Get The App

Ganpati Visarjan 2020 : જાણો, ક્યારે છે બપ્પાની વિદાયનો દિવસ?

- બપ્પાની સ્થાપના બાદ વિધિ-વિધાન સાથે તેમનું આ દિવસે વિસર્જન કરવામાં આવે છે

Updated: Aug 27th, 2020


Google NewsGoogle News
Ganpati Visarjan 2020 : જાણો, ક્યારે છે બપ્પાની વિદાયનો દિવસ? 1 - image

નવી દિલ્હી, તા. 27 ઓગષ્ટ 2020, ગુરુવાર 

અનંત ચતુર્દશીના દિવસે ગણેશ ઉત્સવનો છેલ્લો દિવસ હોય છે. આ દિવસે બપ્પાનું વિસર્જન કરવામાં આવે છે, આ વખતે આ તિથિ 1 સપ્ટેમ્બરે આવી રહી છે. ગણેશ ચતુર્થીથી લઇને દસ દિવસ સુધી બપ્પાની પૂજા કરવામાં આવે છે અને અગિયારમાં દિવસે વિધિ-વિધાન સાથે બપ્પાનું વિસર્જન કરવામાં આવે છે. 

''ગણપતિ બપ્પા મોરિયા, અગલે બરસ તૂ જલ્દી આના'' ના જયકારો સાથે ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે. જે પ્રકારે ગણેશજીને વિધિ-વિધાનથી સ્થાપિત કરવામાં આવે છે તેવી જ રીતે બપ્પાને પૂરા વિધિ-વિધાનથી વિસર્જિત કરવા જોઇએ, તેનાથી તમારી ઉપર ગણેશજીની કૃપા હંમેશા માટે વરસતી રહે. જાણો, બપ્પાને વિસર્જિત કરવાની વિધિ... 

સામાન્ય રીતે અનંત ચતુર્દશીના દિવસે બપ્પાનું વિસર્જન કરવામાં આવે છે પરંતુ કેટલાક લોકો 5, 7, 9 દિવસોમાં પણ વિસર્જન કરતા હોય છે. એટલા માટે જેટલા દિવસ સુધી બપ્પાને પોતાના ઘરે સ્થાપિત કરવાનો સંકલ્પ કર્યો હોય તેટલા દિવસ બાદ બપ્પાનું વિસર્જન કરો. ભગવાન ગણેશનાં વિસર્જનના દિવસે પણ બપ્પાની વિધિ પૂર્વક પૂજા કરો જેમ દરરોજ કરો છો તેવી જ રીતે. બપ્પાને ભોગ ચઢાવો. 

ત્યાર બાદ એક લાકડાંની સાફ-સુથરી પાટ લઇને તેના પર ગંગાજળ નાંખીને પવિત્ર કરી દો. આ પાટ પર કુમકુમથી સ્વાસ્તિક બનાઓ, તેના પર અક્ષત અર્પણ કરો અને લાલ અથવા પીળા રંગનું કપડું તેની પર પાથરો. કપડાના ચારેય ખૂણા પર પૂજાની સોપારી રાખો, ગુલાબના ફૂલો અને પાંખડીઓને પાટ પર પાથરી દો. ગણેશજીના જયકારોની સાથે સાવધાની પૂર્વક ગણેશજીની પ્રતિમાને ઉઠાવીને પાટ પર રાખો અને આ સાથે ગણેશજીને પ્રિય મોદક, ફળ, ફૂલ, કુમકુમ અને વસ્ત્ર વગેરે પણ અર્પણ કરો. 

એક કપડામાં ચોખા, ઘઉં અને પંચમેવા લઇને તેની પોટલી બનાવી લો અને સાથે જ દક્ષિણા પણ બાંધી દો, આ પોટલીને એક નાનકડી લાકડીથી બાંધી દો. આમ કરવા પાછળની માન્યતા છે કે તેનાથી ભગવાન ગણેશની વિસર્જન માટે લઇ જતી વખતે રસ્તામાં કોઇ પણ પ્રકારની કોઇ પરેશાની આવતી નથી. 

જે સ્થળે બપ્પાનું વિસર્જન કરવાનું છે ત્યાં પહોંચીને સર્વપ્રથમ કપૂર સળગાવીને આરતી કરો. ગણેશજી સમક્ષ પ્રાર્થના કરીને તેમનાં આશીર્વાદ લો અને બપ્પા પાસે ક્ષમા માંગો અને ખુશી-ખુશી જયકારો સાથે બપ્પાને વિદા કરો. ગણેશજીની પ્રતિમાને વિસર્જિત કરતી વખતે તેમે સીધા જ પાણીમાં વિસર્જિત ન કરી દેશો તેને ખૂબ જ સન્માનની સાથે ધીમે-ધીમે વિસર્જિત કરવા જોઇએ.  


Google NewsGoogle News