મેષ (અ.લ.ઇ.) : સમજી વિચારીને પૂર્વ આયોજન કરીને જ નાણાંનો ખર્ચ કરવો...

Updated: Nov 14th, 2023


Google NewsGoogle News
મેષ (અ.લ.ઇ.) : સમજી વિચારીને પૂર્વ આયોજન કરીને જ નાણાંનો ખર્ચ કરવો... 1 - image


આપનું આ વર્ષ ક્યારેક આનંદ ઉત્સાહ તો ક્યારેક ચિંતા અને ઉચાટમાં પસાર થાય...

પરમકૃપાળુ મા નવદુર્ગા અને યજ્ઞાનારાયણ ભગવાનની અસીમ કૃપાથી વિક્રમસંવત ૨૦૮૦ કારતક સુદ એકમ તા. ૧૪-૧૧-૨૦૨૩ મંગળવારથી શરૂ થાય છે. જૈનવીર સંવત ૨૫૫૦નો પ્રારંભ થાય છે. નવા વર્ષના ગ્રહયોગ અનુસાર રાશિ ફલાદેશ વિગતવાર જોતાં આ વર્ષ આપના માટે મધ્યમ રહે.

આરોગ્ય સુખાકારી

આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. આંખોમાં લમણામાં દર્દ-પીડા રહે. આંખોમાં ઇન્ફેકશનથી સંભાળવું પડે. જોવામાં તકલીફ પડે. ઉંમરલાયકને મોતીયાની અસર જણાય. કોઈ રોગ કે દવાની આડઅસરના લીધે દ્રષ્ટિમાં તકલીફ જણાય. વધુ પડતાં માનસિક તણાવના લીધે માથામાં લમણામાં તકલીફ જણાય. બ્રેઇન સ્ટ્રોક કે ન્યુરોલોજીકલ અન્ય સમસ્યા ઉદ્ભવે. વર્ષારંભે આપે આરોગ્યની કાળજી રાખવી પડે. કારતક માગશર માસ દરમ્યાન અકસ્માતથી, ઇલેક્ટ્રીક અગ્નિથી દાઝવાથી સંભાળવું પડે. કમરની તકલીફ અનુભવાય. માનસિક તણાવ રહે. ઉચાટ ઉદ્વેગ રહે. શસ્ત્રક્રિયાથી સંભાળવું પડે. ફાગણથી વૈશાખ માસ દરમ્યાન આંખોની તકલીફમાં વધારો થાય. સ્ત્રી વર્ગે આઈ બ્રો, આઈ શેડ,હેરડાઈ કરવામાં વિશેષ ધ્યાન રાખવું પડે. વર્ષાન્તે છાતીમા દર્દ પીડા અનુભવાય.

આર્થિક સુખ-સંપત્તિ

વિક્રમ સંવત ૨૦૮૦ દરમ્યાન આપે આર્થિક સુખ-સંપત્તિની રીતે ધ્યાન રાખવું પડે. વર્ષના પ્રારંભથી જ આપ બારમા રાહુના બંધનમાં છો તેથી આપે કોઈપણ પ્રકારની નાણાંકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું પડે. મોટા કોઈપણ નાણાંકીય જોખમ કરવા નહીં. આંધળા સાહસ કરવા નહીં. કોઇના દોરવાયા દોરવાઈ જઈને કોઈ રોકાણ કરવા નહીં. આકસ્મિક કોઇને કોઈ ખર્ચાઓને લીધે નાણાંભીડનો અનુભવ થાય. મોટા ખર્ચાઓ પર આપે કાપ મૂકવો નાણાંકીય બાબતે આપ કાયદાકીય કાર્યવાહીમાં ફસાઈ ન જાવ તેની તકેદારી આપે રાખવી પડે. બેંકના, વીમા કંપનીના કામમાં, શેરોના કામમાં આપને મુશ્કેલી રહે. લોન લેવામાં તકલીફ જણાય. લોન લીધી હોય તો તેના નાણા પરત કરવામાં આપને મુશ્કેલી ન પડે તેનું આપે ધ્યાન રાખવું પડે. નાણાંકીય બાબતોમાં કોઇના ભરોસે રહેવું નહીં. બેંકમાં કે અન્ય કોઈ જગ્યાએ જામીન બનવું નહીં. ઊઘરાણીના નાણા ફસાઈ જવાથી આપની મુશ્કેલીમાં વધારો થાય. સગા-સંબંધીવર્ગ કે મિત્રવર્ગમાં નાણાકીય આપ-લે કરવામાં આપના સંબંધો બગડે નહીં, વાદ-વિવાદ, ગેરસમજ મનદુ:ખના થઇ જાય તેની તકેદારી આપે રાખવી પડે. તેમ છતાં વર્ષ દરમ્યાન ગુરૂની સાનુકુળતા રહે છે તેથી આપને થોડી રાહત રહે. આવકનો પ્રવાહ ચાલુ રહેતાં ઘરખર્ચ કાઢવામાં મુશ્કેલી ના પડે. આપના વ્યવહારિક કામો સચવાઈ જાય.

