કુંભ : આ વર્ષે મકાન અને વાહન ખરીદવાના યોગો ખૂબ પ્રબળ છે
- 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી
ક્રાંતિવૃતના ૩૦૦થી ૩૩૦ અંશના ભાગમાં એક્વેરિયસ એટલે કે કુંભ રાશિનો સમાવેશ થાય છે. વાયુ તત્ત્વ. સ્થિર સ્વભાવની રાશિ. આ રાશિ પશ્ચિમ દિશામાં વધારે બળવાન બને છે. રાશિ સ્વામી શનિ છે. આ રાશિના જાતકો ખૂબ મહેનતુ હોય છે, મદદની ભાવનાવાળા હોય છે અને કામ તથા સંબંધોમાં વફાદાર હોય છે. વિકાસલક્ષી કાર્ય કરવા તેમને ગમતાં હોય છે. જીવનમાં માનવતાને ક્યારેય છોડતા નથી. સ્વભાવે થોડા ગરમ હોવા છતાં પણ તેઓ સ્વાભાવિક રીતે સહનશીલ પણ હોય છે. બીજાને કેવી રીતે મદદરૂપ થવાય તેના વિશે તેઓ સૌથી પહેલાં વિચારે છે. વફાદારીની વાત કરીએ તો ૧૨ રાશિમાં સૌથી વફાદાર રાશિ એક્વેરિયસ અથવા તો કુંભ રાશિ છે. કુંભ રાશિના જાતકોને સારા મિત્ર તરીકે કે ખાનગી બાબત શેર કરવામાં કશો વાંધો નથી. ખોટો દેખાવ કરવો આ રાશિના જાતકોને ગમતો નથી. તેઓ ધીમી ગતિએ પરંતુ મક્કમ પ્રગતિ કરનારા હોય છે. વિચાર, વાણી અને વર્તનના સ્તરે આ જાતકો ઉચ્ચ કક્ષાના હોય છે. જે વિષયમાં રુચિ હોય તેમાં ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે. તેમની માનસિક શક્તિ ઘણી સારી હોય છે. તેઓ હિંમતવાન છે અને તેમનામાં સાહસિકતાના ગુણો પણ જોવા મળે છે. આ રાશિના જાતકોની સૌથી મોટી નબળાઈ એક જ છે - આળસ .
મિત્રો પાછળ બિનજરૂરી ખર્ચા ન થાય તે જોજો. ઉછીના પૈસા આપતા પહેલાં સાત વાર વિચાર કરવો.
બોબી દેઓલ - 27 જાન્યુઆરી
અભિષેક બચ્ચન - 5 ફેબ્રુઆરી
શરીર - મન - સ્વાસ્થ્ય
સ્વાસ્થ્યને પ્રથમ સુખ માનવામાં આવ્યું છે. કુંભ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય ૨૦૨૫ દરમિયાન એકંદરે સારી રહે. શરીરમાં કોઈપણ જાતની મોટી બીમારી આવે એવા કોઈ યોગ કુંભ રાશિના જાતકોના બનતા નથી. ચોથું સ્થાન મનની ઈચ્છાઓનું છે. તેમાં શનિ મહારાજ ત્રીજી દ્રષ્ટિથી ચોથા ભાવને જોઈ રહ્યા હોવાથી તમારી ઈચ્છાઓ ક્યાંક ને ક્યાંક અપૂરતી રહેવાના કારણે માનસિક અશાંતિ ઊભી થાય. આધ્યાત્મિક ધર્મકાર્ય કરવાનાં આયોજનો કરશો તો માનસિક અશાંતિમાંથી બાહર નીકળી જવાશે. કામના મોટું દુ:ખ છે. ઈચ્છા પૂરી ન થાય ત્યારે વ્યક્તિ માનસિક રીતે પરેશાન થઈ જાય છે, માટે કુંભ રાશિના જાતકોએ ઈચ્છાઓ ઉપર કંટ્રોલ રાખવો.
મારું ઘર મારો પરિવાર
કુંભ રાશિની દરેક વ્યક્તિ પરિવાર પ્રિય હોય છે. મીન રાશિનો શનિ પરિવાર સ્થાનમાંથી પસાર થાય છે. તે રાશિનો અધિપતિ હોવાથી પરિવારના સભ્યોની સાથે રહેવાના અને પારિવારિક કાર્ય કરવાના યોગ ઊભા થાય છે. જાત મહેનતથી પૈસા કમાઈને પરિવાર માટે ખર્ચવાના યોગ પણ કુંભ રાશિના જાતકોને બને છે. માતા સાથે રહેતા જાતકોને માતાની તબિયત માટે ચિંતા રહે. તેથી ચિંતાનું વાતાવરણ ઊભું થાય. માતાની તબિયતની કાળજી રાખવી.
પ્રેમ - લગ્ન - સંતતિ
લગ્નવાંચ્છુ કુંભ રાશિના જાતકો માટે ૨૦૨૫ દરમિયાન લગ્નના યોગ પ્રબળ બને છે. અચાનક લગ્નનું ગોઠવાઈ જાય, તેમ બને. પ્રેમલગ્ન કરવા ઈચ્છનાર જાતકોને પારિવારિક સંમતિ લેવામાં થોડો સંઘર્ષ કરવો પડે. પ્રેમી પાત્ર પણ અચાનક પોતાના રંગ બદલે અને બન્યો બનાવેલો ખેલ બગડી જાય તેવુંય બને. તેથી લવમેરેજ કરવાનું પ્લાનિંગ કરનારાઓએ સાવચેતીપૂર્વક આગળ વધવું. સંતાન પ્રાપ્તિ ઈચ્છનાર કુંભ રાશિના જાતકોને ઓક્ટોબર-નવેમ્બર-ડિસેમ્બર આ ત્રણ મહિના દરમિયાન વધારે સારા પરિણામ મળે. સંતાન પ્રાપ્તિ માટે ૨૦૨૫નું વર્ષ આ રાશિના જાતકો માટે શુભ પુરવાર થાય.
