઘર મારો પરિવાર 

પરિવારમાં મનદુ:ખ થઈ જાય તેવી ભાષા નો ઉપયોગ મહેરબાની કરીને ન કરતા. અવિચારણીપણે બોલવાથી સંબંધો બગડી શકે છે. પરિવાર સાથે લાંબી મુસાફરીના આયોજનનો કરવાનું વિચારી રહ્યા હો તો થોભો અને રાહ જોવાની નીતિ અપનાવવી આપના માટે હિતાવહ રહેશે. પરિવારજનો અને તમારા માટે વિઝા મેળવવાના પ્રયાસો કરતા હશો તો સંઘર્ષનો સામનો કરવો પડશે. 

પ્રેમ, શાદી, સંતતિ

મેષ રાશિના જે જાતકો પ્રેમલગ્ન કરવાની ઈચ્છા રાખતા હોય એમની  સામેના પાત્રનો નિર્ણય અચાનક બદલાઈ  જાય આવું બને. જોકે મેથી ઓક્ટોબર મહિના સુધી લગ્નના યોગ ખૂબ સારા બને છે. ઘણા સમયથી પ્રયત્ન કરતા હોવા છતાં પણ જો લગ્ન ન થતાં હોય તો આ સમયગાળા દરમિયાન લગ્નના આયોજન કરશો તો આસાનીથી પ્રસંગ ઉકલી જશે. સંતાનની બાબતમાં ખૂબ કાળજી રાખવી પડે. પ્રેગ્નન્સી દરમિયાન મિસકેરેજ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. ડોક્ટરની સલાહનું ચુસ્તીથી પાલન કરવું હિતાવહ છે.  

ભણતર અને ગણતર 

જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં માસ્ટર ડિગ્રી કરવાનું વિચારી રહ્યા હોય તેમને ઓક્ટોબર- નવેમ્બર-ડિસેમ્બર આ ત્રણ મહિનામાં ઘણાં વિઘ્નોનો સામનો કરવો પડે. સંજોગો એવા ઊભા થઈ શકે છે કે પરીક્ષામાંથી ડ્રોપ લેવો પડે ને તબિયતની કાળજી રાખવી પડે. જોકે બોર્ડની એક્ઝામ આપી રહેલા વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ સારો છે. ચિંતા કર્યા વિના પોઝિટિવ એનર્જી થી મહેનત કરીને પરીક્ષા આપશો તો ખૂબ સારા માર્ક મળશે.  

નોકરી, ધંધો, કરીઅર 

મેષ રાશિના જાતકોને નોકરીમાં પ્રગતિ અને બઢતીમાં તકલીફ પડે તેવું ગ્રહ બળના આધારે જોઈ શકાય છે. નોકરી બદલવાના યોગ પણ ઊભા થાય છે.

જે વ્યક્તિઓ બિઝનેસ કરે છે તેમણે ખાસ ખ્યાલ રાખવાની જરૂર છે કે ધંધામાં ક્યાંક ને ક્યાંક બિનજરૂરી ખર્ચા ન થાય. 

ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો બિઝનેસ કરનારા જાતકો માટે આ સમય ખૂબ સારો સાબિત થાય તેવા યોગ છે એવં  ગ્રહ બળના આધારે જોઈ શકાય છે. પરદેશના ધંધા સાથે સંકળાયેલી વ્યક્તિઓને ૧૨મો મીન રાશિનો શનિ ખૂબ ફાયદો આપે આવા યોગ બને છે. જોકે ૧૧મો રાહુ ક્યાંક ગુંચવાડા ન કરે તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. મહેનતના પ્રમાણમાં ફળ ચોક્કસ મળશે. 

પૈસા આર્થિક બાબત

મીન રાશિનો શનિ તમને બિનજરૂરી ખર્ચા કરાવશે. તેથી આથક સંકળામણનો ભોગ બનવું પડે. આવક કરતા ખર્ચ વધારે થાય તેવું ૨૦૨૫ના વર્ષમાં મેષ રાશિના જાતકોના કિસ્સામાં બની શકે છે. શારીરિક સુખાકારી પાછળ ખર્ચ કરવો પડે. ડોક્ટર પાસે જઈને નાણાં ખર્ચવા પડે. આ વર્ષે આવક કરતા ખર્ચની માત્રા વધારે રહે તેવું મેષ રાશિના જાતકો માટે ગ્રહ બળના આધારે જોઈ શકાય છે.

વાહન અને જમીન 

વાહન કે પ્રોપર્ટી ખરીદવા ઈચ્છતા મેષ રાશિના જાતકોને ૨૦૨૫ દરમિયાન થોડો સંઘર્ષ કરવો પડે તેમ બને. જમીનના કામમાં કાગળિયામાં ગેરસમજ થઈ શકે, ડોક્યુમેન્ટ્સ અધૂરા હોય તેમ બને. તેથી પૂરી ચોક્સાઈ સાથે આગળ વધવું. વધારે પડતા આત્મવિશ્વાસના કારણે કોઈ કામમાં, ખાસ કરીને ડીલ કરવામાં ઉતાવળ ન કરવી. પૂરેપૂરા પેપરો ચેક કરીને પછી જ આગળનું કાર્ય કરવું અને યોગ્ય નિર્ણય લેવો.  કાર લેવાની ઈચ્છા ધરાવતી વ્યક્તિઆ માટે મેથી ઓક્ટોબર સુધીનો સમય આપણા માટે ખૂબ સારો છે.

નારી તું નારાયણી 

મેષ રાશિવાળી બહેનો માટે આ સમય લગ્ન કરવા માટે ખૂબ સારો છે. જેમનાં લગ્ન ન થયાં હોય તેમના માટે મેથી ઓક્ટોબર સુધીમાં લગ્નના પ્રબળ યોગ બને છે. સંતાનની બાબતમાં કાળજીપૂર્વક આગળ વધવું. ડોક્ટરની સલાહ અનુસાર જ દરેક કાર્ય કરવું જોઈએ. પરિવારમાં ખર્ચ થાય. પરદેશ જવાના યોગ સારા બને. એપ્રિલ પછી બોલવાથી સંબંધો ન બગડે તેની કાળજી લેવી. વાહન ખરીદવા માટે આ સમય માટે ઉત્તમ છે. નોકરિયાત બહેનોએ આ સમય દરમિયાન થોડા સંઘર્ષનો સામનો કરવો પડે. નોકરીમાં પ્રમોશનનો સમય ચાલતો હોય તો બોલવાથી બાજી ન બગડી જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પોતાની ઈચ્છા પૂરી કરવા માટેનો ૨૦૨૫નું વર્ષ બહેનો માટે ખૂબ સારું પુરવાર થશે. હા, સંતાનની ચિંતા રહેશે.

વિશેષ ઉપાય 

મેષ રાશિના જાતકો, કે જેની જન્મ તારીખ ૨૦ માર્ચથી ૨૦ એપ્રિલની વચ્ચે આવે છે, તેમણે ગ્રહ બળના આધારે ગુરુ અને શનિ ગ્રહના ઉપાયો ખાસ કરવા જોઈએ. ધંધામાં ઈચ્છાપૂત માટે દર શનિવારે શનિ મહારાજના મંદિરે સૂર્યાસ્ત પછી જવું. સરસિયાનું તેલ તેમજ  આંકડાની માળા શનિ મહારાજને ચડાવવાથી ખૂબ ફાયદો થશે.

AstroAries

Google NewsGoogle News