એકંદરે નાણાંકીય રીતે વર્ષ મધ્યમ રહે. ગુરૂની સાનુકુળતા છે પરંતુ રાહુની પ્રતિકૂળતા પણ છે તેથી સમજી વિચારીને, આયોજન કરીને નાણાંનો ખર્ચ કરવો.

 નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?

નોકરીમાં આ વર્ષ મધ્યમ રહે. વર્ષારંભથી જ રાહુની પ્રતિકૂળતા છે તેથી આપને કામમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. આરોગ્યની અસ્વસ્થતાને લીધે કે પારિવારીક કારણોસર વારંવાર રજાઓ પડતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. આવેશ-ઉશ્કેરાટમાં, ઉતાવળમાં આવી જઇને કોઈ કામ કરવા નહીં કે નિર્ણયો લેવા નહીં. તેમ છતાં વર્ષ દરમ્યાન ગુરૂની સાનુકુળતા રહે છે તેથી આપનાં કેટલાક મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી રાહત રહે. આપ જ્યાં નોકરી કરો છો ત્યાં જ કે બીજી જગ્યાએ કોઈ નવી તક પ્રાપ્ત થાય. પરંતુ ચર્ચા-વિચારણા બાદ આપે નિર્ણય કરવો. લોભામણી લલચામણી ઓફરોથી સંભાળવું પડે. નવી જગ્યાએ જાવ તો ત્યાં ગોઠવાવવામાં થોડી મુશ્કેલી રહે. જુલાઈ-ઓગસ્ટ દરમ્યાન આપે વાણીની સંયમતા રાખવી પડે. વર્ષાન્તે હૃદય-મનની વ્યગ્રતા રહે.

ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?

ધંધાકીય દ્રષ્ટિએ આપે વર્ષ દરમ્યાન સંભાળવું પડે. ગુરૂની સાનુકુળતાને લીધે ધંધામાં આપને રાહત રહે. નવી કોઈ વાતચીત આવે કે નવો કોઈ ઓર્ડર મળી રહે. જૂના ગ્રાહકવર્ગ ફરી પાછા આવે તેવું બને. નવો ધંધો શરૂ કરવાનું વિચારતા હોવ, નવું યુનિટ ઉભું કરવાનું વિચારતાં હોવ, ધંધામાં વધારો કરવાનું વિચારતા હોવ તો તેમાં સાનુકુળતા મળી રહે. પરંતુ વર્ષ દરમ્યાન રાહુનું પરિભ્રમણ પ્રતિકૂળ રહે છે તેથી આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામ કરવામાં મુશ્કેલી જણાય. નવું કોઈ કામ લો, ધંધો વધારો કે જે પણ કંઇ કરો તે પોતાના દમ પર કરવું અન્ય કોઇના ભરોસે રહીને કોઈપણ કામ કરવું નહીં. પોતાની પહોંચ હોય તે પ્રમાણે જ કામ કરવું. નાણાંકીય જોખમ વધારીને આપે કોઈ કામ કરવું નહીં. બહારથી ઉધારે નાણાં લાવીને વ્યાજના ચક્કરમાં ફસાવું નહીં. કૌટુંબિક પારિવારીક ધંધામાં સંયુક્ત ધંધામાં ભાગીદારીવાળા ધંધામાં ગેરસમજ વાદ-વિવાદ મનદુ:ખના લીધે સંઘર્ષ ઉભો થાય. નાણાંકીય વહેંચણીના પ્રશ્ને વિવાદ ન થાય તેની તકેદારી રાખવી. સંબંધો બગડે નહીં તેનું ધ્યાન રાખવું તે સિવાય આપે કોર્ટ કચેરી, કાયદાકીય ગૂંચવણોમાં ફસાઈ ન જાવ તેનું ધ્યાન રાખવું પડે. સરકારી, ખાતાકીય મુશ્કેલીમાં વધારો થાય. ઇન્કમટેક્ષ, જીએસટીના ચક્કરમાં કાયદાકીય કાર્યવાહીથી આપે સંભાળવું પડે. કોઇની ભૂલના લીધે આપે ભોગવવું પડે. હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગના લીધે આપની મુશ્કેલીમાં વધારો થાય. આપનો ગ્રાહક વર્ગ તૂટે. ધંધામાં કે નફામાં નુકસાનીથી સંભાળવું પડે.ટૂંકમાં વર્ષ દરમ્યાન આપે ધીરજ અને સ્વસ્થતા જાળવી રાખવા. આપની બુદ્ધિચાતુર્યનો ઉપયોગ કરીને શાંતિથી મુશ્કેલીનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો. કોઇના દોરવાયા દોરવાઈ જવું નહીં.