ભણતર અને ગણતર
વિદ્યા વિનયથી શોભે. કુંભ રાશિના જાતકોએ ખૂબ મહેનત કરી હોવા છતાં પણ પરીક્ષામાંમા ગોટાળા થઈ શકે. પરીક્ષા માટે પૂરી તૈયારી કરી હોવા છતાં પરીક્ષામાં અણીના સમયે ભૂલી જવાય તે શક્ય છે. પરીક્ષા આપતી વખતે જરાય ઘાંઘા ન થવું. ધીરજપૂર્વક આન્સર પેપર લખવું.
નોકરી - ધંધો - કરીઅર
કુંભ રાશિના જે નોકરિયાત જાતકોને ૨૦૨૫નું વર્ષ ખૂબ સફળતા અપાવશે. માર્ચ ૨૦૨૫ પછી શનિની સાડાસાતીનો છેલ્લો તબક્કો છે. ઉતરતી પનોતી ધંધા તેમજ નોકરીમાં ખૂબ સારી સફળતા આપે તેવા યોગ ગ્રહ બળના આધારે સ્પષ્ટપણે જોઈ શકાય છે. ધંધા સાથે સંકળાયેલા કુંભ રાશિના જાતકો પ્રગતિ પણ કરશે ને આથક લાભો પણ મેળવશે. મિત્રો પાછળ બિનજરૂરી ખર્ચા ન થાય તે જોજો. ઉછીના પૈસા આપતા પહેલાં સાત વાર વિચાર કરવો.
પૈસા યે પૈસા
કુંભ રાશિના જાતકો હંમેશા મદદગાર સ્વભાવના હોય છે. તેઓ ખૂબ શારીરિક તેમજ માનસિક શ્રમ કરે છે. બારેબાર રાશિઓમાંથી સૌથી વધારે પરિશ્રમી કુંભ રાશિના લોકો છે. જાતમહેનતથી પૈસા કમાવાના યોગ આ વર્ષ કુંભ રાશિના જાતકોના બને છે. કર્ક રાશિનો ગુરુ મહેનતમાં સોનામાં સુગંધ જેવું કામ કરશે. ઓક્ટોબર-નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન કુંભ રાશિના જાતકોને આથક લાભના યોગ વિશેષ પ્રમાણમાં સર્જાશે.
વાહન અને જમીન
પોતાનું ઘરનું ઘર હોવું એ દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે. બીજા ભાવમાંથી પસાર થતા શનિ મહારાજ ૨૦૨૫ના વર્ષ દરમિયાન ઘરની બાબતમાં ક્યાંક ને ક્યાંક રૂકાવટ લાવશે અને વિલંબ કરાવશે. તેથી થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી જરૂરી છે. ઉતાવળે આંબા ન પાકે ને ધીરજના ફળ મીઠાં - આ બન્ને કહેવતોને યાદ રાખજો. સમજદારીપૂર્વક આગળ તો ધાર્યા કરતાં વધારે સારું ઘર મેળવી શકશો. વર્ષના છેલ્લા બે મહિનામાં મકાન અને વાહન ખરીદવાના યોગો ખૂબ પ્રબળ બને છે.
નારી તું નારાયણી
કુંભ રાશિની બહેનો સેવાને પરમ ધર્મ માને છે. દુ:ખ કે તકલીફમાં પસાર થઈ રહેલી વ્યક્તિને તરત મદદરૂપ થવું એ કુંભ રાશિની બહેનોનો સ્વભાવ છે. આ વર્ષે આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવાના યોગ ઊભા થાય છે. આથક બાબતોની વાત કરીએ તો, ઈચ્છાપૂત પ્રમાણે ધનલાભ મેળવી શકાશે.
લગ્ન કરવા ઈચ્છતી કુંભ રાશિની બહેનોને મેં મહિના પછી સારું પરિણામ મળે. સંતાનસુખની વાત કરીએ તો ઓક્ટોબર-નવેમ્બર-ડિસેમ્બર આ ત્રણ મહિના દરમિયાન સંતાનપ્રાપ્તિના યોગો પ્રબળ બને છે. નોકરિયાત બહેનોને પ્રમોશન તેમજ ટ્રાન્સફર થવાના યોગ છે.
વિશેષ ઉપાય
શનિ, ગુરુ, રાહુ, કેતુ જેવા મોટા ગ્રહો, કે જે એક રાશિમાં લાંબો સમય સુધી રહેતા હોય, તેમને જ્યારે ફળકથનમાં લેવામાં આવે છે ત્યારે વ્યક્તિના જીવનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળતા હોય છે. આવા ગ્રહ બળના પરિવર્તનના આધારે કુંભ રાશિના જાતકોએ મહાદેવની પૂજા કરવી જોઈએ. તેથી ખૂબ સારા ફળની પ્રાપ્તિ થાય તેમ જ જીવનમાં આવનારા સંઘર્ષો તેમજ મુશ્કેલીઓને આસાનીથી પસાર કરી શકાય. ગુરુવારના દિવસે મહાદેવના મંદિરમાં જઈને શિવલિંગ પર ચણાની દાળથી અભિષેક કરવો જોઈએ.