સ્ત્રીવર્ગ

સ્ત્રીવર્ગને વર્ષ દરમ્યાન પતિ સંતાનનો સાથ-સહકાર મળી રહે. તેમજ પતિ-સંતાનની ચિંતા ઓછી થતી જાય. સંતાનના વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. અવિવાહીતવર્ગને વિવાહ-લગ્નનું નક્કી થાય તેવું બને. સંતાનના અભ્યાસ કારકિર્દીની ચિંતા ઓછી થાય. નવવિવાહીતને સંતાનપ્રાપ્તિના યોગ ઉભા થવાથી આનંદ-ઉત્સાહ રહે. પરંતુ વર્ષ દરમ્યાન રાહુના પ્રતિકૂળ પરિભ્રમણના લીધે આપે સ્વાસ્થ્યની કાળજી રાખવી પડે. વર્ષારંભે જ આપે વિશેષ સાવધાની રાખવી. અગ્નિ ઇલેક્ટ્રીકથી દાઝવાથી આપે સંભાળવું પડે. તે સિવાય સાસરીપક્ષ મોસાળપક્ષે દોડધામ ચિંતા-ખર્ચ જણાય. પતિ સાસરીપક્ષ, કે અન્ય બાબતે કોર્ટ-કેસ ચાલતોહોય તો તેમાં આપની મુશ્કેલીમાં ખર્ચમાં વધારો થાય. વર્ષ દરમ્યાન આપે નાણાંકીય આયોજન સમજી વિચારીને કરવું. આપનું નાણાંકીય આયોજન કુટુંબ પરિવારને મદદરૂપ થાય.

વિદ્યાર્થીવર્ગ

વિદ્યાર્થીવર્ગ માટે નવું વર્ષ મધ્યમ રહે. વર્ષ દરમ્યાન ક્યારેક સફળતા તો ક્યારેક નિષ્ફળતા જણાય. વધુ પડતાં આત્મવિશ્વાસમાં આપે રહેવું નહીં. તેમજ અન્ય કોઈના ભરોસે આપે રહેવું નહીં. રાહુની પ્રતિકૂળતાને લીધે પરીક્ષા સમયે બીમારી અકસ્માત, હતાશા નિરાશાથી સંભાળવું પડે. મહેનતના પ્રમાણમાં સફળતા ઓછી મળે. ગુરૂની સાનુકળતા છે તેથી પાસ થઇ જાવ. વર્ષ ના બગડે પરંતુ થોડા ગુણના લીધે થઇને આપે લાઈન બદલવી પડે. મનગમતી લાઈનમાં પ્રવેશ ના મળે તેવું બને. અભ્યાસાર્થે વિદેશ જવાના યોગ ઉભા થાય. પરંતુ પરદેશમાં આપે તબિયત સાચવવી પડે તેમજ ખોટી સંગતમાં ફસાઈ ન જાવ તેજ ધ્યાન રાખવું પડે. તા. ૧૬-૧૧-૨૩થી તા. ૨૭-૧૨-૨૩ સુધીના સમયમાં આપે અકસ્માત બીમારીથી સંભાળવું પડે. તા. ૧૬-૭-૨૪થી ૧૬-૮-૨૪ સુધી મિત્રવર્ગથી સંભાળવું પડે. તેની ચિંતા રહે. તેના લીધે આપનો અભ્યાસ બગડે નહીં તેનું ધ્યાન રાખવું પડે.

ખેડૂત વર્ગ

ખેડૂત વર્ગ માટે વર્ષ મધ્યમ રહે. ગુરૂની સાનુકુળતાને લીધે ખેતીમાં આપને રાહત જણાય. પાક સારો થાય તેવું બને પરંતુ વર્ષ દરમ્યાન રાહુની પ્રતિકૂળતાને લીધે આપને કોઈ ને કોઈ મુશ્કેલી આવ્યા કરે. પાક સારો થયો હોય પરંતુ જીવાત પડી જવાને લીધે કે યોગ્ય ભાવ ન મળવાને લીધે આપે પડતર કીંમતે કે નુકસાનીમાં પાક વેચી દેવો પડે. ભાગીદારીમાં કે માણસો રાખીને ખેતી કરનારને નોકર-ચાકરવર્ગની, ભાગીદારની તરફથી મુશ્કેલી રહે. કારણ વગરની સરકારી ખાતાકીય મુશ્કેલીમાં અટવાઈ ન જાવ તેની તકેદારી રાખવી. કોર્ટ-કચેરીમાં આપના નાણા-સમયનો વ્યય થાય. અને આપના કામનો ઉકેલ ન આવવાથી ચિંતા-ઉચાટમાં વધારો થાય. તા. ૨૪-૪-૨૪થી ૧-૬-૨૪ સુધીના સમયમાં નુકસાની, નાણાકીય વ્યયથી આપે સંભાળવું પડે.

ઉપસંહાર

વિક્રમ સંવત ૨૦૮૦નું વર્ષ ગુરૂની સાનુકુળતા તેમજ રાહુની પ્રતિકૂળતાના પ્રભાવ હેઠળનું રહે. તેથી વર્ષ દરમ્યાન ક્યારેક સાનુકુળતા ક્યારેક પ્રતિકૂળતાનો અનુભવ થયા કરે. કેટલાંક કામ થાય તો કેટલાંક કામમાં મુશ્કેલી જણાય. કુટુંબ-પરિવારનો સાથ સહકાર પત્ની-સંતાનની મદદ આપને મળી રહેતાં રાહત રહે. પરંતુ નાણાકીય દ્રષ્ટિકોણથી વિચારીએ તો આપે સંભાળવું પડે. તે સિવાય કોઇની સાથે ખોટા વાદ-વિવાદમાં આપે ઉતરવું નહીં.

ટૂંકમાં આપનું આ વર્ષ ક્યારેક આનંદ ઉત્સાહ તો ક્યારેક ચિંતા-ઉચાટમાં પસાર થાય.

- લે.- પ્રિ. પદ્મનાભ અગ્નિહોત્રી

- પ્રાધ્યાપક અગ્નિદત્ત અગ્નિહોત્રી

પત્ની-સંતાન-પરિવાર

કૌટુબિંક પારિવારીક દ્રષ્ટિએ વર્ષ સારું રહે. અવિવાહીત વર્ગને વિવાહ લગ્નની વાતચીત આવે. લગ્ન યોગ્ય ઉંમરના સંતાનના વિવાહ-લગ્નનો પ્રશ્ન ઉકેલાય. તેના વિવાહ લગ્નથી આનંદ ઉત્સાહ રહે. નવદંપતીને, જેને સંતાન ન હોય તેને વર્ષ દરમ્યાન સંતાન પ્રાપ્તિના યોગ ઉભા થાય. પત્ની સાથે વાદ-વિવાદ ગેરસમજ મનદુ:ખ થયા હોય તો તે દૂર થાય અને પુન: સાથે રહેવાનું બને. લાંબા સમયથી ચાલતા વિવાદમાં સમાધાનની તક ઉભી થાય. પરંતુ કોર્ટ-કચેરી થઇ હોય તો તેવા પ્રસંગે આપે સંભાળવું પડે. સંતાનના અભ્યાસ કારકિર્દીના પ્રશ્ને આપને રાહત થતી જાય. સંતાનને પરદેશ મોકલવાનું વિચારતાં હોય તો તેમાં આપને સાનુકુળતા મળી રહે. જો કે વર્ષ દરમ્યાન સાસરીપક્ષ મોસાળપક્ષની આપને ચિંતા રહે. દોડધામ-ખર્ચ-અનુભવાય.

aries

Google NewsGoogle News